તમે પહેલાં પણ છોકરીઓને જોઈને ઉત્તેજિત થતા હતા અને અત્યારે પણ મૅસ્ટરબેશન વખતે છોકરીની કલ્પના કરો છો એ પરથી એક વાત ચોક્કસ છે કે તમે ગે તો નથી જ
કામવેદ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૨૬ વર્ષ છે. ટેક્નૉલૉજીમાં માસ્ટર્સ કરવા અને મૉડલિંગમાં ટ્રાય કરવા મુંબઈ આવ્યો છું. અહીં હું હૉસ્ટેલમાં રહું છું. અત્યાર સુધી હું છોકરીઓને જોઈને જ એક્સાઇટ થતો, પણ હમણાંથી થોડો ઇશ્યુ શરૂ થયો છે. એક વર્ષથી મને છોકરાઓ અને પુરુષોને જોઈને પણ એક્સાઇટમેન્ટ આવે છે. અમારી હૉસ્ટેલ અને કૉલેજમાં છોકરીઓ ભાગ્યે જ જોવા મળે. ભણવાનું અને સાથોસાથ મૉડલિંગમાં બ્રેક મળે એને માટેની સ્ટ્રગલ. જેને લીધે ફ્રી ટાઇમ મળતો નથી. રાતના સમયે થોડી નવરાશ મળે, ત્યારે હૉસ્ટેલના કેટલાક છોકરાઓ અંદરોઅંદર સેક્સ્યુઅલ ઍક્ટમાં સક્રિય છે. બે વાર હું પણ એમાં સામેલ થયેલો અને મને પણ હવે મજા આવે છે. ક્યારેક લાગે છે કે હું આ શું વિચિત્ર કરું છું. જોકે મૅસ્ટરબેશન કરતી વખતે મને હજીયે છોકરીઓના ચહેરા જ દેખાય છે. કન્ફ્યુઝ થઈ ગયો છું કે હું છું કોણ? મલાડ
તમને અત્યારે જે વિચિત્ર અનુભવ થાય છે એ સંજોગોને કારણે ઊભી થયેલી સિચુએશન છે. યંગ એજમાં હૉર્મોન્સની ઊથલપાથલ હોય અને એ વખતે ભણવાનું ટેન્શન અને સાથે મનની ઇચ્છાઓ તૃપ્ત થાય એવો બીજો કોઈ રસ્તો ન મળે ત્યારે માણસ સામે જે છે એમાંથી સંતોષ મેળવી લેવા ડેસ્પરેટ થાય. તમે પહેલાં પણ છોકરીઓને જોઈને ઉત્તેજિત થતા હતા અને અત્યારે પણ મૅસ્ટરબેશન વખતે છોકરીની કલ્પના કરો છો એ પરથી એક વાત ચોક્કસ છે કે તમે ગે તો નથી જ. તમે બાયસેક્સ્યુઅલ હોઈ શકો છો, પણ એવુંય બની શકે કે સંજોગોને કારણે હોય. કુદરતી રીતે તમે બાયસેક્સ્યુઅલ હોત તો કદાચ અત્યારે જે વિચિત્ર ફીલ થાય છે એ પણ ન હોત.
ADVERTISEMENT
તમારી મૂંઝવણ નૅચરલ છે, પણ એ માટે મનમાં કોઈ કૉમ્પ્લેક્સ ઘર કરી લેવો ઠીક નથી. બીજા છોકરાઓ સજાતીય સંબંધોમાં રાચે છે એટલે તમે પણ એમ કરી શકો એવું વિચારીને એમાં જોડાઈ જવું ઠીક નથી. તમને અંદરથી ઇચ્છા થતી હોવી જરૂરી છે. તમે જો નિયમિત મૅસ્ટરબેશન કરીને આવેગને ખાળી લેશો તો બની શકે કે બીજી બાબતોમાં તમારું મન ન રહે. ધારો કે એ મન રહે તો પણ કોઈ વાત મનમાં બાંધવાની જરૂર નથી. જસ્ટ ભણવા પર અને કરીઅર પર ધ્યાન આપો. સમય બદલાતાં બધું બરાબર થઈ જશે.