Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઓરલ હેલ્થકૅર વિશે તમે કેટલું જાણો છો?

ઓરલ હેલ્થકૅર વિશે તમે કેટલું જાણો છો?

Published : 20 March, 2025 10:53 AM | Modified : 21 March, 2025 07:03 AM | IST | Mumbai
Darshini Vashi

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન વધી રહેલી ઓરલ હેલ્થની સમસ્યા અને બીમારીઓને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યું છે ત્યારે આજે વર્લ્ડ ઓરલ હેલ્થ ડેના દિવસે એના વિશે વધુ માહિતી મેળવીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઓરલ હેલ્થની અંદર મોં, દાંત અને ઓરોફેશ્યલ સ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે જે વ્યક્તિઓને ખાવા, શ્વાસ લેવા અને બોલવા જેવાં આવશ્યક કાર્યો કરવા સક્ષમ બનાવે છે. ઓરલ હેલ્થ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી જીવનભર બદલાય છે. એ સામાન્ય સ્વાસ્થ્યનો અભિન્ન ભાગ છે. ઓરલ રોગોમાં દાંતના સડો, પેઢાંનો રોગ, દાંતનું નુકસાન, ઓરલ કૅન્સર, ઓરો-ડેન્ટલ સમસ્યા, ફાટેલા હોઠ અને તાળવા જેવી કેટલીક જન્મજાત ખામીઓનો સમાવેશ થાય છે. ઓરલ રોગ વિશ્વભરમાં સૌથી સામાન્ય બિનચેપી રોગોમાંના એક છે જે અંદાજે ૩.૫ અબજ લોકોને અસર કરે છે. ઓરલ હેલ્થ જો નબળી હોય તો શરીરમાં ગંભીર બીમારીને આમંત્રણ પણ આપી શકે છે. એવી જ રીતે સામે શરીરની અન્ય બીમારીઓ હોય તો એ ઓરલ હેલ્થને બગાડી શકે છે. આજે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે છે ત્યારે એક્સપર્ટ પાસેથી જાણીએ કે ઓરલ હેલ્થની સંભાળ કેટલી જરૂરી છે? જરા સરખી બેદરકારીના લીધે કેટલાં અને કયાં નુકસાન થઈ શકે છે? તેમ જ ઓરલ કૅર માટે શું કરવું જોઈએ?


રેગ્યુલર વિઝિટ ઇઝ મસ્ટ



નિયમિત ઓરલ તપાસ પ્રારંભિક તબક્કામાં રોગોને શોધવામાં, ચેપ અટકાવવામાં અને એકંદર આરોગ્ય જાળવવામાં મદદ કરે છે. એટલે મોઢાની અંદર જેવી કોઈ સમસ્યા થઈ હોવાનો અણસાર આવે કે તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મોટા ભાગના લોકોનું માનવું હોય છે કે નિયમિત બ્રશિંગ અને ફ્લોસિંગ કરવાથી માત્ર દાંત, પેઢાં અને જીભ જ સ્વસ્થ રહે છે; પરંતુ ઘણા લોકો જાણતા નથી કે દાંત, પેઢાં અને મોઢાની અંદરના સ્ટ્રક્ચરની કૅર એકંદર સ્વાસ્થ્ય જાળવવાની ચાવી છે અને ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ વ્યક્તિને સ્વાસ્થ્ય સંબધિત કોઈ સમસ્યા કે બીમારી હોય. હકીકતમાં નિયમિત પરીક્ષણ દરમિયાન, ડેન્ટિસ્ટ ઘણી વાર ડાયાબિટીઝ, લ્યુકેમિયા અથવા હૃદયરોગ જેવી પરિસ્થિતિઓના શરૂઆતી સંકેતો શોધી શકે છે. જો ઓરલ કૅરની તપાસણી નિયમિતપણે કરવામાં આવે તો સ્વાસ્થ્યને અસર કરી શકે એવા ગંભીર ચેપને અમુક હદ સુધી રોકી શકાય છે. કેટલીક બીમારી અને રોગો ઓરલ સ્વાસ્થ્ય સાથે જોડાયેલાં હોય છે. તેથી ડાયાબિટીઝ, હૃદયરોગ, કિડની સંબધિત બીમારીઓ જેવી બીજી હેલ્થ રિલેટેડ સમસ્યાઓ ધરાવતા લોકોએ નિયમિતપણે ઓરલ કૅર કરવી જોઈએ. આ વિશે જાણકારી આપતાં ઘાટકોપરમાં રહેતા ડેન્ટિસ્ટ ડૉ. શૃંગેશ શાહ કહે છે, ‘ઓરલ હેલ્થ નબળી હોય તો શરીરના અન્ય હિસ્સાને એની ચોક્કસ અસર થાય છે અને ખાસ કરીને પાયોરિયા, જેને સૉફ્ટ ટિશ્યુ કહેવામાં આવે છે એ સૌથી મોટા વિલનનું કામ કરે છે. સડો થવો, દાંતમાં પોલાણ થવું એ બધા હાર્ડ ટિશ્યુ છે જ્યારે પેઢાં, જીભ, તાળવું વગેરે સૉફ્ટ ટિશ્યુ છે. આ સૉફ્ટ ટિશ્યુને નુકસાન થાય એટલે આખા શરીરમાં એની અસર થાય છે. એટલે અમે વારંવાર કહીએ છીએ કે ઓરલ કૅર કરવા પર ધ્યાન આપો, ચોક્કસ સમયાંતરે ડૉક્ટરની વિઝિટ કરો. પણ લોકો સાંભળતા નથી અને પાંચસો-હજાર બચાવવાના ચક્કરમાં હજારો રૂપિયા ગુમાવે છે. ઓરલ સમસ્યા જેટલી વકરતી જાય તેમ-તેમ અન્ય બીમારીઓ પણ ઘર કરતી જાય જેમાં ડાયાબિટીઝ, સંધિવા, કૅન્સર પણ આવી જાય છે.’


ઓરલ કૅર કેવી રીતે કરવી?

ઓરલ કૅર કેવી રીતે કરવી એ બાબતે સમજાવતાં ડૉ. શૃંગેશ શાહ કહે છે, ‘ઓરલ કૅર એટલે મોઢાની અંદર આવેલી દરેક વસ્તુને ચોખ્ખી, સાફ અને હેલ્ધી રાખવી. માત્ર દાંત જ નહીં પણ જીભ પણ ચોખ્ખી રાખવી જોઈએ નહીંતર પેટમાં બૅક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે જેનાથી માણસ બીમાર પડે છે અને રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ થાય છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે શરીરની અંદર આવેલી દરેક વસ્તુ એકબીજાને સીધી અથવા આડકતરી રીતે કનેક્ટ કરતી હોય છે. એક જગ્યાને નુકસાન થવાનું શરૂ થાય અને એનો સમયસર ઇલાજ કરવામાં નહીં આવે તો અન્ય અવયવોને પણ નુકસાન થવાનું શરૂ થઈ શકે છે. એટલે ઓરલ સંભાળમાં નિયમિત બ્રશિંગ, ફ્લોસિંગ અને ડેન્ટલ ચેકઅપ કરવું જોઈએ જેથી દાંત અને પેઢાં સ્વસ્થ રહે, જે પોલાણ અને પેઢાંના રોગને અટકાવે છે. ઓછામાં ઓછું દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ. ટૂથબ્રશ પણ સૉફ્ટ અને ક્લીન હોવું જરૂરી છે. બ્રશ કરતી વખતે પેઢાં પણ સાફ કરવાં જરૂરી છે. તેમ જ બે દાંતની વચ્ચે જમા થયેલો કચરો પણ સાફ કરવો જોઈએ. આ સિવાય આહારની ભૂમિકા પણ અહમ હોય છે. ખાંડવાળા ખોરાક અને પીણાંનું સેવન ઓછું કરવું જોઈએ. આ પદાર્થ દાંતના સડામાં વધારો કરે છે. ધૂમ્રપાન અને તમાકુ ચાવવાથી પણ નોંધપાત્ર રીતે નુકસાન થઈ શકે છે. ફળો, શાકભાજી અને પાણીથી ભરપૂર સંતુલિત આહાર વધુ ખાવો જોઈએ અને લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ વર્ષમાં ઓછામાં ઓછી બે વાર તપાસ અને સફાઈ માટે ડૉક્ટરની મુલાકાત લેવી જ જોઈએ.’


ઓરલ સ્વાસ્થ્ય સાથે કેવી બીમારીઓનો સંબંધ છે?

અહીં કેટલીક તબીબી પરિસ્થિતિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેમાં ઓરલ સ્વાસ્થ્ય સાથે અન્ય બીમારીનો આશ્ચર્યજનક સંબંધ છે.

. ડાયાબિટીઝ : ડાયાબિટીઝ પેરિયોડૉન્ટાઇટિસ રોગ તરફ દોરી શકે છે. અભ્યાસોએ સૂચવ્યું છે કે પેઢાંના રોગથી ડાયાબિટીઝ ધરાવતા લોકો માટે બ્લડ-શુગરનું સંચાલન કરવું વધુ મુશ્કેલ બની શકે છે. વધુમાં ડાયાબિટીઝને રિયોડોન્ટલ રોગના વિકાસ અને પ્રગતિ સાથે પરસ્પર રીતે જોડવામાં આવ્યો છે. ખાંડના વધુ વપરાશ અને ડાયાબિટીઝ, સ્થૂળતા અને દાંતના સડા વચ્ચે પણ એક કારણભૂત સંબંધ છે.

૨. હૃદયરોગ અને સ્ટ્રોક : અભ્યાસો દર્શાવે છે કે ખરાબ ઓરલ સ્વાસ્થ્ય ધરાવતા લોકોમાં હૃદયરોગ અને સ્ટ્રોકનો દર વધુ હોય છે. કેટલાક સંશોધકો માને છે કે પેરિયોડૉન્ટાઇટિસ અને જિંજવાઇટિસનું કારણ બનેલા બૅક્ટેરિયા લોહીના પ્રવાહમાંથી પસાર થઈ શકે છે. હૃદય અને મગજમાં બળતરા અને રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે. જો ફૅટી પ્લેક્સ હૃદય તરફ દોરી જતી રક્તવાહિનીઓને અવરોધે છે તો એ હૃદયરોગનો હુમલો લાવી શકે છે. જો એ મગજ સુધી પહોંચે છે અને રક્ત પુરવઠો કાપી નાખે છે તો એ સ્ટ્રોકનું કારણ બની શકે છે.

૩.કિડની રોગ : જો દરદીની રોગપ્રતિકારક શક્તિ કિડનીના રોગથી નબળી પડી જાય છે તો તેમને ઝડપથી ચેપ લાગી શકે છે. પેઢાંમાં રોગ, પોલાણ, દુખાવો, ખાવામાં તકલીફ અને મોંમાંથી દુર્ગંધ લાવે છે. ક્રૉનિક સોજાને પણ ઉત્તેજિત કરી શકે છે. વધુમાં દાંતના ચેપ કિડની ટ્રાન્સપ્લાન્ટમાં વિલંબ કરી શકે છે.

૪.અંગ પ્રત્યારોપણ : અંગ પ્રત્યારોપણ પ્રક્રિયા પહેલાં ડૉક્ટરો ખાતરી કરે છે કે દરદી કોઈ પણ પ્રકારના ચેપ અથવા દાંતની સમસ્યાઓથી પીડાતા નથીને? નહીંતર પ્રક્રિયા વધુ જટિલ બની શકે છે.

૫.ઓરલ કૅન્સર : ઓરલ કૅન્સરમાં હોઠ, મોંના અન્ય ભાગો અને ઓરોફૅરિન્ક્સના કૅન્સરનો સમાવેશ થાય છે જે વિશ્વભરમાં ૧૩મું સૌથી સામાન્ય કૅન્સર છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા પ્રમાણે ૨૦૨૨માં હોઠ અને ઓરલ પોલાણના કૅન્સરની વૈશ્વિક ઘટનાઓમાં ૩૮૯,૮૪૬ નવા કેસ અને ૧૮૮,૪૩૮ મૃત્યુનો અંદાજ છે. ઓરલ કૅન્સર પુરુષોમાં વધુ સામાન્ય છે. ઉત્તર અમેરિકા અને યુરોપમાં માનવ પપલોમાવાઇરસ ચેપ યુવાનોમાં ઓરલ કૅન્સરની વધતી ટકાવારી માટે જવાબદાર છે.

૬.સંધિવા : ઓરલ સ્વાસ્થ્ય અને સંધિવા વચ્ચેનો સંબંધ સદીઓ જૂનો છે. દાંતના રોગમાં રૂમેટૉઇડ સંધિવા થઈ શકે છે. સંધિવાવાળા લોકો માટે બ્રશ અને ફ્લોસ કરવાનું મુશ્કેલ બનાવે છે.

૭.લ્યુપસ : લ્યુપસના દરદીઓને ગંભીર પેઢાંના રોગ સાથે સંઘર્ષ કરવો પડે એવી શક્યતા વધુ હોય છે. તેમ જ હોઠ, જીભ અને મોંમાં ક્રૉનિક અલ્સર લાળ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ પર પણ હુમલો કરે છે અને એની સારવાર માટે વપરાતી કેટલીક દવાઓ શુષ્ક મોંનું કારણ બની શકે છે.

૮.પાર્કિન્સન્સ : પાર્કિન્સન્સ રોગ જડબાંના સ્નાયુઓમાં જડતા પેદા કરી શકે છે. એનાથી ચાવવું મુશ્કેલ બને છે. ખાવાનું સીધું ગળવું પડી શકે છે, જેને લીધે ગૂંગળામણનું જોખમ વધી શકે છે. મોંમાં લાળ એકઠી થઈ શકે છે, જેનાથી ચેપ લાગી શકે છે. પાર્કિન્સન્સ રોગ ધરાવતા લોકોમાં પેઢાંના ગંભીર રોગ સાથે સંકળાયેલા બૅક્ટેરિયા હોવાની શક્યતા વધુ હોય છે, જે લોહીના પ્રવાહમાં ઘૂસી શકે છે.

૯.એમિઓટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ (ALS) : ALS સ્નાયુઓને નબળા પાડે છે અને શારીરિક કાર્યને અસર કરે છે, જે બ્રશિંગ અને ફ્લોસિંગને મુશ્કેલ બનાવી શકે છે. વધુમાં મોંમાં લાળના સંચયથી બૅક્ટેરિયાનું નિર્માણ થઈ શકે છે, જે ન્યુમોનિયા તરફ દોરી જાય છે.

૧૦.ગર્ભાવસ્થા : સગર્ભા સ્ત્રીનાં બદલાતાં હૉર્મોન્સ બળતરાનું કારણ બની શકે છે. ચારમાંથી એક સગર્ભા મહિલાને દાંતમાં પોલાણ હોય છે, જેથી તેમનાં બાળકોમાં પોલાણ થવાની શક્યતા ત્રણગણી વધારે હોય છે.

૧૧.પેરિયોડોન્ટલ (પેઢા) રોગ : પેરિયોડોન્ટલ રોગ દાંતને ઘેરી લેતી અને ટેકો આપતી પેશીઓને અસર કરે છે. આ રોગ રક્તસ્રાવ અથવા સોજાવાળાં પેઢાં (જિંજવાઇટિસ), દુખાવો અને ક્યારેક ખરાબ શ્વાસ થકી ઓળખી શકાય છે. એના વધુ ગંભીર સ્વરૂપમાં પેઢાં દાંત અને ટેકો આપતાં હાડકાંમાંથી દૂર થઈ શકે છે, જેના કારણે દાંત છૂટા પડી જાય છે અને ક્યારેક બહાર પડી જાય છે. પેરિયોડોન્ટલ સંબધિત રોગો વિશ્વભરમાં દર વર્ષે લાખો લોકોને અસર કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 March, 2025 07:03 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub