તમે તમારી બહેનપણીના દુઃખમાં તેની વાતો સાંભળીને તેનું દિલ હલકું થવા દો છો, એમાં કશું જ ખોટું નથી
સવાલ સેજલને
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
સંબંધોમાં છૂટથી વાતચીત થવી જોઈએ, મનમાં કશું રાખવું ન જોઈએ. આ વાત મારા બૉયફ્રેન્ડને નથી સમજાતી. નવાઈની વાત એ છે કે બીજાના બ્રેકઅપને કારણે અમારી વચ્ચે ઝઘડા થાય છે. અમારી એક કૉમન ફ્રેન્ડનું હમણાં બ્રેકઅપ થયેલું છે. તે બહુ દુખી રહે છે. તેને ચિયર અપ કરવા માટે છેલ્લા બે-ત્રણ વખતથી અમે તેને સાથે લઈને જૂસ પીવા ક્યાંક જતાં હોઈએ છીએ. એ વખતે પેલી ફ્રેન્ડ તેના એક્સ વિશે ભલુંબૂરું બોલતી હોય છે. તે એક્સ-બૉયફ્રેન્ડથી હર્ટ થયેલી હોવાથી તેની બુરાઈ કરે છે. મને આ નૉર્મલ લાગે છે, જ્યારે મારા બૉયફ્રેન્ડને આમાં લાગે છે કે અત્યાર સુધી જે છોકરા માટે જીવ આપી દેવાની વાત કરતી હતી એ છોકરી આટલું ખરાબ કેવી રીતે બોલી શકે? પણ પેલાએ બ્રેકઅપ કરતી વખતે આની દિલની લાગણીને જરાય સમજી નથી એનું શું? તેનું દુખ અને નફરત વાજબી જ છેને? આ બધી વાતોમાં અમારી વચ્ચે એટલા મતભેદો અને ઝઘડા થઈ રહ્યા છે કે ન પૂછો વાત.
સહાનુભૂતિ એવો મરહમ છે જે ભલભલી પીડાને સહન કરવાની ક્ષમતા આપે છે. એટલે તમે તમારી બહેનપણીના દુઃખમાં તેની વાતો સાંભળીને તેનું દિલ હલકું થવા દો છો, એમાં કશું જ ખોટું નથી. જોકે દિલ હલકું કરતાં-કરતાં કોઈ વ્યક્તિ સામેની વ્યક્તિ પ્રત્યેની નફરતને સતત ઘોળ્યા કરતી હોય તો તમે એને બઢાવો ન આપી શકો. એનાથી તે પીડામાંથી બહાર નહીં નીકળે, પણ વધુ એ પીડાને ઘોળ્યા કરશે.
માન્યું કે બ્રેકઅપ થયું એને કારણે બહેનપણી ઇમોશનલી વલ્નરેબલ છે. તે દુખી છે, પણ સાથે જ તમે જેને પ્રેમ કરેલો એ વ્યક્તિ જસ્ટ તમારી સાથે નથી એટલા ખાતર તમે તેને કર્સ કરો? એવો તે કેવો પ્રેમ હતો?
અત્યારે તમારે બહેનપણીને સાંત્વના આપવી હોય તો તેને આ નકારાત્મકતામાંથી બહાર કાઢવી જરૂરી છે. વારંવાર તે એક્સ-બૉયફ્રેન્ડ માટેની નફરતભરી વાતો તમારી સામે બોલ્યા કરશે તો એનાથી તે એ સંબંધમાંથી બહાર નહીં આવે, પણ એ સંબંધને વધુ નકારાત્મક રીતે ઘૂંટશે. કદાચ આ જ વાત તમારો બૉયફ્રેન્ડ પણ કહેવા માગે છે. મને એવું લાગે છે કે તેનું દિલ હલકું થઈ ગયું હોય તો હવે એક્સ વિશેની વાતો બંધ કરીને જીવનના બીજા પહેલુઓ વિશે વાત કરવા પ્રેરો. એનાથી તમારા સંબંધોમાં મતભેદ પણ નહીં રહે.