આજે નૅશનલ ટેક્નૉલૉજી ડે છે ત્યારે આ પ્રશ્ન પુછાય એ સહજ છે. સ્માર્ટફોનનો ઉપયોગ એ રીતે વધ્યો છે અને સોશ્યલ મીડિયા પર લોકો એ રીતે ગૂંચવાયા છે કે એમાં કોણ કોનો ઉપયોગ કરી રહ્યું છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સમાચાર તાજા છે. નોકિયાએ 3210નું મૉડલ ફરી માર્કેટમાં લૉન્ચ કર્યું છે. ‘ડિજિટલ ડીટૉક્સ’ કરવા માગતા લોકો માટે આ ફોન આશીર્વાદ સમાન છે. જોકે કંપનીએ યુટ્યુબનું ફીચર આમાં રાખ્યું છે જેથી લોકો ‘ડિજિટલ ડીટૉક્સ’ કરી રહ્યા હોય છતાં બોર ન થાય. તમને જાણીને નવાઈ લાગી શકે છે, પણ આ અત્યારનો નવો ટ્રેન્ડ છે. એક તરફ વધુ ને વધુ ઍડ્વાન્સ સ્માર્ટફોન લૉન્ચ થઈ રહ્યા છે ત્યારે એની સામે માર્કેટમાં એવી કંપનીઓ પણ છે જે બાકાયદા ‘ડમ્બ ફોન’ અને ‘બોરિંગ ફોન’ તરીકે જૂના જમાનાના સાદા ફોનને રીલૉન્ચ કરી રહી છે અને એને ખરીદનારો એક નવો વર્ગ પણ છે. આવા બોરિંગ ફોન બનાવતી કંપનીના સ્પોક્સપર્સન એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘અમે આજની પેઢી સાથે વાત કરી ત્યારે અમને રિયલાઇઝ થયું કે પોતાની પાસે રહેલા સ્માર્ટફોનને કારણે આ પેઢીને ડિસ્ટ્રૅક્ટ થવાની આદત પડી ગઈ છે, પરંતુ એ પછીયે તેઓ સંપૂર્ણ ફોન વિનાના રહેવા નથી માગતા. આવા લોકો ‘ધ બોરિંગ ફોન’ પાસે રાખીને વાસ્તવિક જીવન સાથે વધુ તાલમેલ સાધી શકશે અને કનેક્ટેડ પણ રહી શકશે.’