એક અંદાજ મુજબ ભારતમાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ફેકલ્ટીઝમાં કામ કરનારી સ્ત્રી સાયન્ટિસ્ટની સંખ્યા પુરુષોની સરખામણીમાં ૧૩ ટકા જ છે. આજે જાણીએ સ્ત્રી સાયન્ટિસ્ટો પાસેથી કે સ્ત્રીઓને સાયન્સમાં આગળ વધવામાં શું નડે છે
ઇન્ટરનૅશનલ ડે ઑફ વિમેન ઍન્ડ ગર્લ્સ ઇન સાયન્સ
પ્રતીકાત્મક તસવીર
૧૧-૧૨મા ધોરણની સાયન્સની ફી બે લાખ રૂપિયા છે. માર્ક્સ આવ્યા તો ઠીક નહીંતર સેલ્ફ-ફાઇનૅન્સ કૉલેજમાં ઍડ્મિશન કેટલું મોંઘું થાય! તું ભણવામાં હોશિયાર છે. મૅથ્સ તારું ખૂબ સ્ટ્રૉન્ગ છે પણ તારા ભણવામાં આટલો ખર્ચો કરીશું તો લગ્ન કેમ કરાવીશું? એના કરતાં તું કૉમર્સ કે આર્ટ્સ લઈ લે એ જ બરાબર છે.
ફિઝિક્સમાં ગ્રૅજ્યુએશન કર્યું છે એ બહુ થઈ ગયું. છતાં તેં જીદ કરી એટલે પોસ્ટ-ગ્રૅજ્યુએશન પણ કરવા દીધું. હવે જો, તારી જીદનું પરિણામ. આપણી જ્ઞાતિમાં છોકરા મળતા જ નથી તારા જેટલું ભણેલા. હવે રે આખી જિંદગી કુંવારી.
ADVERTISEMENT
તારી લેક્ચરરની જૉબમાં જ એટલું કામ છે કે એની સાથે તને પીએચડી કરવાનું સૂઝે છે જ કઈ રીતે? ઘર પર ધ્યાન આપ. ઘરનાં કામ છોડીને રિસર્ચ કરવાની ગાંડી વાતો ન કર.
આ વખતનું પ્રમોશન પણ હાથમાંથી ગયું. મારાં ક્વૉલિફિકેશન અને આવડત બંને મારી સાથે કામ કરતા પુરુષ મિત્ર જેટલાં જ છે પરંતુ તેને પ્રમોશન આપી મારા બૉસ બનાવી દીધા. હું એક સાયન્ટિસ્ટ છું એટલું તેમના માટે પૂરતું નહોતું, હું સ્ત્રી છું એ તેમને આડે આવે છે.
આ પરિસ્થિતિઓ બિલકુલ કાલ્પનિક નથી પરંતુ એકદમ વાસ્તવિક છે. વળી આ એકલદોકલ બનાવો પણ નથી. સમાજના ખૂણેખાંચરે સાયન્સમાં આગળ વધવા ઇચ્છતી સ્ત્રીઓની સમસ્યા ચોક્કસ મળી આવશે. આ પરિસ્થિતિ ફક્ત આપણા દેશમાં જ નથી, સમગ્ર દુનિયામાં છે અને એટલે જ આજના દિવસને ઇન્ટરનૅશનલ ડે ઑફ વિમેન ઍન્ડ ગર્લ્સ ઇન સાયન્સ તરીકે ઊજવવામાં આવે છે. વધુને વધુ છોકરીઓ સાયન્સમાં પોતાનું પ્રદાન આપે અને વિજ્ઞાનનો હાથ પકડીને આગળ વધી શકે એવા હેતુસર આ દિવસ ઊજવવામાં આવે છે.
હાલ ક્યા હૈ?
આપણે એકવીસમી સદીમાં છીએ અને આ આધુનિક યુગમાં જ્યાં સ્ત્રીઓ આટલી આગળ વધી રહી છે ત્યાં આ દિવસની ખરેખર જરૂર છે ખરી? આ પ્રશ્નનો જવાબ આપતાં મૉલેક્યુલર સાઇકિયાટ્રી અને ન્યુરો સાયન્સ પર રિસર્ચ કરનાર તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચનાં ન્યુરોસાયન્ટિસ્ટ પ્રો. વિદિતા વૈદ્ય કહે છે, ‘સાયન્સને તમે સમાજથી અલગ કઈ રીતે પાડી શકો? સમાજમાં જે સ્ત્રીઓની હાલત છે, સાયન્સ પણ સમાજનો જ એક ભાગ છે તો સાયન્સમાં પણ સ્ત્રીઓની આ જ હાલત છે. જો વિશ્વાસ ન આવતો હોય તો સાયન્સ કૉલેજિસમાં જઈને જુઓ. અરે, ફક્ત ગૂગલ પર સાયન્ટિસ્ટ ઇન ઇન્ડિયા ટાઇપ કરીને જુઓ. કેટલી સ્ત્રીઓ આવે છે આ લિસ્ટમાં? એ જ જણાવે છે કે સ્ત્રીઓની સાયન્સમાં શું હાલત છે.’
સમાનતા
સાયન્સમાં સ્ત્રીઓ ઓછી છે એનું એક કારણ જે ઘણા લોકો આપે છે એ અનુસાર સ્ત્રીઓ ખૂબ ભાવનાત્મક હોય છે. તે તાર્કિક વિચારસરણી ધરાવતી નથી એટલે તે આર્ટ્સના વિષયો સારી રીતે કરી શકે પરંતુ ગણિત-વિજ્ઞાન ભણવું તેના બસની વાત નથી. આ કારણ કેટલે અંશે વાજબી છે? આ પ્રશ્નનો કટાક્ષમાં જવાબ આપતાં ન્યુક્લિયર સાયન્સમાં ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના સપોર્ટથી રિસર્ચ કરનાર અને સોફિયા કૉલેજ ફૉર વિમેનના લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષપદે કાર્યરત રહી ચૂકેલાં ડૉ. મેધા રાજ્યાધ્યક્ષ કહે છે, ‘આ વાત કરીને આપણે પુરુષોને અન્યાય કરી રહ્યા છીએ. એ લોકો પણ આર્ટમાં આગળ વધી શકે છે. દુનિયાના બેસ્ટ પેઇન્ટર, મ્યુઝિશ્યન કે કુક પુરુષો જ છે. તેમને પણ ઘરના લોકોની સેવા કરીને કે બાળકોનો ઉછેર કરીને કે જમવાનું બનાવીને આનંદ આવી શકે છે. પણ આપણો સમાજ તેમને એ આનંદ લેવા દેતો નથી. સ્ત્રી હોય કે પુરુ,ષ બંને કોઈ પણ વિષયમાં આગળ વધી શકે છે, કારણ કે બંને એ દૃષ્ટિએ સમાન છે. સાયન્સ પણ એમ જ કહે છે.’
અનુભવ
સાયન્સમાં આગળ વધવામાં કેવી તકલીફો છોકરીઓ ભોગવે છે એનો વ્યક્તિગત અનુભવ જણાવતાં ઝોઓલૉજીમાં ડૉક્ટરેટ થયેલા અને મુંબઈ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ અને અપ્લાઇડ બાયોલૉજીનાં ગાઇડ ડૉ. હેમા રામચન્દ્રન કહે છે, ‘મારી કૉલેજમાં મારી નીચે જે છોકરીઓ રિસર્ચ કરવા માગતી હતી એમાંથી એ જ છોકરીઓ આગળ વધી શકી છે જે ખૂબ ફોકસ્ડ હોય અને જીદ કરીને ભણતી હોય. બાકી ઘણા પેરન્ટ્સ મારી પાસે આવતા અને કહેતા કે મૅડમ, તમારે કારણે મારી છોકરી લગ્ન કરવાની ના પાડે છે. ત્યારે હું તેમને કહેતી કે મેં તેમને ક્યારેય નથી કહ્યું કે લગ્ન ન કરે. તો તેઓ કહેતા કે તમારું રિસર્ચ ૭-૮ વર્ષ ચાલે તો ત્યાં સુધીમાં તેની ઉંમર વધી જાય. લગ્નમાં તકલીફ થાય. હું કહેતી કે લગ્ન પછી રિસર્ચ કેમ ન થાય? પરંતુ એ વાતનો તેમની પાસે કંઈ જવાબ નહોતો. અમુક છોકરીઓ પીએચડી કરતાં-કરતાં નાની-મોટી જૉબ લઈ લેતી, સ્ટાઇપેન્ડ મળતું થઈ જાય એટલે તે પોતાનું રોળવી શકે. માતા-પિતા આ પરિસ્થિતિમાં થોડાં શાંત રહે છે. તકલીફ એ છે કે આજે પણ ભારતમાં હાયર એજ્યુકેશનને સપોર્ટ ઘણો ઓછો મળે છે અને એમાં છોકરી હોય તો મુશ્કેલી વધે છે.’
આ પણ વાંચો : કૅરૅક્ટર થીમવાળી બર્થ-ડે પાર્ટીની બાળક પર અસર શું?
શું કરવું?
આજે ઘણી છોકરીઓ ભણી રહી છે. આગળ વધી રહી છે. સાયન્સ ક્ષેત્રમાં પણ નામ કાઢી રહી છે એટલે બદલાવ તો ચોક્કસ આવ્યો જ છે. પણ હજી ઘણું કરવાનું બાકી છે. સ્ત્રીઓ નાની-મોટી ઘરની અને ઘર બહારની ઘણી લડાઈ લડીને અહીં પહોંચી છે. પોતાની આવડત તેણે ઘણી પુરવાર કરી છે. એ માટે પોતાની અંદર શું બદલાવ લાવવો જરૂરી છે એ સમજાવતાં ડૉ. મેધા રાજ્યાધ્યક્ષ કહે છે, ‘આગળ વધવા માટે સાયન્સ હોય કે બીજું કોઈ પણ ફીલ્ડ, સ્ત્રીઓએ એક વાત સમજવી પડશે. તેણે ‘સુપર વુમન’ના કન્સેપ્ટમાંથી બહાર આવવું પડશે. ઘર, બાળક, કરીઅર, જૉબ, સોશ્યલ લાઇફ બધું એકસાથે કોઈનાથી નથી થતું. તમને હેલ્પની જરૂર પડવાની જ છે. હું બધું કરી લઈશ અને કરવું જ પડશે એ અપેક્ષા સ્ત્રીએ પોતાના પર લાદવી નહીં, એને જતી કરવી. તો ચોક્કસ બદલાવ આવી શકશે.’
તકો ઘણી
ઇસરોમાં ૨૦ વર્ષ કામ કરનાર ગ્રેડ SG લેવલ સુધી પહોંચનારાં સાયન્ટિસ્ટ અંજલિ નાયક હાલમાં નિવૃત્ત છે. આજની પરિસ્થિતિ વર્ણવતાં તેઓ કહે છે, ‘સાયન્સમાં છોકરીઓ ઓછી છે એ વાત સાચી, પરંતુ જે છે એ પણ અમુક પ્રકારના સાયન્સમાં વહેંચાયેલી છે. જેમ કે છોકરીઓ જો સાયન્સ ભણતી હોય તો તે મેડિકલ કે બાયોલૉજીમાં વધુ જોવા મળે અને છોકરાઓ હોય તો એ એન્જિનિયરિંગ, ફિઝિક્સ અને મૅથ્સલક્ષી વિષયોમાં વધુ જોવા મળે છે. આજથી ૩૫ વર્ષ પહેલાં જ્યારે હું એન્જિનિયર બનેલી ત્યારે ધમણગાઉ રેલવે મહારાષ્ટ્રમાં આવેલા મારા ટાઉનમાંની હું પહેલી છોકરી હતી જે એન્જિનિયર થયેલી. એ પછી હું લેક્ચરર તરીકે કામ કરતી જ્યાં મારો પગાર મહિને ૮૦૦૦ રૂપિયા હતો. મને રિસર્ચમાં આગળ વધવું હતું એટલે નોકરી છોડી હું એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ૨૦૦૦ રૂપિયા મહિને સ્ટાઇપેન્ડ લઈને જોડાઈ. આ પ્રકારનું રિસ્ક મેં લીધું, કારણ કે હું સ્પષ્ટ હતી. આ કરવા માટે તમારી અંદર તીવ્ર ઇચ્છા હોવી જરૂરી છે. એ પછી એના આધાર પર મને ઇસરોમાં કામ મળ્યું. આજની તારીખે સાયન્સમાં આગળ વધવા માગતી છોકરીઓએ એ સમજવાનું છે કે કંઈક કરી બતાવવાની ઇચ્છા હોય તો આ એક મોટું ફલક છે. ખૂબ જ બધી તકો ખૂલી ગઈ છે. જરૂર છે તમારી નિષ્ઠાની.’
સમાજમાં બદલાવ
તો આ રીતે સ્ત્રીઓ જો સાયન્સ ભણી એમાં આગળ વધશે તો ભવિષ્યમાં સાયન્સમાં શું બદલાવ જોવા મળી શકે? આ પ્રશ્નનો વાસ્તવિક જવાબ આપતાં ડૉ. મેધા રાજ્યાધ્યક્ષ કહે છે, ‘સાયન્સમાં કોઈ બદલાવ નહીં આવે. વર્ષોથી પુરુષો સાયન્સની દુનિયામાં રિસર્ચ કરી રહ્યા છે અને એમણે ઘણું સારું કામ કર્યું જ છે. સ્ત્રીઓ પણ આ કામ કરશે તો સાયન્સ તો સાયન્સ જ રહેશે પરંતુ સમાજમાં ઘણો બદલાવ આવશે, કારણ કે સમાજની સ્ત્રીઓ વધુ જાગરુક બનશે. તાર્કિક અભિગમ તેમનામાં જન્મશે. અંધશ્રદ્ધા ઘટશે. જેમ આપણે કહીએ છીએ કે એક છોકરાને ભણાવો તો એ છોકરો જ ભણે છે, એક છોકરીને ભણાવો તો તેનું આખું કુટુંબ ભણે છે. એમ છોકરીઓ જો સાયન્સમાં આગળ વધશે તો સમાજમાં બુદ્ધિગમ્ય અને અર્થસભર બાબતોનું સિંચન થશે, જે સમાજને ઉપયોગી સાબિત થશે.’
સપોર્ટ વગર શક્ય નથી
પ્રો. વિદિતા વૈદ્ય :
હું ખૂબ નસીબદાર હતી, કારણ કે મારી મા ડૉક્ટર અને પપ્પા સાયન્ટિસ્ટ હતાં. એટલે તેમણે મને ખૂબ ભણાવી. મારા જીવનસાથીએ પણ ઘરની અને બાળકની જવાબદારી બરાબર મારી સાથે વહેંચી. આ સપોર્ટ વગર કોઈ સ્ત્રી સાયન્સમાં તો શું, બીજે ક્યાંય આગળ ન વધી શકે.
ડૉ. હેમા રામચંદ્રન :
મારું બાળક નાનું હતું ત્યારે હું તેને ક્રેશમાં રાખીને જતી. ત્યારે ત્રણ જ મહિનાની મૅટરનિટી લીવ મળતી. મારાં માતા-પિતાનો ઘણો સપોર્ટ હતો. તેઓ મારા બાળકનું ખાસ્સું ધ્યાન રાખતાં. એટલે હું કરી શકી.
મેં લગ્ન નથી કર્યાં અને એ મારો સમજીવિચારીને લીધેલો નિર્ણય હતો. મારું લક્ષ જીવનમાં જુદું હતું. હું મારાં માતા-પિતા સાથે હતી. તેમનો મને ઘણો સપોર્ટ હતો. મારા પરિવાર અને મિત્રો પણ હંમેશાં મારી પડખે રહ્યા.
ડૉ. મેધા રાજ્યાધ્યક્ષ :
મેં મારાં લગ્ન પછી મારું પીએચડી પતાવ્યું. મારે બે બાળકો છે અને હું સંયુક્ત પરિવારમાં હતી. મારાં સાસુ ખુદ વર્કિંગ વુમન હતાં એટલે એ મારી પરિસ્થિતિ જાણતાં હતાં. મને તેમનો ખૂબ સપોર્ટ મળ્યો છે.