ખોટી રીતે વજન ઉપાડવાથી, ગલત પોઝિશનમાં છીંક કે બગાસું ખાવાથી કે લાંબો સમય ઊભા રહેવાથી પણ નાભિભ્રંશ થાય છે અને એ સમયે પ્રાચીનકાળથી જાણીતા નુસખા ખૂબ અકસીર છે અને મૅજિકલ પણ. આવો નિષ્ણાત પાસેથી જાણીએ પેચોટીવિજ્ઞાનનું એ-ટુ-ઝેડ
સ્પેશ્યલ સ્ટોરી
પ્રતીકાત્મક તસવીર
ક્યારેક સમજાતું નથી કે કેમ અચાનક ડાયેરિયા થઈ ગયા?
ક્યારેક અતિશય કબજિયાતને કારણે પેટ કઠણ થઈ ગયું લાગે છે?
ADVERTISEMENT
થોડી વાર પહેલાં કશું જ નહોતું અને અચાનક ગભરામણ, ઊલટી અને બેચેની થવા માંડે છે?
પેટમાં જાણે આંટી પડી ગઈ હોય એવી મરોડ આવે છે?
આવા સમયે ઘણી વાર આપણી દાદી-નાનીઓ નાભિની આસપાસ માલિશ કરીને અથવા તો પગના અંગૂઠા ખેંચીને કંઈક એવું કરતાં કે ચમત્કારની જેમ આ તમામ સમસ્યાઓ ચુટકી બજાવતામાં જ ગાયબ થઈ જતી. એવું કહેવાતું કે પેચોટી પડી જવાને કારણે આવું થાય છે. સવાલ એ છે કે શું ખરેખર પેચોટી જેવું કંઈ હોય છે? મેડિકલ સાયન્સમાં આવો કોઈ ચમત્કાર સંભવ છે ખરો? બોલચાલની ભાષામાં આપણે જેને પેચોટી પડી જવી કહીએ છીએ એને આયુર્વેદમાં નાભિ સરકી જવી અથવા તો ગુલ્મની તકલીફ થઈ છે એવું કહેવાય છે એમ જણાવતાં નાડીવૈદ્ય અને આયુર્વેદાચાર્ય ડૉ. સંજય છાજેડ કહે છે, ‘પેચોટી ખસી જવી કે સરકી જવી એ કોઈ મનઘડંત વાત નથી, એવું હકીકતમાં બને છે. પહેલાંના જમાનામાં અનુભવીઓ જાતે જ આ સમસ્યાનો ઉકેલ લાવી દેતા હતા, જ્યારે હવે જો પેચોટી ખસી ગઈ હોય તો લોકો ડૉક્ટર પાસે જાય છે.’
પેચોટી એક્ઝૅક્ટલી છે શું?
ડૉ. સંજય છાજેડ
નાભિકેન્દ્ર પાસે આવેલી આ જગ્યા છે એમ સમજાવતાં ડૉ. સંજય કહે છે, ‘આપણું પેટ પેન્ડોરા બૉક્સ જેવું છે. એની અંદર દુનિયાભરનાં રહસ્યો છે. નાભિની આસપાસના વિસ્તારમાં આ રહસ્યોનું મૅજિક બૉક્સ છે. અંદર જો કશુંક પણ બરાબર ન હોય તો નાભિકેન્દ્ર પરનાં સ્પંદનોમાં બદલાવ આવી જાય છે અને આયુર્વેદમાં એનો નાભિભ્રંશના નામે ઉલ્લેખ છે. તમે જો કોઈ હીરોની સિક્સપૅક્સ ઍબ બનાવેલી જોશો તો પેટ પર આડી ત્રણ લાઇનો દેખાશે જે વચ્ચેથી પણ છૂટી પડતી હોય અને ૬ અલગ બૉક્સ બનાવતી હોય છે. સિક્સપૅક્સ ઍબ્સની સૌથી નીચેની રેખા જે મસલથી બને છે એને નલ કહેવાય છે. આ નલની બરાબર મધ્યમાં જે સ્પંદન હોય એને પેચોટી કહેવાય છે. આપણા આખા શરીરમાં નાડીનાં સ્પંદનો વ્યક્ત કરતા અનેક પૉઇન્ટ્સ છે. જેમ તમે કાંડા પાસેની નાડી પરનાં સ્પંદનો અનુભવી શકો છો એવું જ નાભિની આસપાસ પણ સ્પંદન થતું હોય છે. જો તમે નાભિ પર હથેળી મૂકશો તો નાભિની આજુબાજુના એક સેન્ટિમીટરના વિસ્તારમાં સ્પંદન ફીલ થતું હોય છે. આ આઇડિયલ સ્થિતિ છે. જ્યારે આ સ્પંદનનું સેન્ટર ખસી જાય અને કાં તો વધુ ઉપર, વધુ નીચે કે વધુ સાઇડમાં ફીલ થાય ત્યારે ‘પેચોટી ખસી ગઈ’ એવું કહેવાય.’
કેમ ખસી જાય?
પેટમાં દૂંટી પાસે આવેલું આ કેન્દ્ર સોલર સેન્ટર છે અને આપણા આખા શરીરની એનર્જીને સુધારવા કે બગાડવાનું કામ કરી શકે એટલું સ્ટ્રૉન્ગ છે એ વિશે સમજાવતાં અંધેરીના ઍક્યુપંચરિસ્ટ ડૉ. જાસ્મિન મોદી કહે છે, ‘પેચોટી ખસી જવાનું પ્રમાણ હજીયે એટલું જ છે, રાધર વધ્યું છે એમ કહીએ તો ચાલે. ઍક્યુપંક્ચરમાં મનાય છે કે અર્થ ઍલિમેન્ટ વીક થઈ જાય ત્યારે આવું થાય. પહેલાંના જમાનામાં વધુપડતી ચિંતા કરવાથી આવું થતું. જ્યારે હવે આપણી લાઇફસ્ટાઇલને કારણે થાય છે. સ્ટ્રેસ ઉપરાંત ડાયટમાં વધુપડતું સૅલડ ખાવાથી પણ અર્થ ઍલિમેન્ટ અસંતુલિત થાય છે. એક્સરસાઇઝમાં વજન ઉપાડવાની સાચી ટેક્નિક યુઝ ન કરવામાં આવે ત્યારે પણ આવું થાય છે.’`
સ્ત્રીઓમાં ડિલિવરી પછી પેચોટી ખસવાનું પ્રમાણ વધુ જોવા મળે છે એમ જણાવતાં વૈદ્ય ડૉ. સંજય છાજેડ કહે છે, ‘પેટના મસલ્સ નબળા પડી ગયા હોય ત્યારે નાભિ ખસવાની સમસ્યા વધે છે. ડિલિવરી પછી સ્ત્રીઓમાં વધુ જોવા મળે. બાકી, ખોટી પોઝિશનમાં ઊભા હો ત્યારે છીંક આવે કે બગાસું ખાઓ તો પણ ત્યાંના વાયુમાં ગરબડ થઈ શકે છે.
ખોટી રીતે વજન ઉપાડવાથી, એક જ પગ પર વજન આવે એ રીતે લાંબો સમય ઊભા રહેવાથી પણ આવું થઈ શકે. ટેઢીમેઢી ચાલ હોય તો પણ નાભિ સરકી શકે છે.’
નાભિનું પાલ્પિટેશન ક્યાં અનુભવાઈ રહ્યું છે એ તપાસ્યા પછી જ કેટલી માત્રામાં કપિંગ કરવું એ નક્કી થાય. બાકી, પગના અલાઇનમેન્ટથી નાભિને સેન્ટરમાં લાવવાની પદ્ધતિ શ્રેષ્ઠ છે
ડૉ. જાસ્મિન મોદી, ઍક્યુપંક્ચરિસ્ટ
લક્ષણો શું?
પેટમાં ગરબડ, અમળાટ, ઊબકા અને બેચેની એ કૉમન લક્ષણો છે. એમ છતાં કેટલાક નિષ્ણાતો નાડીભ્રંશની જગ્યા પરથી પણ લક્ષણો જુદાં હોવાનું કહે છે. જેમ કે પેચોટી વધુ ઊંચે ખસી ગઈ હોય તો પેટ જામ થઈ જાય એટલે કે કબજિયાત થઈ જાય અને નીચે ઊતરી ગઈ હોય તો ડાયેરિયા થઈ જાય.
ઠીક કરવાની રીત
આપણાં દાદી-નાની જે રીત અપનાવતાં હતાં એ જ બેસ્ટ અને સાયન્ટિફિક રીત છે. મુખ્યત્વે ત્રણ પ્રકારે સરકેલી પેચોટી પાછી ઠેકાણે લાવી શકાય છે એ સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘કઈ રીતે પેચોટીને પાછી બેસાડવી એ નક્કી કરતાં પહેલાં એક્ઝૅક્ટલી નાડી ક્યાં અને કેટલી ખસી છે એનું નિદાન કરવું જરૂરી છે. ઘણી વાર જો સહેજ જ ખસેલી હોય તો નાભિમાં તેલપૂરણ કરીને માલિશ કરતાં-કરતાં પણ પેચોટી પાછી બેસાડી શકાય છે. બાકી, દૂંટી પર કપિંગ કરવું એ સૌથી અકસીર ઉપાય છે. એ માટે નાભિ પર ૧૦ રૂપિયાનો સિક્કો મૂકવો. એના પર ખૂબ નાનકડો કપૂરનો ટુકડો મૂકીને સળગાવવો. એ સળગતા ટુકડા પર કાચનો એક ગ્લાસ ઊંધો ઢાંકી દેવો. એનાથી સળગતા કપૂરને કારણે ઑક્સિજન ખતમ થઈ જશે અને વૅક્યુમ પેદા થશે. વૅક્યુમને કારણે ગ્લાસ ચોંટી જશે. થોડી વાર આમ રાખી મૂકવાથી વૅક્યુમને કારણે નાભિ પાછી પોતાની જગ્યાએ આવી જશે. આ ગ્લાસને ધીમે-ધીમે હળવેકથી ફેરવી-ફેરવીને ખેંચી લેવાનો. બસ, કામ પૂરું થઈ ગયું. આ કોઈ મૅજિકથી કમ નથી. આ પદ્ધતિથી પેચોટી ઇન્સ્ટન્ટ બેસી જાય છે અને લક્ષણોમાં પણ ઑલમોસ્ટ તરત જ રાહત મળે છે. બીજી પદ્ધતિ છે પગના અંગૂઠાનું અલાઇનમેન્ટ સેટ કરવું. પીઠના બળે તમે ચત્તા સૂતા હો ત્યારે જો નાભિ જગ્યા પર હોય તો પગના બન્ને અંગૂઠા એક અલાઇનમેન્ટમાં હોય છે, પણ જો એમાં સહેજ પણ બદલાવ થયો હોય તો અંગૂઠાની પોઝિશનમાં થોડા મિલિમીટરનો ચેન્જ હોય છે. એવામાં જે પગમાં ઓછાં મિલીમીટર હોય એ પગના અંગૂઠાને નીચેની તરફ ખેંચવો. થોડા ખેંચાણથી પણ પેટના મસલ્સ રિલૅક્સ થઈને પાછા પોતાની મૂળ જગ્યાએ સેટ થઈ જશે.’
કપિંગ કરવામાં કાળજી
વૅક્યુમ કપ દ્વારા પણ આ પદ્ધતિ થઈ શકે છે અને એ કરવામાં કાળજી બહુ જરૂરી છે એમ જણાવતાં ઍક્યુપંક્ચરિસ્ટ ડૉ. જાસ્મિન મોદી કહે છે, ‘કપિંગ બે રીતે થાય. વૅક્યુમ પમ્પથી પણ અને દીવાથી પણ. બન્ને પદ્ધતિ નિષ્ણાતની નિગરાનીમાં કરવામાં આવે એ બહેતર છે. નાભિનું પાલ્પિટેશન ક્યાં અનુભવાઈ રહ્યું છે એ તપાસ્યા પછી જ કેટલી માત્રામાં કપિંગ કરવું એ નક્કી થાય. બાકી, પગના અલાઇનમેન્ટથી નાભિને સેન્ટરમાં લાવવાની પદ્ધતિ શ્રેષ્ઠ છે.’
કપિંગ દરમ્યાન કાચનો જ ગ્લાસ લેવાનો છે, અન્ય કોઈ મેટલનો નહીં.
ધારો કે કોઈ સારવાર ન કરવામાં આવે તો? એના જવાબમાં ડૉ. સંજય કહે છે, ‘તો થોડા દિવસ પછી આપમેળે પેચોટી પોતાની જગ્યાએ આવી જાય છે. આપણું શરીર સેલ્ફ-હીલિંગ પ્રોસેસ સતત કર્યા કરે છે એટલે જો લક્ષણો પીક પર હોય ત્યારે પણ તમે ઉપર જણાવેલી ત્રણ રીતોમાંથી કંઈ ન કરો તો પણ થોડા દિવસોમાં નાડી મૂળ જગ્યાએ ધબકતી થઈ જાય છે. પણ, જો ઉપરની રીત અપનાવો તો એટલા દિવસ પીડા સહન કરવાની જરૂર ન રહે અને જાદુની જેમ રાહત મળી જાય.’
યોગાસનથી ફાયદો થાય?
આ સવાલનો જવાબ હા અને ના બન્નેમાં મળે છે. ડૉ. જાસ્મિનનું કહેવું છે કે જ્યારે પેચોટી ખસી ગઈ હોય એ વખતે યોગાસનની મૂવમેન્ટ કરવાથી ક્યારેક ઊલમાંથી ચૂલમાં પડાય એવું બની શકે છે. પણ જો તમે પેટના સ્નાયુઓ ખૂબ નબળા હોવાને કારણે વારંવાર પેચોટી ખસતી હોય તો એવામાં ડૉ. છાજેડ માને છે કે યોગાસનની પ્રૅક્ટિસ કરીને તમે એ મસલ્સને કેળવી જરૂર શકો છો.