Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વજન વધવાની ચિંતા પણ વજન વધારશે જ

વજન વધવાની ચિંતા પણ વજન વધારશે જ

25 July, 2024 09:15 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

તમે સાંભળ્યું હશે કે સ્ટ્રેસ વધવાથી શરીરનું વજન વધે છે, પણ શું કામ? આનો જવાબ છે કૉર્ટિઝોલ હૉર્મોન, જેને સ્ટ્રેસ હૉર્મોન પણ કહેવાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તમે સાંભળ્યું હશે કે સ્ટ્રેસ વધવાથી શરીરનું વજન વધે છે, પણ શું કામ? આનો જવાબ છે કૉર્ટિઝોલ હૉર્મોન, જેને સ્ટ્રેસ હૉર્મોન પણ કહેવાય છે. આ હૉર્મોનનું આપણા શરીરમાં શું કામ છે? કઈ રીતે એને કારણે વજન વધે? એને કઈ રીતે આપણે નિયંત્રણમાં લાવી શકીએ? એ બધા વિશે  આજે વિગતવાર જાણી લો.


શરીરની પોતાની ડિફેન્સ સિસ્ટમ છે. કંઈ પણ નાનું-મોટું થાય તો પહેલાં તો એ પોતાની મેળે લડી લે. જ્યારે કટોકટી સર્જાય કે પછી તમારા માટે જોખમી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે શરીરમાંથી જ કેટલાંક એવાં કેમિકલ્સ ઝરે જે આપણી ક્ષમતાઓને ટેમ્પરરી ધોરણે અતિશય સક્રિય કરી નાખે, પણ જો આ જ કેમિકલ્સ સતત ઝર્યા જ કરે મતલબ કે સતત કટોકટીની પરિસ્થિતિ જ કાયમી થઈ જાય તો બધી ગરબડ થવા લાગે. આપણા શરીરની ફાઇટ ઑર ફ્લાઇટ સિસ્ટમને રેગ્યુલેટ કરવાનું જે કામ કરે છે એ છે કૉર્ટિઝોલ હૉર્મોન. આજે સમજીએ આ હૉર્મોનને વજન વધવા કે ઘટવા સાથે શું અને કેવી રીતે નિસબત છે.



જો તમે સતત સ્ટ્રેસમાં રહેતા હો અને વજન પણ સતત વધી રહ્યું હોય એવું લાગે તો બની શકે કે શરીરમાં કૉર્ટિઝોલનું સ્તર વધી ગયું છે. આ વિશે વાત કરતાં ડાયટિશ્યન મિનલ ભાનુશાલી જણાવે છે, ‘કૉર્ટિઝોલ એક સ્ટેરૉઇડ હૉર્મોન છે જે કિડનીની ઉપર આવેલી એડ્રિનલ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે. આપણે જ્યારે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે બૉડી કૉર્ટિઝોલ રિલીઝ કરે છે, જે  શરીરને ઍક્ટિવ અને અલર્ટ કરી નાખે છે. જેમ કે આપણી પાછળ કોઈ શ્વાન પડ્યો હોય ત્યારે ઝડપથી ઍક્શન લેવાની જરૂર પડે ત્યારે શરીરમાં ઊર્જા ભરવાનું કામ આ હૉર્મોન કરે છે. સ્ટ્રેસમાં આપણું શરીર ત્વરિત રિસ્પૉન્સ આપી શકે એ માટે મદદ કરવાની સાથે બ્લડ-પ્રેશર, બ્લડ-શુગર, શરીરની ચયાપચયની ગતિને રેગ્યુલેટ કરવામાં પણ કૉર્ટિઝોલની મહત્ત્વની ભૂમિકા હોય છે. આપણા શરીરમાં કૉર્ટિઝોલનું સંતુલન જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે નહીંતર એની વધઘટને કારણે શરીરમાં બીજી અનેક તકલીફો ઊભી થઈ શકે છે.’


આ છે લક્ષણો

શરીરમાં કૉર્ટિઝોલનું પ્રમાણ વધુ હોય તો તમને કયાં લક્ષણો જોવા મળે એ વિશે જણાવતાં ડાયટિશ્યન મિનલ ભાનુશાલી કહે છે, ‘તમારો ચહેરો સૂઝેલો લાગે, પેટમાં બ્લોટિંગ એટલે કે પેટ ફૂલેલા જેવું લાગતું હોય, રાત્રે ઊંઘ ન આવે, હૃદયના ધબકારા વધઘટ થયા કરે, સ્કિન પર સ્ટ્રેચ માર્ક આપી જાય, મોઢું સુકાય, વાળ ખરવાની સમસ્યા થાય, અચાનક આંખે અંધારાં આવી જાય, બ્રેઇન ફૉગ- સરખી રીતે વિચારી ન શકવા જેવું થાય, વધારે પડતી ગરમી કે ઠંડી લાગે, શરીરમાં ગમે ત્યારે દુખાવો થવા લાગે, મસલ નબળા થઈ જાય. જો તમારે જાણવું હોય કે શરીરમાં કૉર્ટિઝોલનું પ્રમાણ પ્રમાણમાં છે કે નહીં તો એ લોહી, લાળ અને યુરિનની ટેસ્ટથી જાણી શકો છો.’


કઈ રીતે વજન વધારે?

શરીરમાં કૉર્ટિઝોલનું સ્તર વધવાથી આપણા શરીરનું વજન કઈ રીતે વધી જાય છે એ સમજાવતાં મિનલ ભાનુશાલી કહે છે, ‘કટોકટીની સ્થિતિમાં શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપવા માટે કૉર્ટિઝોલ ગ્લુકોઝ લેવલ વધારી દે છે, જે થોડા સમયમાં ફરી પાછું નૉર્મલ થઈ જાય છે. જે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં રહેતી હોય તેની બૉડીને રિકવર થવાનો સમય જ નથી મળતો. ક્રૉનિક સ્ટ્રેસથી શરીરમાં થયેલા હૉર્મોનલ બદલાવને કારણે લોહીમાં શુગર લેવલ અને ઇન્સ્યુલિન હૉર્મોનનું પ્રમાણ વધી જાય છે જે હાઈ કૅલરી, ફૅટ અને શુગરવાળી વસ્તુઓ ખાવાની ઇચ્છા વધારી દે છે. એટલે અનહેલ્ધી ખાવાનું શરૂ થઈ જાય અને લાંબા ગાળે એની અસર આપણા શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે અને વેઇટ ગેઇન થાય છે. ઉપરથી સતત વજન વધતું જાય તો વ્યક્તિ વધુ સ્ટ્રેસમાં મુકાતી જાય. કૉર્ટિઝોલને કારણે ખાસ કરીને  ચહેરા પર અને પેટના નીચેના ભાગે ચરબીના થર જામતા જાય છે.’

આપણે જીવનમાં ઘણીબધી વસ્તુને લઈને સ્ટ્રેસ રહેતું હોય છે. સ્ટ્રેસ તો રહેવાનું જ છે, પણ એને મૅનેજ કરવાનું આપણા જ હાથમાં છે. આપણે સ્ટ્રેસ પર કાબૂ મેળવતાં શીખી જઈએ તો કૉર્ટિઝોલને નિયંત્રણમાં રાખીને વજન વધવાની સમસ્યા પર લગામ મૂકી શકીએ છીએ. આપણે ડાયટ, ફિ​ઝિકલ ઍક્ટિવિટીના માધ્યમથી સ્ટ્રેસને કારણે વધતા વજનની સમસ્યા ઉકેલી શકીએ છીએ.

હેલ્ધી ડાયટનું ધ્યાન

તમારે હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવું જોઈએ એમ જણાવતાં મિનલ ભાનુશાલી કહે છે, ‘સૌથી પહેલાં તો તમારે હાઈ શુગર ધરાવતા ફૂડ ખાવાનું, કૅફિનવાળાં ડ્રિન્ક્સ જેમ કે ચા, કૉફી, કોલ્ડ ડ્રિન્ક્સ પીવાનું, આલ્કોહોલ, સિગારેટનું સેવન ઓછું કરવું જોઈએ અથવા તો બંધ જ કરવું જોઈએ. આહારમાં હોલ ગ્રેન, કઠોળ, ડાય ફ્રૂટ્સ, સીડ્સ, સીઝનલ ફળો-શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું ન ભૂલવું જોઈએ. જો તમે દરરોજ સંતુલિત આહાર લો તો ગટ હેલ્થ સારી રહે છે. એનાથી આંતરડાંમાં સારા બૅક્ટેરિયાની હાજરી રહે છે જે સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી ઓછાં કરે અને ઓવરઑલ હેલ્થ સારી રાખે. અહીં ધ્યાન રાખવા જેવું એ છે કે તમારે વજન ઘટાડવા માટે આંખ બંધ કરીને કોઈ પણ વેઇટલૉસ ડાયટને ફૉલો કરવાની ભૂલ કરવી નહીં. બધાના શરીરની જરૂરિયાત જુદી-જુદી છે એટલે એવું પણ બને કે તમે ૧૬ કલાક ભૂખ્યા રહીને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતા હો તો પણ તમારું વજન ન ઊતરે. એનો મતલબ એવો જરાય નથી કે ડાયટ-પ્લાન ખોટો છે કે નકામો છે, પણ એ તમારી બૉડી માટે નથી બન્યો. એટલે શરીરની જરૂરિયાતના હિસાબે ડાયટ ફૉલો કરવી જોઈએ.’

યોગ-એક્સરસાઇઝ કરો

માત્ર એકલી ડાયટ કામ નહીં કરે, રેગ્યુલર એક્સરસાઇઝ પર ધ્યાન આપવું જરૂરી છે એમ સમજાવતાં મિનલ ભાનુશાલી કહે છે, ‘તમે ફૅટ બર્નિંગ એક્સરસાઇઝ કરો તો એનાથી તમારી કૅલરીઝ બર્ન થાય, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે. એમાં પણ મીડિયમ ઇન્ટેન્સિટી કે હાઈ ઇન્ટેન્સિટીનાં વિવિધ પ્રકારનાં વર્કઆઉટ્સ આવે છે જે તમે ઘરે કરી શકો. આમાં એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારે તમારી કૅ​પેસિટીના હિસાબે જ કસરતો કરવાની. જો તમે એમ વિચારો કે હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ કરીશું તો જ ચરબી પીગળશે તો એવું નથી. ઘણા લોકોને બેઝિક એક્સરસાઇઝથી પણ ફાયદો થઈ જાય છે. તમે ઇચ્છો તો સાઇક્લિંગ, સ્વિમિંગ, જૉગિંગ, ડાન્સિંગ જેવી ફિઝિકલ ઍક્ટિવિટી પણ કરી શકો. આ કરવું એટલા માટે જરૂરી છે, કારણ કે આપણે જ્યારે કોઈ ​ફિઝિકલ ઍક્ટિવિટી કરતા હોઈએ ત્યારે હૅપી કેમિકલ્સ જેને એન્ડોર્ફિન્સ કહેવામાં આવે છે, એ રિલીઝ થાય જે તમારું સ્ટ્રેસ ઓછું કરે. તમે ધ્યાન, પ્રાણાયામ યોગ પણ કરી શકો, જે મગજને શાંતિ આપીને સ્ટ્રેસ ઓછું કરે અને સ્લીપ ક્વૉલિટી સુધારે.’

ઊંઘવાનો સમય ફિક્સ રાખો

કૉર્ટિઝોલ તમારું દુશ્મન નથી. હેલ્ધી કૉર્ટિઝોલ રિધમ તમારી સ્લીપ સાઇકલને મેઇન્ટેન કરે છે એ સમજાવતાં મિનલ ભાનુશાલી કહે છે, ‘સવારે હાઈ કૉર્ટિઝોલ તમને જગાડવામાં અને લો કૉર્ટિઝોલ રાત્રે સૂવામાં મદદ કરે છે. ઊંઘ ન આવવી અને હાઈ કૉર્ટિઝોલ બન્નેનો પરસ્પરનો સંબંધ છે. જેમ કે રાતના સમયે તમારું કૉર્ટિઝોલ હાઈ હશે તો ઊંઘ નહીં આવે અને જો તમે ઊંઘશો નહીં તો કૉર્ટિઝોલ હાઈ થઈ જશે. આ સાઇકલને તોડવા માટે તમારે સૂવાનો એક ફિક્સ ટાઇમ નક્કી કરવો પડશે. સ્ટ્રેસને કારણે ઊંઘ ન આ‍તી હોય તો એક્સરસાઇઝ અને ડાયટમાં સુધારો કરવો જોઈએ. એમ છતાં જો તમે સતત સ્ટ્રેસમાં રહેતા હો તો તમારે સાઇકિયાટ્રિસ્ટની મદદ લેવી જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2024 09:15 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK