ઠંડા વાતાવરણને લીધે ડ્રાય સ્કિનની સમસ્યા વકરે છે, પરિણામે પગનાં તળિયાં ફાટી જવાની ફરિયાદ રહેતી હોય છે. આવી સ્થિતિમાં ઇન્ફેક્શનનું જોખમ વધે છે ત્યારે એને રોકવા માટે શું તકેદારી રાખવી જોઈએ એ જાણવું જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
શિયાળામાં હવાની આર્દ્રતા ઓછી હોવાથી ત્વચાનું નૅચરલ મૉઇશ્ચર ઓછું થવા લાગે છે, પરિણામે ચહેરાની સાથે હાથ અને પગમાં ડ્રાયનેસની સમસ્યા સર્જાય છે. જોકે ખાસ કરીને પગનાં તળિયાંમાં ચીરા પડી જવાથી ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે. ઠંડીથી પગને રક્ષણ આપવા માટે આખો દિવસ મોજાં પહેરી રાખતા લોકો માટે એ જ મોજાં પગના ઇન્ફેક્શનનું કારણ બને છે.
ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધે
ADVERTISEMENT
શિયાળામાં જો ફુટકૅર પર ધ્યાન આપવામાં ન આવે તો ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. સ્કિન અને નખ ડ્રાય થવાથી કમજોર થવા લાગે છે. તેથી ખંજવાળ, બળતરા, દુખાવો, પગમાં છાલાં પડવાં અને સોજાની સમસ્યા પણ સર્જાય છે. તેથી આવા સમયે ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. લાંબા સમય સુધી મોજાં પહેરી રાખવાથી અથવા અનકમ્ફર્ટેબલ ચંપલ પહેરવાથી ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ઠંડીની સીઝનમાં ડાયાબિટીઝ અને હૃદયરોગથી પીડિત દરદીઓને પગમાં બ્લડ-સર્ક્યુલેશન ઓછું થાય છે તેથી પગમાં સોજા આવવા અને દુખાવાની ફરિયાદ થઈ શકે છે.
ફુટકૅર માટે આટલું જરૂરી
લાંબા સમય સુધી પગને મોજાંથી કવર કરી રાખવા યોગ્ય નથી. દિવસમાં થોડી વાર તડકામાં રહેવું જરૂરી છે. પગને ઇન્ફેક્શનથી બચાવવા માટે બેસિક હાઇજીન મેઇન્ટેન કરવું જરૂરી છે. આ માટે દિવસમાં બે વાર પગને પાણીમાં ધોવા અને પ્રૉપરલી સૂકવવા જરૂરી છે. જાડાં મોજાં ન પહેરવાને બદલે હલકાં અને હવાની અવરજવર થાય એવાં મોજાં પહેરવાં. એક જ મોજાં સતત બે દિવસ પહેરી રાખવાથી પણ ઇન્ફેક્શન વધી શકે છે. જો તળિયાંમાં ફક્ત ચીરા પડ્યા હોય તો ઘી અથવા ફુટકૅર ક્રીમ લગાવી શકાય, પણ જો નખમાંથી લોહી આવવું અથવા પગનાં તળિયાં ફાટી જવાથી એમાં લોહી આવવું, દુખાવો થવો, સોજા જેવાં લક્ષણો દેખાય તો ઘરેલુ નુસખા કરવાને બદલે એક વાર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
નખના ઇન્ફેક્શનથી બચો
ઠંડીમાં નખ પણ પહેલાંની સરખામણીમાં કમજોર થઈ જાય છે. તેથી એને વધુ મોટા ન થવા દેવામાં ભલાઈ છે, નહીં તો એમાં ખરાબ બૅક્ટેરિયા જમા થઈને ઇન્ફેક્શન ફેલાવશે. નખ કાપતી વખતે કટરનો ઉપયોગ કરવો અને કાપતી વખતે ત્વચામાં કટ ન લાગે એનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો સ્કિન-ઇન્ફેક્શન થવાનું જોખમ વધી શકે છે. આ ઉપરાંત કેમિકલ્સવાળી નેઇલ-પૉલિશ લગાવવાનું ટાળવું જોઈએ.