વૉક પણ કરીએ તો વજન ઉતારવા કે ડૉક્ટરે કહ્યું છે એટલે કરીએ છીએ.
વર્લ્ડ સૉન્ટરિંગ ડે
પ્રતીકાત્મક તસવીર
ખાલી અમસ્તું કોઈ કારણ વગર મોજથી આંટો મારવાનું જાણે ભૂલી ગયા છીએ આજના કળિયુગમાં આપણે, કારણ કે ફાયદા વિના કોઈ કામ કરતા જ નથી. વૉક પણ કરીએ તો વજન ઉતારવા કે ડૉક્ટરે કહ્યું છે એટલે કરીએ છીએ. શરીરના સ્વાસ્થ્ય માટે વૉક ભલે બેસ્ટ હોય, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે તો લટાર જ સારી. તો ચાલો, એક આંટો મારી આવીએ...
અરે, તમે ક્યાં ચાલ્યા? ક્યાંય નહીં, જરા આંટો મારીને આવું.
તમારા ભાઈને તો ઘરમાં ગમે જ નહીં એટલે સાંજ પડેને એ લટાર મારવા નીકળી પડે.
બે ઘડી બેસો તો ખરાં, તમારે તો બસ, આંટા-ટલ્લાને આશીર્વાદ.
રાતે ૧૦ વાગ્યે ક્યાં ચાલ્યા? અરે, ક્યાંય નહીં, જરા હવા ખાઈને આવું છું.
ADVERTISEMENT
એક સમય હતો જ્યારે આવાં વાક્યો પુરુષો માટે અને પુરુષો દ્વારા પણ સામાન્ય રીતે બોલાતાં જ રહેતાં. ઘરની ચાર દીવાલની અંદર સ્ત્રી પોતાનું વિશ્વ સમાવી લેતી હોય છે એટલે રિલૅક્સ થવા તેને બહાર જવાની જરૂર રહેતી નથી, પણ પુરુષો માટે એવું નથી હોતું. એક સમય હતો કે સાંજ પડે કે રાતે મોડેથી લોકો ચાલવા નીકળે. એ ચાલમાં બ્રીસ્ક વૉકિંગ ન હોય. એ ચાલ ધીમી હોય અને મજાની હોય. હળવાશ ભરેલી હોય અને સૌથી મોટી વાત તો એ કે એ ચાલનો કોઈ ઉદ્દેશ જ ન હોય. આ પ્રકારની લટારને અંગ્રેજીમાં કહેવાય અને આજે વર્લ્ડ સૉન્ટરિંગ ડે છે. પહેલી વાર સાંભળીએ ત્યારે એવું લાગે કે લટાર મારવા જેવી સામન્ય બાબતના પણ કઈ દિવસ ઊજવવાના હોય? પણ આજે જે પરિસ્થિતિમાં આપણે બધા જીવીએ છીએ કદાચ આવી નાની સૂક્ષ્મ બાબતોનું મહત્ત્વ સમજાવવા માટે આ પ્રકારના દિવસો ઊજવાવા જ જોઈએ એવું લાગે છે.
લટારનું મહત્ત્વ
પહેલાં કરતાં આજે લોકો વૉકિંગનું મહત્ત્વ વધુ સમજે છે. ઘરડા હોય કે યુવાન, દરેક વ્યક્તિકાર્ડિયો એક્સરસાઇઝના નામે ચાલવા કે દોડવા જતા હોય છે. એ દોડવા-ચાલવાના ફાયદા ઘણા છે જ, પણ શું કોઈ પણ પ્રકારના ફાયદાનો વિચાર કર્યા વગર આપણે ક્યાંય જઈ શકીએ? ફક્ત મજા આવે છે, શ્વાસ લઈને સારું લાગે છે, આજુબાજુની જગ્યાઓ જોઈને ધીમી ગતિથી મારવામાં આવતી લટાર પણ ઘણી કામની હોઈ શકે છે એવું કોઈ કહે તો તમે માનશો? ખરા અર્થમાં એ ખૂબ જ લાભદાયી છે. એ વિશે વાત કરતાં એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલના સાયકોલૉજિસ્ટ નરેન્દ્ર કિંગર કહે છે, ‘ચાલવાના ફાયદા ઘણા છે, પણ લટાર મારવાના ફાયદાને અવગણી શકાય નહીં. તકલીફ એ છે કે આપણે વધુ ને વધુ માળખાકીય જીવન જીવી રહ્યા છીએ, જેમાં દરેક મિનિટનો હિસાબ આપણે લગાવીએ છીએ. દરેક કાર્ય પાછળ આપણો ગોલ નિશ્ચિત હોય છે. ચાલવા જેવી બાબતમાં પણ હવે આપણે પગલાં ગણવા માંડ્યા છીએ. ૧૦,૦૦૦ થયા કે નહીં એની ચિંતા આપણને વધુ છે. ટાસ્ક વગર વિતાવવામાં આવતી થોડી ક્ષણો તમને પૂરી રીતે રિલૅક્સ કરે છે. કરવું જેટલું જરૂરી છે જીવનમાં એમાંથી અમુક ક્ષણો કાંઈ ન કરવું પણ ખૂબ જરૂરી છે.’
હેમેન્દ્રભાઈ પત્ની હેમાલી સાથે
સમય ન હોય ત્યારે?
મુંબઈ માટે કહેવાય છે કે અહીં દરેક વ્યક્તિ ભાગતી જ હોય છે. શાંતિથી ચાલતાં તો કોઈને આવડતું જ નથી. લટાર મારવાનો અહીં કોઈ પાસે સમય નથી. તો અહીંના લોકો લટાર મારતા કઈ રીતે શીખે? જેનો જવાબ આપતાં પીડિયાટ્રિક ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. તરલ નાગડા કહે છે, ‘લટાર મારવા માટે સમય અલગથી ફાળવવાની જરૂર નથી. એ એક જરૂરી બ્રેક છે જે લઈ લેવાનો હોય છે. હું બે સર્જરી વચ્ચે ૧૦ મિનિટ પણ હોય તો હૉસ્પિટલમાં ફોન મૂકીને હૉસ્પિટલની બહાર એક લટાર મારી આવું છું. એનાથી આગળની સર્જરી માટે મારું મન શાંત અને સ્વસ્થ થઈ જાય છે. આ આદત મને વર્ષોથી છે. થાય છે એવું કે કોઈ પણ કામમાં ફોકસ વધુ હોય ત્યારે માનસિક થાક વધુ લાગે છે. તમારા અટેન્શનને બીજા માર્ગે લઈ જવું જરૂરી છે. મને તો અનુભવ છે કે લટાર મારતી વખતે ભલભલા પ્રૉબ્લેમનાં સોલ્યુશન મને મળી જાય છે. પ્રોફેશનલ હોય, સમાજિક હોય કે કૌટુંબિક, મારા દરેક પ્રશ્નોનો સૌથી સારો ઉપાય મને લટાર વખતે જ મળી આવે છે. મારા માટે એ એક થેરપીનું કામ કરે છે.’
દાંપત્ય માણવામાં ઉપયોગી
૬૭ વર્ષના રિટાયર્ડ જીવન જીવતા હેમેન્દ્રભાઈ શાહ કહે છે, ‘મારા સુખી દાંપત્ય જીવનનો આધાર અમારી લટાર છે. મિડલ એજમાં હતો ત્યારે કામ એટલું હતું કે સાથે રહેવાનો સમય ઓછો મળે એટલ રવિવારે અમે બંને જણ જુહુ બીચ પર કે બાંદરાના કાર્ટર રોડ પર લટાર મારવા જતાં રહીએ. સમુદ્રના ઘુઘવાટ સાથે રેતી પર શાંતિથી વાતો કરતાં-કરતાં ચાલતાં હોઈએ. અમારા મોટા ભાગના મતભેદ એ વાતોમાં જ દૂર થઈ જાય. ઘરમાં વાતાવરણ ભારે હોય, બહાર નીકળો, ખુલ્લી હવામાં મન ખૂલે અને ચર્ચા થઈ શકે. લૉકડાઉનમાં બહાર ન જઈ શકાતું ત્યારે અમે બન્ને અગાસી પર લટાર મારવા જતાં. આમ, અમારા દામ્પત્યના સાંનિધ્યમાં અમારી લટારનું ખૂબ મહત્ત્વ છે. હવે તો રિટાયર્ડ થઈ ગયાં તો સમય જ સમય છે એટલે દરરોજ સાથે જઈએ છીએ.’
કેતન દેસાઈ
પુરુષો અને લટાર
લટાર મારવાનો શોખ અને આદત બન્ને પુરુષોમાં વધુ અને સ્ત્રીઓમાં ઓછાં જોવા મળે છે. ક્યાંય પણ બહારગામ જઈએ તો પુરુષો કોઈના ઘરે બેસી ન રહે, જ્યારે પૂછીએ કે ક્યાં જાઓ છો? તો અજાણ્યા શહેરમાં પણ તેઓ કહેશે કે જરા આંટો મારીને આવું. પુરુષોમાં આ આદત કેમ વધુ હોય છે એનો જવાબ ખુદ લટાર મારવાના જબરા શોખીન ૫૩ વર્ષના વિલે પાર્લે રહેતા કેતન દેસાઈ આપતાં કહે છે, ‘પુરુષોને સામાન્ય રીતે બહાર રહેવાની એટલી આદત હોય છે કે ઘરની ચાર દીવાલોમાં વધુ સમય તે રહે તો તેને ગભરામણ થતી હોય છે. બહાર જાય, ૪ નવા માણસોને મળે તો તેમને ગમે. વળી, એક્સ્પ્લોરેશન અમારો સ્વભાવ છે. બહાર જવું, દુનિયામાં શું ચાલે છે એ જાણવું એ માટે લટાર કામની છે. એમાં અમને રિલૅક્સેશન મળે છે. સ્ત્રીઓની તકલીફ એ છે કે તેમને અઢળક કામ હોય છે. ઘરમાં ને ઘરમાં તેમને એટલું ચાલવાનું થઈ જતું હોય છે કે ખાલી ટાઇમપાસ માટે ચાલવાનું કોઈ કહે તો તેઓ ઝટ દઈને તૈયાર થતી નથી. પુરુષો જ્યારે ઑફિસમાં કે દુકાને લગભગ બેઠાડુ જ જીવન જીવતા હોય છે એટલે તેમને ચાલવામાં કંટાળો ન આવે. ઊલટું ચાલવું તેમને માટે એક બદલાવ છે. બાકી બહાર જવામાં પણ તેમને મજા જ આવતી હોય છે. આમ, સ્ત્રીઓ કરતાં પુરુષોમાં લટારનું પ્રમાણ વધુ જોવા મળે છે.
કોઈ પણ કામમાં ફોકસ વધુ હોય ત્યારે માનસિક થાક વધુ લાગે છે. તમારા અટેન્શનને બીજા માર્ગે લઈ જવું જરૂરી છે. મને તો અનુભવ છે કે લટાર મારતી વખતે ભલભલા પ્રૉબ્લેમનાં સોલ્યુશન મને મળી જાય છે. - ડૉ. તરલ નાગડા
ફાયદો શું થાય છે?
કાંઈ જ ન કરવા માટે તો માણસ ફક્ત પડ્યો રહે તો પણ ચાલેને? એને માટે લટાર મારવાની શું જરૂર? આનો જવાબ આપતાં નરેન્દ્ર કિંગર કહે છે, ‘ના, એવું ન ચાલે. પડ્યા રહેવાથી શરીરનો થાક ઊતરે છે. અહીં મનનો થાક ઉતારવાની વાત છે. અમુક પ્રમાણમાં ઑક્સિજન શરીરમાં જાય, મનમાં ઊઠતા અઢળક વિચારોને દિશા મળે અને એનો વિસ્ખલિત પ્રવાહનો વેગ થોડો શાંત થાય. બેઠા રહીએ તો એ જ વિચારો ઘુમરાયા કરે. ચાલવા માંડીએ તો વિચારોને યોગ્ય દિશા મળે. એડ્રિનલિન ગ્રંથિ થકી એપીનેફ્રીન હૉર્મોન રિલીઝ થાય જેને લીધે મન શાંત થાય છે. મનને પ્રસન્નતા મળે છે. આ કોઈ નવી વાત નથી. કોઈ પણ વ્યક્તિ એ ખુદ પ્રયોગ કરીને સમજી શકે છે.’