જો ન હોય તો કેમ હોવી જોઈએ એ જાણી લો. સૈફ અલી ખાન જેવા સેલિબ્રિટીઝ અને ધનાઢ્ય લોકો જો હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસી વાપરતા હોય તો સામાન્ય વ્યક્તિએ એ જાણવું જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
જો ન હોય તો કેમ હોવી જોઈએ એ જાણી લો. સૈફ અલી ખાન જેવા સેલિબ્રિટીઝ અને ધનાઢ્ય લોકો જો હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસી વાપરતા હોય તો સામાન્ય વ્યક્તિએ એ જાણવું જરૂરી છે કે મેડિક્લેમ શા માટે જરૂરી છે. પૈસાવાળાની જ અરજી જલદી અપ્રૂવ થાય અને ગરીબોની અપ્રૂવ ન થાય એવું માનતા હો તો નિષ્ણાતો પાસેથી તમારી પૉલિસી વિશેની માન્યતાઓ અને ગેરમાન્યતાઓ દૂર કરી લો
સૈફ અલી ખાનના ઘરમાં કોઈ ચોર ઘૂસી ગયો અને તેને ઘાયલ કરીને નાસી ગયો એના સમાચાર ૨૪ કલાક ઉપર ચાલ્યા. ત્યારે એક બીજા મુદ્દા પર પણ ચર્ચા શરૂ થઈ જેના પર બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું. સૈફ અલી ખાન હૉસ્પિટલમાં દાખલ થયો અને ગણતરીના કલાકોમાં તેની હેલ્થ ઇન્શ્યૉરન્સ કંપનીએ ૨૫ લાખ રૂપિયાનો મેડિક્લેમ અપ્રૂવ કરી દીધો. સેલિબ્રિટી છે એટલે એટલા રૂપિયાની પૉલિસી હોય એના પર કોઈને સવાલ ન થયો, પરંતુ સોશ્યલ મીડિયા પર ચર્ચા એ જાગી કે સામાન્ય માણસને મેડિક્લેમ અપ્રૂવ કરાવવા માટે ધક્કા ખાવા પડે છે ત્યારે સેલિબ્રિટીને કેમ જલદીથી અપ્રૂવલ આપી દીધું? પૈસાવાળાની પૉલિસી કેમ જલદી અપ્રૂવ થાય અને ગરીબોની પૉલિસી કેમ અપ્રૂવ થતાં વાર લાગે એ સવાલ પૂછવા કરતાં એ સવાલ પૂછો કે પૈસાદાર લોકો કે જેને લાખો રૂપિયાનો ખર્ચ પરવડે એમ છે એ લોકો સ્વાસ્થ્ય માટે શા માટે પૉલિસી પર આધાર રાખે છે? આપણા જીવનમાં પણ સૈફ અલી ખાનની જેમ અચાનક જ હૉસ્પિટલનો મોટો ખર્ચ આવી જાય તો આપણા બૅન્ક-બૅલૅન્સની શું હાલત થાય? આપણે પૉલિસી લેતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કેવી પૉલિસી પર આધાર રાખવો જોઈએ એ બધી જ વિગતો નિષ્ણાતો પાસેથી જાણીએ.
ADVERTISEMENT
ગેરમાન્યતા દૂર કરવાની જરૂર
કાંદિવલીમાં ૨૦ વર્ષથી ઇન્શ્યૉરન્સ ઍડ્વાઇઝર એટલે કે વીમા સલાહકાર તરીકે પ્રૅક્ટિસ કરતાં અક્ષય શાહ કહે છે, ‘બે પ્રકારના હેલ્થ ઇન્શ્યૉરન્સ હોય છે : ફ્લોટર એટલે આખી ફૅમિલી કવર થાય અને ઇન્ડિવિડ્યુઅલ એટલે એક વ્યક્તિ કવર થાય. સામાન્ય રીતે લોકોએ ફ્લોટર પૉલિસી જ લેવાય, કારણ કે બાળકો માટે કોઈ હેલ્થ ઇન્શ્યૉરન્સ નથી હોતો પરંતુ ફૅમિલીમાં તેઓ કવર થઈ જાય છે. તમે એમ વિચારો કે ફૅમિલીમાં પ્રીમિયમ વધારે ભરવું પડે તો એવું નથી હોતું. જેમ કે ફૅમિલીએ ૨૫ લાખનો ઇન્શ્યૉરન્સ લીધો અને તમે એકલાએ ૨૫ લાખની પૉલિસી લીધી તો ફૅમિલીના ૨૫ લાખના ઇન્શ્યૉરન્સમાં વ્યક્તિગત કરતાં પ્રીમિયમ ઓછું હોય છે. નાની ઉંમરે પૉલિસી સલાહભરી છે, કારણ કે ત્યારે પ્રીમિયમ ઓછું હોય અને મોટી ઉંમરે પ્રીમિયમ વધતું જાય છે. હેલ્થ ઇન્શ્યૉરન્સમાં નુકસાન જેવું કંઈ છે જ નહીં. સમય સાથે ઇન્શ્યૉરન્સમાં કેટલી બધી સુવિધા ઉપલબ્ધ થઈ છે જેમાં હવે વાર્ષિક ચેકઅપ, ક્રિટિકલ ઇલનેસ, ઉંમરને લગતી સમસ્યાઓને પણ ઉમેરવામાં આવે છે. પૈસાની વાત આવે તો એમાં બે જ પ્રકારની સુવિધા હોય છે કૅશલેસ અને રીઇમ્બર્સમેન્ટ. કૅશલેસ એટલે પૉલિસી નંબર આપીને હૉસ્પિટલમાં દાખલ થઈ જાઓ અને રીઇમ્બર્સમેન્ટ એટલે હૉસ્પિટલમાં દાખલ થયા બાદ તમે એનાં બધાં બિલ ચૂકવો અને બિલની રસીદ ઇન્શ્યૉરન્સ કંપનીમાં જમા કરીને પૈસા પાછા મેળવો. આજના સમયમાં લગભગ મોટા ભાગના લોકો કૅશલેસ વીમો જ પસંદ કરે છે. કૅશલેસમાં હૉસ્પિટલ જ ઇન્શ્યૉરન્સ કંપની સાથે ડીલ કરી લેતી હોય છે. તમારે એમાં કોઈ ચિંતાનો વિષય જ નથી.’
સેલિબ્રિટી હોવાનો ફાયદો?
સૈફ અલી ખાનના કેસની વાત કરો કે તેની પૉલિસી કેમ જલદી અપ્રૂવ થઈ ગઈ? તો આ મુદ્દા પર વાત કરતાં અક્ષય શાહ કહે છે, ‘એ તો ચર્ચાનો વિષય છે જ નહીં. એ વ્યક્તિ સેલિબ્રિટી છે અને જે કંપનીએ આ સેલિબ્રિટીની ઇન્શ્યૉરન્સ પૉલિસી કરી હોય એને પણ પ્રચાર મળી જાય અને વધુ લોકો એનો સંપર્ક કરે. બહુ જ સાદું ગણિત છે. એમાંય ૧ કે ૨ કરોડની હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસી હોય જેને HNI હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ કહેવાય એટલે કે જે વ્યક્તિની આવક બહુ જ ઊંચી હોય તેઓ આ પૉલિસીની શ્રેણીમાં આવે. તો આટલી મોટી પૉલિસીમાં તમારું અપ્રૂવલ ગણતરીના કલાકોમાં આવી જતું હોય છે. કોઈ પણ નાની કે મોટી હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીનું ખોટા કારણે અપ્રૂવલ અટકાવવામાં આવતું નથી. તમે એમ વિચારો કે સૈફ અલી ખાન જેવી વ્યક્તિ જેની પાસે પૈસાની કમી નથી તેની પાસે પણ હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસી છે. તો લૉજિક એ છે કે ગમે ત્યારે ખરાબ પરિસ્થિતિ આવી શકે છે અને તાત્કાલિક હૉસ્પટિલને ચૂકવવા માટે તમારી પાસે મોટી રકમ હાજર ન હોય તો આ કૅશલેસ પૉલિસી તમને બચાવી શકે છે. તમે પોતાનો પૉલિસી નંબર લઈને હૉસ્પિટલમાં દાખલ થાઓ તો અમુક કલાકોમાં એનો જવાબ ઇન્શ્યૉરન્સ કંપનીએ આપવો જ પડે છે. લોકો પૉલિસી બાબતે એટલી ગેરસમજ અને ખોટી માન્યતા ધરાવે છે કે એના ફાયદાઓ પર ધ્યાન જ નથી આપી રહ્યા. તમે જે પણ કામ કરો છો એ પોતાની અને પરિવારની સુરક્ષા માટે જ કરો છો અને એમાં આ ઇન્શ્યૉરન્સ તમારું ધ્યાન રાખે છે. તમે ૧૦ કે ૧૫ વર્ષથી હેલ્થ ઇન્શ્યૉરન્સ ભરો છો અને તમને લાગે કે કોઈ બીમાર તો થતું જ નથી અને આ બધું નકામું છે. એ વિચારધારા જ ખોટી છે. ખરાબ પરિસ્થિતિ કહીને નથી આવતી. લોકોએ હેલ્થ ઇન્શ્યૉરન્સ માટે જાગરૂક થવાની ખૂબ જ જરૂર છે. મારા મત મુજબ ૧૪૦ કરોડની વસ્તીમાં માત્ર ૮ કે ૯ ટકા લોકો પાસે જ હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસી હશે. એવી કેટલીય કહાનીઓ તમે સાંભળી હશે કે બીમારીએ ઘર ખાલી કરી નાખ્યું.’
બચત બચાવવી હોય તો મેડિક્લેમ જરૂર લો
હેલ્થ ઇન્શ્યૉરન્સ જો પૂરતો લીધેલો હોય તો એ તમારા પરિવારને અને બૅન્ક-બૅલૅન્સને બચાવે છે. બાકી એકાદ વ્યક્તિની મોટી માંદગીમાં પરિવારો આર્થિક રીતે ઘસાઈ જાય એવું આપણે બહુ જોયું છે. મેડિક્લેમ પૉલિસી કેમ મહત્ત્વની છે એ સમજાવતાં છેલ્લાં ૪૦ વર્ષથી કાંદિવલીમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે પ્રૅક્ટિસ કરતા અતુલ શાહ કહે છે, ‘મેડિક્લેમ કે હેલ્થ ઇન્શ્યૉરન્સ નાની કે મોટી આવક ધરાવતી વ્યક્તિ પાસે હોવા જ જોઈએ કારણ કે જીવનમાં હેલ્થને લગતી કોઈ પણ સમસ્યા ક્યારે પણ આવી શકે છે. આ વાક્ય લગભગ દરેક સમજદાર અને પ્રૅક્ટિકલ જ્ઞાન ધરાવતી વ્યક્તિ તમને કહેશે. એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે તમને ઇન્કમ-ટૅક્સના સંદર્ભમાં સમજાવું તો ગયા વર્ષ સુધી સિનિયર સિટિઝનને ૫૦ હજારની અને અન્ય લોકોને ૨૫ હજારની પૉલિસી પર ટૅક્સમાં રાહત મળતી હતી. અત્યાર સુધી લોકો મેડિક્લેમ લઈને ટૅક્સમાં રાહત મેળવવાનું મહત્ત્વ સમજતા હતા જેની સાથે તેમને અઢળક ફાયદાઓ થતા હતા. જેમ કે પરિવારમાં ક્યારે પણ કોઈને જોગાનુજોગ હૉસ્પિટલનું પગથિયું ચડવાનું થાય તો તેમને ચિંતા નહોતી નથી પરંતુ હવે લોકોમાં એનું મહત્ત્વ ઓછું થઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. એમાંય આ વર્ષે બે નવા નિયમો આવ્યા છે. એટલે ૧૨ લાખ સુધીની આવક પર વ્યક્તિએ કોઈ ટૅક્સ નહીં ભરવો પડે અને બીજું કે તમને આ આવક પર કોઈ પૉલિસીના ક્લેમ પર ટૅક્સની રાહત નહીં મળે. એટલે લોકો કદાચ ગેરમાર્ગે દોરાઈ શકે પરંતુ મારા અનુભવ પરથી લોકોને એટલું જરૂર સમજાવીશ કે હેલ્થ ઇન્શ્યૉરન્સનું કવર તમારું બૅન્ક-બૅલૅન્સ ખાલી નહીં થવા દે.’
કેવા કેસમાં પૉલિસીમાં અપ્રૂવલ આવતાં સમય લાગી શકે છે?
જે વ્યક્તિને પૉલિસીમાં ફ્રૉડ નથી કરવો તેમની પૉલિસી અપ્રૂવ થવામાં જરા પણ સમય નથી લાગતો. સ્પેક્ટ્રા મૅનેજમેન્ટ કન્સલ્ટન્સીના મૅનેજિંગ પાર્ટનર અને છેલ્લાં ૧૮ વર્ષથી ફૉરેન્સિક ઇન્વેસ્ટિગેટર એટલે કે ઇન્શ્યૉરન્સ ફ્રૉડની ઊંડી તપાસ કરતાં રચિત દેસાઈ કહે છે, ‘એ ખોટી માન્યતા છે કે મધ્યમ વર્ગના લોકોની પૉલિસી જલદી અપ્રૂવ નથી થતી કે તેમને પૉલિસી અપ્રૂવ કરાવવા માટે ધક્કા ખાવા પડે છે. હેલ્થ પૉલિસી એવી વસ્તુ છે જે કલાકોમાં અપ્રૂવ થતી હોય છે. એ જાણી લો કે કયા કેસિસમાં આ પૉલિસીમાં તપાસ થાય છે? હેલ્થ ઇન્શ્યૉરન્સ અને લાઇફ ઇન્શ્યૉરન્સ એમ બે પ્રકારની પૉલિસીમાં કંઈક શંકાસ્પદ વસ્તુ લાગતા તપાસ થાય છે. હેલ્થ પૉલિસીની વાત કરીએ તો જે હૉસ્પિટલ સાથે પૉલિસી કંપનીનું જોડાણ હોય એમાં જાઓ એટલે તમને કોઈ સમસ્યા નથી આવતી. પરંતુ તમે જે હૉસ્પિટલને પૉલિસી કંપની સાથે જોડાણ નથી ત્યાં જાઓ તો તમારે તમારા બિલના બધા ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરવા પડે છે અને પછી કંપની તમને રીઇમ્બર્સ કરે છે એટલે કે પૈસા પાછા આપે છે. તો જો આવી રીતે રીઇમ્બર્સ કરાવવાના હો અને એમાં કંઈ ગરબડ દેખાય તો તપાસ થાય છે. એવા ઘણા કેસિસ બને છે કે વ્યક્તિ બીમારી A માટે દાવો કરે છે જેમાં બિલ બહુ ઊંચું છે જ્યારે હકીકતમાં વ્યક્તિને બીમારી B હોય છે જે બહુ જ સામાન્ય છે અને એમાં વધારે મેડિકલ ખર્ચ પણ નથી થતો. કાં તો ડૉક્ટરનું બિલિંગ શક્યતા કરતાં બહુ જ ઊંચું આવે છે. એવા કેસોમાં અમારે તપાસ કરવી પડે છે.’
ઇન્શ્યૉરન્સમાં ગોટાળા પર વધુ માહિતી આપતાં તેઓ કહે છે, ‘એવા કેસિસ પણ હોય છે જેમાં પૉલિસી લેતી વખતે જ વ્યક્તિએ ઇન્શ્યૉરન્સ પાસેથી પૈસા પડાવવા આખી ટીમ સેટ કરીને પૉલિસી મેળવી છે. આવા કેસમાં ઇન્શ્યૉરન્સ લીધાના ૬ મહિનાથી એક વર્ષમાં ઇન્શ્યૉરન્સ કંપની પાસે અધધધ રકમની માગ આવે છે. તો આ કેસ બહુ દેખીતી રીતે જ શંકાસ્પદ હોય છે. લાઇફ ઇન્શ્યૉરન્સમાં પણ એવા કેસિસ આવે છે જેમાં વ્યક્તિએ ૧ કે ૨ કરોડની પૉલિસી લીધી હોય અને વર્ષની અંદર વ્યક્તિ મૃત્યુ પામે. આવા કેસમાં તો સામાન્ય વ્યક્તિને પણ શંકા થતી હોય છે તો પછી કંપનીઓ તો ઊંડી તપાસ કરે જને. સામાન્ય માણસો જેમની પાસે પૉલિસી છે અને તેમના ડૉક્યુમેન્ટ્સમાં કોઈ જ સમસ્યા નથી તેમને તમે પૂછી શકો છો કે પૉલિસી કેટલી મદદરૂપ છે. સામાન્ય લોકોએ હેલ્થ કે લાઇફ ઇન્શ્યૉરન્સ વિશે જાગરૂક થવાની જરૂર છે. કારણ વગર તમારા ઇન્શ્યૉરન્સ અપ્રૂવલને કોઈ રોકી શકતું નથી.’

