૭૦થી ૮૦ ટકા લોકો અજાણી વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશનશિપ રાખવા જતાં ચેપનો ભોગ બને છે
કામવેદ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું બાવીસ વર્ષની છું. મેં હમણાં એક વૉટ્સઍપ મેસેજમાં વાચ્યું કે ફ્રૂટ–ડિશ વેચતા ફેરિયાને એઇડ્સ હતો, ૧૫ વર્ષના એક યંગસ્ટરે તે ફેરિયા પાસેથી કાપેલું તરબૂચ ખાધું અને ત્રીજા દિવસે તે બહુ ખરાબ રીતે બીમાર પડ્યો અને એક મહિનામાં ગુજરી ગયો. એ પછી થયેલા રિપોર્ટમાં ખબર પડી કે તે છોકરાને પણ એઇડ્સ થઈ ગયો હતો. શું આવું શક્ય છે? હું તો વીક દરમ્યાન ત્રણ-ચાર વખત બહાર ખાતી હોઉં છું. આ મેસેજ વાચ્યા પછી તો બહારનું પાણી પીવામાં પણ ડર લાગ્યા કરે છે. કાંદિવલી
ફ્રી મેસેજ સર્વિસ આપતી આવી ઍપ્સ પર ખરેખર સાચી માહિતીને બદલે લોકોને ખોટેખોટું ગભરાવવાનું કામ વધુ થાય છે. સૌથી પહેલી વાત તો એ કે કોઈના હાથે કાપેલું તરબૂચ કે ફળ ખાવા માત્રથી બીજાને એઇડ્સનો ચેપ લાગી ન જાય. એઇડ્સ એ એચઆઇવી એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસના ચેપથી ફેલાય છે. આ વાઇરસનો ચેપ ધીમે-ધીમે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા હણે છે. ચેપના બીજા કે ત્રીજા દિવસે જ વ્યક્તિ ભયંકર માંદગીમાં પટકાય એવું બનતું નથી. મતલબ કે ચેપ લાગ્યો હોય તો એને એઇડ્સનું સ્વરૂપ લેતાં સમય જાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મને ખબર નથી પડતી કે હું સ્ટ્રેટ છું કે ગે?
ઇનફૅક્ટ, આવી ખોટી અફવાઓથી લોકો ડરે છે, પણ સાચી બાબતોમાં કાળજી રાખવામાં રેઢિયાળપણું દાખવે છે. ૭૦થી ૮૦ ટકા લોકો અજાણી વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશનશિપ રાખવા જતાં ચેપનો ભોગ બને છે. સેક્સ દરમ્યાન કૉન્ડોમ પહેરવાથી આ ચેપ લાગવાના ચાન્સ ખૂબ ઓછા થઈ જાય છે. યુવાનોમાં આ બાબતે સભાનતા અને જાગૃતિ ફેલાવવી જોઈએ. જો એચઆઇવીથી બચવું હોય તો હંમેશાં સેક્સ્યુઅલ સંબંધોમાં પ્રોટેક્શન તરીકે કૉન્ડોમનો ઉપયોગ કરવો. કૉન્ડોમ માત્ર પ્રેગ્નન્સી પ્રિવેન્શન માટે જ નહીં, જાતીય રોગો અટકાવવા માટે પણ ઉપયોગી છે. એ ઉપરાંત જ્યારે પણ બ્લડની ટેસ્ટ કરવી હોય, ડોનેશન કરવું હોય કે ઇન્જેક્શન વગેરે લેવું હોય ત્યારે સ્ટરિલાઇઝ્ડ સિરિન્જ જ વાપરવાનો આગ્રહ રાખવો. ક્યારેક બ્લડ સાથે સંસર્ગમાં આવનારી કે આવી શકે એવી ધારદાર ચીજો જેવી કે બ્લેડ અને રેઝર દરેક વ્યક્તિએ પોતાનાં અલાયદાં રાખવાં જરૂરી છે. આવી ચીજો એક્સચેન્જ ન થાય એ બહેતર છે.