એક વીક માટે મોબાઇલ લગભગ ગાયબ જ કરી નાખો
સવાલ સેજલને
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આજકાલ ટાબરિયાંઓને મોબાઇલનું વળગણ થઈ ગયું છે. મારે જો ઘરનાં મહત્ત્વનાં કામ પતાવવાં હોય તો દીકરાને કોઈક કાર્ટૂન સામે બેસાડવું પડે અથવા તો મોબાઇલ પર ગેમ રમવા દેવી પડે. બાકી એ મને કામ જ ન કરવા દે. જોકે મને આ જરાય ગમતું નથી, પરંતુ ક્યારેક મારું કામ ઝડપથી પતી જાય એ માટે થઈને પણ આવું કરવું પડે છે. મને હોય છે કે કામ પતાવીને દીકરાને સમય આપીશ, પણ મારું કામ પતે એ પછી પણ તેની ગેમ કે વિડિયો ચાલ્યા જ કરે છે. પ્લે સ્કૂલમાંથી પાછો આવે એ પછી હું તેને કંઈક પૂછું તો પણ તેને જાણે મોબાઇલ વિના અડવું લાગે છે. વેકેશનમાં તેને મોબાઇલ ન આપું તો મને કામ નથી કરવા દેતો. આ એક વિષચક્ર જેવું છે એમાંથી બહાર કેમનું આવવું એ સમજાતું નથી.
તમે ક્યારેક મોબાઇલ હાથમાં પકડાવો છો ને જ્યારે તેને એમાં બહુ મજા આવવા લાગે ત્યારે એ છોડીને તમારી સાથે વાત કરે એવું ઇચ્છો છો. એક વાર એમાં ખૂંપ્યા પછી એનાથી દૂર રહેવાનો કન્ટ્રોલ બાળકમાં ન જ હોય એ સ્વાભાવિક છે. હવે જો આદત છોડાવવી હોય તો પહેલાં દીકરાને બીજી ગમતી ચીજમાં ઇન્વૉલ્વ કરવો પડશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : બ્રેસ્ટ-મિલ્ક પછી તમારા બાળકને સૌથી પહેલું આ મિલેટ આપો
તમારે કામ કરવું હોય ત્યારે પણ મોબાઇલ હાથમાં ન આપવો એ જ સૌથી મોટું સોલ્યુશન છે. એક વીક માટે મોબાઇલ લગભગ ગાયબ જ કરી નાખો. જોકે એ પછી કરવાનું શું? યસ, એ પછી તેને તમારી સાથે અમુક કામોમાં પળોટો. તેની ચીજો બરાબર ગોઠવવાનું સોંપો. કિચનમાં તમે કામ કરતા હો તો તેની હેલ્પ લો. તેને કોઈક કામ ઇન્ડિપેન્ડન્ટલી પતાવવા માટે આપો. સ્વાભાવિક રીતે પહેલી વાર તે કામ કરે તો એમાં કંઈક ગરબડ તો થવાની જ. એમ છતાં એ કામમાં તેણે જે સારું કર્યું એની પ્રશંસા કરો. ખોટાં વખાણ નહીં, પણ ફરીથી તેને એ કામ કરવાનું હોય તો ઉત્સાહ જાગે એ રીતે પ્રશંસા કરો. ધારો કે તેણે ભૂલ કરી હોય તોપણ તરત જ વઢો નહીં. જે-તે કામમાં હજી વધુ સારું કઈ રીતે થઈ શકે એ વિશે તેને તમે જાતે કરીને દેખાડો.
સ્માર્ટફોન સિવાય પણ બીજાં ઘણાં ઑપ્શન છે જેમ કે લેગો બિલ્ડિંગ, ડ્રૉઇંગ કે અન્ય કોઈ સ્કિલ ડેવલપમેન્ટ. તે કઈ ચીજ એન્જૉય કરે છે એ શોધી કાઢો અને એમાં તેને ઇન્વૉલ્વ કરો. એનાથી કંઈક તે નવી સ્કિલ શીખવામાં ઊંડો ઊતરશે.