ઓરિજિનલ ફોટો ક્વૉલિટી, ડેટા સેન્ડ લિમિટ અને ડેટા ટ્રાન્સફરને લઈને યુઝર્સને સરળતા રહે એના પર કંપની ફોકસ કરી રહી છે
ટેક ટૉક
પ્રતીકાત્મક તસવીર
વૉટ્સઍપમાં હાલમાં જ ઘણાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ ફીચર્સમાં સ્ટેટસમાં વૉઇસ રેકૉર્ડિંગ મૂકવાથી લઈને, સ્ટેટસ રીઍક્શન અને બીજાં ઘણાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે હવે વૉટ્સઍપ સાથે જ બીજાં ઘણાં ફીચર્સ પર કામ કરી રહ્યું છે. આ ફીચર્સ અત્યાર સુધીનાં સૌથી મહત્ત્વનાં અને મેજર ફીચર્સ કહી શકાય એમ છે. આ ફીચર્સ ફોટોને લગતાં અને ચૅટ બૅકઅપને લગતાં છે. ફોટોને લગતા જે પણ ઇશ્યુ આવતા હતા એને કારણે વૉટ્સઍપ યુઝર આ ઍપ્લિકેશનની જગ્યાએ અન્ય ઍપનો ઉપયોગ કરતા હતા અને આ જ કારણ છે કે વૉટ્સઍપએ આ ઍપને વધુને વધુ યુઝર દરેક રીતે ઉપયોગ કરી શકે એ માટે બનાવી રહ્યાં છે. હજી આ ફીચર પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે એને ક્યારે લૉન્ચ કરવામાં આવે એ નક્કી નથી, પરંતુ નજીકના ભવિષ્યમાં આવશે એ નક્કી છે.
ઓરિજિનલ ફોટો ક્વૉલિટી
ADVERTISEMENT
વૉટ્સઍપનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ કોઈ હોય તો એ છે ફોટો ક્વૉલિટી. સૌથી પહેલાં વૉટ્સઍપમાં ફોટો ખૂબ જ કૉમ્પ્રેસ થઈને જતા હતા. એના કારણે ફોટોને ક્લૅરિટી ખૂબ જ ગંદી આવતી હતી. જોકે એમાં થોડું ઇમ્પ્રૂવમેન્ટ કરીને વૉટ્સઍપ દ્વારા બેસ્ટ ફોટો ક્વૉલિટીનો ઑપ્શન આપવામાં આવ્યો હતો. આ ફીચરમાં પણ ફોટો કૉમ્પ્રેસ તો થાય જ છે, પરંતુ પહેલાં કરતાં ક્વૉલિટીનો સુધાર કરવામાં આવ્યો છે. આ ક્વૉલિટી કૉમ્પ્રેસનો ઑપ્શન ડેટા બચાવવા અને ફોટોને જલદી લોકો સુધી પહોંચાડી શકાય એ માટે કરવામાં આવ્યો હતો. જોકે આમ છતાં મોટા ભાગના લોકો ફોટો શૅરિંગ માટે વૉટ્સઍપનો ઉપયોગ નથી કરતા. આજે કોઈ પણ પાર્ટી હોય કે ટ્રાવેલ કરવા ગયા હોય ત્યાંના ફોટો વૉટ્સઍપ પર શૅર કરવાનું લોકો પસંદ નથી કરતા અને કરતા હોય તો એ ડેટા ફાઇલ તરીકે ઉપયોગ કરતા હોય છે. આજે સોશ્યલ મીડિયાનો જમાનો છે અને ફોટો શૅર કરતાં ક્વૉલિટી ખરાબ આવે છે એથી લોકો ટેલિગ્રામ, વીટ્રાન્સફર, ગૂગલ ડ્રાઇવ અને ડ્રૉપબૉક્સ જેવા ઑલ્ટરનેટિવનો ઉપયોગ પણ કરે છે. આજે યુઝર્સને તકલીફ ન પડે એ માટે વૉટ્સઍપ હવે ઓરિજિનલ ફોટો ક્વૉલિટીનો ઑપ્શન આપી રહ્યું છે. જોકે આ ઑપ્શન બાય ડિફૉલ્ટ નહીં હોય. ફોટો જ્યારે અપલોડ કરવામાં આવશે ત્યારે યુઝર્સને ઓરિજિનલ ક્વૉલિટીમાં સેન્ડ કરવું કે નહીં એ પૂછવામાં આવશે. ટેલિગ્રામમાં જે રીતે પૂછવામાં આવે છે એ જ રીતે ફોટો સેન્ડ કરતી વખતે વૉટ્સઍપમાં પણ પૂછવામાં આવશે.
આ પણ વાંચો: વોટ્સએપ પર હવે જૂનામાં જૂનો મેસેજ પણ સરળતાથી મળશે, લૉન્ચ થયું ધમાકેદાર ફીચર
ડેટા શૅરિંગ લિમિટ
વૉટ્સઍપમાં અત્યાર સુધીમાં એકસાથે ફક્ત ૩૦ ફોટો શૅર કરી શકાય છે. આ લિમિટ હવે વધારવામાં આવી રહી છે. આજે યુઝર્સ ફોટોને ખૂબ જ મહત્ત્વ આપે છે અને એથી તેઓ એકસાથે ઘણા ફોટો ક્લિક કરે છે, જેથી કયો પોઝ સારો છે એ ચેક કરીને એ ફોટો અપલોડ કરી શકે. આથી ફ્રેન્ડ્સ સાથે ડિનર પર ગયા હોય ત્યાં પણ ૪૦-૫૦ ફોટો રમતાં-રમતાં ક્લિક થઈ ગયા હોય છે. આથી આ ફોટો શૅર કરતી વખતે તકલીફ પડતી હોવાથી વૉટ્સઍપ હવે એની લિમિટ પર કામ કરી રહ્યું છે. ૩૦ ફોટોની જગ્યાએ હવે યુઝર્સ એકસાથે ૧૦૦ ફોટો શૅર કરી શકે એના પર કામ કરવામાં આવી રહ્યું છે. બહુ જલદી આ ફીચર્સને લોકો સુધી પહોંચાડવામાં આવશે.
ડેટા ટ્રાન્સફર
ઍન્ડ્રૉઇડ ફોનમાં વૉટ્સઍપ ચૅટને એક ફોનમાંથી બીજા ફોનમાં લેવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે. સૌથી પહેલાં તો જૂના ફોનનું બૅકઅપ ઍન્ડ્રૉઇડ પર લેવું પડે છે. આ બૅકઅપ અપલોડ થાય એ માટે ઘણા ડેટા અને સમયનો બગાડ થતો હોય છે. આ ડેટા બૅકઅપ થઈ ગયા બાદ નવા મોબાઇલમાં રજિસ્ટ્રેશન કરવાનું અને ત્યાર બાદ ગૂગલ બૅકઅપમાંથી એ ડેટાને રીસ્ટોર કરવાનું હોય છે. જોકે હવે વૉટ્સઍપ દ્વારા આ પ્રોસેસને સરળ બનાવવામાં આવી રહી છે. આ માટે હવે વૉટ્સઍપ બારકોડ સ્કૅનનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. વૉટ્સઍપ વેબ માટે જે રીતે કોડ સ્કૅન કરતાં એ કમ્પ્યુટર પર એ શરૂ થઈ જાય છે એ જ રીતે હવે ડેટાનું બૅકઅપ અને રીસ્ટોર માટે પણ આ રીતે કોડનો ઉપયોગ કરવામાં આવશે. જૂના ફોનમાં બારકોડ આવશે એને નવા ફોનમાં સ્કૅન કરતાં વૉટ્સઍપ રજિસ્ટ્રેશનની સાથે ડેટા પણ ઑટોમૅટિકલી નવા ફોનમાં આવી જશે. આ તમામ ફીચર્સ બહુ જલદી યુઝર્સ સુધી પહોંચાડવામાં આવશે, પરંતુ એની ચોક્કસ ટાઇમલાઇન આપવામાં નથી આવી.