સોશ્યલ મેસેજિંગ સર્વિસ દ્વારા હવે યુઝર્સની પ્રાઇવસીને વધુ પ્રાઇવેટ રાખવા માટે ચૅટ લૉક ફીચરની શરૂઆત કરવામાં આવી છે અને આગામી મહિનામાં એમાં વધુ અપડેટ આવશે
વૉટ્સઍપ
કોઈ પણ વ્યક્તિ માટે કેટલીક એવી વાત હોય છે જે ખૂબ જ પર્સનલ હોય. એવી પણ કેટલીક બાબતો હોય છે જે ફક્ત બે વ્યક્તિને જ ખબર હોય અને એની ભનક પણ ત્રીજી વ્યક્તિને નથી હોતી. બીજું, ઘણી વાર એવું બનતું હોય કે એક વ્યક્તિના ફોન પર પરિવારના બીજા સભ્યો પણ કામ કરતા હોય તો ક્યારેક કોઈ ટ્રિપ પર ગયા હોય તો કોઈ એક ફ્રેન્ડ પાસે સારો મોબાઇલ હોય તો દરેક વ્યક્તિ એમાં જ ફોટો ક્લિક કરાવવાનો આગ્રહ રાખે છે. પરિણામે મોબાઇલ એક પછી એક અન્ય ફ્રેન્ડ્સ પાસે ફરતો રહે છે. આ દરમ્યાન જ તમારા અંગત વ્યક્તિના મેસેજ આવી જાય કે અનાયાસ એ ચૅટ મિત્રોના હાથમાં લાગી જાય. જોકે એવું ન થાય અને દરેક વ્યક્તિની પ્રાઇવસીનું સઘનતાપૂર્વક ધ્યાન રખાય એ દિશામાં વૉટ્સઍપ ભરપૂર પ્રયાસો કરી રહ્યું છે. વૉટ્સઍપ દ્વારા હવે જે-તે યુઝરના હાથમાં જ તેની પ્રાઇવસીની ડોર આપવાના ભાગરૂપે નવાં પ્રાઇવસી ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શું છે આ લૉક ચૅટ?
ADVERTISEMENT
અત્યાર સુધી વૉટ્સઍપ દ્વારા ઍપ્લિકેશનને લૉક કરવા માટે પાસવર્ડ અથવા તો બાયોમિટ્રક્સનો ઉપયોગ કરવાની સુવિધા હતી. જોકે હવે જે રીતે યુઝર ચૅટને આર્કાઇવ કરે છે એ જ રીતે હવે જે-તે ચૅટને લૉક પણ કરી શકશે. આ માટે જે ચૅટને લૉક કરવાની હોય એના પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર બાદ લૉક ચૅટ ઑપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. આ લૉક કરેલી દરેક ચૅટ એક અલગ ફોલ્ડરમાં જતી રહેશે. વૉટ્સઍપના પેજને જે રીતે નીચે સ્ક્રોલ કરતાં આર્કાઇવનું ફોલ્ડર દેખાય છે એ જ રીતે હવે લૉકનું ફોલ્ડર પણ દેખાશે. આ લૉક ફોલ્ડરને ખોલવા માટે પણ પાસવર્ડ અથવા તો બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવાનો રહેશે.
લૉક ચૅટના ફાયદા
ચૅટને લૉક કરતાં એના કોઈ પણ નોટિફિકેશન મોબાઇલ પર આવશે ત્યારે એમાં પણ પ્રાઇવસી જોવા મળશે. નોટિફિકેશનમાં વૉટ્સઍપના
મેસેજમાં એક પણ પ્રીવ્યુ જોવા નહીં મળે. આ પ્રીવ્યુ ન હોવાથી કોનો મેસેજ આવ્યો છે અને એમાં શું કન્ટેન્ટ છે એ મોબાઇલ જેના હાથમાં હશે એ નહીં જોઈ શકે. આથી મોબાઇલ જે વ્યક્તિનો હોય એ વ્યક્તિની પ્રાઇવસી જળવાઈ રહે છે.
આગામી મહિનામાં શું બદલાવ આવશે આ ચૅટ લૉકમાં?
અત્યારે મોબાઇલનો જે પાસવર્ડ છે અથવા તો જે બાયોમેટ્રિક્સ છે એનો ઉપયોગ ચૅટ લૉક માટે થઈ રહ્યો છે. જોકે વૉટ્સઍપ હવે અન્ય ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચર એટલે કે કમ્પૅન્યન ડિવાઇસ. એટલે કે વૉટ્સઍપ અન્ય મોબાઇલ અથવા તો લૅપટૉપમાં યુઝ કરવામાં આવતું હોય તો એમાં પણ આ ફીચર બાય ડિફૉલ્ટ આવી જાય. આ સાથે જ કસ્ટમાઇઝ્ડ પાસવર્ડનું ફીચર પણ આપવામાં આવશે. આ કસ્ટમાઇઝ્ડ પાસવર્ડ હોવાથી યુઝરનો મોબાઇલ પાસવર્ડ પણ જો અન્ય વ્યક્તિને ખબર હોય તો પણ તે ચૅટ લૉકને ઓપન નહીં કરી શકે, કારણ એનો પાસવર્ડ મોબાઇલના લૉક પાસવર્ડ કરતાં અલગ હશે. આથી યુઝરની વધુ પ્રાઇવસી અને સેફ્ટીને ધ્યાનમાં રાખીને વૉટ્સઍપ દ્વારા એના પર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

