જેમને રૂમટૉઇડ આર્થ્રાઇટિસ છે તેમને પણ તેમની તકલીફ વધતી હોય છે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
શિયાળામાં જે લોકોને હાડકા કે સાંધાની તકલીફ છે તેમને ઠંડીને કારણે તકલીફ વધી શકે છે. મુંબઈમાં ભલે ઠંડી ન હોય પણ જેને આ તકલીફો છે તેમને આ ચાર મહિના નૉર્મલ દિવસો કરતાં તકલીફ થોડી વધી જાય છે. ઘૂંટણ, નિતંબ, હાથ અને કરોડરજ્જુ સામાન્ય રીતે અસરગ્રસ્ત થાય છે એવો રોગ એટલે ઑસ્ટિઓ આર્થ્રાઇટિસ. જે ઉંમરલાયક લોકોમાં જોવા મળે છે એમાં સાંધા પર ગરમ શેક કરવાથી થોડો આરામ મળે છે. આવી પરિસ્થિતિમાં ડૉક્ટર ઍન્ટિ ઇન્ફ્લેમેટરી મેડિસિન આપે છે.
જે લોકોનાં હાડકાં અંદરથી પોલાં પડી જાય એ રોગ એટલે ઑસ્ટિઓપોરોસિસ. શિયાળામાં ઓછા સૂર્યપ્રકાશને કારણે વિટામિન Dની ઊણપથી હાડકાં વધુ નબળાં પડી શકે. આવા લોકોએ વિટામિન Dનાં સપ્લિમેન્ટ્સ લઈ લેવાં અને ડાયટનું ખાસ ધ્યાન રાખવું. વેઇટબેરિંગ એક્સરસાઇઝ દ્વારા તેઓ શક્તિ વધારી શકે છે. આ સિવાય રેનોડસ ફિનોમિનન જેવી એક તકલીફ છે, જ્યારે ખૂબ ઠંડા પ્રદેશમાં તમે જાઓ ત્યારે ઠંડીને કારણે લોહીના પરિભ્રમણ પર અસર પડે છે, જેને કારણે સાંધામાં દુખાવો કે કળતર થાય છે. આ હાથનાં આંગળાંમાં અને અંગૂઠામાં દુખાવો, ટિંગલિંગ અને ચામડીનો રંગ બદલાઈ જાય છે. એક વખત તમને ખબર પડે કે તમારા શરીરમાં આ પ્રકારની તકલીફ આવી શકે એમ છે તો એનો ભોગ તમે ન બનો એટલે એકદમ ઠંડી જગ્યાએ જવાનું ટાળો.
ADVERTISEMENT
જેમને રૂમટૉઇડ આર્થ્રાઇટિસ છે તેમને પણ તેમની તકલીફ વધતી હોય છે. તેમણે શિયાળામાં સાંધા એટલે કે કોણી કે ઘૂંટણને ગરમ કપડાથી ઢાંકવાં જરૂરી છે જેથી ઠંડીની સીધી અસર ન થાય. ઘરની બહાર નીકળો કે મુંબઈથી બહાર જાઓ ત્યારે તો ખાસ.
એક વાત ધ્યાનમાં રાખવી કે શિયાળામાં આળસ આવે છે કે સાંધા દુખે છે એટલે કસરત ન કરવી એવું નથી. કૅલ્શિયમ વિટામિન D અને પ્રોટીનનો ઇન્ટેક ચાલુ રાખવો. આમાંથી કોઈ પણ એકની ઊણપ ન હોવી જોઈએ. ઉંમરલાયક વ્યક્તિએ ઘરમાં ચંપલ પહેરીને જ ચાલવું, નહીંતર ઘરમાં કાર્પેટ કે શેતરંજી પાથરેલી રાખવી. ઠંડક તળિયેથી અંદર ન જવી જોઈએ. જેમને ઑસ્ટિઓપોરોસિસ છે કે કોઈ પણ પ્રકારનું આથ્રાઇટિસ છે તેમણે ખાસ ધ્યાન રાખવું અને નિયમિત ચેક-અપ પર જવું. સતત ઍક્ટિવ રહેવું જરૂરી છે. થર્મલ થેરપી મદદરૂપ થઈ શકે છે.
- ડૉ. અમિત મહેતા