તમારે જે ચીજ જોઈએ છે એની અલગ-અલગ માધ્યમો પર પ્રાઇસ ટ્રૅક કરવાથી લઈને ટ્રસ્ટેડ સ્ટોર શોધવામાં અને કોઈ પણ ઇમેજ પરથી શૉત્રપંગ કરવા માટે આ સર્ચ એન્જિનનો ઉપયોગ કરી શકાય છે
ટેક ટૉક
ગૂગલ શૉપિંગ
લોકો પાસે આજે ખૂબ જ ઓછો સમય છે. આથી તેઓ ટ્રેનમાં કે ઑફિસ જતી વખતે ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન ઑનલાઇન શૉપિંગ કરી લેતા હોય છે. ઑનલાઇન શૉપિંગ કરવાનો ફાયદો પણ એ છે કે બેઠા-બેઠા પ્રોડક્ટ જોઈ શકાય છે અને ઘરેબેઠાં ડિલિવરી કરી શકાય છે. જો પસંદ ન આવે તો એને ફરી રિટર્ન પણ કરી શકાય છે. ઑનલાઇન શૉપિંગ આજે ખૂબ જ જોરશોરમાં ચાલે છે ત્યારે હવે મોટા ભાગની ઑનલાઇન શૉપિંગ વેબસાઇટ તેમના યુઝર્સ માટે વધુ સરળ રહે એ માટે પ્રયત્ન કરી રહી છે. કોઈ પણ વસ્તુ શોધવા માટે સૌથી બેસ્ટ કંઈ હોય તો એ ગૂગલ છે. સ્કૂલના પ્રોજેક્ટથી લઈને પીએચડી માટેના રિસર્ચથી લઈને આસપાસ કોઈ નોકરી છે કે નહીંથી લઈને નવા મોબાઇલનાં ફીચર્સ અને કપડાં દરેક વસ્તુ માટે ગૂગલનો ઉપયોગ કરી શકાય છે. આથી શૉપિંગ દરમ્યાન ગૂગલનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિશે જોઈએ.
સર્ચ રિઝલ્ટને ફિલ્ટર કરવું
ADVERTISEMENT
યુઝર્સે ધારો કે જીન્સ ખરીદવું હોય તો ગૂગલ વેબસાઇટ પર જઈને મેન્સ જીન્સ લખીને સર્ચ કરવાનું રહેશે. ત્યાર બાદ ત્યાં ફિલ્ટરનો ઑપ્શન હશે. આ ફિલ્ટરમાં જઈને રેગ્યુલર ફિટ,
સ્લિમ ફિટ અને સ્કિની જીન્સ અને કમરનું માપ વગેરે પસંદ કરી ફિલ્ટર કરવાનું રહેશે. આ ફિલ્ટર કર્યા બાદ યુઝર્સને એ જ જીન્સ દેખાડવામાં આવશે. ગૂગલ પર શોધવાનો ફાયદો એ છે કે એ દરેક વેબસાઇટ પરથી જીન્સ શોધી યુઝર્સને દેખાડશે. આથી મિન્ત્રા અને ફ્લિપકાર્ટ અને ઍમેઝૉન જેવી વેબસાઇટ પર અલગ-અલગ જઈને શોધવા કરતાં એક જ જગ્યા પર દરેક પ્રોડક્ટની પ્રાઇસ જોઈ શકાશે. તેમ જ દરેક વેબસાઇટ પર જે-તે કંપનીના જીન્સની પ્રાઇસ કેટલી છે એ પણ સર્ચ કરી શકાશે. આ સર્ચ કર્યા બાદ શૉપિંગ ટૅબનો પણ ઑપ્શન જોવા મળશે. એના પર ક્લિક કર્યા બાદ ફરી એક ફિલ્ટર ઑપ્શન આવશે, એમાં લખ્યું હશે કે ગૂગલ પરથી ખરીદવું છે, નજીકના સ્ટોરમાંથી કે પછી સેલમાં કોઈ પ્રોડક્ટ હોય તો એ ખરીદવી છે? આ પસંદ કર્યા બાદ યુઝર્સની જરૂરિયાત મુજબની જ પ્રોડક્ટ સ્ક્રીન પર દેખાડવામાં આવશે.
ઇમેજ દ્વારા પ્રોડક્ટ શોધવી
આજે સોશ્યલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ વધુપડતો થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ તેમની ફૅશનને લઈને પણ પોસ્ટ કરતા હોય છે. આ પ્રકારના કોઈ ફોટો ધ્યાનમાં આવ્યો હોય અને જે-તે જૅકેટ અથવા તો ટૉપ અથવા તો બૅગ યુઝરે ખરીદવી હોય તો એ માટે આ ફીચર ખૂબ જ કામ આવે છે. આ માટે ગૂગલમાં જઈને સર્ચ બારમાં કૅમેરાનું નિશાન હશે એના પર ક્લિક કરવું. એ ક્લિક કર્યા બાદ એમાં જે-તે ફોટો પસંદ કરવો. એ ફોટો પસંદ કર્યા બાદ ગૂગલ સીધું યુઝર્સને એ પ્રોડક્ટ સર્ચ કરીને આપી દેશે. એ પ્રોડક્ટની સાથે એને લગતી અન્ય પ્રોડક્ટ પણ યુઝર્સ સામે રજૂ કરશે જેથી એમાંથી કોઈ પસંદ પડે તો એને સિલેક્ટ કરી શકાય. ઍન્ડ્રૉઇડ અને આઇફોનની સાથે કમ્પ્યુટર પર પણ આ ફીચર્સનો ઉપયોગ કરી શકાય છે.
આ પણ વાંચો : સૌથી સસ્તી કૅબ કે ફ્લાઇટ ટિકિટ બુક કરવા શું કરવું?
ટ્રૅક પ્રાઇસ
ગૂગલ પર કોઈ પણ પ્રોડક્ટ સર્ચ કર્યા બાદ એની આસપાસ કિંમત લખી હશે. એ કિંમતની પાસે એક ડાઉન ઍરો હશે. એના પર ક્લિક કરતાં કઈ-કઈ વેબસાઇટ પર કેટલી પ્રાઇસ છે એ આવશે. આ સાથે જ પ્રાઇસ હિસ્ટરી પણ જોઈ શકાશે. પ્રાઇસ હિસ્ટરી બની શકે દરેક પ્રોડક્ટ માટે ઉપલબ્ધ ન હોય. જોકે પ્રાઇસ હિસ્ટરીમાં આ પ્રોડક્ટની કિંમત કયા સમયે કેટલી હતી એ જોઈ શકાશે. આ હિસ્ટરી નૉર્મલી છેલ્લા ત્રણ મહિના સુધીની હોય છે, પરંતુ અંતે એ પ્રોડક્ટ પર ડિપેન્ડેડ હોય છે. આ પ્રાઇસ પરથી નક્કી કરી શકાય કે એ પ્રોડક્ટની પ્રાઇસ સેલમાં કેટલી ડાઉન ગઈ હતી અને હાલમાં કેટલી છે. આથી એને હાલમાં ખરીદવી કે નહીં એ નક્કી કરી શકાય છે. આ સાથે જ જો ગૂગલ સર્ચમાં અકાઉન્ટ પહેલેથી ઓપન કરીને રાખ્યું હશે તો યુઝર્સને ટ્રૅક પ્રાઇસનો એક ઑપ્શન જોવા મળશે. આ ઑપ્શન પર ક્લિક કરવાથી જે-તે સમયે પ્રાઇસ ઓછી છતાં એની ઈ-મેઇલ યુઝરના અકાઉન્ટમાં આવી જશે અને એ સમયે યુઝર એને ખરીદી શકે છે. આથી એક વાર આ બટન પર ક્લિક કર્યા બાદ યુઝરે એ વારંવાર ધ્યાન રાખવાની જરૂર નથી. ગૂગલ પોતે યુઝરને એ યાદ કરાવી દેશે. આ સાથે જ અકાઉન્ટ ઓપન હોય તો જે-તે પ્રોડક્ટને ગૂગલ ક્લેક્શનમાં સેવ પણ કરી શકાય છે અને એને કોઈ પણ મશીન પર અકાઉન્ટ ઓપન કર્યા બાદ જોઈ શકાય છે.
ટ્રસ્ટેડ સ્ટોર
ઑનલાઇન શૉપિંગ કરવી જેટલી સહેલી છે એટલી જ રિસ્કી પણ છે. આથી દરેક વેબસાઇટ દ્વારા તેમના કેટલાક ટ્રસ્ટેડ સ્ટોર્સનું નામ અલગથી આપવામાં આવે છે. આથી ટ્રસ્ટેડ સ્ટોરના કારણે યુઝરનો છેતરાવાનો ચાન્સ નહીંવત્ હોય છે. ગૂગલ પર પણ આ ટ્રસ્ટેડ સ્ટોર હોય છે. ગૂગલ આ માટે કેટલાક સ્ટોરને આ બૅજ આપે છે. આ માટે એ સ્ટોર દ્વારા ફાસ્ટ ડિલિવરી, સારી રિટર્ન પૉલિસી અને વધુ જેન્યુઇન અને સારા રિવ્યુ હોવા જરૂરી છે. આ તમામ કૅટેગરીમાં બંધ બેઠાં બાદ જ ગૂગલ જે-તે સ્ટોરને આ બૅજ આપે છે. આથી કોઈ નવી કંપની કે સ્ટોર શરૂ કરનારને આ બૅજ તરત નથી મળતો. આ જ કારણ છે કે આ પ્રકારના ટ્રસ્ટેડ સ્ટોર પરથી જો ખરીદી કરવામાં આવે તો યુઝરના છેતરાવાના ચાન્સ નહીંવત્ રહે છે.