યુઝર્સના ડેટાની પ્રાઇવસી માટે અને લિન્ક પર ભૂલમાં ક્લિક કરવાથી કોઈ છેતરપિંડી ન થાય એ માટે બ્લૉકનો ઑપ્શન નોટિફિકેશનમાં આપવામાં આવી રહ્યો છે તેમ જ ટાઇપ કરવાનું ન ગમતું હોય એ લોકો માટે ઑડિયો રેકૉર્ડિંગ સ્ટેટસ આપવામાં આવી રહ્યું છે
ટેક ટૉક
પ્રતીકાત્મક તસવીરો
વૉટ્સઍપ એના યુઝર્સ માટે સતત નવાં-નવાં ફીચર્સ પર કામ કરતું રહે છે. હાલમાં તેઓ એવા ફીચર પર કામ કરી રહ્યા છે જે ખૂબ જ આળસુ અથવા તો કહો કે જેમને વધુ ટાઇપ કરવાનું પસંદ ન હોય એવા લોકો માટે છે. વૉટ્સઍપ એના દરેક યુઝરને ધ્યાનમાં રાખે છે. હાલમાં જ વૉટ્સઍપ દ્વારા ઘણાં ફીચર્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યાં છે અને એમાં ફરી વધારો થવા જઈ રહ્યો છે. વૉટ્સઍપનું લક્ષ્ય એના યુઝર્સને જેમ બને એમ સરળ અને વધુ ઇફેક્ટિવ સેવા પૂરી પાડવાનું છે અને એ તરફ તેઓ એક સ્ટેપ આગળ વધી રહ્યા છે.
ઑડિયો સ્ટેટસ
ADVERTISEMENT
વૉટ્સઍપ હાલમાં ઑડિયો સ્ટેટસ પર કામ કરી રહ્યું છે. વૉટ્સઍપ પર પણ ઘણા સમયથી સ્ટેટસનું ફીચર આપવામાં આવ્યું છે. આ સ્ટેટસમાં ફોટો અને વિડિયોની સાથે ટેક્સ્ટનો પણ સમાવેશ કરી શકાય છે. જોકે ઘણા લોકો એવા પણ છે જેમને ટાઇપ કરવાનું પસંદ નથી. આથી આવા લોકો આ પ્રકારના સ્ટેટસથી દૂર રહે છે. જોકે હવે વૉટ્સઍપ તેમના માટે ઑડિયો સ્ટેટસ પર કામ કરી રહ્યું છે. જુલાઈ ૨૦૨૨થી તેઓ આ ફીચર પર કામ કરી રહ્યા હતા. જોકે હવે તેમણે આ ફીચર લિમિટેડ બીટા યુઝર્સને આપ્યું છે. આ બીટા યુઝર્સ હાલમાં સ્ટેટસમાં ઑડિયો રેકૉર્ડ કરી શકે છે. વૉટ્સઍપમાં જે રીતે વૉઇસ નોટ્સ મોકલવા માટે ચૅટ સેક્શન પાસે આવેલા માઇક પર ક્લિક કરીને રેકૉર્ડ કરીને મોકલવામાં આવે છે એ જ રીતે સ્ટેટસમાં પણ ટાઇપ સેક્શન પાસે માઇકનો ઑપ્શન આપેલો છે. આ માઇક પર ક્લિક કરીને ઑડિયો રેકૉર્ડ કરીને એને સ્ટેટસમાં મૂકી શકાય છે. આ સ્ટેટસ પણ અન્ય સ્ટેટસની જેમ કોને-કોને દેખાડવું એટલે કે સંભળાવવું એને સિલેક્ટ કરી શકાય છે. આ ઑડિયો સ્ટેટસ પોતાના અવાજ કે પછી કોઈ સૉન્ગ કે ગમે એને રેકૉર્ડ કરીને મૂકી શકાય છે.
આ પણ વાંચો: સૌથી સસ્તી કૅબ કે ફ્લાઇટ ટિકિટ બુક કરવા શું કરવું?
નવો બ્લૉક ઑપ્શન
વૉટ્સઍપનો ઉપયોગ આજે ઘણાં ફિશિંગ રૅકેટને ચલાવવા માટે થાય છે. વૉટ્સઍપ દ્વારા લિન્ક મોકલીને અથવા તો ખોટા મેસેજ મોકલીને ઘણા લોકોને ઠગવામાં આવે છે. તેમ જ ઘણા લોકો અન્ય યુઝર્સને વારંવાર મેસેજ કરીને હૅરેસ પણ કરતા હોય છે. વૉટ્સઍપમાં બ્લૉક મેસેજ પહેલેથી ઉપલબ્ધ છે. જોકે હવે એ માટે ચૅટને ખોલવી પડે છે અને ત્યાર બાદ બ્લૉક કરી શકાય છે. ઘણી વાર મેસેજમાં લિન્ક એવી હોય છે કે એના પર ક્લિક કરવાથી જ પૈસા કપાઈ જાય છે અથવા તો મોબાઇલમાં મેલવેર ઇન્સર્ટ કરી તમામ ડેટાને ચોરી લેવામાં આવે છે. આથી વૉટ્સઍપ હવે તેમના યુઝર્સને વધુ સિક્યૉરિટી આપવા માટે એક નવું ફીચર લઈને આવી રહ્યું છે. આ ફીચર પર હાલમાં કામ ચાલી રહ્યું છે, પરંતુ એ ક્યારે જાહેર કરવામાં આવે એ વિશે હજી જાહેરાત કરવામાં નથી આવી. આ ફીચર દ્વારા યુઝર્સ નોટિફિકેશનમાંથી જે-તે વ્યક્તિને બ્લૉક કરી શકશે. જોકે આ ફીચર ફક્ત અને ફક્ત અજાણ્યા નંબર માટે જ ઉપયોગ કરી શકાશે. લિન્ક અથવા તો કોઈ ભેદી મેસેજ પર ભૂલમાં ક્લિક ન થઈ જાય એ માટે વૉટ્સઍપ દ્વારા નોટિફિકેશનમાં જ બ્લૉકનો ઑપ્શન આપી દીધો છે. આ માટે મેસેજને ઓપન કરવાની જરૂર નહીં રહે. નોટિફિકેશનમાં જ અજાણ્યા નંબર માટે બ્લૉકનો ઑપ્શન આપી દેવામાં આવ્યો છે. આ ઑપ્શન પર ક્લિક કરતાં જ નંબર સીધો બ્લૉક થઈ જશે અને એના પરથી ફરી મેસેજ નહીં આવે. આ નોટિફિકેશનમાંથી બ્લૉક કરવાથી સામેની વ્યક્તિ યુઝરનો ડિસ્પ્લે ફોટો અને સ્ટેટસ પણ નહીં જોઈ શકે. આથી યુઝર્સના ડેટા પણ પ્રાઇવેટ રહેશે.