Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ખુદ કા ખયાલ રખને મેં ઇતને કચ્ચે ક્યોં હો આપ?

ખુદ કા ખયાલ રખને મેં ઇતને કચ્ચે ક્યોં હો આપ?

Published : 20 July, 2021 01:59 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

પ્રશ્ન મહિલાઓ માટે છે. વર્લ્ડ હેલ્થ સ્ટૅટિસ્ટિક્સ કહે છે કે મહિલાઓ લાંબું જીવે છે, પરંતુ હેલ્ધી નથી જીવતી. મહિલાઓ સેલ્ફકૅરમાં ધ્યાન નથી આપતી એની વાતો આપણે ઘણી વાર કરી ચૂક્યા છીએ, પરંતુ તંદુરસ્ત જીવનશૈલીની બાબતમાં તેઓ ક્યાં ગોથું ખાય છે અને એ દિશામાં

ખુદ કા ખયાલ રખને મેં ઇતને કચ્ચે ક્યોં હો આપ?

ખુદ કા ખયાલ રખને મેં ઇતને કચ્ચે ક્યોં હો આપ?


પ્રશ્ન મહિલાઓ માટે છે. વર્લ્ડ હેલ્થ સ્ટૅટિસ્ટિક્સ કહે છે કે મહિલાઓ લાંબું જીવે છે, પરંતુ હેલ્ધી નથી જીવતી. મહિલાઓ સેલ્ફકૅરમાં ધ્યાન નથી આપતી એની વાતો આપણે ઘણી વાર કરી ચૂક્યા છીએ, પરંતુ તંદુરસ્ત જીવનશૈલીની બાબતમાં તેઓ ક્યાં ગોથું ખાય છે અને એ દિશામાં કોઈ ચેન્જ છે કે નહીં એના પર આજે ચર્ચા કરીએ


ભારતમાં પુરુષો કરતાં મહિલાઓ સરેરાશ લગભગ ત્રણ વર્ષ વધારે જીવે છે, પરંતુ કેવું જીવે છે એ કહેવું હોય તો જવાબ છે અનહેલ્ધી. તાજેતરમાં પ્રકાશિત થયેલો ‘વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ’નો અહેવાલ તો આ જ કહે છે. અહેવાલમાં એ પણ સ્પષ્ટ થયું છે કે સામાન્ય રીતે હેલ્ધી લાઇફ અને લાંબી લાઇફ વચ્ચે લગભગ નવ વર્ષનો ગેપ છે. એટલે કે સ્ત્રીઓ નવ વર્ષ લાંબું જીવી શકે છે, પરંતુ એ વર્ષો સ્વસ્થતાપૂર્વકનાં જ હશે એની કોઈ ગૅરન્ટી નથી. હેલ્થ એક્સપર્ટ આ સંદર્ભમાં માને છે કે આપણી પાસે રહેલી મેડિકલ ફૅસિલિટીનો ઉપયોગ આપણે આવરદા વધારવાના આશયથી જ કર્યો છે, નહીં કે સ્વાસ્થ્ય વધારવાના આશયથી. આજે આપણે સમજવાની કોશિશ કરીએ કે શું કામ મહિલાઓ લાંબું જીવતી હોવા છતાં સ્વાસ્થ્યની બાબતમાં પાછળ છે. ખાસ કરીને ગુજરાતી ઘરોમાં મહિલાઓની બીમારીઓ સહજ ગણાય છે. ઉંમર સાથેના દુખાવા, અમુક બીમારીઓ અને અમુક શારીરિક નિષ્ક્રિયતા દર પાંચમાંથી ત્રણ મહિલાઓમાં જોવા મળે છે અને એને આપણે સહજ રીતે સ્વીકારી પણ લીધું છે. પ્રશ્ન છે કે આવું કેમ થાય છે? શું કામ ઉંમરના પાછલા તબક્કા સુધી પુરુષોની તુલનાએ મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું જતન નથી કરી શકતી. બે જનરેશનની મહિલાઓ સાથે આ સંદર્ભે અમે વાત કરી, તેમના વાસ્તવિક અનુભવો શું કહે છે એ જાણીએ. 
શરૂઆતમાં બેદરકારી
અમારી જનરેશનમાં એવું હતું કે જ્યાં સુધી કોઈ તકલીફો આવે નહીં ત્યાં સુધી પોતાની હેલ્થ તરફ ધ્યાન નહીં આપવાનું એમ જણાવીને ફિફ્ટી પ્લસની ઉંમર ધરાવતાં પાર્લામાં રહેતાં સોનલ મહેતા વાતને આગળ વધારતાં કહે છે, ‘હું મારી જ વાત કરું તો છેલ્લા પાંચેક વર્ષમાં હું જેટલી મારી હેલ્થ માટે સભાન થઈ છું એટલી પહેલાં નહોતી. પહેલાં તબિયત પણ મજબૂત હતી એટલે જરૂરિયાત પણ જણાતી નહોતી. એ સમયે બાળકો અને પરિવારની જવાબદારી વચ્ચે જાતને છેલ્લે પ્રાયોરિટી અપાતી. જૉઇન્ટ ફૅમિલીમાં રહેતા હતા એટલે એને લગતા કામમાં દિવસ પૂરો થઈ જતો. એમ જ માનતા કે ઘરનું આટલું કામ કરીએ છીએ એમાં જ અમારી કસરત થઈ જાય છે. જોકે એ ભ્રમ હવે તૂટ્યો છે. આજે સ્વીકારું છું કે ફિટનેસ માટે પોતાનો ડેડિકેટેડ ટાઇમ દરેકે કાઢવો જ જોઈએ. કમસે કમ એક કલાક જાતને આપવો જ જોઈએ.’
પૂર આવે ત્યારે પાળ
આ માનસિકતા આજે પણ ઘણી મહિલાઓની છે. ઘરનાં કામ કરીએ છીએ એમાં કંઈ ઓછી કસરત થાય છે? જોકે આટલું પૂરતું નથી. યુવાનીના દિવસોમાં ખાવા-પીવાનું બેફામ હોય અને સાથે શરીરની સંભાળ પણ ન રખાતી હોય ત્યારે રોગો શરીરમાં પગપેસારો કરી દેતા હોય છે. એ પછી ધ્યાન રાખો તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ ઘડાય. સોનલબહેન કહે છે, ‘આજે હું નિયમિત વૉક પર જાઉં છું. ગાર્ડનમાં જિમના ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર એક્સરસાઇઝ કરું છું. ખાવા-પીવાની બાબતમાં સચેત છું. ડાન્સ મને ગમે છે તો એનાથી પણ ખાસ્સી કસરત મળી જાય છે. બહાર વરસાદ હોય તો ઘરે જ રહીને ચાલીસેક મિનિટ વૉક કરી લઉં છું. આર્ટ-ક્રાફ્ટનો શોખ છે અને પોતે પણ ફૅશન ડિઝાઇનર છું અને ક્રીએટિવ માઇન્ડસેટને કારણે મેન્ટલી પણ હેલ્ધી રહેવાના પ્રયાસ કરું છું. જોકે એ પછી પણ એક વાત કહીશ કે આજે પણ પરિવારની વાત આવે, બાળકોની વાત આવે ત્યારે જાતને બાજુ પર રાખીને પણ તેમના તરફ બધું જ અટેન્શન વળી જાય છે. જોકે આજે વિચારતાં એમ લાગે છે કે અત્યાર જેટલી જ સંભાળ મેં શરૂઆતનાં વર્ષોમાં રાખી હોત તો કદાચ ડાયાબિટીઝ, થાઇરૉઇડ વગેરે ન આવ્યા હોત. એ સમયે પોતાની જાતને નિગ્લેક્ટ કરી અને એ ગાળામાં ડૅમેજ થઈ ગયું. હવે એને રિપેર કરી શકાય એમ નથી, માત્ર મૅનેજ કરી શકાય છે. મારા અનુભવ પરથી હું દરેકને કહીશ કે પહેલેથી જ ધ્યાન રાખો. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય એવું કહેનારા આપણા વડવાઓ ખરેખર સ્માર્ટ હતા. આપણને પોતાને પણ અંદરખાને શું કરવા જેવું છે અને કેવી રીતે રહેવા જેવું છે એની ખબર જ હોય છે, પરંતુ ઘણી વાર આપણે આળસમાં વસ્તુઓ બગાડી દેતા હોઈએ છીએ. મને ખાવાનો શોખ પુષ્કળ છે અને એ સમયમાં હું ખાવાની બાબતમાં હેલ્ધી અનહેલ્ધીનો વિચાર કર્યા વિના જે ભાવે એ ખાઈ લેતી હતી. આ બધી બાબતો પાછળથી નડે એ પહેલાં જ ચેતવું સારું છે. મહિલાઓએ પોતાની હેલ્થ અને બ્યુટી બન્ને માટે મિનિમમ રોજનો એક કલાક કાઢવાનો કડક નિયમ બનાવીને એને પાળવો જ જોઈએ.’
હવે વધુ અલર્ટ
એક તરફ એ જનરેશન જેણે પોતે પરિવારની જવાબદારીને પ્રાયોરિટી આપીને જાતને પાછળ રાખી ત્યારે આજની જનરેશન આ બાબતમાં પોતાની મમ્મીઓ પાસેથી આ વાત શીખી છે. તેઓ પરિવારની સાથે પોતાની કૅરને પણ મહત્તા આપે છે. ૨૮ વર્ષની ઘાટકોપરની આર્કિટેક્ટ પ્રિયંકા ગોરાસિયા કહે છે, ‘અત્યારે હું સિંગલ છું અને જ્યારથી સમજણી થઈ છું ત્યારથી મારી હેલ્થને લઈને અલર્ટ છું. મારી એજની મારી કઝિન્સ, ફ્રેન્ડ્સ કે જેમને ચાર-પાંચ વર્ષનાં બાળકો છે એ લોકો પણ પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે, પોતાની રીતે વર્કઆઉટ કરે છે. હવેના સમયમાં હેલ્થ-કૉન્શ્યસ હોવું એક ક્વૉલિટી છે અને ડિપેન્ડન્સી ન જોઈતી હોય તો તમારે હેલ્થ- કૉન્શ્યસ બન્યા વિના છૂટકો પણ નથી. જવાબદારીઓ વધી હોય અને એમાં આજકાલ તો વર્કિંગ પ્રોફેશનલ મહિલાઓ વધુ છે એ સમયે જાતને પ્રાયોરિટી આપીને સમય ફાળવવાનું અઘરું તો હોય જ છે, પરંતુ ધારો કે ફિટનેસ માટે અલગ સમય ન ફાળવી શકે તો પણ ખાવા-પીવાની બાબતમાં અલર્ટ થઈ જાય છે. એટલી અવેરનેસ આજે લગભગ દરેક મહિલામાં આવી છે.’



Sonal Mehta


 છેલ્લા પાંચેક વર્ષમાં હું જેટલી મારી હેલ્થ માટે સભાન થઈ છું એટલી પહેલાં નહોતી. પહેલાં જૉઇન્ટ ફૅમિલીમાં રહેતા હતા એટલે એમ જ માનતા કે ઘરનું આટલું કામ કરીએ છીએ એમાં જ અમારી કસરત થઈ જાય છે. જોકે એ ભ્રમ હવે તૂટ્યો છે.  
સોનલ મહેતા

Priyanka Gorasia


જૂની જનરેશનની હેલ્થ કેમ નબળી?

આગલા જનરેશનની મહિલાઓની હેલ્થ વધુ ખરાબ હોવાનું એક બીજું મહત્ત્વનું કારણ તેની દૃષ્ટિએ આપતાં પ્રિયંકા કહે છે, ‘આગલા જનરેશનની એટલે કે મારાં મમ્મી, કાકી કે એ એજ-ગ્રુપની મહિલાઓએ બે પ્રકારની લાઇફસ્ટાઇલ જોઈ છે. તેમનું બાળપણ અતિશય પૌષ્ટિક અને હેલ્ધી ખોરાક ખાવામાં વીત્યું અને કામ પણ એવું હતું કે શરીર કસાયેલું રહે, પરંતુ પછી સિટી લાઇફમાં સેટ થવા જતાં તેમની ફૂડ-હૅબિટમાં ૩૬૦ ડિગ્રી બદલાવ આવ્યો. એને કારણે શરીરની કેળવણી અધકચરી રહી. હેલ્ધી અને અનહેલ્ધી વચ્ચેના આ ઘમસાણની અસર તેમની હેલ્થ પર અત્યારે દેખાય છે. જ્યારે અમારું જનરેશન એવું છે જે જન્ક-ફૂડ વચ્ચે જ પેદા થયું છે. મિક્સ અને કેમિકલવાળું જન્મથી જ ખાધું છે એટલે એ સભાનતા વધારે છે કે આવા માહોલ વચ્ચે ધ્યાન નહીં રાખીએ તો જલદી ખેલ ખતમ થઈ જશે. જોકે હેલ્ધી લાઇફ લાંબી લાઇફ કરતાં વધુ આવકારવાલાયક છે અને એ વાત દરેક ઉંમરની સ્ત્રીઓ અને પુરુષોને લાગુ પડે છે. એના માટે જે કરી શકાય એ બધાએ કમ્પલ્સરી કરવું જ જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2021 01:59 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK