શું તમારો ટૉઇલેટ ટાઇમ તમારો ફેવરિટ ટાઇમ બનતો જાય છે?
વરુણ ધવન
આવું માત્ર વરુણ ધવન જ કહે છે એવું નથી. એક સર્વે તો કહે છે કે પુરુષોને સ્ત્રીઓની સરખામણીમાં બાથરૂમમાં વધુ સમય લાગે છે. સતત ભાગતી જિંદગી અને એમાં ચાલતા ભૌગોલિક અને માનસિક કકળાટથી થોડી મિનિટો બ્રેક લેવા માટે બાથરૂમ આજકાલ લોકોને શ્રેષ્ઠ જગ્યા લાગે છે. જસ્ટ થિન્ક, શું તમને પણ બાથરૂમમાં વધુ સમય ગાળવાનું ગમે છે? ઘરની આ સૌથી નાની જગ્યામાં એવું તે શું મળે છે કે ત્યાં ભરાઈ રહેવામાં લોકોને અજબની મજા આવવા લાગી છે એ આજે સમજવાની કોશિશ કરીએ
વરુણ ધવને હાલમાં તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે મને બાથરૂમમાં સમય વિતાવવો ખૂબ ગમે છે. એક રીતે તમને ત્યાં સેફ ફીલ થાય. આજકાલ લોકો બાથરૂમમાં ઘણો સમય વિતાવે છે. આમ તો બાથરૂમનો ઉપયોગ હાજતે જવા, સુ-સુ કરવા, નહાવા, હાથ ધોવા કે મોઢું ધોવા માટે થતો હોય છે પરંતુ આ ૪૦ સ્ક્વેર ફીટની જગ્યાનો ઉપયોગ જુદાં-જુદાં કામો માટે થવા લાગ્યો છે. બાથરૂમનો ઉપયોગ થાય છે છોકરાઓને દાઢી કરવા માટે અને છોકરીઓને વૅક્સ કરવા માટે, ચહેરાને પૅપેક લગાવી ધોળો બનાવવા અને વાળને ડાઇ લગાડી કાળા કરવા માટે. સ્ત્રીઓનું સ્કિન કૅર યુનિટ બાથરૂમમાં સચવાય છે તો એના ફોકસ મિરર સામે ઊભા રહીને ચેહરા પરની કરચલીઓ જોવામાં ઘણો સમય પસાર થઈ જતો હોય છે એટલું જ નહીં; ક્યારેક રડવા માટે, ક્યારેક દુનિયાથી છુપાઈને સિગારેટ પીવા માટે, યુવાન હોય તો પોતાની ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ સાથે વાત કરવા માટે, ક્યારેક કોઈ સ્પીચ પ્રૅક્ટિસ કરવા માટે કે ક્યારેક ગીતો ગાંગરવા માટે એ ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલાક લોકોને ત્યાં બેસીને છાપું વાંચવું ગમે છે તો કેટલાકને દુનિયાને ન બતાવી શકાય એવી કોઈ ખાસ બુક બાથરૂમમાં જ વાંચવા મળે છે. આમ બાથરૂમ પાસે પોતાની એક દુનિયા છે.
ADVERTISEMENT
પુરુષો અને બાથરૂમ
પહેલાંના સમયમાં એવું કહેવાતું કે આ જગ્યાએ જેટલો ઓછો સમય વિતાવો એટલા તમે હેલ્ધી ગણાઓ. એટલે કે હાજતે જવાનો સમય વધુ ન લાગવો જોઈએ, પરંતુ આજના સમયમાં બાથરૂમમાં લોકોનો ઘણો સમય વીતી રહ્યો છે. એમાં પણ લગભગ દરેક ઘરમાં બાથરૂમમાં સૌથી વધુ સમય ઘરના પુરુષોને લાગે છે. ઘરની સ્ત્રીઓને વારંવાર ફરિયાદ કરતી સાંભળી જ હશે કે અમારા એને બાથરૂમમાં ખૂબ સમય લાગે! ઘણી વાર તો તેને શક પણ થતો હોય છે કે અંદર બેઠાં-બેઠાં આ માણસ કરે છે શું? ઘણાં ઘરોમાં તો પુરુષ બાથરૂમમાં જાય એ પછીથી બે-ત્રણ વાર દરવાજો ઠોકીને કહેવું પડે છે કે હવે કેટલી વાર? ત્યારે અંદરથી અવાજ આવે કે અહીં તો શાંતિ લેવા દ્યો. હાલમાં એક ઇન્ટરવ્યુમાં ઍક્ટર વરુણ ધવને કહ્યું કે મને બાથરૂમમાં સમય વિતાવવો ખુબ ગમે છે. ત્યાં એક અલગ શાંતિ મળે છે. સિક્યૉરિટી ફીલ થાય છે.
સર્વે શું કહે છે?
૨૦૧૮માં થયેલા એક બીજા બ્રિટિશ સર્વે મુજબ પણ કુલ ત્રીજા ભાગના પુરુષોએ કબૂલ્યું હતું કે તેઓ બાથરૂમમાં પોતાના પરિવારથી છૂટવા માટે વધુ સમય વિતાવે છે, જ્યારે આ આંકડો સ્ત્રીઓ માટે ૧/૫ જેટલો હતો. જ્યારે છ મહિના પહેલાં થયેલા એક બ્રિટિશ સર્વેમાં પણ એ જ જાણવા મળ્યું હતું કે પુરુષો સ્ત્રીઓ કરતાં ઘણો વધુ સમય લૂમાં વિતાવે છે. ઍવરેજ ૨૦ મિનિટ તેઓ રેસ્ટરૂમમાં બંધ રહે છે, જ્યારે સ્ત્રીઓની આ ઍવરેજ ૧૫ મિનિટ જેટલી હતી. આ સર્વેમાં ૨૦૦૦ લોકોએ ભાગ લીધો હતો જેમાંથી ૪૩ ટકા લોકોએ કબૂલ્યું હતું કે તેમને કોઈ જગ્યાએ બંધ થઈ જવામાં ખૂબ શાંતિ મળે છે અને એમાંથી ૧૩ ટકા લોકોએ કહ્યું હતું કે આવું તેઓ પોતાના પાર્ટનરથી થોડા સમય માટેનો છુટકારો મેળવવા કરે છે. આ સ્ટડી પરથી એ પણ જાણવા મળ્યું હતું કે ટૉઇલેટમાં લાંબો સમય વિતાવવાથી જે પ્રકારનું રિલૅક્સેશન મળે છે એ મેન્ટલ હેલ્થ માટે ઘણું સારું છે.
મારો ફોન અને હું
આજકાલ બાથરૂમમાં જે વધુ સમય લોકો વિતાવી રહ્યા છે એની પાછળનું મુખ્ય કારણ તેમનો ફોન છે. એ સ્પષ્ટતા કરતાં જાણીતા સાઇકોલૉજિસ્ટ ડૉ. નરેન્દ્ર કિંગર કહે છે, ‘ફોન પર સોશ્યલ મીડિયા પર લોકોના કલાકો ખર્ચાઈ રહ્યા છે. વ્યક્તિ બધાની વચ્ચે હોય ત્યારે તેને સમયભાન રહે છે પરંતુ બાથરૂમમાં એટલી શાંતિ હોય છે કે ફોન સ્ક્રૉલ કરતાં-કરતાં વ્યક્તિ સંખ્યાબંધ રીલ્સ જોયા કરે છે અને કેટલો સમય થઈ ગયો એની ખબર જ નથી હોતી. આ કર્યા પછી લોકોને લાગે છે કે અમને શાંતિ મળી. ખરેખર શાંતિ નથી મળતી કે નથી રિલૅક્સ થતા, પરંતુ એમાં તેમને મજા પડે છે કારણ કે એ એક પ્રકારની ગમતી પ્રવૃત્તિ છે. બાથરૂમમાં કોઈ ટોકતું નથી કે ક્યાં સુધી ફોન પર ચોંટી રહેશો, કોઈ વચ્ચે વાત કરવા આવતું નથી, કોઈ બીજાં કામ તરફ તમને દોરતું નથી એટલે ત્યાં બેઠા-બેઠા કોઈ ડિસ્ટર્બન્સ વગર તમે ફોન જુઓ છો એની મજા છે બસ. મોટા ભાગના લોકો બાથરૂમમાં સમય એટલે જ પસાર કરે છે. મને લાગે છે કે સ્ત્રીઓ પણ એમાં સામેલ છે. પરંતુ અમુક જરૂરી જવાબદારીઓને કારણે કદાચ તે વધુ સમય ત્યાં ન વિતાવી શકતી હોય એમ બને.’
બાથરૂમનું લૉક
બાથરૂમમાં હાજતે જવા સિવાયનો સમય આપણે જે પણ કામ માટે કાઢીએ છીએ પછી એ ફોન મચેડ્યા કરવાનો હોય કે પછી વિચારે ચડવાનું હોય એવું ડ્રૉઇંગ રૂમ કે બેડરૂમમાં પણ શક્ય છે. પરંતુ એમાં અને બાથરૂમમાં એક જ મોટો ફરક છે, એ છે એનું લૉક. તમે દિન-દહાડે ગમે ત્યારે રૂમનો દરવાજો લૉક કરીને બેસી જાઓ તો ઘરમાં બધાને લાગે કે અચાનક શું થયું? ફક્ત બારણું અટકાવો તો ગમે ત્યારે કોઈ પણ અંદર આવી શકે. કોઈ પણ કામ આવી જાય, વ્યક્તિ તમારી એ સ્પેસમાં ઘૂસી જાય કે પછી કોઈ બીજું પોતાની વાત કરવા લાગે. કામ અને ઘરના દરરોજના રૂટીન કકળાટમાં થોડી પળોનું એકાંત ઝંખવાનું નૉર્મલ છે, પણ એ રૂમમાં મળતું નથી એટલે જ્યારે બાથરૂમમાં જઈએ અને લૉક લગાવીએ ત્યારે એની માનસિક અસર જુદી છે. એ વિશે વાત કરતાં ડૉ. નરેન્દ્ર કિંગર કહે છે, ‘દુનિયાથી એક પ્રકારનું કટ-ઑફ જરૂરી છે. રૂમને લૉક મારીને રહેવું સામાજિક રીતે સ્વીકાર્ય ન હોય પણ ટૉઇલેટ બ્રેક લેવો સોશ્યલી ઍક્સેપ્ટેબલ છે. અત્યંત ફાસ્ટ પેસ લાઇફ છે એમાં ખુદ સાથે થોડી ક્ષણો વિતાવવાની અને બહારની દુનિયાથી સંપૂર્ણ કટ થઈ જવાની જે ઇચ્છા છે એ ટૉઇલેટનું લૉક મારી દેવાથી પૂરી થતી હોય છે. માનસિક રીતે એટલે ત્યાં સિક્યૉર લાગે છે. હવે અહીં કોઈ નહીં આવી શકે, અહીં ફક્ત હું જ છું એમ આ બાથરૂમનું આ લૉક તમને આશ્વસ્ત કરે છે.’
ક્રીએટિવિટી અને રિલૅક્સેશન
ઘણા લોકો એવો પણ ક્લેમ કરતા હોય છે કે સૌથી ક્રીએટિવ આઇડિયા તેમને ટૉઇલેટ સીટ પર બેઠા હોય ત્યારે જ આવે છે. આ વાત પાછળની માનસિકતા જણાવતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘શરીરમાંથી જે સમયે કચરો દૂર થાય એ સમયે શરીર અને મન બન્ને હળવાં થાય છે. એની શારીરિક અસર ભલે સીમિત હોય, પરંતુ અસર તો છે જ. એ સમયે જે રિલૅક્સેશન મળે છે એને કારણે લોકોની ક્રીએટિવિટી ખીલે છે. ક્રીએટિવ આઇડિયાઝને રિલૅક્સેશન સાથે સીધો સંબંધ છે પરંતુ એ ત્યારે શક્ય છે જ્યારે તમે ત્યાં શાંતિથી બેઠા હો. જો ફોન તમારી સાથે છે તો શાંતિ કે રિલૅક્સેશન મળવાનું નથી. એમાં ક્યારેય કોઈ આઇડિયા આવશે નહીં. એટલે જો ખરેખર બાથરૂમ ટાઇમનો માનસિક શાંતિ માટે ઉપયોગ કરવો હોય તો ફોન અંદર ન લઈ જવો.’
મી-ટાઈમના બીજા ઑપ્શન શોધવા જોઈએ
બાથરૂમમાં સમય પસાર કરવાનું આમ તો કંઈ નુકસાનકારક નથી પણ જો તમને એ ગમતો હોય તો એનો સીધો અર્થ એ છે કે તમને તમારા જીવનમાં મી-ટાઇમની ખૂબ જરૂર છે. એ વિશે વાત કરતા ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘દરેક વ્યક્તિને તેના આખા દિવસમાં એવો સમય જોઈતો જ હોય છે જેમાં તે ફક્ત ખુદ સાથે રહી શકે. તમારા જીવનમાં કેટલો ઉત્પાત છે એના પર આધાર રહે છે કે તમને આ મી-ટાઇમની કેટલી વધુ જરૂર રહે છે. ઘણાને એ સરળતાથી મળી જતો હોય છે, ઘણાને એ ચોરવો પડે છે. જો તમે આ મી-ટાઇમ ખુદ માટે કાઢવા લાગશો તો તમારે બાથરૂમમાં વધુ સમય વિતાવવાની જરૂર નહીં પડે. આ મી-ટાઇમ એટલે તમારો મનગમતો સમય પણ હોઈ શકે. તમને ક્રિકેટ ગમતું હોય અને જો એક કલાક તમે એ રમી લો તો એટલો સંતોષ મળશે કે પછી બાથરૂમમાં ભરાઈ રહેવાની જરૂર નહીં પડે. મી-ટાઇમ માટે બીજા મનગમતા ઑપ્શન્સ શોધો. સમય કાઢો, પરિસ્થિતિઓ એ રીતે ઘડો. એટલું અઘરું નથી. બાથરૂમ સિવાયના ઑપ્શન્સ તપાસી જુઓ.’