Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

શું તમારી કારમાં ઍરબૅગ છે?

Published : 12 April, 2021 03:21 PM | IST | Mumbai
Abhisha Rajgor

પહેલી એપ્રિલથી બનતી નવી દરેક કારમાં આગળની પૅસેન્જર સીટ માટે પણ ઍરબૅગ કમ્પલ્સરી કરવામાં આવી છે ત્યારે ઍરબૅગ સેફ્ટી માટે કેમ જરૂરી છે અને વધુ સેફ્ટી માટે શું કરવું એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સામાન્ય રીતે કારનું બેઝિક મૉડલ ખરીદતા લોકો એની કિંમત, ઇકૉનૉમી રેટ અને સ્ટાન્ડર્ડ ફીચર્સ જ જોતા હોય છે; પણ સેફ્ટી માટે સૌથી જરૂરી એવી ઍરબૅગ્સ પર વધુ ધ્યાન નથી આપતા. એનું કારણ કદાચ કારની કિંમત ઓછી રહે એ હશે. જોકે હવે સરકારે પહેલી એપ્રિલથી દરેક નવી કારના મૉડલ્સમાં આગળની પૅસેન્જર સીટ પાસે ઍરબૅગ્સ ફરજિયાત બનાવી છે. અત્યાર સુધી લોકો કારનાં સ્ટાન્ડર્ડ ફીચર્સ સાથેનું બેઝિક મૉડલ ખરીદતા અને સેફ્ટી માટે જરૂરી પણ મોંઘાં ડ્યુઅલ ઍરબૅગ્સ, રિઅર પાર્કિંગ સેન્સર વગેરે જેવાં ફીચર્સ અવૉઇડ કરતા. હવે જ્યારે આગળની સીટ પર બેઠેલા પૅસેન્જર માટેની ઍરબૅગ પણ ફરજિયાત કરી છે ત્યારે જાણીએ આ ઍરબૅગ શું છે, એ કઈ રીતે કામ કરે છે.


કેવી રીતે કામ કરે ઍરબૅગ? રોડ-ઍક્સિડન્ટ અથવા તો અથડામણની સ્થિતિમાં ઍરબૅગ્સ જીવ બચાવવા માટે ઘણી ઉપયોગી છે. જોકે આજ સુધી ઇન્શ્યુરન્સ પૉલિસીની જેમ એને `ઍડ ઑન` ફીચર તરીકે `ઑપ્શનલ` રાખવામાં આવેલું. ઍરબૅગ સ્ટ્રેચેબલ ફૅબ્રિક જેવા મટીરિયલની બનેલી હોય છે જે કારની અંદર ચોક્કસ જગ્યાઓએ ખૂબ જ ટાઇટલી પૅક કરીને રખાય છે. દરેક કારમાં ઍરબૅગ ડ્રાઇવર સીટની સામેના ડૅશબોર્ડના ભાગમાં હોય છે. કેટલીક વધુ સેફ્ટી ઓરિએન્ટેડ મોંઘી કારોમાં એ પૅસેન્જર સીટની સામે તેમ જ ચારેય પૅસેન્જર્સની સાઇડના ભાગમાં પણ કૉમ્પ્રેસ કરીને મૂકેલી હોય છે.



જ્યારે ઍક્સિડન્ટ જેવી સ્થિતિ પેદા થાય ત્યારે ઍરબૅગ ઘડીના છઠ્ઠા ભાગમાં નાઇટ્રોજનથી ફૂલીને પૅસેન્જર કે ડ્રાઇવર માટે કુશન જેવું બનાવી દે છે. એને કારણે અંદર બેઠેલી વ્યક્તિને અથડામણને કારણે ઇન્જરી ઓછી થાય છે. 


કારમાં ખૂબ નાનાં ઇલેક્ટ્રૉનિક સેન્સર્સ હોય છે જે ખૂબ ઝડપથી દોડી રહેલી કારના વ્હીલની સ્પીડ કેટલી છે, એ સીટ પર કોઈ બેઠું છે કે નહીં, બ્રેકનું પ્રેશર અને ઇમ્પૅક્ટ કેટલી છે જેવાં ફૅક્ટર્સને સેન્સર કરે છે. આ સેન્સર્સ દ્વારા મળેલી માહિતીને પ્રોસેસ કરીને ઍરબૅગ કન્ટ્રોલ યુનિટ ઍક્ટિવેટ થઈ જાય છે. ઍરબૅગના કન્ટ્રોલ યુનિટને ઍક્સિડન્ટનું સિગ્નલ મળે એટલે ઇન્ફ્લેટર સિસ્ટમ સતેજ થઈ જાય છે અને ઇન્ફ્લેટરમાં કેમિકલ ચાર્જ થાય છે અને નાઇટ્રોજન ગૅસ એક્સપ્લોઝન થઈને ઍરબૅગ ફૂલીને બહાર આવી જાય છે અને એ તમારી સામે કે બાજુના ભાગમાં કુશન જેવું કામ આપે છે. આ સિગ્નલનું કામ ઘડીના છઠ્ઠા ભાગમાં એટલે કે લગભગ ૫૦થી ૫૫ મિલીસેકન્ડ્સમાં ૧૫૦થી ૨૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે ઍરબૅગ અચાનક ફૂલે છે.

સાવધાની જરૂરી આપણે આંખનો પલકારો મારીએ કે છીંક ખાઈએ એટલી વારમાં ઍરબૅગ ડીપ્લૉય થઈ જાય છે. આ ઝડપ અને ઍરબૅગનું દબાણ એટલુંબધું હોય છે કે એ વખતે તમે સીટબેલ્ટ બાંધેલો ન હોય તો તમે ઍરબૅગની અંદર સ્લાઇડ થઈ જાઓ અથવા તો ઍરબૅગ જ તમને જોરથી વાગે એવું બની શકે છે.


કેમ જરૂરી છે ઍરબૅગ? ૨૦૧૯ના અહેવાલ મુજબ ભારતમાં અકસ્માત સંબંધિત ૧,૫૧,૧૧૩ મૃત્યુ થયાં હતાં. ઍરબૅગ હોય તો ઍક્સિડન્ટલ ડેથ નિવારી શકાય છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

- ઍરબૅગ હોય પણ એ બરાબર કામ ન કરતી હોય એવું સંભવ છે. એટલે ઍરબૅગ નાખવાની સાથે એનાં સેન્સર્સનું મૉનિટરિંગ કરતાં ઇન્ડિકેટર્સ પણ કારમાં રાખવાં જરૂરી છે.

- હંમેશાં સીટબેલ્ટ પહેરીને જ રાખવો. જો સીટબેલ્ટ ન પહેર્યો હોય તો ઍરબૅગને કારણે મળતું કુશન ખાસ કામનું નથી રહેતું.

- આગલી પૅસેન્જર સીટ પર નાનું બાળક બેઠું હોય ત્યારે પૅસેન્જર સાઇડની ઍરબૅગનું સેન્સર બંધ કરી દેવું જોઈએ.

- એક ઍરબૅગની સરેરાશ કિંમત આશરે ૪૦૦૦થી ૬૦૦૦ રૂપિયા હોવાનો અંદાજ છે.

- ઍરબૅગ રીસેલમાં પણ અવેલેબલ હોય છે. જૂની કારમાંથી ડીપ્લૉય ન થયેલી હોય એવી ઍરબૅગ રીસેલમાં સસ્તામાં મળી જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2021 03:21 PM IST | Mumbai | Abhisha Rajgor

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK