તાજેતરમાં રિલેશનશિપ નિષ્ણાતોએ લગભગ પાંચ વર્ષના અભ્યાસ બાદ તારવ્યું છે કે સારું કપલ એ જ બને છે જેમનાં વ્યક્તિત્વોમાં વિરોધાભાસ નહીં પણ સમાનતાઓ વધુ હોય
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નેગેટિવ અને પૉઝિટિવ છેડા ભેગા મળીને એક સ્વસ્થ મજબૂત બૉન્ડ બનાવે એવું વિજ્ઞાન આપણે સૌ જાણીએ છીએ. વિરોધી ગુણોવાળા લોકો એકબીજાથી આકર્ષાય એ ઘટના સામાન્ય છે, પણ મોટા ભાગે આ વિરોધી લિંગ સુધી જ સીમિત છે. એક છોકરાનું એક છોકરી પ્રત્યે શારીરિક રીતે આકર્ષિત થવું કે એથી ઊલટું થવું સામાન્ય છે અને સ્વસ્થ પણ છે, પણ આ તથ્ય ફક્ત શારીરિક આકર્ષણ બાબતે જ ખરું સાબિત થયું છે. વાત જ્યારે ફિઝિકલ અટ્રૅક્શનની હોય ત્યારે આકર્ષણ પેદા થવા પૂરતું ઑપોઝિટ અટ્રૅક્ટ્સ કારગર છે. તાજેતરમાં થયેલા રિલેશનશિપ પરના પાંચ વર્ષ લાંબા સંશોધનનું તારણ બતાવે છે કે હકીકતમાં તો આપણે એવી વ્યક્તિઓ સાથે લાંબો સમય ટકી શકીએ છીએ જેમનામાં આપણા જેવા વિચારો-ગુણો અને આપણા વ્યક્તિત્વને કૉમ્પ્લિમેન્ટ્સ કરતી બાબતો હોય. આવા કુલ મળીને લગભગ ૮૩ ટકાથી ૮૯ ટકા ગુણો મળે ત્યારે આપણે એક સુખી સહજીવન જીવી શકીએ એવું વિજ્ઞાન કહે છે. સામાન્ય રીતે ઑપોઝિટ અટ્રૅક્ટ્સ’ જેવા નિયમના આધારે એવું મનાય છે કે વ્યક્તિત્વનો વિરોધાભાસ લગ્નજીવનમાં બન્નેને ચુંબકની જેમ જોડી રાખશે, પણ હવે આ ધારણા ખોટી પડી રહી છે. સંશોધનો કહે છે કે એકબીજા વચ્ચે ગુણો અને વિચારોની સમાનતા જ ઉત્તમ સહજીવન આપી શકે છે. કદાચ એટલે જ આપણી સંસ્કૃતિમાં પણ કુંડળી મેળવતી વખતે ૩૬માંથી ૩૬ ગુણ મળે એવી અપેક્ષા રખાય છે. આપણે ત્યાં લગ્ન માટે કુંડળી મેળવવામાં આવે છે ત્યારે બન્નેના ૩૬માંથી ૩૬ ગુણ મળે એવી અપેક્ષા રખાય છે અને જો આવું થાય તો એ જોડી ‘ઉત્તમ યુગલ’ બનશે એવું ભાખવામાં આવે છે.