ઉપવાસ બાળકને સંયમના પાઠ શીખવે છે જે સંયમ તેને જીવનના બીજા પાસાંઓમાં પણ એટલો જ કામમાં આવશે
સવાલ સેજલને
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
હું તર્કબદ્ધ છું જ્યારે મારા સાસરિયામાં લોકો વધુ ધાર્મિક છે. એને કારણે ઘરમાં ધાર્મિક વાતાવરણ વધુ છે. પ્રભાવનાની લાલચે બાળક પાસે ઉપવાસ કરાવવાની વાત મને કદી ગળે ઉતરતી નહીં. એને કારણે હું મારી દીકરીને આ બાબતે પ્રોત્સાહન ન આપતી. જ્યારે મારી જેઠાણી બહુ જ ધર્મિષ્ઠ હોવાથી તેમના સંતાનો તપની વાતોમાં આગળ પડતા. એને કારણે પરિવારમાં તેમનું માનપાન પણ વધારે હોય, જ્યારે મારી દીકરી કોઈ તપ ન કરે એટલે તેને બધા ઉછાંછળી માને. દીકરી ૧૪ વર્ષની થઈ છે. મને એવું લાગે છે કે ધાર્મિક સંસ્કારોને કારણે જેઠાણીના બે દીકરાઓ ઍટલીસ્ટ પરિવારના કહ્યામાં છે, મારી દીકરી ક્યારેક અનનૅસેસરી લૉજિકલ વાતો કરીને આપણને ગૂંચવી નાખે. તેણે કદી ખોટું કર્યું નથી, પણ તે જેટલી બિન્દાસ્ત છે એ જોતાં ક્યારેક ડર લાગે છે કે તે કંઈક ખોટું કરી બેસશે તો? સંતાનોને કહ્યામાં રાખવા માટે ધર્મનો ડર રાખવો જરૂરી છે?
કોઈ પણ વાતનો ડર સાચું નથી શીખવી શકતો. એ વ્યક્તિ હોય કે ધર્મ હોય, બન્ને માટે હું કહીશ કે ડર જરાય જરૂરી નથી. ડર તમને કશુંક છુપાવતાં, કશુંક અન્ડર ધ કાર્પેટ રાખવાનું જાણે-અજાણ્યે શીખવે છે. બીજી વાત, હંમેશાં લૉજિકના દાયરામાં જે આવે એ જ સાચું એવું નથી હોતું. આપણી સમજણથી પર કંઈક હોય છે એ સ્વીકારવાનું ખુલ્લાપણું જ સાચી મૅચ્યોરિટી છે.
તમે માનો છો કે જેઠાણીના સંતાનો ધર્મના ડરને કારણે ડાહ્યા રહેશે, પણ જો એ ખરેખર ડરને કારણે જ હોય તો ઠીક નથી. સમજણ સાથે કે વિના સમજણ પણ જો તમે કેટલીક ધાર્મિક રીતિઓ પાળો છો તો એનાથી આપમેળે કેટલીક બાબતો તમારામાં કેળવાય છે. ઉપવાસ બાળકને સંયમના પાઠ શીખવે છે જે સંયમ તેને જીવનના બીજા પાસાંઓમાં પણ એટલો જ કામમાં આવશે.
તમારી દીકરી સવાલો પૂછતી થઈ છે એ સારું છે, પણ એ સવાલો માત્ર તર્ક, દલીલોમાં જીતવા માટેની જ હોય તો તમારે જરૂર ચેતવાની જરૂર છે. પણ જો એ તર્ક કર્યા પછી સાચું સમજવાની અને સાચું સ્વીકારવાનું ખુલ્લાપણું જો તેનામાં હશે તો તમારે ચિંતાને કોઈ કારણ નથી. જો તેના ઉછેર દરમ્યાન તમે તર્કની સાથે ખુલ્લાપણું પણ રાખ્યું હશે તો એ પણ તે જરૂર શીખી હશે. જો એવું નહીં હોય તો તમારે કપરાં ચડાણ કરવાનાં છે એટલું યાદ રાખવું.