હા તો જાણી લો, યુટ્યુબ પર દરરોજ સાત લાખ વિડિયો અપલોડ થાય છે, રોજ અપલોડ થતા આ વિડિયો આપણે રોજનો એક જોઈએ તો એમાં ૮૦ વર્ષ લાગી શકે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વર્તમાન સમયમાં સમાજમાં સૌથી વધુ અને તીવ્ર કોઈ અછત હોય તો એ સમયની હોવાનું કહેવાય છે. આમ તો સમય સદીઓથી એટલો જ છે, પરંતુ એ જ નથી. શું થયું સમયને? કયાં ગયો યા જાય છે સમય? આ સવાલના જવાબ આમ તો દરેકના જુદા-જુદા હોઈ શકે. જોકે હાલ આપણો સમય કોણ, ક્યાં, કઈ રીતે ખેંચી જાય છે એ વિશે ચોંકાવનારો અહેવાલ તાજેતરમાં ધ્યાનમાં આવ્યો તો થયું આપણે ક્યાં જઈ રહ્યા છીએ.
હા તો જાણી લો, યુટ્યુબ પર દરરોજ સાત લાખ વિડિયો અપલોડ થાય છે, રોજ અપલોડ થતા આ વિડિયો આપણે રોજનો એક જોઈએ તો એમાં ૮૦ વર્ષ લાગી શકે. દરરોજ ઇન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ ફોટોઝ અને વિડિયોઝ પોસ્ટ થાય છે. આ ઉપરાંત ફેસબુક, લિન્ક્ડઇન, વગેરે પણ કરોડો લોકોનું ધ્યાન ખેંચવા ઉપરાંત તેમને વ્યસ્ત રાખે છે. ગૂગલ રોજના ધોરણે ૮.૫ અબજ સર્ચ પ્રોસેસ કરે છે, ઍક્સ પર રોજ આશરે ૫૦ કરોડ ટ્વીટ પોસ્ટ કરાય છે.
ADVERTISEMENT
આ બધામાંથી કયા માધ્યમ તરફ આપણું ધ્યાન જાય છે એનું સતત નિરીક્ષણ થતું રહે છે. ક્યાં વધુ સમય આપીએ છીએ, શું વધુ સિલેક્ટ કરીએ છીએ, વગેરેની ગણતરી ચોક્કસ પદ્ધતિના આધારે થાય છે, જેને આજના યુગમાં ઍલ્ગરિધમ કહે છે. આપણને કયો રંગ, કયા ફોન્ટ્સ, ગ્રાફિક્સ પસંદ પડશે તેમ જ કયા શબ્દો આપણી સંવેદનાને વધુ ઝંકૃત કરશે, આપણાં ઇમોશન્સ-લાગણીને ઢંઢોળશે એના અભ્યાસ ચાલુ રહે છે અને એ મુજબ આપણને આકર્ષવાની વ્યાપક રસપ્રદ રમત ચાલે છે.
વળી હવે તો રીલ્સ બનાવીને પોસ્ટ કરવાનો ક્રેઝ એ હદ સુધી વધ્યો છે કે લોકો પોતાના તરફ ધ્યાન ખેંચવા પ્રાણ પણ દાવ પર લગાવી દે છે, જ્યાં જુઓ ત્યાં રીલ બનાવતા લોકો જોવા મળે છે. કરોડો લોકો હાથમાં મોબાઇલ રાખી સ્ક્રૉલિંગ અને ક્લિક કરતા રહે છે કારણ કે તેમને પકડી-જકડી રાખવા એવા ફોટા-વિડિયો મુકાતા રહે છે, જે તેમને ઍડિક્ટેડ બનાવી દે છે.
આ માધ્યમોમાં કૉમેડી વિડિયો બહુ ટ્રેન્ડમાં છે. રાજકારણના વિડિયો જાત-જાતની સંવેદના-આક્રોશ પેદા કરી લોકોનાં ઇમોશન્સને ટચ કરતા યા ભડકાવતા રહે છે. વૉટ્સઍપ તો એક યુનિવર્સિટી કે જાયન્ટ ઉદ્યોગ બની ગયો છે જેનાથી વંચિત રહેવાનું લગભગ અસંભવ બન્યું છે. ફિલ્મોના રિવ્યુ, ટીઝર, ટ્રેલર, OTT ફિલ્મો, સિરીઝ, વગેરે એકધારાં ચાલતાં રહે છે. મોટિવેશનલ, રિલિજિયસ, ફિલોસૉફિકલ, સ્પિરિચ્યુઅલ, હેલ્થ, સ્પોર્ટ્સ, બિઝનેસ, માર્કેટ, સહિત અનેકવિધ વિષયો છે,
આપણાં ઇમોશન્સ-લાગણીને ઢંઢોળવા-ખેંચવા અહીં અનેક પ્રકારના આઇડિયા અને વ્યૂહ ગોઠવાતા રહે છે. માસ્ટર માઇન્ડ જેવા સાઇકોલૉજિસ્ટ, માર્કેટિંગ એક્સપર્ટ્સ વગેરે આ કાર્યમાં ૨૪/૭ ડૂબેલા રહે છે. આ બધા મહારથીઓ આપણો સમય લઈ લેવાની અબજો રૂપિયાના બિઝનેસની હરીફાઈમાં છે, આપણે આપણો સમય ક્યાં, કોને અને શા માટે આપવો એ નિર્ણય આપણે નહીં લઈએ તો આપણા નિર્ણય આ લોકો લઈ લેશે.

