ઘણા લોકો એવા હોય છે જે નહાવા માટે અતિ ગરમ ધુમાડા નીકળતું પાણી જ વાપરે છે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
સ્નાન સાયન્સની દૃષ્ટિએ હાઇજીન સંબંધિત ક્રિયા છે પરંતુ શરીરને સ્વચ્છ રાખવા સિવાય પણ એના ઘણા ઉપયોગો છે. આજે દરેક ઘરમાં ગીઝર આવી ગયાં અને એને કારણે જ શિયાળો હોય કે ઉનાળો, શહેરી વ્યક્તિ ગરમ પાણીએ જ નહાય છે. મુંબઈમાં ખાસ કરીને જ્યાં દરેક ઋતુ લગભગ સરખી જ હોય છે ત્યાં નહાવાનું પાણી જરૂરિયાત કરતાં આદત પ્રમાણે વધુ વાપરવામાં આવે છે. એટલે કે શિયાળો છે કે વાતાવરણમાં ઠંડી છે એટલે નહીં, પરંતુ ગરમ પાણીથી નહાવાની મજા આવે છે કે પછી હવે આદત પડી ગઈ છે એમ સમજીને ગરમ પાણીથી નહાવામાં આવે છે. ઘણા લોકો તો ત્યાં સુધી કહે છે કે ગરમ પાણીએ નહાયા ન હોય તો લાગે જ નહીં કે નહાયા છીએ.
આપણા વડીલો કહેતા કે પાણી હૂંફાળું ગરમ હોવું જોઈએ. ખૂબ ગરમ કે ખૂબ ઠંડા પાણીએ નવાય નહીં. જ્યારે ખૂબ ઠંડી હોય ત્યારે લોકો ખૂબ ગરમ ધગધગતા પાણીએ નહાય છે અને ગરમી હોય ત્યારે ફ્રિજના પાણીએ નહાતા લોકો પણ હોય છે. આ આદત હાનિકારક છે. ખાસ કરીને જેમને બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ કે હાર્ટ પ્રૉબ્લેમ હોય તેમણે ક્યારેય ખૂબ ઠંડા પાણીએ કે ખૂબ ગરમ પાણીએ નહાવું ન જોઈએ. અતિ ગરમ પાણી થેરપી માટે ક્યારેક વપરાતી વસ્તુ છે, જ્યારે નહાવા માટે તો હૂંફાળું પાણી જ વાપરવું. સ્નાનનો પહેલો સંબંધ ચામડી સાથે છે. જો તમારે સ્કિન સારી રાખવી હોય તો ક્યારેય ગરમ પાણીથી ન નહાવું, કારણ કે ગરમ પાણી ચામડીને ડ્રાય કરે છે. શિયાળામાં આમ પણ સ્કિન ડ્રાય થાય છે અને ગરમ પાણીથી સ્કિન વધુ ડ્રાય થઈ જાય છે. સ્કિન અને વાળ બન્નેે માટે હૂંફાળું પાણી બેસ્ટ છે.
ADVERTISEMENT
ઘણા લોકો એવા હોય છે જે નહાવા માટે અતિ ગરમ ધુમાડા નીકળતું પાણી જ વાપરે છે. એની પાછળ એક કારણ એ છે કે આ લોકોને નાનપણથી જ અતિ ગરમ પાણી વાપરવાની આદત હોય છે એટલે તે ટેવાઈ જાય છે. ફક્ત નહાવા માટે જ નહીં, પરંતુ ખોરાકમાં પણ તેમને અત્યંત ગરમ પદાર્થ જ ખાવા જોઈએ. હોમિયોપૅથીમાં આ પ્રકારની આદતોને અમે ડિસઑર્ડર ગણીએ છીએ. આપણા શરીરમાં હોમિયોસ્ટેસિસ હોય છે જે બૉડીના તાપમાનને બૅલૅન્સમાં રાખવાનું કામ કરે છે. એમાં કોઈ તકલીફ હોય ત્યારે આ પ્રકારનું વર્તન માણસ કરે છે જેને અમુક દવાઓ દ્વારા ઠીક કરવામાં આવે છે. જો તમને અતિ ગરમ પાણીની આદત હોય તો એ સારી તો નથી જ. છોડવાની કોશિશ કરો અને ન છૂટે તો નિષ્ણાતની સલાહ લો.
- ડૉ. મયંક શાહ