બદલાયેલા સમય સાથે મમ્મીઓ પણ બદલાઈ છે અને થૅન્ક્સ ટુ સોશ્યલ મીડિયા કે આજની મમ્મીઓ બીજી મમ્મીની મદદ કરવા માટે તત્પર છે. આ જ કારણ છે કે આજે સોશ્યલ મીડિયા પર ‘મૉમ-ઇન્ફ્લુઅન્સર્સ’નો દબદબો વધ્યો છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
માતૃત્વ એ સ્ત્રીના જીવનની સૌથી ધન્ય ક્ષણ હોય છે અને માતૃત્વ એ તેના જીવનની પૂર્ણતા પામવાનું માધ્યમ છે. માતૃત્વ ન મળ્યું હોય તેવી સ્ત્રીઓનું જીવન હંમેશાં અધૂરું રહે છે અને સંતાનસુખ મળવું એ સ્ત્રીના જીવનનું ઉચ્ચતમ સુખ છે વગેરે વગેરે. આવી અઢળક વાતો દ્વારા આપણે ત્યાં સદીઓથી સ્ત્રીનું માતા-સ્વરૂપ ગ્લૉરિફાય થતું રહ્યું છે. એમાં કોઈ શંકાને સ્થાન હોઈ પણ ન શકે કે સ્ત્રી જ માતા બની શકે છે અને એ તેને મળેલા ઈશ્વરના આશીર્વાદ જ છે, પરંતુ માતૃત્વની સાથે નવી મમ્મીઓએ અનેક પડકારો અને સંઘર્ષનો પણ સામનો કરવો પડતો હોય છે. પછી પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશન હોય કે પછી ડિલિવરી પછી બદલાયેલા દેખાવનો બોજ હોય. પહેલાંના જમાનામાં સંયુક્ત પરિવારમાં બધું સચવાઈ જતું અથવા ક્યાંક સમસ્યા રહેતી તો પણ એ બહાર નહોતી આવતી. આજે પરિવારો નાના થયા અને સાથે આપણી સામે સેલ્ફ-એક્સપ્રેશનનાં માધ્યમો વધ્યાં છે ત્યારે આજની મમ્મીઓ પહેલાંની જેમ ચૂપચાપ સહન કરી લે અથવા તો દરેક અનુભવ જાતે કરીને એને પોતાના પૂરતા જ મર્યાદિત રાખે એવું રહ્યું નથી. એ જ કારણ છે કે આજે સોશ્યલ મીડિયા પર ઇન્ફ્લુઅન્સર મમ્મીઓનો પ્રભાવ વધ્યો છે. પોતાના અનુભવ હજારો અને લાખો મમ્મીઓ સુધી પહોંચાડનારી મૉમ-ઇન્ફ્લુઅન્સર પોતે જેમાંથી પસાર થઈ એમાંથી બીજી મમ્મીઓ પસાર ન થાય એવા પ્રયાસો કરી રહી છે તો સાથે તેમની સાથે જોડાયેલા હજારો ફૉલોઅર્સને કારણે આ મમ્મીઓ માટે ઘેર બેઠાં મધરહુડને મૉનેટાઇઝ કરવાના પર્યાયો પણ ઊભા થયા છે. બાળકની આસપાસ વીંટળાયેલી મમ્મીઓ પોતાના માટે પણ જીવે એવો સંદેશ આ મૉમ-ઇન્ફ્લુઅન્સર્સ આપે છે તો આજે પણ દીકરીના જન્મ માટે નાકની દંડી ચડાવતા સમાજના કહેવાતા લોકોનો રોષ વહોરીને પોતાની વાત કહેતાં તેઓ ખચકાતી નથી. આ મધર્સ ડે નિમિત્તે ‘મિડ-ડે’એ મુંબઈની આવી જ ત્રણ જાણીતી અને જોશીલી મમ્મીઓ સાથે વાત કરી અને જાણી સોશ્યલ મીડિયાની તેમની યાત્રા કેવી રીતે શરૂ થઈ ત્યારથી લઈને સમાજે તેમનાં માતા તરીકેના પારદર્શી અનુભવોનો પડઘો કેવી રીતે આપ્યો એની રોચક વાતો.