જન્મોજન્મ સાથ નિભાવવાના સંબંધમાં જ્યારે કરીઅરને કારણે ભૌગોલિક અંતર ઊભું થાય ત્યારે લગ્નજીવનને ધબકતું રાખવા માટે ખાસ જહેમત ઉઠાવવી પડે
સંબંધોનાં સમીકરણ
પ્રતીકાત્મક તસવીર
જન્મોજન્મ સાથ નિભાવવાના સંબંધમાં જ્યારે કરીઅરને કારણે ભૌગોલિક અંતર ઊભું થાય ત્યારે લગ્નજીવનને ધબકતું રાખવા માટે ખાસ જહેમત ઉઠાવવી પડે. હવે તો ટેક્નૉલૉજીની દુઆથી લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ પણ લાઇવ રહી શકે છે ત્યારે જાણો એકમેકથી દૂર રહેતાં યુગલો સંબંધને હર્યોભર્યો રાખવા શું કરી શકે છે
‘મોરે પિયા ગયે રંગૂન વહાં સે કિયા હૈ ટેલિફુન, તુમ્હારી યાદ સતાતી હૈ...’ ‘પતંગા’ ફિલ્મનું આ ફેમસ ગીત આજે પણ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ ધરાવતાં કપલ્સનાં રૂંવાડાં ઊભાં કરે છે. જોકે એ જમાના કરતાં સ્વજનનો વિરહ હવે થોડો બેરેબલ બન્યો છે, જેનું સંપૂર્ણ શ્રેય આધુનિક ટેક્નૉલૉજીને આપવો રહ્યો. આજે તો ટેલિફોનની જગ્યા સીધો વૉટ્સઍપ કે સ્કાઇપ વિડિયો-કૉલ થઈ જાય અને મિનિટોમાં તમારું પ્રિયજન તમારી સામે દેખાવા માંડે. પણ ગમે એટલું વરદાનરૂપ હોય, વર્ચ્યુઅલ વર્લ્ડ એ ક્ષણિક રાહત જ હોય છે. જન્મોજન્મના સાથ નિભાવવાના વાયદામાં જ્યારે ભૌગોલિક અંતર આડે આવે છે ત્યારે સાથે રહેવા માટે અમુક રીતના સમજૂતી કરાર કરીને લગ્નજીવનને ધબકતું રાખવું પડે છે.
ADVERTISEMENT
છેલ્લાં ૧૨ વર્ષથી લગ્નગ્રંથિથી જોડાયેલાં ડૉ. ચાહના મૌલિક દેસાઈ કહે છે, ‘અમારાં લવ-કમ-અરેન્જ્ડ મૅરેજ છે. હું ડૉક્ટર છું અને મારા હસબન્ડ બ્રિટિશ ઍરવેઝમાં એન્જિનિયર છે. મારાં લગ્નના બે મહિનામાં જ તેમને હૈદરાબાદ જવાનું થયું અને મારે મારું પોસ્ટ ગ્રૅજ્યુએશન કરવા ૬ મહિનામાં જ ત્રણ વર્ષ માટે સોલાપુર જવાનું થયું. લગ્ન બાદ તરત જ અમારે સેપરેટ રહેવાનું થયું એટલે થોડું અપસેટિંગ હતું જ, પણ બન્ને એ વાતે ક્લિયર હતાં કે બન્નેની કરીઅર માટે આ બહુ જરૂરી નિર્ણય હતા. ત્રણ વર્ષ પછી સોલાપુરથી આવ્યા પછી મેં વાડિયા હૉસ્પિટલ-પરેલ જૉઇન કરી, જ્યાં મારે ફેલોશિપ કરવાની હતી. એ બહુ બિઝી સેન્ટર હતું એટલે મારે ત્યાં જ રહેવું પડતું. મુંબઈમાં રહીને પણ અમે એકબીજાથી દૂર જ રહેતાં હતાં. એ પછી પાછું હસબન્ડને ચાર મહિના લંડન જવું પડ્યું. આમ ઑન ઍન્ડ ઑફ લગ્ન પછી અમે એકબીજાથી પાંચેક વર્ષ દૂર રહ્યાં.’
લગ્નસંબંધમાં બાળકનું આગમન બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે એમ જણાવતાં ચાહના કહે છે, ‘અમે બાળક પ્લાન કર્યું અને એ વખતે થોડો સમય સાથે પણ રહ્યાં. લગ્નનાં સાત વર્ષ પછી અમને બાળક થયું. મારા હસબન્ડને ફિક્સ જૉબ હોવાથી અમે નક્કી કર્યું કે બન્નેમાંથી એકે થોડું ઍડ્જસ્ટ કરવું પડશે અને બેબી સાથે પણ સમય વિતાવવો પડશે. મેં ત્યારથી પ્રાઇવેટ પ્રૅક્ટિસ શરૂ કરી એટલે હું આ કરી શકતી હતી. જ્યારે અમારું બાળક ફક્ત દસ મહિનાનું જ હતું ત્યારે પણ મારા હસબન્ડને લંડન ટ્રાવેલ કરવું પડ્યું હતું. તેમને ફ્રિક્વન્ટ ટ્રાવેલ કરવું પડે છે એટલે અમારે બન્નેએ નક્કી કરવું પડ્યું કે એક ફિક્સ જૉબ કરશે અને એકે જૉબમાં થોડું ઍડ્જસ્ટ કરી લેવું પડશે. દીકરીને મારી જરૂર હતી એટલે મારે આ કરવું વધુ પ્રૅક્ટિકલ હતું. મારા ઇનલૉઝ અને મારા પેરન્ટ્સનો સારોએવો ફૅમિલી સપોર્ટ મળે છે, જેને લીધે બધું આસાનીથી હૅન્ડલ થઈ જાય છે.’
ફૅસ્ટિવિટીમાં સૂકું લાગે
બન્ને વ્યક્તિની કરીઅરને ધ્યાનમાં રાખીને જ્યારે અલગ રહેવું પડે ત્યારે એ સ્ટૉપ ગૅપ અરેન્જમેન્ટ જેવું જ હોય. બાકી લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપના કોઈ ખાસ ફાયદા તો છે જ નહીં એમ જણાવતાં એના નુકસાન વિશે ચાહના કહે છે, ‘કોઈ પણ ફેસ્ટિવલ હોય, સારો પ્રસંગ હોય કે ક્યારેક ફૅમિલીની જરૂર મહેસૂસ થાય, પાર્ટનરની આપણને જરૂર પડે ત્યારે પાર્ટનરની ફિઝિકલ પ્રેઝન્સ કાયમ મિસ કરીએ. હા, એક ફાયદો એ છે કે જ્યારે બન્ને મળે ત્યારે એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવે છે. યુઝલેસ કે કોઈ પણ જાતની અનવૉન્ટેડ ટૉક્સ થતી નથી. મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ રિલેશનશિપ પર્ફેક્ટ નથી હોતી. આપણે એને હૅપનિંગ બનાવતા રહેવું પડે છે. એનો એક જ રસ્તો છે ‘ઍડ્જસ્ટ ઍન્ડ કમ્યુનિકેટ’, એમાં ગૅપ ન લાવવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટ્રસ્ટ, એમાં ચૂક ન થવી જોઈએ. લૉન્ગ ડિસ્ટન્સમાં બીજી એક વસ્તુ છે ફૅમિલી સપોર્ટ, જેના વગર બધું મુશ્કેલ છે. મારા હસબન્ડ એક વસ્તુ કાયમ કહે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં સ્માઇલ કરતા રહેવું અને શાંતિથી જે–તે પ્રૉબ્લેમના સોલ્યુશન લાવવા.’
કમ્યુનિકેશન ઇઝ ધ કી
અનેક કપલ્સ જ્યૉગ્રાફિકલી એકબીજાથી દૂર રહેતાં હોય છે, પણ મેન્ટલી સતત એકબીજાની સાથે જ હોય છે, એવા સમયે એકબીજા સાથે રહેવાની સમજૂતી તેમને ઘણી મદદ કરે છે. આ વિશે વિગતે વાત કરતાં ફૅમિલી રિલેશનશશિપ કાઉન્સેલર ડૉ. સૂચિત્રા ભીડે શાહ કહે છે, ‘મારી પાસે એક કપલ ઑનલાઇન કાઉન્સેલિંગ કરાવતું હતું. છોકરો ન્યુ ઝીલૅન્ડમાં નેવીમાં હતો અને છોકરી દિલ્હીમાં. તેને એ સમયે પીઆર નહોતું મળ્યું એટલે સાથે જઈ ન શકી. બન્ને લવ કમિટમેન્ટમાં હતાં ને લગ્ન કરવાનાં હતાં. છોકરાને નેવીની જૉબમાં ત્રણ વર્ષનું બૉન્ડ હતું એટલે રૂબરૂ મળી ન શકે. ક્યારેક બિઝી હોય એટલે વાત પણ ન થઈ શકે. એવા સમયે છોકરી ફ્રસ્ટ્રેટ થતી અને પછી જ્યારે વાત થાય એટલે બન્નેના ઝઘડા જ થાય. રિલેશનશિપમાં ‘કમ્યુનિકેશન ગૅપ’ આવે એટલે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય. મારી તેમને એ જ સલાહ હોય કે કાંઈ પણ થાય, બોલવાનું બંધ ન જ કરવું. ગુસ્સો આવે તો પણ એકબીજા સાથે કહેવાની રીત શોધી લેવી. કમ્યુનિકેશન ગૅપ ફ્રસ્ટ્રેશન સુધી ન જ લંબાય તો સારું. વાતો કરવાથી ઘણી મુસીબત ટળે છે. લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ આમ પણ બહુ ફ્રસ્ટ્રેટિંગ હોય છે. એકલતા આવવા માંડે, પછી નેગેટિવ વિચારો આવે, ક્યારેક ટ્રસ્ટ ઇશ્યુઝ ઊભા થાય. ફૅમિલી ફંક્શન કે ખાસ પ્રસંગોના સમયે પાર્ટનરની ઍબ્સન્સ બહુ ખટકે. સાથે રહેતાં હોય તો ગમે એટલાં લડે-ઝઘડે પણ એકબીજાની બૉડી-લૅન્ગ્વેજથી ખબર તો પડે કે સામેવાળો કયા સ્ટેટ ઑફ માઇન્ડમાં છે? ઝઘડો કરીને બાજુમાં સૂતાં હોય કે ઘરમાં હાજર હોય તો પણ એકલું નથી લાગતું, પણ એવા સમયે બન્ને અલગ-અલગ હોય તો ફ્રસ્ટ્રેશન ખૂબ વધી જાય છે, પણ અલગ રહેવાથી ક્યારે કોના પર શું વીતે છે એની જાણ જ ન રહે. પારસ્પરિક વિશ્વાસ અને સંવાદ બહુ જ જરૂરી છે. એમાં જો સંવાદની ગેરહાજરી હોય તો સંબંધ સ્ટ્રગલ કરવા માંડે. એકબીજાની સાથે વાતચીત સતત થતી રહેવી જોઈએ. કઈ રીતે વાત કરવી એ પણ જાણી લેવું ખૂબ જરૂરી છે. એકબીજા સાથે ઇમોશનલી કનેક્ટ થવું ખૂબ જરૂરી છે. આવા સંબંધમાં ફ્રેન્ડશિપ થવી બહુ જરૂરી છે.’
લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ ક્યારેય ફર્સ્ટ ચૉઇસ તો નથી હોતી. રિલેશનશિપ હોય છે જ સાથે રહેવા માટે, પણ જો ઇન કેસ એમ રહેવાનું થાય તો પણ આજના જમાનામાં એમાં સર્વાઇવ કરવું પહેલાં જેટલું અઘરું રહ્યું નથી. સાથે રહેવું જ હોય એ કોઈ ને કોઈ તોડ તો શોધી જ લે છે.