Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આ Chat GPT કઈ બલાનું નામ છે?

Published : 05 February, 2023 12:43 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

બે મહિનામાં લગભગ ૧૦ કરોડ યુઝર્સ જેના થઈ ગયા છે એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કદાચ તમને વાપરતાં આવડી ગયું હશે, પણ એ કેવી રીતે પેદા થયું છે એનો ઇતિહાસ અને એની સામે કેવાં-કેવાં ભયસ્થાનો ઊભાં થઈ શકે એમ છે એની જરાક વાત કરી લઈએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


૩૦ નવેમ્બર, ૨૦૨૨. જી હા, આજથી ૬૯ દિવસ પહેલાં એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ ચૅટ બોટ લૉન્ચ કરવામાં આવ્યું જેનું નામ છે Chat GPT. આ એક ઓપન સોર્સ લૅન્ગ્વેજ પ્લૅટફૉર્મ છે જે તમારા પૂછેલા દરેક પ્રશ્નનો શબ્દો દ્વારા જવાબ આપી શકે છે. Open AI નામની કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી આ લૅન્ગ્વેજ બેઝ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ સિસ્ટમે યુઝર્સ અને ફૉલોઅર્સના આજ સુધીના વિશ્વના બધા રેકૉર્ડ્સ તોડી નાખ્યા છે. લૉન્ચ થયાને હજી માંડ બે મહિના થયા છે ત્યાં તો Chat GPTએ ૧૦૦ મિલ્યન ઍક્ટિવ યુઝર્સનો આંકડો પાર કરી નાખ્યો. કોઈ પણ સોશ્યલ મીડિયા ઍપ્લિકેશન કે વેબસાઇટના આજ સુધીના આંકડાઓમાં આ સૌથી મોટો અને સૌથી ઝડપી હાંસલ થયેલો આંકડો છે. 
એક અભ્યાસ અનુસાર જાન્યુઆરી દરમ્યાન પ્રતિ દિવસ સરેરાશ ૧૩ મિલ્યન જેટલા લોકો Chat GPTના વિઝિટર્સ હતા. મતલબ કે ઇન્ટરનેટ પર ૧૩ મિલ્યન લોકો પ્રતિદિન Chat GPT વાપરી રહ્યા હતા. ૨૦૧૫ની સાલમાં પાંચ ઑન્ટ્રપ્રનર્સ ભેગા થઈને એક કંપની બનાવે છે, જેનું નામ રાખવામાં આવે છે Open AI. આ પાંચ ઑન્ટ્રપ્રનર્સ એટલે ઇલૉન મસ્ક, લેયા સૂટ્સકવાર, વૉજશીએચ ઝારેમ્બ ગ્રેગ, બ્રુકમૅન અને સૅમ અલ્ટમૅન. પરંતુ ૨૦૧૮ની સાલના ફેબ્રુઆરી મહિનામાં ઇલૉન મસ્ક Open AIના બોર્ડ મેમ્બરપદેથી રાજીનામું આપી કંપનીમાંથી છૂટા થઈ ગયા અને સૅમ અલ્ટમૅન કંપનીના સીઈઓ બન્યા જે આજે પણ કાર્યરત છે. મસ્ક છૂટા થયા બાદ બાકી બચેલા ચાર જિનીયસે ભેગા મળીને ૨૦૧૭માં એક પ્રોજેક્ટ-પેપર તૈયાર કરે છે જેને નામ આપવામાં આવે છે, ‘અટેન્શન ઑલ યુ નીડ’, જેમાં એ લોકો ન્યુરલ નેટવર્કની જટિલ બાંધણી વિશેની વિગતો નોંધે છે અને શરૂ થાય છે એક એવી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ કોડ લૅન્ગ્વેજ પ્લૅટફૉર્મ બનાવવાની પ્રક્રિયા જે ખૂબ નજીકના ભવિષ્યમાં ટેક્નૉલૉજિકલ ડેવપલપમેન્ટની દૃષ્ટિએ વિશ્વઆખામાં જબરદસ્ત લોકપ્રિય બનવાની હતી. આ ચારેય માંધાતાઓનો એ બેનમૂન આવિષ્કાર એટલે Chat GPT. એ વિશે વાત કરતાં પહેલાં આપણે એ જાણવું પડે કે આ ચૅટ બોટ કઈ બલાનું નામ છે અને એનો જન્મ થયો કઈ રીતે?


AI ચૅટબોટનો જન્મ
૧૯૬૪ની સાલમાં એમઆઇટી યુનિવર્સિટીના રિસર્ચર્સ એક કમ્પ્યુટર પ્રોગ્રામ પર કામ કરી રહ્યા હતા. એક એવો પ્રોગ્રામ જે ત્યારના સમય કરતાં ક્યાંય આધુનિક ગણાવી શકાય એવો હતો. વિચાર કંઈક એવો હતો કે માણસ અને મશીન વચ્ચે કોઈ પણ જાતની અડચણ વિના સરળતાથી વાત થઈ શકવી જોઈએ અને માત્ર બે વર્ષ પછી તેમણે ‘એલેઝા’ નામનું કંઈક એવું બનાવ્યું જે ભવિષ્યમાં દરેક ચૅટબૉક્સને જન્મ આપનારી ‘મા’ કહેવડાવવાની હતી. ‘એલેઝા’ નામની આ AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ) કંઈક એવી હતી જે કમ્પ્યુટરના કી-બોર્ડ દ્વારા ટાઇપ કરી કહેવામાં આવેલી વાતને રિસ્પૉન્ડ કરતી હતી. મતલબ કે તમે કમ્પ્યુટર સ્ક્રીન પર લખો ‘હાય એલેઝા, હાઉ આર યુ?’ તો એલેઝા જવાબ તરીકે સ્ક્રીન પર લખશે, ‘આઇ ઍમ ફાઇન!’
 આ ઘટના દ્વારા ૧૯૬૬માં વિશ્વમાં પહેલી વાર એવું બન્યું કે યુઝરને લાગ્યું કે તે કોઈક એવા મશીન સાથે વાત કરી રહ્યા છે જે તેના ઇન્પુટ્સને સમજે છે અને રિસ્પૉન્સ પણ આપે છે. છેક ૨૯ વર્ષ બાદ ૧૯૯૫માં એક નવી કોડ લૅન્ગ્વેજ બનાવવામાં આવી ‘એલિસ’. ૨૦૦૧માં એલિસમાં જ નવાં ડેવલપમેન્ટ્સ થયાં અને પછી એક એનાં નવાં જનરેશન્સ આવવા માંડ્યાં જે એલિસ-2, એલિસ-થર્ડ જનરેશન તરીકે ઓળખાયાં.



પરંતુ એક દસકા બાદ આ કમ્પ્યુટર લૅન્ગ્વેજ ઓરિયેન્ટેડ રિસ્પૉન્સિવ મેકૅનિઝમ ક્ષેત્રે એક ધરખમ ફેરફાર આવ્યો, જેણે AI રિસ્પૉન્સિવ ચૅટબૉક્સની પરિભાષા જ બદલી નાખી. આ જબરદસ્ત આવિષ્કારો એટલે ‘ઍલેક્સા, ગૂગલ અસિસ્ટન્ટ અને સિરી.’ એલેઝા અને એલિસનાં આ ત્રણેય સંતાનોએ આપણું આખું વિશ્વ જ બદલી નાખ્યું. હજી તો આપણે ઍલેક્સાને કારણે આળસુ થઈ જઈશું, યાદશક્તિ ક્ષીણ થતી જશે વગેરે જેવી સાઇડ ઇફેક્ટ્સનો વિચાર જ કરી રહ્યા હતા ત્યાં ગયા વર્ષે નવેમ્બરમાં એક સાવ નવતર આવિષ્કારે જબરદસ્ત ધૂમ મચાવવા માંડી.
Chat GPT  - રિસ્પૉન્સિવ ચૅટ બોટના નવા યુગની શરૂઆત


સરળ ભાષામાં સમજીએ તો આજકાલ તમે જ્યારે કોઈ પણ સર્વિસ પ્રોવાઇડર કંપનીની વેબસાઇટ કે ઍપ્લિકેશન વિઝિટ કરો છો ત્યારે ત્યાં બાજુમાં એક બૉક્સ ખૂલે છે. ઝોમૅટો, ઍમેઝૉન કે ઍરટેલ જેવી સર્વિસ પ્રોવાઇડર કંપનીની સાઇટ કે ઍપ્લિકેશનમાં એક બૉક્સ પૉપઅપ થાય છે જે તમને પૂછે છે, ‘હાય, હાઉ કૅન આઇ હેલ્પ યુ?’ બસ, આ બૉક્સ એટલે ચૅટ બોટ. 
આવું જ એક ચૅટ બોટ Open AI દ્વારા બનાવવામાં આવ્યું Chat GPT. જે ઍડ્વાન્સ AI પાવર ચૅટ બોટ છે. ઍલેક્સા, ગૂગલ અસિસ્ટન્ટ કે સિરી તમારી વાત સાંભળી તમે કહો એ પ્રમાણે ફિઝિકલ વિશ્વમાં ઍક્ટ કરી આપે છે, ગીતો વગાડે, અલાર્મ સેટ કરી આપે, લાઇટ, ટીવી કે મોબાઇલ ઑન-ઑફ કરી આપે વગેરે વગેરે. જ્યારે Chat GPT શબ્દો દ્વારા રિસ્પૉન્સ કરતી એક AI લૅન્ગ્વેજ છે. કન્ફ્યુઝ્ડક? ચિંતા નહીં કરો, આપણે આ જટિલ આવિષ્કારને સરળ ભાષામાં સમજીએ.

આ એક ઓપન પ્લૅટફૉર્મ પર મૂકવામાં આવેલી એવી સિસ્ટમ છે જે તમે કહેલું કામ શબ્દો દ્વારા કરી આપશે. એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ સિસ્ટમ જેને ટેક્નિકલ ભાષામાં ‘કોડ લૅન્ગ્વેજ પ્લૅટફૉર્મ’ કહેવામાં આવે છે. આ લૅન્ગ્વેજ બનાવતી વેળા એમાં કોડિંગ દરમ્યાન સમગ્ર વિશ્વનો (હાલ ૨૦૨૧ની સાલ સુધીનો) લગભગ તમામ ઇતિહાસ સંગ્રહિત કરીને મૂકવામાં આવ્યો છે. સરળ ભાષામાં કહીએ તો ‘મેમરી’ ફિટ કરવામાં આવી છે. સાથે જ એમાં લગભગ આખા વિશ્વની કુલ ૫૦૩ જેટલી ભાષાઓ મૂકવામાં આવી છે, જેથી તમે તમારી માતૃભાષામાં તેની સાથે વાત કરી શકો અને એ સિસ્ટમ તમને તમારી જ માતૃભાષામાં જવાબ આપી શકે. આ સિસ્ટમને નામ આપવામાં આવ્યું, ‘જનરેટિવ પ્રી-ટ્રેઇન્ડ ટ્રાન્સફૉર્મર આર્કિટેક્ચર’ જેમાં ટેક્સ્ટ ડેટાનો ખડકલો કરવામાં આવ્યો છે. આ એક ન્યુરલ (મગજના તાણાવાણા જેવું જ કંઈક) નેટવર્ક છે, જેને તમે આ AIનું દિમાગ પણ કહી શકો. 
ન્યુરલ નેટવર્ક એટલે વિશ્વઆખાના કમ્પ્યુટર્સનું એક એવું જટિલ નેટવર્ક બનાવવામાં આવ્યું છે જે બધાં નેટવર્કનો અભ્યાસ કરીને તેમની વાતો સમજીને નિચોડ તરીકે તમને આઉટપુટ આપે છે. તમે આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટને કોઈ પણ પ્રશ્ન પૂછો ત્યારે એ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ એવા લગભગ ૫૭૦ જીબી જેટલો ટેક્સ્ટ ડેટા વાપરી એનું ઍનૅલિસિસ કરી તમારા પ્રશ્નનો સટીક જવાબ તમને આપે છે. 


પરંતુ દરેક વસ્તુના ફાયદા હોય એમ એની સાથે જ એના ગેરફાયદા પણ હોય છે. જેમ કે આ AI એક લૅન્ગ્વેજ બેઝ એવી ઍપ્લિકેશન છે જે તમને તમે કહો એ વિષય પર નિબંધ લખી આપે, કવિતા લખી આપે, આર્ટિકલ હોય, જૉબ રિઝ્યુવમે હોય, પ્રોડક્ટ પ્રેઝન્ટેશન કે પછી સેલ્સપિચ. આ સિસ્ટમ તમને તમારા એ દરેક પ્રશ્નનો જવાબ આપી શકે છે જે ટેક્સ્ટ ફૉર્મેટમાં શક્ય હોય.
આથી જ અનેક વિદ્વાનો, શિક્ષણવિદો અને શિક્ષણ સંસ્થાઓ કે ઑફિસને લાગી રહ્યું છે કે આ સિસ્ટમ વિદ્યાર્થીઓની ભીતરની ક્રીએટિવિટી મારી નાખશે, યાદશક્તિ ખતમ કરી નાખશે, સામાન્ય જ્ઞાનથી લઈને આઇક્યુ-લેવલ સુધ્ધાં ખતમ કરી નાખશે અથવા ઘટાડી નાખશે. ધારો કે એક નાના બાળકને જો તેના કોઈ શિક્ષક કોઈ એક વિષય પર નિબંધ લખવા કહે તો સ્વાભાવિક છે કે એની પાછળનો આશય હોય કે બાળકમાં કલ્પનાશક્તિ, યાદશક્તિ અને સર્જનશક્તિ કેળવાય. તે પોતાના મન અને દિમાગની વાતો સુદૃઢ કરી એક કાગળ પર પ્રદર્શિત કરી શકે. તેનું દિમાગ કોઈ પણ વાતને સરળ રીતે ગોઠવી રજૂ કરવા માટે સક્ષમ બને, પણ માની લો કે એ બાળક જો આ ચૅટ બોટની મદદથી એક મિનિટ કરતાંય ઓછા સમયમાં એ નિબંધ તૈયાર કરી શિક્ષકની સામે ધરી દે, તો શું? એ જ રીતે આજે તમને યાદ છે કે ગાંધીજી કોણ હતા, આપણા દેશને આઝાદી ક્યારે મળી? પરંતુ આવતી કાલે કોઈ ચૅટ બોટ એક જ સેકન્ડમાં વિશ્વની દરેક વિગત તમારી નજર સામે મૂકી દે તો સ્વાભાવિક છે કે તમે કોઈ પણ માહિતી કોઈ પણ જ્ઞાન ગ્રહણ કરી પચાવી લેવાની ટેવ નહીં જ કેળવો.
આથી જ આટલા ટૂંકા ગાળામાં આટલી લોકપ્રિય બની ચૂકેલી આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ ઍપ્લિકેશનને ઘણી કંપનીઓ, ઘણી શિક્ષણ સંસ્થાઓ બૅન કરવા માંડી છે. જેમ કે ન્યુ યૉર્ક સિટી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એની દરેક પબ્લિક સ્કૂલ્સમાં Chat GPTને બૅન કરી દેવામાં આવ્યું છે. એ જ રીતે અમેરિકા, ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ જેવા અનેક દેશોની અનેક શિક્ષણ સંસ્થાઓ પોતાની શાળા-કૉલેજોમાં અને વિદ્યાર્થીઓમાં આ ચૅટ બોટ વાપરવા પર પ્રતિબંધ મૂકી દેવા માંડી છે.

એ સમય દૂર નથી જ્યારે માનવી ઈશ્વરતુલ્ય કામ કરી શકે એવી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ બનાવવા માંડશે, પરંતુ સાથે જ એ સમય પણ દૂર નથી જ્યારે આ સિસ્ટમ્સને કારણે જ માનવી હવે માનવી નહીં રહીને એક દિમાગ વિનાનું ગુલામ પ્રાણી માત્ર બનીને રહી જશે, જે મશીનની ગુલામીનો એવો બંધાણી થઈ ચૂક્યો હશે કે એકબીજાને ‘દિમાગ મેં ભૂસા ભરા હૈ ક્યા?’ એવો ટોણો મારતા આપણા દિમાગમાં સાચે જ ભૂસા સિવાય બીજું કશું નહીં રહે, કારણ કે ઉપયોગ કરવા માટે દિમાગ જેવું તો કંઈ રહેશે જ નહીં.

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2023 12:43 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK