ઑરેન્જ જૂસમાં નૅચરલ શુગર હોય છે જે ગર્ભમાં રહેલા બાળક સુધી ગ્લુકોઝ પહોંચાડે છે અને તેની મૂવમેન્ટ કૅપ્ચર થાય એ હેતુથી ડૉક્ટરો આ જૂસ પીવાનું સજેસ્ટ કરે છે, પણ આ મામલે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
ગર્ભવતી મહિલાઓએ તેમના સ્વાસ્થ્યની એક્સ્ટ્રા કૅર કરવાની સાથે રૂટીન ચેકઅપ પણ કરાવવું પડે છે. એમાંથી જ એક છે પ્રી-ડિલિવરી અલ્ટ્રાસાઉન્ડ. આ ટેસ્ટ કરાવતાં પહેલાં ડૉક્ટર ગર્ભવતી મહિલાઓને નારંગીનો જૂસ પીવાની સલાહ આપે છે. ઘણી વાર એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે અલ્ટ્રાસાઉન્ડ પહેલાં ડૉક્ટર આવું શા માટે કહેતા હશે? અલ્ટ્રાસાઉન્ડ પહેલાં નારંગીનો જૂસ પીવાનું કહેવા પાછળનું કારણ તથા એના ફાયદાઓ વિશે નિષ્ણાતોનું શું કહેવું છે એ જાણીએ.
ADVERTISEMENT
ગર્ભાવસ્થાના સમયગાળામાં અલ્ટ્રાસાઉન્ડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચકાસણી છે. એમાં શિશુની વૃદ્ધિ, તેની હાર્ટબીટ્સ, મૂવમેન્ટ અને ગ્રોથની સ્થિતિ જાણી શકાય છે. ઘણા કેસમાં પ્રેગ્નન્ટ મહિલાઓના ગર્ભમાં રહેલું બાળક શાંત અને આળસુ હોવાથી કોઈ મૂવમેન્ટ કરતું નથી. આવા સમયે અલ્ટ્રાસાઉન્ડથી તેના ગ્રોથ અને હાર્ટબીટ્સનો અંદાજ લગાવવો મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં ઑરેન્જ જૂસ બહુ ફાયદાકારક સાબિત થાય છે. આ જૂસમાં નૅચરલ શુગર સારા પ્રમાણમાં હોવાથી એને પીવાથી શરીરમાં ઇન્સ્ટન્ટ એનર્જી ફીલ થાય છે અને ગર્ભમાં રહેલા બાળક સુધી તાત્કાલિક ગ્લુકોઝ પહોંચે છે. આમ થવાથી બાળક તરત જ ઍક્ટિવ બને છે અને મૂવમેન્ટ કરે છે અને તેને અલ્ટ્રાસાઉન્ડમાં ડૉક્ટરને કૅપ્ચર કરવામાં સરળ થાય છે. મોટા ભાગે ડૉક્ટર બીજા ટ્રિમેસ્ટરમાં ઑરેન્જ જૂસ પીવાની સલાહ આપે છે, કારણ કે પહેલા ટ્રિમેસ્ટરમાં બેબીનો ગ્રોથ એટલો હોતો નથી. જોકે બીજા ટ્રિમેસ્ટરમાં તેનો ધીરે-ધીરે વિકાસ થાય છે.
આ સિવાય ઑરેન્જ જૂસમાં વિટામિન C અને ફૉલિક ઍસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે જે માતા અને બાળક માટે લાભદાયક છે. અહીં ખાસ ધ્યાન આપવાનું છે કે ઑરેન્જ જૂસ તાજો પીવાથી જ ફાયદો થશે. ઘણી વાર પૅક કરેલા જૂસમાં શુગરનું પ્રમાણ વધુ હોય છે અને રાસાયણિક પદાર્થો પણ ઍડ કરવામાં આવ્યા હોય છે. પ્રેગ્નન્ટ વુમન માટે એ જૂસ પીવો હિતાવહ નથી.
બધી ગર્ભવતી સ્ત્રીઓ માટે યોગ્ય ન પણ હોઈ શકે
અલ્ટ્રાસાઉન્ડ પહેલાં નારંગીનો રસ પીવાનું એક મહત્ત્વપૂર્ણ કારણ એ પણ છે કે એ પાચનક્રિયા સુધારે છે અને પાણીને શરીરમાં રોકી રાખે છે. પેટમાં પાણી રહેશે તો અલ્ટ્રાસાઉન્ડ ક્લિયર આવશે. આ માટે પણ ઑરેન્જ જૂસ ફાયદાકારક બની શકે છે. ઑરેન્જ જૂસ દરેક ગર્ભવતી સ્ત્રી માટે યોગ્ય ન પણ હોઈ શકે. ઘણા કેસમાં પ્રેગ્નન્સી દરમ્યાન ઑરેન્જ જૂસ સૂટ ન થાય તો એ પીવાથી તબિયત બગડી શકે છે. કેટલીક મહિલાઓને ડાયાબિટીઝ હોવાથી એ પીવાની સલાહ અપાતી નથી, કારણ કે એમાં શુગરનું પ્રમાણ વધુ હોય છે. ઘણા લોકોને ઍસિડિટી અથવા ફ્રૂટ જૂસની ઍલર્જી હોય છે તો પણ એના સેવનની સલાહ અપાતી નથી. તેથી શરીરમાં રિવર્સ ઇફેક્ટ ન થાય એ માટે ડૉક્ટરની સલાહ લીધા વગર ઑરેન્જ જૂસ પીવો નહીં.

