દર મહિને ૨-૪ કિલો વજન ઊતરે તો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં આવે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
હમણાં મારે ત્યાં ૩૫ વર્ષની એક યુવતી આવી જેનું HbA1c ૬ પૉઇન્ટ હતું એટલે કે તેનો ત્રણ મહિનાની શુગરનો રિપોર્ટ કહેતો હતો કે તે પ્રી-ડાયાબેટિક છે. તેનું વજન ૯૦ કિલો હતું જેનો અર્થ એ કે તે ઓબીસ હતી. તેના ઘરમાં ડાયાબિટીઝ હતો એટલે તેના જીન્સ તો ડાયાબિટીસના જ હતા, પરંતુ તેના વધેલા વજને આ કામ કર્યું. તકલીફ એ છે કે હવે તેને બાળક પ્લાન કરવું કે નહીં એ બાબતે તે મૂંઝાઈ રહી હતી.
તમે પ્રી-ડાયાબેટિક હો કે ડાયાબિટીઝ હોય, આજની તારીખે પ્રેગ્નન્સી શક્ય તો છે. ઘણી સ્ત્રીઓ આ પરિસ્થિતિમાં બાળકને જન્મ આપતી હોય છે. જોકે અહીં તમારી આ પરિસ્થિતિ આવીને ઊભી છે ત્યારે તમારે એ સમજવાનું છે કે કન્સીવ કરવું એટલે કે ગર્ભ ધારણ કરવો આ પરિસ્થિતિમાં મુશ્કેલ છે. સામાન્ય રીતથી કદાચ આ કેસમાં પ્રેગ્નન્સી ન રહે, કારણ કે પ્રી-ડાયાબેટિક હોય ત્યારે ગર્ભ ધારણ કરવો અઘરો છે. બીજું એ કે જો એક વાર બાળક રહી પણ જાય તો આખી પ્રેગ્નન્સી દરમ્યાન તમારે શુગરનું ખૂબ ધ્યાન રાખવું પડે. દવાઓ કે ઇન્સ્યુલીન પણ લેવાં પડી શકે. ડાયટ એકદમ સ્ટ્રિક્ટ રાખવી પડે. સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તેને જે ભાવે એ અને તે જેટલું ઇચ્છે એટલું ખાઈ શકે એવું આ કેસમાં શક્ય જ નથી.
ADVERTISEMENT
જો પ્રેગ્નન્સી દરમ્યાન શુગર વધી તો બાળકમાં ઍબ્નૉર્મલિટી આવી શકે છે. મિસકૅરેજની શક્યતાઓ પણ વધી શકે છે. ખોડખાંપણવાળું કે માનસિક રીતે વિકલાંગ બાળક જન્મી શકે છે. આ સિવાય પ્રી-ટર્મ લેબર એટલે કે ૯ મહિના પહેલાં જ પ્રીમૅચ્યોર બાળક જન્મે એવું બને. જો શુગર ખૂબ વધી જાય તો બાળકને કાર્ડિઍક પ્રૉબ્લેમ થવાની શક્યતા પણ વધુ છે. આ ઉપરાંત બાળકનાં ફેફસાં નબળાં રહી જાય એવું પણ થઈ શકે. તો શું બાળક પ્લાન ન કરવું?
ના, એવું નથી. પહેલાં તો એ કે ઉપાયરૂપે આ પ્રકારના કેસમાં યુવતીએ વજન ઓછું કરવું પડે. દર મહિને ૨-૪ કિલો વજન ઊતરે તો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં આવે. આવા બે મહિના જાય અને તેનું ઓછામાં ઓછું પાંચ કિલો અને વધુમાં વધુ ૮ કિલો વજન ઘટ્યું હોય પછી પ્લાન કરી શકાય. પ્લાન કરવામાં વાર લગાડે તો પણ પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ઘણી ઓછી થતી જાય. આમ સમય વેડફ્યા વગર આના પર કામ કરવું જરૂરી છે. બીજું એ કે પ્રેગ્નન્સી દરમ્યાન સતત પ્રોફેશનલ હેલ્પથી તેની શુગર ન જ વધે એની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આમ ઉપાય છે, પણ એના માટે ખુદની પ્રતિબદ્ધતા અને પ્રોફેશનલ હેલ્પ બન્ને અનિવાર્ય છે.