અકળામણ અને ભૂખની વ્યગ્રતામાં પણ બાળકને સાચું શું અને ખોટું શું એનું ભાન નથી રહેતું.
સવાલ સેજલને
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
મારો દીકરો પાંચ વર્ષનો છે. હવે તો સિનિયર કેજીમાં છે. જોકે તેની એક બિહેવિયરલ પેટર્ન રહી છે ટૅન્ટ્રમ્સ નાખવાની. મારે ઘરમાં ખૂબ કામ હોય, મહેમાનો આવ્યા હોય અને બહુ બધી ચીજો મૅનેજ કરવાની હોય ત્યારે જ તેનું ચીડિયાપણું શરૂ થઈ જાય. પહેલાં તો તેને સમયસર ખાવા ન મળે તો જમીન પર આળોટવા પણ લાગતો. એક વાર ક્રૅન્કી થઈ જાય એ પછી તો મનભાવતું ખાવા મળ્યા પછી પણ સરખું વર્તન ન થાય. હવે તો મહેમાનોની સામે પણ તે આવું કરે છે. એવા સમયે બહુ એમ્બ્રેસ થઈ જવાય. બહારના લોકોની સામે તેને ખીજાઈએ નહીં ત્યાં સુધી તે શાંત ન થાય. વારંવાર કોઈની સામે તેને ઠપકો આપવાનું ઠીક નથી લાગતું. હવે તો લોકોની સામે તે મને કહે છે કે મમ્મી, તું તો બહુ ખરાબ છે. તેનું બધું જ ધ્યાન રાખવા છતાં તેને હું ખરાબ લાગું છું અને તેના પપ્પા તેની મનમાની પોષે છે એટલે સારા લાગે છે. જેમ-તેમ બોલવાનું બંધ કરાવવું હોય તો શું કરવું?
સૌથી પહેલાં તો બાળક ગુસ્સામાં કહે કે તું તો ખરાબ છે ત્યારે એને પર્સનલી ન લેવું. એવા સમયે તેને હું તારા માટે શું-શું કરું છું અને તારા પપ્પા કંઈ નથી કરતા એવું ગણાવવું પણ નહીં. એટલું સમજો કે જ્યારે તે ન બોલવા જેવું બોલે છે ત્યારે તેને જે પણ સમજાવશો એ તેના કાનમાં જશે, દિલમાં નહીં ઊતરે.
ADVERTISEMENT
ઘણાં બાળકો ભૂખ્યા થાય ત્યારે ચીડચીડિયા થઈ જાય છે એટલે તે લાંબો સમય ભૂખ્યું ન રહે એનું ધ્યાન રાખો. અકળામણ અને ભૂખની વ્યગ્રતામાં પણ બાળકને સાચું શું અને ખોટું શું એનું ભાન નથી રહેતું. સાચું શીખવવા માટે તેને કોઈ જ કારણ વિના અનડિવાઇડેડ અટેન્શન આપો. સ્કૂલેથી આવે એટલે પંદર-વીસ મિનિટ કપડાં બદલવાથી લઈને નાસ્તો કરાવવા માટે તેની સાથે રહો અને તેને જે બોલવું હોય એ બોલવા દો. રાતે સૂતાં પહેલાં પણ થોડોક સમય તેની સાથે વાતો કરવા માટે કાઢો. તેની જરૂરિયાતો સાચવવા તમે ખૂબ મહેનત કરતા હો પણ જો તેની માનસિક જરૂરિયાતો એટલે કે પ્રેમની હૂંફ, વાતોની કમ્ફર્ટ નહીં આપો તો તે અંદરથી ઝુરાપો અનુભવશે જે તેને કોઈકને કોઈક પ્રકારનાં ટૅન્ટ્રમ્સ કરવા પ્રેરશે. લોકોની સામે વઢવાથી વાત વધુ બગડશે, પણ સૂતાં પહેલાંની વાતચીતમાં જો તમે વાળમાં હાથ ફેરવતાં-ફેરવતાં સાચી વાત કહેશો તો એ તેને દિલથી સમજાશે.