Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ફૅન્ટસી સ્પોર્ટ્‍સ એટલે સટ્ટાનો ચક્રવ્યૂહ?

ફૅન્ટસી સ્પોર્ટ્‍સ એટલે સટ્ટાનો ચક્રવ્યૂહ?

Published : 13 April, 2025 03:51 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

મેદાન પર રમતા ખેલાડીઓને લઈને તમારી કલ્પનાની ટીમ બનાવવાનું આમંત્રણ આપતી અને ઑનલાઇન ગેમમાં જીતવાની લાલચ આપતી મોબાઇલ ઍપ્લિકેશન્સના ભરડામાં ફસાયા તો બરબાદ થયા સમજજો

ફૅન્ટસી સ્પોર્ટ્‍સ એટલે સટ્ટાનો ચક્રવ્યૂહ?

ફૅન્ટસી સ્પોર્ટ્‍સ એટલે સટ્ટાનો ચક્રવ્યૂહ?


ક્રિકેટ અને બીજી અનેક રમતોના ખેલાડીઓને રમતા જોવાના ક્રેઝ ઉપરાંત હવે આ ખેલાડીઓ સાથેની કાલ્પનિક ટીમો બનાવીને મેદાનની બહાર ઑનલાઇન રમવાની એક ગજબની ઘેલછા લોકો પર સવાર થઈ છે. આ ઘેલછા ઊભી કરી છે ફૅન્ટ્સી સ્પોર્ટ્સની જુદી-જુદી મોબાઇલ ઍપ્લિકેશને. Dream11, MY11Circle, BalleBaazi, Howzat કે Mobile Premier League જેવાં નામ લેવામાં આવે તો તમે તરત કહેશો કે હા, ખબર છે. આ બધી મોબાઇલ ગેમ્સને ફૅન્ટસી ગેમિંગ ઍપ્સ કહેવામાં આવે છે.


આમ તો આ બધી ઍપ્લિકેશન્સ અલગ-અલગ છે, પરંતુ એમનું ફૉર્મેટ અથવા હાર-જીતની શરતો અને બીજી બધી બાબતો લગભગ એકસરખી જ છે. મૂળતઃ આવી બધી ઍપ્લિકેશન્સમાં તમારે X અમાઉન્ટ ભરીને મેમ્બર થવાનું હોય છે. ત્યાર બાદ ક્રિકેટપ્રેમી તો તમે છો જ. આથી તમારે વાસ્તવિક ગેમ અને એના ખેલાડીઓના આધારે તમારા ગમતા ખેલાડીઓને લઈને એક વર્ચ્યુઅલ ટીમ બનાવવાની હોય છે, જેમાં કૅપ્ટન અને વાઇસ કૅપ્ટન પણ બનાવવાના હોય છે. ત્યાર બાદ એ ખેલાડીઓ વાસ્તવમાં રમાતી ક્રિકેટ મૅચમાં જે રીતે પ્રદર્શન કરે એ પ્રમાણે તમને પૉઇન્ટ્સ મળે, જે અનુસાર તમે લગાડેલા પૈસાની હાર-જીત થાય. મોટી-મોટી બધી ઍપ્લિકેશન્સમાં આ જ રીતે રમવાનું હોય છે. અહીં સુધી તો બધું સારું-સારું અને સરળ જણાય છે; પરંતુ દરેક ઍડ્વર્ટાઇઝમેન્ટની નીચે પેલો સ્ટાર માર્ક આવેને, કન્ડિશન્સ અપ્લાયવાળો, એ જ રીતે આ સામાન્ય જણાતી બાબતમાં ઘણીબધી હિડન કન્ડિશન્સ છે જે ઓછે-વધતે અંશે આપણને બધાને જ અને આપણા સમાજને પણ મોટી અસર કરી રહી છે.



આપણે આપણી આ આખી વાતમાં Dream11ના ઉદાહરણ સાથે વાત કરીએ તો આ ઍપ્લિકેશનમાં પાંચ રૂપિયાના મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ સાથે તમે ભાગ લઈ શકો છો. ત્યાર બાદ સામાન્ય કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે મિનિમમ ૧૦ રૂપિયા અને કેટલીક મેગા કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે ૪૯ રૂપિયા ભરવાના હોય છે. આ કૉન્ટેસ્ટ બે રૂપિયાથી શરૂ કરીને ૨૦,૦૦૦ રૂપિયા સુધી અને મિનિમમ એન્ટ્રી-ફી પાંચ રૂપિયાથી શરૂ કરી ૧૦,૦૦૦ રૂપિયા સુધીની હોય છે.


ટોચના ક્રિકેટરો અને ફિલ્મસ્ટારો પ્રમોટ કરે છે ફૅન્ટસી સ્પોર્ટ‍્સને.

Dream11ની જન્મકુંડળી


ભારતની એક જાણીતી રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા કંપની જય કૉર્પના માલિક આનંદ જૈન તેમના દીકરાને એન્જિનિયરિંગ ભણવા માટે પેન્સિલ્વેનિયાની જાણીતી યુનિવર્સિટીમાં મોકલે છે. દીકરો એન્જિનિયર થઈને પાછો આવે છે ત્યારે પિતા ફરી એક વાર તેને MBA કરવા માટે કોલંબિયાની બિઝનેસ સ્કૂલમાં જવા કહે છે જેથી આટલા ભણતર પછી દીકરો તેમના બિઝનેસનો લાયક વારસદાર બની શકે. તે દીકરાનું નામ હર્ષ જૈન. દીકરાને પહેલેથી જ ક્રિકેટમાં જબરદસ્ત રસ. આથી ભણતર પૂરું કરીને આવેલા દીકરાએ પિતાના બિઝનેસમાં જોડાવા કરતાં પોતાનું એક સ્ટાર્ટઅપ શરૂ કરવા વિચાર્યું. ભાવિત શેઠ નામના પોતાના એક મિત્રની સાથે તેણે ૨૦૦૮ની સાલમાં એક મોબાઇલ ઍપ્લિકેશન સાથે સ્ટાર્ટઅપ શરૂ કર્યું. નામ આપ્યું Dream11.

શરૂઆતમાં તેમના સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હર્ષ જૈન અનેક રોકાણકારોને મળ્યા, પરંતુ લગભગ ૧૫૦ જેટલા રોકાણકારોને મળવા છતાં વાત બની નહીં. તે બધાએ જ હર્ષને તેના સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા માટે ના કહી દીધી. એવું કહીને રોકાણકારોએ હર્ષ જૈનને કાઢી મૂક્યા કે આ તો એક બેટિંગ ઍપ્લિકેશન છે, આ એક સટ્ટા-કંપની છે અને ભારતમાં એ ગમે ત્યારે બૅન થઈ શકે છે. તે જ હર્ષ જૈને ભવિષ્યમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બરાબર સામે ૭૮ કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું અને ત્યાર બાદ હમણાં એટલે કે ૨૦૨૫માં મુંબઈના મલબાર હિલ પર ૧૩૮ કરોડનું એક નવું ઘર ખરીદ્યું. કઈ રીતે? વાત રસપ્રદ છે અને એની પાછળની વાસ્તવિકતા વિશે આપણે આગળ વાત કરીશું.

તો હમણાં આપણી વાતને આગળ વધારીએ તો જેમ-તેમ કરીને કંપની ચલાવ્યે રાખી અને ૨૦૧૨ની સાલમાં આ બન્ને મિત્રોએ પોતાની મોબાઇલ ઍપ્લિકેશનમાં ‘ફ્રિમિયમ ફૅન્ટસી સ્પોર્ટ્સ’ તરીકે ક્રિકેટના ઘેલાઓ માટે એક ટુર્નામેન્ટ ફૉર્મેટ શરૂ કર્યું અને બસ માત્ર બે જ વર્ષમાં તો Dream11ના એક મિલ્યન એટલે કે ૧૦ લાખ જેટલા રજિસ્ટર્ડ યુઝર્સ બની ગયા. ક્રિકેટ અને એના અંગેનું ભારતીયોનું ગાંડપણ હર્ષ અને ભાવિત બરાબર સમજતા હતા. બીજા બે વર્ષમાં રજિસ્ટર્ડ યુઝર્સનો આ આંકડો બે મિલ્યન પર પહોંચી ગયો. અર્થાત્, ૨૦૧૬ની સાલ આવતા સુધીમાં Dream11 પાસે ૨૦ લાખ લોકો એવા હતા જેઓ ‘ફ્રિમિયમ ફૅન્ટસી સ્પોર્ટ‍્સ’ રમતા હતા. ત્યાર પછીનાં બે વર્ષ તો બાપ રે, ગ્રોથ નહીં આસમાની કૂદકો હતો કૂદકો. ૨૦૧૮ સુધીમાં Dream11ના રજિસ્ટર્ડ યુઝર્સનો આંકડો છેક ૪૫ મિલ્યન સુધી એટલે કે સાડાચાર કરોડ પહોંચી ગયો. જે એન્જલ ઇન્વેસ્ટર્સે હર્ષની કંપનીમાં રોકાણ કરવાની ના કહી હતી તેમને સમજાઈ ગયું હતું કે તેમણે કેટલી મોટી તક ગુમાવી છે. ૨૦૧૯ની સાલમાં સ્ટેડવ્યુ કૅપિટલ નામની કંપનીએ પોતાના સેકન્ડરી ઇન્વેસ્ટમેન્ટનો ઇન્સ્ટૉલમેન્ટ પૂરો કર્યો અને એની સાથે જ Dream11માં બીજા અનેક ઇન્વેસ્ટર્સ જોડાયા.

હવે કંપનીમાં ફન્ડ આવી ચૂક્યું હતું. નવું કંઈક લૉન્ચ કરવાનો આ જ યોગ્ય સમય હતો. Dream11એ ૨૦૧૯માં ફૅનકોડ નામનું, વચ્ચે-વચ્ચે આવતી ઍડ્વર્ટાઇઝમેન્ટ્સની ખલેલ વિના રમી શકાય એવું સ્પોર્ટ્‍સ ઍગ્રિગેટર પ્લૅટફૉર્મ લૉન્ચ કર્યું જેના દ્વારા યુઝર્સને કન્ટેન્ટ, કૉમર્સ અને કમ્યુનિટી બધું જ મળતું હતું. ત્યાર બાદ ૨૦૨૧માં તેમણે ટોચની ઇન્વેસ્ટર કંપનીઓ પાસેથી ૮૪૦ મિલ્યન ડૉલરનું અધધધ ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું. તમને શું લાગે છે? આટલું મોટું રોકાણ માત્ર મોબા​ઇલ યુઝર્સને કોઈક મોબાઇલ ગેમ રમાડવા માટે થયું? પડદાની આગળનો જવાબ ચોક્કસ જ ‘હા’ છે, પરંતુ પડદા પાછળની રિયલિટી? તો જવાબ ‘ના’ છે. Dream11ને આટલું બધું મોટું રોકાણ મળ્યું અને તેમની ઍપ્લિકેશન આટલી સફળતાથી આજે ચાલી રહી છે કારણ કે વાસ્તવમાં આટલા બધા યુઝર્સ આ ઍપ્લિકેશન પર માત્ર કોઈ ગેમ રમવા નહીં પરંતુ સટ્ટો કરવા માટે આવતા હતા.

ભારતમાં ડીમૅટ અકાઉન્ટ્સથી વધારે સબસ્ક્રાઇબર્સ

આપણે આગળ કહ્યું કે ૨૦૧૮ સુધીમાં Dream11ના રજિસ્ટર્ડ યુઝર્સનો આંકડો સાડાચાર કરોડ સુધી પહોંચી ગયો હતો. આજે ૨૦૨૫ છે. એક અંદાજ મૂકી શકો છો કે હમણાં Dream11ના રજિસ્ટર્ડ યુઝર્સનો આંકડો શું હશે? અંદાજે ૨૫ કરોડ. એની સામે શૅરમાર્કેટમાં રોકાણ કરનારા એટલે કે ડીમૅટ અકાઉન્ટહોલ્ડર્સ કેટલા હશે, કંઈક અંદાજ? ઑક્ટોબર ૨૦૨૪માં જાહેર થયેલા આંકડાઓ અનુસાર ભારતમાં કુલ ૧૭૯ મિલ્યન અર્થાત્ ૧૭.૯ કરોડ જેટલાં ડીમૅટ અકાઉન્ટહોલ્ડર્સ છે અને એક અંદાજ અનુસાર Dream11 IPL સીઝન દરમ્યાન એક અઠવાડિયામાં અંદાજે પચીસ લાખ જેટલા નવા યુઝર્સ મેળવે છે. મતલબ કે એક મહિનામાં અંદાજે એક કરોડ. આ સિવાય ફુટબૉલ, કબડ્ડી કે બીજી રમતોની ક્લબમૅચો દરમ્યાન બનતા નવા સબસ્ક્રાઇબર્સ તો અલગ.

ફાઇનૅન્શિયલ ઍનૅલિસિસ કરનારી વિશ્વભરમાં જાણીતી એવી કંપની ડેલૉઇટે ૨૦૨૨ની સાલમાં ફૅન્ટસી સ્પોર્ટ‍્સ ઇન્ડસ્ટ્રી અંગે એક અંદાજ બહાર પાડ્યો હતો. એ અનુસાર ભારતમાં આ ઇન્ડસ્ટ્રી લગભગ ૩૪,૦૦૦ કરોડ રૂપિયાની છે અને એ ત્રણ વર્ષમાં ૩૨ ટકાના વાર્ષિક કમ્પાઉન્ડ ગ્રોથ સાથે આગળ વધી રહી છે. એટલું જ નહીં, ડેલૉઇટનું માનવું હતું કે આવનારાં બે કે ત્રણ વર્ષમાં જ આ ઇન્ડસ્ટ્રીને ૧૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલું ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મળશે એવો અંદાજ છે. તો હવે પ્રશ્ન એ થશે કે આમ Dream11નું વૅલ્યુએશન કેટલું હશે? નવેમ્બર ૨૦૨૧માં થયેલા વૅલ્યુએશન અનુસાર (અર્થાત્ આજથી ચાર વર્ષ પહેલાં) કંપનીનું વૅલ્યુએશન ૮ બિલ્યન ડૉલર મતલબ કે ૬૮,૮૮૪ કરોડ રૂપિયા જેટલું હતું.

તો એમાં ખોટું શું છે?

ના, ખોટું કંઈ જ નથી. ભારતની કોઈ કંપની આટલા જબરદસ્ત ગ્રોથરેટ સાથે આગળ વધે એમાં કશું જ ખોટું નથી. જો કંઈક ખોટું હોય તો એ છે સમાજ પર એની અસર, ગેમ્સ પર અસર, યુવાધન પર થતી અસર. વાત કંઈક એવી છે કે આવી ફૅન્ટસી ગેમ્સ એમના યુઝર્સને ગેમના નામે વેલપ્લાન્ડ સટ્ટો રમાડે છે. મહાભારત જેવા મહાન ગ્રંથને કારણે આપણે હવે એ કહેવાની જરૂર નથી કે સટ્ટાનાં સારાં-નરસાં પરિણામો શું હોય છે.

વાત કંઈક એવી છે કે આવી મોબાઇલ ઍપ્લિકેશન્સ ૪૯ રૂપિયા જેટલી નજીવી રકમથી યુઝરને પોતાની ડ્રીમ ટીમ બનાવવા માટે પ્રેરે છે. ત્યાર બાદ એમાં પૉઇન્ટ્સ સિસ્ટમ દ્વારા એ યુઝરને તેની ટીમના ખેલાડીઓના વાસ્તવિક પ્રદર્શન અનુસાર પૉઇન્ટ્સ આપે છે અને એ પૉઇટ્સના આધારે જે વ્યક્તિ પ્રથમ સ્થાને આવે તેને બમ્પર ઇનામ જિતાડે છે. કોઈ એકાદ જીતનારા એ વીરલાનું નામ, ઑડિયો અને વિડિયો વારંવાર યુઝર્સને દેખાડી વધુ ને વધુ ગેમ રમવા માટે પ્રેરે છે અને આ રીતે જીતવાની ઠગારી આશાનું તણખલું પકડીને યુઝર સતત એમાં પૈસા લગાડતો જ રહે છે.

એક્ઝૅક્ટ એક્ઝામ્પલ

આ આખી માયાજાળને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો સમજાશે કે આવી બધી જ ફૅન્ટસી સ્પોર્ટ્સ ઍપ્લિકેશનનો મૂળ આશય અને એની પાછળની મૂળ ગેમ શું છે, એ કઈ રીતે કામ કરે છે. ઉદાહરણ પહેલાં માત્ર એક-બે આંકડાઓ યાદ રાખી લેજો કે આવી ૧૦-૧૨ મોબાઇલ ઍપ્લિકેશન્સમાંથી માત્ર એક Dream11નો જ સબસ્ક્રાઇબર્સનો આંકડો જે આપણે જોયો એ ૨૫૦ મિલ્યનનો એટલે કે ૨૫ કરોડ જેટલો છે.

હા, તો ધારો કે એક કરોડ લોકો માત્ર ૪૯ રૂપિયા ભરીને ટુર્નામેન્ટ રમે છે તો કંપનીને મળે છે ૪૯ કરોડ રૂપિયા. એમાંથી કંપની કોઈ એક પ્રથમ વિજેતાને એક કરોડ રૂપિયા જિતાડે છે. ટૉપ ટેનમાંથી બાકીના નવ ખેલાડીઓમાં કોઈકને ૫૦ લાખ, કોઈકને ૨૫ લાખ, કોઈકને ૧૦ તો કોઈકને પાંચ લાખ અને કોઈકને પાંચ હજાર. આ રીતે ધારો કે જીતેલા ખેલાડીઓને ૪૯ કરોડમાંથી ૯ કરોડ રૂપિયા વહેંચી દેવામાં આવે તો પણ બાકી બચ્યા ૪૦ કરોડ. તો હવે ખરેખર તો પ્રશ્ન એ થવો જોઈએ કે આ બધાથી ૧૩૮ કરોડનું નવું ઘર ખરીદનારા હર્ષ જૈન કેટલા પૈસા કમાતો હશે? ભારત સરકાર કેટલા કમાતી હશે અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) કેટલા કમાતું હશે? હવે ઑફિશ્યલી તો આ બધાની કમાણી કે પર્સન્ટેજનો હિસ્સો કોઈ જાહેર કરતું નથી એટલે આપણે એક અંદાજ મૂકવો પડે. તો ચાલો એક અંદાજ માંડીએ. ૪૦ કરોડમાંથી ૩૦ ટકા જેટલો ટૅક્સ સરકારના હિસ્સે જતો હશે. અર્થાત્ ૧૨ કરોડ રૂપિયા. બાકી બચ્યા ૨૮ કરોડ. એમાંથી વાસ્તવિક ગેમ રમાડતા BCCIનો હિસ્સો હોય છે ૧૦થી ૨૦ ટકા જેટલો. આપણે ૧૫ ટકા પણ ગણીએ તો ૬ કરોડ. આ રકમ મળશે BCCIને અને બાકી બચ્યા બાવીસ કરોડ જે કંપનીના હિસ્સે જાય છે.

અચ્છા, એમાં પણ વળી ખેલાડીઓમાં જે ૯ કરોડ વહેંચાયા છે એમાં પણ ૨૮ ટકા ટૅક્સ અને સરચાર્જ મળીને કુલ ૩૦ ટકા કરતાં વધુ તો સરકાર ટૅક્સ તરીકે લઈ લેશે. મતલબ કે એ ૯ કરોડમાંથી પણ સરકારને મળ્યા ૨.૭ કરોડ રૂપિયા. અર્થાત્ સરવાળે એક ખેલાડીના ૪૯ રૂપિયામાંથી કંપની, સરકાર અને બોર્ડ બધા ભાગીદારીમાં લાખો કરોડો રૂપિયા કમાય છે અને ખેલાડીને શું?

જીતશો ખરા? કઈ રીતે?

હવે અંગત દૃષ્ટિએ વિચારીએ તો અહીં બેટિંગ કે ગેમ તો માત્ર ૪૯ રૂપિયાની જ છે. આથી કુલ ખેલાડીઓમાંથી ૭૦ ટકા ખેલાડીઓ પોતાની એક કરતાં વધુ વર્ચ્યુઅલ ટીમ બનાવે છે જેથી પોતાની જીતવાની સંભાવના વધુ ને વધુ રહે. ધારી લો કે દરેક ખેલાડી પોતાની ત્રણ વર્ચ્યુઅલ ટીમ બનાવતો હશે. અર્થાત્ IPLની દરરોજની એક મૅચ દરમ્યાન આપણા ઉદાહરણ પ્રમાણેના ૧ કરોડ ખેલાડીઓએ પ્રતિ ટીમ ૪૯ રૂપિયા પ્રમાણે ૧૪૭ રૂપિયા લગાવ્યા છે. હવે આની પાછળનું ગણિત સમજો. કોઈ પણ ખેલાડીએ રમનારી બે ટીમમાંથી કુલ ૧૧ ખેલાડી ભેગા કરીને પોતાની એક વર્ચ્યુઅલ ટીમ બનાવવાની હોય છે, બરાબર? હવે જો તમે બન્ને ટીમના કુલ બાવીસ ખેલાડીઓમાંથી ૧૧ની ટીમ બનાવવાનાં બધાં કૉમ્બિનેશન ભેગાં કરીને ગણતરી કરો તો કુલ ૭,૦૫,૪૩૨ જેટલાં કૉમ્બિનેશન થાય છે. ત્યાર બાદ વળી એમાં કૅપ્ટન અને વાઇસ કૅપ્ટન પણ બનાવવાના હોય છે. તો હવે ૧૧ ખેલાડીઓની બનેલી એ વર્ચ્યુઅલ ટીમમાં જ કૅપ્ટન અને વાઇસ કૅપ્ટનનાં કુલ ૧૧૦ કૉમ્બિનેશન બને છે. હવે આ ૧૧૦ કૉમ્બિનેશનને આગળનાં ૭,૦૫,૪૩૨ કૉમ્બિનેશન સાથે ગુણાકાર કરવામાં આવે તો આંકડો આવે ૭,૭૫,૯૭,૫૨૦. અર્થાત્ કૉમ્બિનેશનનો આ કુલ આંકડો ૭.૫ કરોડ કરતાંય મોટો છે. એનો અર્થ એ થયો કે જો કોઈ એક યુઝરે જીતવું હોય તો તેણે કમસે કમ ૭.૭૫ કરોડ ટીમ બનાવવી પડે. એટલું જ નહીં, એમાં પણ હજી એક ટ્વિસ્ટ તો આપણે ગણ્યો જ નથી. ધારો કે કૅપ્ટન અને વાઇસ કૅપ્ટનને ઇન્ટરચેન્જ કરવામાં આવે તો? અંદાજ માંડો કે નવાં કેટલાં કૉમ્બિનેશન થશે? આ બધી ગણતરી ભેજું દુખાવનારી કે નહીં સમજણમાં આવનારી પણ લાગતી હોય તો સાવ સામાન્ય ભાષામાં એટલું સમજી લો કે આવી ફૅન્ટસી ગેમમાં તમારા જીતવાના ચાન્સિસ ૦.૦૦૦૦૦૦૬૬૭ ટકા કરતાંય ઓછા છે. અર્થાત્, આના કરતાં તો કદાચ તમે કોઈ એક દેશના વડા પ્રધાન બની શકો એની શક્યતાના પર્સન્ટેજ વધુ છે.

કાયદો કેમ કંઈ નથી કરતો?

ભારતમાં સટ્ટાને રોકતો બ્રિટિશ સમયનો એક કાયદો છે પબ્લિક ગૅમ્બલિંગ ઍક્ટ-૧૮૬૭. આ કાયદા અનુસાર ભારતમાં સાર્વજનિકરૂપે જુગાર કે સટ્ટો રમવો કે રમાડવો અપરાધ છે. જોકે આ કાયદામાં જુગાર કે સટ્ટાની જે વ્યાખ્યા કરવામાં આવી છે એ કંઈક એવી છે જેના વિશે હોશિયાર બિઝનેસમેનોએ ખૂબ સરળતાથી એક છટકબારી શોધી લીધી. આ કાયદા અનુસાર કોઈ પણ રમત, જુગાર કે સટ્ટાને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એક છે ગેમ ઑફ લક - અર્થાત્ એવી રમત કે સટ્ટો જ્યાં રમનારનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ન હોય. અર્થાત્ સિક્કો હવામાં ઉછાળવો કે મટકો રમવો કે તીનપત્તીનો જુગાર રમવો. આ પ્રકારની બધી જ રમત કે સટ્ટો જુગારની વ્યાખ્યામાં આવે છે એટલે કે ગેમ ઑફ લક. બીજી છે ગેમ ઑફ ચાન્સ. આ કૅટેગરીમાં એવી રમતો ગણાવવામાં આવે છે જ્યાં ખેલાડીની સ્કિલ, દિમાગની ગણતરીઓ, રમતની સમજ વગેરે કામ કરે છે અને એ આધારે રમવા કે રમાડવામાં આવે છે. સાવ સાદી ભાષામાં કહીએ તો તીનપત્તી સટ્ટો છે - ગેમ ઑફ લક; જ્યારે રમી રમીએ તો એ સટ્ટો નથી, એ ગેમ ઑફ ચાન્સ છે.

બસ, આ જ બાબતનો ફાયદો ઉઠાવીને આવી ફૅન્ટસી ઍપ્લિકેશન્સ પોતાના યુઝર્સને સટ્ટો રમાડે છે. એમાં કહેવાય તો એવું છે કે વર્ચ્યુઅલ ટીમ બનાવીને રમનાર ખેલાડી પોતાનું દિમાગ અને ગણતરીઓ લગાડે છે; ટીમ જ નહીં, દરેક ખેલાડીની રમત જોઈને તેની શ્રેષ્ઠતા અને નબળાઈ ચકાસે છે અને ત્યાર બાદ કોઈ પણ યુઝર પોતાની ટીમ બનાવે છે. એમાં કૅપ્ટન અને વાઇસ કૅપ્ટનનું સિલેક્શન કરવામાં પણ યુઝરે પોતાની સ્કિલનો ઉપયોગ કરવો પડે છે.

સરકાર શું કામ આવી ઍપ્સ બૅન નથી કરતી?

આમ તો જવાબ સાવ સાદો અને સીધો છે - સરકારને પૈસા મળે છે, પરંતુ કઈ રીતે એ સમજીએ તો મામલો વધુ સ્પષ્ટતાથી સમજાશે. ધારો કે પાંચ ખેલાડીઓએ ૧૦૦-૧૦૦ રૂપિયા આવી કોઈક ગેમમાં લગાડ્યા છે. મતલબ કુલ રકમ ૫૦૦ રૂપિયા થઈ? એમાં સૌથી પહેલાં લાગશે ૨૮ ટકાના દર પ્રમાણે GST એટલે કે ૧૪૦ રૂપિયા. બાકી બચ્યા ૩૬૦ રૂપિયા. એમાંથી ૨૦ ટકા ઍપ્લિકેશન બનાવનાર કંપનીના ગણીએ તો ૭૨ રૂપિયા તેમને મળશે. બાકી બચ્યા ૨૮૮ રૂપિયા. હવે આદર્શ પરિસ્થિતિ ધારી લઈએ તો બાકી બચેલા ૨૮૮ રૂપિયા ખેલાડીના હિસ્સે જીતેલી રકમ તરીકે વહેંચાવા જોઈએ, બરાબર? ધારો કે એ વહેંચાય પણ છે. તો ફરી એ ૨૮૮ રૂપિયામાંથી ૩૦ ટકા TDS પ્રમાણે સરકારના હિસ્સે જશે ૮૬.૪૦ રૂપિયા. તો ૫૦૦ રૂપિયામાંથી બાકી બચ્યા માત્ર ૨૦૧.૬૦ રૂપિયા. હવે આમાંથી જે ખેલાડી જીત્યો છે તેણે ૧૦૦ રૂપિયા ગેમમાં ઇન્વેસ્ટ કર્યા હતા, યાદ છેને? જો એ પણ બાદ કરીએ તો બાકી બચ્યા માત્ર ૧૦૧.૬૦ રૂપિયા. અર્થાત્, ૧૦૦ રૂપિયા લગાડીને રમનાર માત્ર પાંચ વ્યક્તિઓમાંથી જ એક જીતનારને મળ્યા માત્ર ૧૦૧.૬૦ રૂપિયા, જ્યારે એની સામે રમાડનારને મળ્યા ૭૨ રૂપિયા અને સરકારને GST અને TDS તરીકે મળ્યા ૨૨૬.૪૦ રૂપિયા.

હવે વિચાર કરો કે આ રીતે સોનાનું ઈંડું આપનારી મરઘીને સરકાર શું કામ કાપી નાખે? આ આપણે જે ગણતરી કરી એ તો માત્ર કોઈ એક ક્રિકેટ મૅચમાં પાંચ ખેલાડીઓ દ્વારા ૧૦૦ રૂપિયા લગાડ્યાની ગણતરી છે, જ્યારે બજારના આંકડાઓ તો કહે છે કે વિશ્વના કોઈ પણ ખૂણે ભારતની વન-ડે કે T-20 રમાતી હોય તો એવી એક મૅચમાં આવી ફૅન્ટસી સ્પોર્ટ્સ ગેમિંગ ઍપ પર લોકો અંદાજે ૧૫૦૦ કરોડ જેટલા રૂપિયા દાવ પર લગાડતા હોય છે. આ વાત માત્ર એક મૅચની છે. હવે થોડી નવરાશ મળે ત્યારે માત્ર ગણતરી માંડજો કે IPLની આખી સીઝન દરમ્યાન કુલ કેટલી મૅચ રમાય છે અને સીઝન દરમ્યાન રમાતી બધી મૅચ મળીને આ ગેમ ઑફ ચાન્સના નામે કુલ કેટલી રકમનો સટ્ટો રમાતો હશે? એમાંથી ટૅક્સ તરીકે સરકારના ગજવે કુલ કેટલી રકમ જતી હશે, ઍપ્લિકેશનના માલિક એટલે કે હર્ષ જૈન જેવા રમાડનારના ગજવે કેટલી રકમ જતી હશે અને BCCIને કેટલી મળતી હશે. અચ્છા, આ બધાની બાયપ્રોડક્ટ જેવી પેલી ટેલિવિઝન ચૅનલો કે OTT પ્લૅટફૉર્મ્સને આ ફૅન્ટસી ગેમ રમનારા તરીકે ડેડિકેટેડ દર્શક મળે એ તો અલગ.

પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત

આજે એવો અંદાજ મુકાય છે કે માત્ર ભારતમાં જ ફૅન્ટસી ગેમ્સના આ ધંધાનું વૅલ્યુએશન લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલું છે જે આવનારાં બે વર્ષમાં વધીને લગભગ ૮૦,૦૦૦ કરોડ જેટલું થઈ જશે. વિચાર કરો કે એક એવું સ્ટાર્ટઅપ જેને લગભગ ૧૫૦ જેટલા ઇન્વેસ્ટર્સ પૈસા આપવાની ના કહી ચૂક્યા છે એ ફૅન્ટસી ગેમ રમાડવાનું કહીને સ્માર્ટ‍્લી એટલો જબરદસ્ત સટ્ટો રમાડે છે કે ૨૦૧૯ની સાલ આવતા સુધીમાં તો એ કંપની Dream11 એક યુનિકૉર્ન કંપની એટલે કે ૧ બિલ્યન ડૉલર કરતાં વધુ વૅલ્યુએશન ધરાવતી પ્રાઇવેટ કંપની બની જાય છે. ૨૦૨૦ આવતાં-આવતાં તો એ એટલી મોટી બની ગઈ હોય છે કે ૨૨૨ કરોડ રૂપિયા ભરીને IPL-2020ની ટાઇટલ સ્પૉન્સરશિપ ખરીદી લે છે અને ૨૦૨૩માં વળી એક મોટી છલાંગ લગાવીને ૩૫૮ કરોડ રૂપિયામાં ઇન્ડિયન નૅશનલ ટીમની લીડ જર્સી સ્પૉન્સરશિપ (ખેલાડીઓના ટી-શર્ટ પર કંપનીનો લોગો અને ઍડ પ્રિન્ટ થયેલી હોય) ત્રણ વર્ષ માટે એટલે કે ૨૦૨૬ સુધીની ખરીદી લે છે.

કોઈ અભણ વ્યક્તિ પણ કહી શકે કે માત્ર એક સાદીસીધી મોબા​ઇલ ગેમિંગ ઍપ્લિકેશન બનાવીને અને યુઝર્સ મેળવીને કોઈ પણ કંપની આટલી બધી મોટી બની જ ન શકે. એક મિનિટ, વાત અહીં જ પૂરી નથી થઈ જતી. પિક્ચર અભી બાકી હૈ. વાસ્તવિકતા એ છે કે આવી કંપનીઓ જાણે છે કે ભારતીયો માટે ક્રિકેટ એ ગાંડપણની હદ સુધીની દીવાનગીવાળી રમત છે અને એમાં પણ જો વ્યક્તિના અંગત પૈસાનું રોકાણ લાગે તો આ બધી જ હકીકત જાણતો હોવા છતાં માણસ ઇમોશનલી અટૅચ થઈ જશે અને તો આ એક જબરદસ્ત મોટો બિઝનેસ બની શકે. અર્થાત્, ગેમ માત્ર ગેમ ન રહેતાં હવે હાઇલી પ્રૉફિટેબલ બિઝનેસ બની ચૂકી છે. જીતવાની શક્યતા માત્ર ૦.૦૦૦૦૦૦૬૬૭ ટકા (અર્થાત્ NIL) હોવા છતાં માણસ એ રમે છે. હવે તો આ દૂષણ વિમેન્સ ક્રિકેટ લીગ, ફુટબૉલ, પ્રો-કબડ્ડી, બૅડ‍્મિન્ટન વગેરે તમામ મૅચોમાં પ્રવેશી ચૂક્યું છે, કારણ કે આવી ઍપ્લિકેશન્સ માત્ર ક્રિકેટની જ ટુર્નામેન્ટ નહીં પરંતુ આ બધી જ ગેમ્સની ટુર્નામેન્ટ વર્ચ્યુઅલ ટીમ દ્વારા રમાડે છે.

પહેલાં મહેન્દ્ર સિંહ ધોની, ત્યાર બાદ હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, રિષભ પંત જેવા સ્ટાર પ્લેયર્સ સાથે આમિર ખાન, રણબીર કપૂર જેવા સુપરસ્ટાર્સ અને કૅમિયોમાં જૅકી શ્રોફ, અરબાઝ ખાન જેવા કલાકારોને લઈને ઍડ્વર્ટાઇઝમેન્ટ બનાવે છે, બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવે છે. તો વળી My11Circle જેવી ઍપ્લિકેશન અનુ મલિક અને ઇરફાન પઠાણ જેવાને લઈને ઍડ બનાવે છે. એટલું જ નહીં, ક્રિકેટનું ઘેલાપણું તો આપણા બધામાં જ છે એટલે હમણાં આપણે IPL તો જોતા જ હોઈશું. તો એમાં ક્યારેય તમે એક બાબત નોંધી છે? મૅચમાં ઓવર વચ્ચે આવતી જાહેરાતોમાં ૮૦ ટકા જાહેરાત Dream11ની હોય છે.

તો શું ગેમિંગ કંપનીઓની કોઈ જવાબદારી નથી?

કોઈ આંગળી ન ઉઠાવે અને વિરોધ ન કરે એટલે જ આવી કંપનીઓ પોતાની જાહેરાતમાં જબરદસ્ત હોશિયારી વાપરે છે. Dream11નો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર મહેન્દ્ર સિંહ ધોની ઍડ્વર્ટાઇઝમેન્ટમાં જ કહે છે કે પોતાની સ્કિલનો ઉપયોગ કરો અને રમો ક્રિકેટ દિમાગથી. જેથી ભવિષ્યમાં કોઈ ફરિયાદ કરે કે કોર્ટમાં પણ જવું પડે તો કહેવાય કે અમે તો યુઝર્સને તેમની સ્કિલ અનુસાર રમવા માટે પ્રેરિત કરીએ છીએ અને તેઓ પોતાની હોશિયારી પ્રમાણે જ રમે છે, સટ્ટો નથી કરતા.

કાયદાને લીધે આ કંપનીઓ પોતે જ એવું ડિસ્ક્લોઝર તો આપે છે કે આવી રમતોમાં આર્થિક જોખમ કે આદત લાગી જવાની સંભાવના છે એટલે પોતાની બુદ્ધિ અનુસાર જવાબદારીપૂર્વક રમો. જોકે કંપનીઓને ખબર છે કે આવું ડિસ્ક્લોઝર આપવાનો કોઈ અર્થ નથી. રમનાર આવું કોઈ નિવેદન ધ્યાનમાં રાખવાનો નથી અને માત્ર આપણાં ગજવાં જ ભરવાનો છે. શા માટે? કારણ કે એની પાછળ એક સામાન્ય સા​ઇકોલૉજી કામ કરે છે. દરેક સામાન્ય વ્યક્તિને ચપટી વગાડતાંમાં કરોડપતિ થઈ જવું છે અથવા ખૂબબધા પૈસા કમાઈ લેવા છે. એમાં પણ જો કોઈ એમ કહે કે નાનીઅમથી નજીવી રકમ લગાવીને તમે કરોડો કમાઈ શકો છો તો માણસ એ તરફ ખૂબ ઝડપથી અને ખૂબ સરળતાથી આકર્ષાઈ જાય છે. બીજી છે કિક. રોજની એકધારી જિંદગીથી કંટાળી ગયેલા લોકોને આવા સટ્ટાથી એક થ્રિલ મળે છે. બસ, આ સામાન્ય સા​ઇકોલૉજીનો જ ફાયદો ઉઠાવે છે આવી ગેમિંગ ઍપ્લિકેશનની કંપનીઓ અને પોતાની ઍડમાં સ્ટાર્સ પાસે કહેવડાવે છે કે તમે રોજ જીતી શકો છો એક કરોડ.

વળી આવાં ડિસ્ક્લોઝર્સ આપવાનો એક મોટો ફાયદો એ થાય કે જો આવી ગેમ્સ (જે વાસ્તવમાં સટ્ટો છે) રમતાં કંઈ પણ થાય તો એની પૂરેપૂરી જવાબદારી તે રમનારની થઈ જાય. રમાડનાર કંપનીની કોઈ જવાબદારી રહેતી નથી, કારણ કે તેમણે તો સરકારની ગાઇડલાઇન અનુસાર ચેતવણી આપી જ હોય છે.

પરિણામો ભયંકર આવ્યાં છે અને આવતાં રહે છે

આવી જ ઑનલાઇન ગેમમાં પચીસ લાખ રૂપિયા હારી જનારા વિજયકુમાર નામના એક યુવાને આખરે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતાં પહેલાં તે યુવાને એક ઑડિયો રેકૉર્ડ કર્યો અને તેણે લોકોને કહ્યું હતું, સ્વીકાર્યું હતું કે ગૅમ્બલિંગ કે સ્કિલ-ગેમ રમાડતી ઍપ્લિકેશન્સથી દૂર રહે, એની એવી ખરાબ લત લાગી જાય છે કે પરિણામ અત્યંત ભયંકર આવે છે.

આવો જ બીજો એક કિસ્સો બૅન્ગલોરમાં પણ બન્યો હતો. બે યુવાન છોકરાઓએ આવી ગેમિંગ ઍપ્લિકેશનમાં જ પૈસા હારી જવાને કારણે આત્મહત્યા કરી લીધી હતી. બૅન્ગલોરની જ વાત નીકળી છે તો અસિસ્ટન્ટ એન્જિનિયર એવો દર્શન નામનો એક યુવાન આ ગેમિંગ ઍપ પર રમવામાં ૧.૫ કરોડ રૂપિયાનું દેવું કરી બેઠો અને પરિણામસ્વરૂપ પૈસાની ઉઘરાણીએ આવતા લેણદારોને લીધે તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી. શ્રીનગરના પુલવામાનો લસ્સીપોરા વિસ્તાર, એક યુવાન છોકરાએ Dream11 પર જીતવાની આશાએ ૭૯ લાખ રૂપિયા ગુમાવ્યા જેની ભરપાઈ માટે તેના બાપદાદાઓની જમીન તેણે વેચવી પડી. શ્રીનગરના જ શોપિયાં ગામમાં રહેતા બીજા યુવાને પણ બે લાખ રૂપિયા લગાવ્યા હતા જે પૂરેપૂરા તે હારી ગયો અને હિમાંશુનો કિસ્સો તો આપણા કોઈથી અજાણ્યો નથી. ટીવીની ન્યુઝ-ચૅનલોમાં ખૂબ ગાજેલો એવો નોએડાનો JEE મેઇન્સ ક્લિયર કરી ચૂકેલો ટૅલન્ટેડ યુવાન હિમાંશુ ૯૬ લાખ રૂપિયા હારી ગયો અને પોતાની સગી મા અને ભાઈ સાથેનો સંબંધ ખોઈ બેઠો.

મુંબઈના જ થાણેમાં રહેતો એક કિશોર પોતાના પપ્પાના પૅનકાર્ડની ડીટેલ આપીને આ ગેમ રમતો હતો અને ૬૫,૦૦૦ રૂપિયા હારી ગયો હોવાનો કિસ્સો હજી જૂનો નથી થયો. ગુસ્સા અને ફ્રસ્ટ્રેશનને કારણે મુંબઈના તે કિશોરનું માનસિક સંતુલન એટલું ખોરવાઈ ગયું હતું કે તેણે મોબાઇલ પછાડીને તોડી નાખ્યો હતો, બે દિવસ સુધી ખાવાનું છોડી દીધું હતું અને તેની મમ્મી કહેવા ગઈ તો તેને સામે મારવા દોડ્યો હતો. કોઈ ડ્રગ્સનો બંધાણી જે રીતે પરવશ અને નશેડી થઈ જાય છે એ જ રીતે યુવાધન હમણાં જાણેઅજાણે આ ઑનલાઇન ફૅન્ટસી સ્પોર્ટ્સ ગેમિંગનું નશેડી બની રહ્યું છે. રોજના ૧૫૦ રૂપિયાની મજૂરી કરનાર કામદાર પણ Dream11માં પોતાની ટીમ બનાવીને પૈસા જીતી લેવાની આશાએ પોતાની દિવસની કમાણી ખોઈ રહ્યો છે અને પરિણામે તેણે ભૂખ્યા સૂઈ રહેવું પડે એવા અનેક કિસ્સાઓ જાણમાં આવતા જ રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2025 03:51 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK