દર અડધા કલાકે યુરિન પાસ કરવા જવું પડે છે. કેટલીક વાર થોડું ઠંડું વાતાવરણ હોય તો એનાથી પણ વધુ વાર જવું પડે.
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
હું ૬૪ વર્ષનો છું અને મને આજકાલ થાક ખૂબ લાગે છે. મને ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર બન્ને છે. થોડા સમયથી મારાં હાડકાં અને સ્નાયુઓમાં ખૂબ દુખાવો રહેતો હતો એટલે હું પેઇનકિલર લેતો હતો, પરંતુ છેલ્લા થોડા સમયથી મને વારંવાર યુરિન પાસ કરવા જવું પડે છે. દર અડધા કલાકે યુરિન પાસ કરવા જવું પડે છે. કેટલીક વાર થોડું ઠંડું વાતાવરણ હોય તો એનાથી પણ વધુ વાર જવું પડે. મારા ડૉક્ટરે મને કિડની ચેક-અપ કરાવવાની સલાહ આપી અને ચેક-અપ ન થયા ત્યાં સુધી પેઇનકિલર સદંતર બંધ કરવા કહ્યું. મને એ નથી સમજાતું કે કિડની અને હાડકાંને શું લેવાદેવા?
ક્રૉનિક કિડની ડિસીઝ એક એવો રોગ છે જેમાં ઘણા બધા લોકોનું નિદાન મોડું થાય છે, કારણ કે તેઓ તેમની તકલીફ લઈને ડૉક્ટર પાસે જતા નથી. એનાં લક્ષણો એટલા સામાન્ય છે કે તરત ખબર પડી જવી કે કિડનીની જ તકલીફ છે એ અઘરું થઈ જાય છે. એટલે જ ૬૦ વર્ષની ઉંમર પછી તો ખાસ દર વર્ષે એક વાર કિડનીના બેઝિક ટેસ્ટ કરાવી લેવી જરૂરી છે. બાકી રહી પેઇનકિલરની વાત તો કોઈ પણ દુખાવાને પેઇનકિલરથી દૂર કરવું એ કોઈ કાયમી ઉપાય નથી. પહેલાં તો એ સમજવું જોઈએ કે હાડકાં કે સ્નાયુઓ કેમ દુખી રહ્યાં છે. એની પાછળ શું કારણ છે અને પછી એનો જરૂરી ઇલાજ કરાવવો જોઈએ.
ક્રૉનિક કિડની ડિસીઝનાં કોઈ ખાસ લક્ષણો એના પ્રાથમિક સ્ટેજમાં સામે આવતાં નથી. ઊલટું જ્યારે અતિ થઈ જાય છે ત્યારે અમુક લક્ષણો દેખાય છે. ખૂબ થાક લાગવો, અશક્તિ લાગવી, પગ પર સોજા આવવા, વારંવાર યુરિન પાસ થવું, થોડુંક ચાલવાથી એકદમ શ્વાસ ટૂંકા પડવા લાગે કે બ્રેથલેસ ફિલ થાય, ભૂખ મરી જાય, જેને કારણે ઘણું વજન ઘટી જાય, હાડકાં અને સ્નાયુઓમાં ખૂબ દુખાવો થાય વગેરે લક્ષણો ક્રૉનિક કિડની ડિસીઝમાં દેખાઈ શકે છે. વળી, આ એક સાઇકલ છે. કિડની ડિસીઝને કારણે હાડકાં કે સ્નાયુઓમાં દુખાવો થાય અને એને કારણે વ્યક્તિ પેઇનકીલર લે અને કિડની વધુ ડૅમેજ કરે. આમ, લક્ષણો દ્વારા રોગને ઓળખવો ખૂબ જરૂરી છે. માટે રેગ્યુલર ચેક-અપ જ એનો ઉપાય છે. તમારાં લક્ષણો કહે છે કે તમને કિડની ડિસીઝ હોઈ શકે છે માટે ગફલતમાં ન રહો. ટેસ્ટ કરાવો અને સાચા નિદાન પછી એનો ઇલાજ પણ શરૂ કરો.