સાવ હલકીફૂલકી એવી આ પૉકેટબુક તમારાં રોજિંદાં કામોને એકદમ સરળ બનાવી દે છે. એમાં ચાહે એટલું લખો, દોરો, સ્કૅન કરો, ભૂંસો અને ફરી-ફરીને વાપર્યા કરો
મારી પાસે પણ હોય
રૉકેટબુક
કૉર્પોરેટ કંપનીમાં કામ કરતા હો કે પછી તમારો પોતાનો બિઝનેસ હોય; પોતાનો વેપાર-ધંધો કરતા હો કે પછી ફ્રીલાન્સ પ્રોફેશનલ હો; તમને રોજેરોજનાં કામોની યાદી, પેમેન્ટની લેવડદેવડનો હિસાબ, પ્લાનિંગ કરવાની જરૂર પડે જ છે. આમ જુઓ તો હવે સ્માર્ટફોનમાં પ્લાનર આવે જ છે, પણ વિજ્ઞાન કહે છે કે જેટલું સારું પ્લાનિંગ કે પ્રોજેક્ટનું નરેશન તમે કાગળ-પેન પર કરી શકો છો એટલું ડિજિટલ ફૉર્મમાં નથી થતું. મિડલ-એજના પ્રોફેશનલ્સને હજીયે કાગળ-પેનની જરૂર પડે જ છે. એમાંય જો તમે કંઈક ડિઝાઇન કરતા હો તો એનું ડ્રૉઇંગ હાથેથી બનાવવું હોય તો એ માટે પણ કાગળની જરૂર પડે જ છે.
કાગળનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ એવી હિમાયત પર્યાવરણપ્રેમીઓ કરે છે ત્યારે લખવાની ફીલ બરકરાર રહે અને સાથે તમે સ્માર્ટ રાઇટિંગ ઑપ્શન અપનાવી શકો એવી પ્રોડક્ટ છે રૉકેટબુક. ચોક્કસ મટીરિયલનાં ૩૬ પાનાંની આ બુક પર લખવા માટે ખાસ પાઇલટની ઇરેઝેબલ પેન આવે છે. આ પેનથી તમે એના પર તમે જાણે નોટબુકમાં લખતા હો એ રીતે લખી શકો છો. રૉકેટબુક પ્લેન પણ આવે છે અને નોટબુકની જેમ લીટીઓવાળી પણ. એટલે ડાયાગ્રામ દોરવા હોય, ગ્રાફ કે ડિઝાઇન તૈયાર કરવી હોય તો કોરાં પાનાં વાપરી શકાય છે અને લખવું હોય તો લીટીવાળાં પાનાં. લખ્યા પછી ૧૫ સેકન્ડ માટે ઇન્ક સુકાવા દેવી જરૂરી છે. એ પછી એના પરનું લખાણ પાકું થઈ જાય છે. આ બુકની સાથે તમે રૉકેટબુક ઍપ ડાઉનલોડ કરીને એમાં લખેલી ચીજો સ્કૅન કરીને રાખી શકો છો. એટલું જ નહીં, એ ચીજોને ચાહો ત્યારે મોબાઇલમાં જ મૉડિફાય પણ કરી શકો છો. પાનાંની સાઇડમાં એક ક્યુઆર કોડ લખેલો છે. એક વાર તમે ઍપ સાથે આ બુકને કનેક્ટ કરી દો એ પછી એના પર જે કંઈ પણ લખો કે દોરો એ આપમેળે તમારા સ્માર્ટફોનના ફોલ્ડરમાં સેવ થવા લાગે છે. આ બુકમાં ચોક્કસ હૅશટૅગ સાથે લખેલી ચીજો મોબાઇલ ઍપમાં સર્ચ કરો તો એ એકસાથે ઑર્ગેનાઇઝ થઈને તમને મળે છે. મતલબ કે અપૉઇન્ટમેન્ટ માટે તમે એક સિમ્બૉલ વાપરીને અલગ-અલગ પેજ પર લખાણ કર્યું હોય તો એ બધી જ અપૉઇન્ટમેન્ટ તમને સ્માર્ટફોનમાં એક થઈને મળી જાય છે.
ADVERTISEMENT
રૉકેટબુક રીયુઝેબલ હોવાથી તમે ઇચ્છો ત્યારે એ લખાણ ભૂંસી પણ શકો છો. જોકે એ ચીજો તમે બુકમાંથી ઇરેઝ કર્યા પછી પણ મોબાઇલમાં સાચવી રાખવા ઇચ્છતા હો તો એ રહી શકે છે. ભૂંસવા માટે ચોક્કસ ફૅબ્રિકનું ભીનું કપડું પેજ પર ફેરવી દો તો પાનું કોરું થઈ જાય છે.
ફાયદા
બાર મહિનાની કાગળની ડાયરી કે પ્લાનર ઊંચકીને ફરવાની જરૂર નથી.
બુકમાં લખેલી ચીજો ઑર્ગેનાઇઝ્ડ થઈને તમારા સ્માર્ટફોનમાં પણ અવેલેબલ રહે છે.
તમારું પ્લાનિંગ કોઈકની સાથે શૅર કરવું હોય તો સરળતા રહે છે.
લૅપટૉપની બૅગમાં આ પાતળી બુક આરામથી સચવાઈ રહે છે.
ગેરફાયદા
પાનાં ગ્લૉસી એટલે કે ખૂબ લિસ્સા હોવાથી કાગળ પર લખતા હોઈએ એટલી મજા નહીં આવે.
પેનને જો વધુ ભાર દઈને લખાણ કરશો તો લિસ્સા પૅડ પર ઇન્ક સ્પ્રેડ થઈ શકે છે.
ઇન્ક સુકાવા માટે પંદરથી વીસ સેકન્ડની રાહ જોવી જરૂરી છે, નહીંતર લખાણ ફેલાઈ જઈ શકે છે.
ક્યાં મળશે? : amazon.in કે getrocketbook.com
કિંમત : ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયા