આજે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ખૂબ જ ટાર્ગેટ કરવામાં આવે છે. તેમ જ ઇન્સ્ટાગ્રામ પર કેટલાંક ફિશી અકાઉન્ટ પણ હોય છે જે યુઝર્સને ટાર્ગેટ કરીને તેમની પાસે પૈસા પડાવી લેતાં હોય છે.
ટેક ટોક
ઇન્સ્ટાગ્રામ
સોશ્યલ મીડિયા આજે જેટલા લોકોને નજીક લાવે છે અને જેટલો બિઝનેસ કરવામાં મદદ કરે છે એટલું જ એ ખતરનાક પણ છે. સોશ્યલ મીડિયામાં ફોટો શૅરિંગ ઍપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ ખૂબ જ ફેમસ છે. ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ પોતાની જાતને રેપ્રિઝેન્ટ કરવાની સાથે જ એનો ઉપયોગ બિઝનેસ માટે પણ કરી શકાય છે. આજે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ખૂબ જ ટાર્ગેટ કરવામાં આવે છે. તેમ જ ઇન્સ્ટાગ્રામ પર કેટલાંક ફિશી અકાઉન્ટ પણ હોય છે જે યુઝર્સને ટાર્ગેટ કરીને તેમની પાસે પૈસા પડાવી લેતાં હોય છે. તો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને સેફ અને સિક્યૉર રાખવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આટલું કરવાથી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થવાના ચાન્સિસ ખૂબ જ ઓછા થઈ જાય છે. આ સાથે જ હાલમાં ડીપફેક વિડિયો અને ફોટો જે રીતે વાઇરલ થઈ રહ્યા છે એનાથી પણ બચી શકાય છે. ડીપફેક વિડિયો અને ફોટો બનાવવા માટે એ સોશ્યલ મીડિયા પરથી જ લેવામાં આવે છે.
પ્રાઇવેટ અકાઉન્ટ | ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટને પ્રાઇવેટ રાખવું જેથી અજાણી વ્યક્તિને તમારા વિશે માહિતી ન મળી શકે. મેન્યુમાં અકાઉન્ટ પ્રાઇવસીમાં જઈને સૌથી પહેલાં પ્રાઇવેટ અકાઉન્ટ સિલેક્ટ કરવું. ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ જે-તે વ્યક્તિની હોય અને એની ઉંમર ૧૬ વર્ષથી ઓછી હશે તો અકાઉન્ટ ઑટોમૅટિક પ્રાઇવેટ હશે, પરંતુ સોળ વર્ષથી ઉપરની વ્યક્તિ માટે એ પબ્લિક હશે. પબ્લિક હોવાથી હૅકર્સને ફોટો અને વિડિયોની સાથે માહિતીઓ પણ મળી શકે છે. ઉદાહરણ તરીકે યુઝરે તેના ફોટોની સાથે લોકેશન શૅર કર્યું હોય છે. આ લોકેશનમાં બની શકે ઘરનું લોકેશન પણ શૅર કર્યું હોય. આથી હૅકર્સને લોકેશન મળી જશે. ત્યાર બાદ બર્થ-ડેની પોસ્ટ કરી હોય અને કેટલાં વર્ષ થયાં હોય એ પણ શૅર કર્યું હોય તો એ સાથે જ બર્થ-ડે અને વર્ષ પણ મળી જશે. આથી યુઝર્સ માટે પાસવર્ડને ગૅસ કરવું વધુ સરળ થઈ જશે. આથી હંમેશાં પ્રોફાઇલને પ્રાઇવેટ રાખવી, જેથી પર્સનલ ડેટા ન મળે.
ADVERTISEMENT
બ્લૉક કરવું | ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ અકાઉન્ટની રિક્વેસ્ટ આવે તો એ કોનું છે એ જાણ્યા વગર એનો સ્વીકાર ન કરવો. બની શકે યુઝર્સ જે વ્યક્તિને ઓળખતો હોય એની પ્રોફાઇલ હોય, પરંતુ એ ફેક પ્રોફાઇલ હોય. આથી હંમેશાં એ જે-તે વ્યક્તિની જ છેને એ જાણી લેવું. તેમ જ તેની પોસ્ટ અને બિહેવિયર અને તેની કમેન્ટ પરથી પણ ખબર પડી શકે છે કે એ જે-તે વ્યક્તિ છે કે ફેક અકાઉન્ટ. જો ફેક અકાઉન્ટ લાગે તો એને સીધું બ્લૉક કરી દેવું. તેમ જ અકાઉન્ટને રિસ્ટ્રિક્ટેડ રાખવું. દરેક વ્યક્તિ કમેન્ટ ન કરી શકે એ માટે અકાઉન્ટ રિસ્ટ્રિક્ટેડ રાખવું. આ સેફ્ટી માટે ખૂબ જ જરૂરી છે. બ્લૉક કરવામાં ન આવે અથવા તો રિસ્ટ્રિક્ટ કરવામાં ન આવે તો યુઝર લિન્ક અથવા તો મેસેજ કરીને ડેટા મેળવી શકે છે. આથી તેમની વાતમાં આવવા કરતાં સીધું બ્લૉક કરી દેવું વધુ યોગ્ય છે. કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં આવી રહ્યો હોય અથવા તો એના જેવી અન્ય કોઈ પણ બાબતમાં પડવા કરતાં એનાથી દૂર રહેવું વધુ યોગ્ય છે.
અકાઉન્ટ હૅક થાય ત્યારે શું કરવું? | અકાઉન્ટ હૅક થયું હોય એવું લાગે તો સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ દ્વારા શું ઈ-મેઇલ આવી છે એ ચેક કરવી. મોટા ભાગે અકાઉન્ટમાં અનયુઝ્અલ ઍક્ટિવિટી થાય તો ઇન્સ્ટાગ્રામ તરફથી ઈ-મેઇલ આવે છે. જો ઈ-મેઇલ આવી હોય તો એમાં કન્સર્ન દેખાડી આગળ પ્રોસેસ કરવી. ઇન્સ્ટાગ્રામ પાસેથી લૉગ ઇન લિન્ક રિક્વેસ્ટ અથવા તો સિક્યૉરિટી કોડ માટે રિક્વેસ્ટ કરવી. ત્યાર બાદ સિક્યૉર ઈ-મેઇલ ઍડ્રેસ આપી ઇન્સ્ટાગ્રામનો સપોર્ટ લેવો. આ સાથે જ વિડિયો સેલ્ફી અથવા તો અન્ય ફિઝિકલ એવિડન્સ દ્વારા વેરિફાઇ કરાવવું જેથી પોતાનું અકાઉન્ટ પોતાને ફરી મળી શકે.
અકાઉન્ટ સિક્યૉરિટી | ઇન્સ્ટાગ્રામ પર જ્યારે પણ કોઈ અનયુઝ્અલ ઍક્ટિવિટી થાય ત્યારે સૌથી પહેલાં પાસવર્ડ રીસેટ કરવો. પાસવર્ડમાં ક્યારેય પણ બર્થ-ડે, બર્થ યર અથવા તો પોતાના નામનો ઉપયોગ ન કરવો. તેમ જ સ્મૉલ લેટર, કૅપિટલ લેટર, ન્યુમરિક લેટર અને સિમ્બૉલિક લેટર દરેકનો ઉપયોગ કરવો. @નો ઉપયોગ કરવાનું ટાળવું, કારણ કે મોટા ભાગના યુઝર એનો ઉપયોગ કરતા હોય છે. આ સાથે જ ટૂ-ફૅક્ટર ઑથેન્ટિકેટર અનેબલ કરવું. આ અનેબલ કરતાં નવા લૉગ ઇન દરમિયાન પાસવર્ડ એન્ટર કરવા છતાં પણ ઓટીપી માગશે. આથી પાસવર્ડ મળી ગયો હોવા છતાં પણ ઓટીપી ન મળતાં લૉગ ઇન કરવું મુશ્કેલ બની શકે છે. કૉન્ટૅક્ટ ઇન્ફર્મેશન જેવી કે ઈ-મેઇલ અને મોબાઇલ નંબરને વેરિફાઇ કરીને રાખવી જેથી એના પર જ કૉન્ટૅક્ટ કરવામાં આવે. અકાઉન્ટમાં કેટલા ડિવાઇસમાં લૉગ ઇન છે અને કઈ જગ્યાએથી એને ઑપરેટ કરવામાં આવી રહ્યું છે એ પણ દેખાડવામાં આવશે. આથી પોતાના મોબાઇલ સિવાયના દરેક લૉગ ઇનને લૉગ આઉટ કરી દેવું. તેમ જ થર્ડ-પાર્ટી ઍપ્લિકેશનમાં ઇન્સ્ટાગ્રામ લૉગ ઇન હોય તો એ પરમિશન પણ કાઢી નાખવી. ઘણી ગેમ્સ અથવા તો અન્ય ઍપ્લિકેશનમાં લૉગ ઇન માટે સોશ્યલ મીડિયા અકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવાનું ટાળવું. કોઈ પણ થર્ડ-પાર્ટી ઍપ્સ માટે ફક્ત ઈ-મેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરવો નહીં કે સોશ્યલ મીડિયા અકાઉન્ટનો.