જી હા, અમુક કિસ્સાઓમાં એની પાછળ અટેન્શન ડેફિસિટ હાઇપર ઍક્ટિવિટી ડિસઑર્ડર (ADHD) જવાબદાર હોઈ શકે
પ્રતીકાત્મક તસવીર
અંગત જીવનમાં એકથી વધુ સંબંધો હોવા એ આપણે ત્યાં પાપ કે ઘોર અન્યાય માનવામાં આવે છે પરંતુ એની પાછળ પાર્ટનરને છેતરવાનો આશય ન પણ હોય એવું બને? જી હા, અમુક કિસ્સાઓમાં એની પાછળ અટેન્શન ડેફિસિટ હાઇપર ઍક્ટિવિટી ડિસઑર્ડર (ADHD) જવાબદાર હોઈ શકે. આવા લોકો એક વ્યક્તિ પર ફોકસ નથી રાખી શકતા. ખૂબ જલદીથી કંટાળતા હોય છે. ખાસ કરીને જેમનાં પણ મલ્ટિપલ અફેર હોય છે તેમણે ચેક કરાવવું કે તેમને ADHD તો નથીને. આ રોગ પર કાબૂ રાખવામાં આવે તો નક્કી એ વ્યક્તિની પર્સનાલિટીને બદલી શકાય, જેનો ફાયદો તેના પાર્ટનરને ચોક્કસ થઈ શકે છે
શું તમને તમારા પાર્ટનરથી આ ફરિયાદો છે?
ADVERTISEMENT
મારા પાર્ટનરમાં કોઈ ટાઇમ મૅનેજમેન્ટ જેવી વસ્તુ છે જ નહીં.
તેને કોઈ દિવસ તમારો બર્થ-ડે, ઍનિવર્સરી, તમે મળ્યાં એ દિવસ, તમારા જીવનના મહત્ત્વના લોકોના બર્થ-ડે ક્યારેય યાદ નથી રહેતા.
તેમને કોઈ કામ સોંપો તો તે દીધેલા કામને સતત કોઈ ને કોઈ બહાના હેઠળ ટાળ્યા કરે છે. કોઈ દિવસ એવું શક્ય નહીં બને કે તેમને કામ સોંપો અને એ તરત જ થઈ જાય.
તેની કોઈ ફિક્સ ઇન્કમ નથી અને કરીઅર પર ધ્યાન જ નથી આપતા. સતત કામ બદલ્યા કરે છે. અત્યંત ગુસ્સો કર્યા કરે છે. જરાય કન્ટ્રોલ જ નથી.
તે મલ્ટિ ટાસ્ક જ કરવાની કોશિશ કર્યા કરે છે, પરંતુ એ સફળ રીતે કરી નથી શકતા. ઊલટું મલ્ટિટાસ્ક સોંપો તે ગભરાઈ જાય છે.
ધીરજનો અભાવ હોય છે એટલે તેઓ ખૂબ સરળતાથી ચિડાઈ જતા હોય છે. તેમના મૂડ સ્વિંગ્સ પણ ખૂબ વધારે હોય છે. ક્યારે તેમનું મગજ ફટકે ખબર ન પડે.
તેના મિત્રો ઓછા છે. તેની સાથે કંટાળો પણ ખૂબ આવે છે અને તે પણ સતત અવારનવાર બસ કંટાળ્યા જ કરે છે.
સાવ સામાન્ય દેખાતી આ ફરિયાદો ઘણાના લગ્નજીવનના ભંગાણનું કારણ બની શકે છે. આસપાસ નજર કરીએ તો જણાશે કે સમાજમાં આવું બને જ છે. જો તમારા જીવનસાથીમાં આ પ્રકારનાં લક્ષણો હોય તો એક વાર તેમને ADHD - અટેન્શન ડેફિસિટ હાઇપર ઍક્ટિવિટી ડિસઑર્ડર છે કે નહીં એ ચોક્કસ ચકાસવું જરૂરી છે. .
લગ્નમાં ભંગાણ
તકલીફ એ છે કે ADHDના દરદીઓ એક વ્યક્તિ પર કે એક વસ્તુ પર ફોકસ ન કરી શકતા હોવાને કારણે લગ્નેતર સંબંધો પણ બાંધે છે જે લગ્ન ભંગ થવાનું પ્રબળ કારણ હોય છે. ઉપરનાં અમુક કારણો સાથે તો વ્યક્તિ બાંધછોડ કરી લે, પણ લગ્નેતર સંબંધ કદાચ એવી પરિસ્થિતિ છે કે બીજી વ્યક્તિને ખબર પણ પડે કે ADHDને કારણે આ થયું છે તો પણ એ માફીને પાત્ર કદાચ ન બને. આ વાત સાથે સહમત થતાં સાઇકિયાટ્રિસ્ટ શ્યામ મિથિયા કહે છે, ‘લગ્નજીવનમાં ઝઘડાઓ કે પ્રૉબ્લેમ્સ ઘણા લોકોને હોઈ શકે છે. એનાં કારણો જુદાં-જુદાં હોય છે પરંતુ આ પ્રકારના દરદીઓના જીવનમાં મોટા ભાગે પર્સનલ રિલેશનશિપ ડિસ્ટર્બ જ રહે છે. આવી વ્યક્તિઓ કોઈ એક વ્યક્તિ જોડે ટકી શકતી નથી. એટલે મોટા ભાગે આવી વ્યક્તિના એકથી વધુ સંબંધો હોય છે, જેને કારણે લગ્નજીવનમાં ઝઘડાઓ કે ભંગાણ જેવી શક્યતાઓ રહે છે.’
લગ્નેતર સંબંધ
લગ્નેતર સંબંધોને આપણા સમાજમાં પાપની દૃષ્ટિએ કે મોટા ગુનાની જેમ જોવામાં આવે છે. જ્યારે કોઈ આવી ભૂલ કરે ત્યારે એવું વિચારવું કે તેને ADHD હોઈ શકે છે કે તેને ઇલાજની જરૂર છે એ થોડું અઘરું છે. એ વિશે વાત કરતાં રિલેશનશિપ એક્સપર્ટ અને મૅરેજ-કાઉન્સેલર નીતા શેટ્ટી કહે છે, ‘જ્યારે અમારી પાસે કપલ્સ કાઉન્સેલિંગ માટે આવે છે ત્યારે તેમની સાથે વાત કરીને જો અમને લાગે તો અમે ટેસ્ટ કરાવડાવીએ છીએ. આમ એ વાતનું ચોક્કસ ધ્યાન રાખીએ છીએ કે બન્નેમાંથી કોઈ એક કે બન્નેને કોઈ પ્રકારની માનસિક તકલીફ છે કે નહીં. ઘણી વ્યક્તિઓ બાયપોલર, ઍન્ગ્ઝાયટી કે સ્કિઝોફ્રેનિયા જેવી તકલીફો ધરાવે છે. તેમનાં નિદાન અમારા કાઉન્સેલિંગ સેશન્સ પછી તેમને મળે છે. જ્યાં સુધી ADHDની વાત છે, કોઈ પાર્ટનરને પહેલી વારનો લગ્નેતર સંબંધ હોય તો મોટા ભાગે લગ્નસંબંધમાં તકલીફ હોય છે પરંતુ જો કોઈ વ્યક્તિ એક કરતાં વધુ પાર્ટનર સાથે જોડાયેલી હોય, તેના જીવનકાળમાં તેનાં ઘણાં અફેર રહી ચૂક્યાં હોય તો ચોક્કસ ADHD છે કે નહીં એ એક વાર જોવું જોઈએ. વળી આવા સંબંધોમાં ફક્ત ADHD હોતું નથી, એની સાથે બીજી કોઈ તકલીફ જેમ કે સેક્સનું ઍડિકશન પણ હોઈ શકે છે.’
રિસર્ચ અને આંકડાઓ
અટેન્શન ડિસઑર્ડર જર્નલમાં પ્રકાશિત અને હીબ્રૂ યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચમાં ADHD ધરાવતા પુરુષોની પત્નીઓએ શું સહન કરવું પડે છે એ સમજવાની કોશિશ કરવામાં આવી છે. એમાં તેમનું તારણ હતું કે આ સ્ત્રીઓમાં ડિપ્રેસિવ લક્ષણો જોવા મળ્યાં હતાં. આ રિસર્ચ પુરુષલક્ષી કેમ કરવામાં આવ્યું છે? સ્ત્રીઓને ADHD થતો નથી કે? એ વાતનો જવાબ આપતાં ડૉ. શ્યામ કહે છે, ‘૧૦૦માંથી ૧૩ કે ૧૪ છોકરાઓને અને ૮-૯ છોકરીઓને આ રોગ થાય છે. એવું પણ છે કે સ્ત્રીઓને આ રોગ હોય છે, પરંતુ તેમનું નિદાન થતું નથી એટલે આંકડાઓ ખાસ સામે નથી આવતા. હકીકત એ જ છે કે પુરુષ હોય કે સ્ત્રી, જે પણ વ્યક્તિને ADHD છે એ વ્યક્તિ સાથે રહેનારા કે કામ કરનારા લોકો જોડે તેને પ્રશ્નો રહેવાના.’
નિદાન કેમ કરશો?
શું લગ્ન પહેલાં કોઈ રીતે ખબર પડી શકે કે તમે જેની સાથે પરણી રહ્યા છો તેને ADHD છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. શ્યામ કહે છે, ‘અરેન્જ્ડ મૅરેજમાં એ શક્ય નથી. લવ મૅરેજમાં પણ તમે એ વ્યક્તિને ખૂબ નજીકથી ઓળખતા હો તો કદાચ સમજી શકાય કે વ્યક્તિને શું તકલીફ છે. મોટા ભાગે જે વ્યક્તિ તેમની સાથે વધુ કલાકો રહેતી હોય તેને થોડી સમજ પડી શકે છે. મુખ્ય વસ્તુ એ છે કે વયસ્ક વ્યક્તિને ADHDને કારણે તેની જૉબમાં, તેના સંબંધોમાં અને સમાજમાં દરેક જગ્યાએ તકલીફ પડે છે. આ તકલીફોને કારણે આ વ્યક્તિઓ ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનનો શિકાર બને છે. આ દરદીઓ મોટા ભાગે આલ્કોહૉલ કે ડ્રગ્સ પણ લેતા હોય છે. તેમને એની લત હોય છે જે સરળતાથી છૂટતી નથી.’
ઇલાજ પૉસિબલ છે
ADHDનો ઇલાજ સરળ છે. આ રોગમાં પણ માઇલ્ડ, મૉડરેટ અને સિવિયર એમ ત્રણ કૅટેગરી છે. એ વિશે વાત કરતાં ડૉ. શ્યામ કહે છે, ‘માઇલ્ડના દરદીઓ પોતાની જાતે પોતાનાં લક્ષણો પર કન્ટ્રોલ મેળવતા હોય છે. કોશિશ કરતા હોય છે બૅલૅન્સ જાળવવાની. મૉડરેટ અને સિવિયરને ઇલાજની જરૂર હોય છે, જેમાં દવાઓ તો છે જ પરંતુ એની સાથે લાઇફસ્ટાઇલમાં બદલાવ જરૂરી છે. દવા આજે ખાધી તો આજ પૂરતી જ કામ કરે છે પરંતુ લાઇફસ્ટાઇલમાં બદલાવ તેમના પર વધુ અસર કરે છે, જે વધુ જરૂરી છે.’
આલિયા ભટ્ટને પણ છે ADHD
સામાન્ય રીતે એવું હોય છે કે જે વ્યક્તિને ADHD હોય તેને ખુદને સમજાતું ન હોય, પણ તેની નજીકના લોકોને ખબર પડતી હોય છે કે કંઈક તો તકલીફ છે. ઍક્ટ્રેસ આલિયા ભટ્ટે હમણાં એક ઇન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે થોડા સમય પહેલાં જ જ્યારે તેની અમુક સાઇકોલૉજિકલ ટેસ્ટ થઈ ત્યારે તેને ખબર પડી કે તેને હાઈ લેવલનો ADHD છે. જ્યારે એનું નિદાન થયું ત્યારે તેને ખુદને નવાઈ લાગી, પરંતુ તેની નજીકના બધાને નવાઈ ન લાગી કારણ કે તેમણે બધાએ કીધું કે અમને તો લાગતું જ હતું કે તને આવી કોઈ તકલીફ હોઈ શકે છે. મુદ્દો એ છે કે જો તમને લાગતું હોય કે તમારી નજીકની વ્યક્તિને કોઈ માનસિક તકલીફ છે તો તેની ટેસ્ટ કરાવવાની જવાબદારી તમારી છે, જે નિભાવવી જરૂરી છે.