ખોરાક હેલ્ધી હોય કે અનહેલ્ધી, અતિરેક બિલકુલ યોગ્ય નથી. જો તમને ખોરાક પર તૂટી પડવાની આદત હોય તો એ બદલવી જરૂરી છે, કારણ કે દરેક મોટા રોગની શરૂઆત પેટથી થાય છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
હાર્ટની હેલ્થ માટે લોકો આ ખાવું અને આ ન ખાવું પર ભાર આપતા હોય છે, પરંતુ હકીકત એ છે કે સૌથી વધુ ભાર એના પર આપવો જોઈએ કે વધુ ન ખાવું. તમે અનહેલ્ધી ન જ ખાઓ એનાથી સારું તો કંઈ જ ન કહી શકાય, પરંતુ એ શક્ય હોવું ખૂબ જ અઘરું છે. તળેલું, મીઠાઈ, પૅકેટ ફૂડ કે જન્ક ફૂડ, બહારનો ખોરાક આ બધું જ ભલે તમે અલૉઇડ કરતા હો; પરંતુ ક્યારેક ને ક્યારેક તો ખાવામાં આવતું જ હશે. મોટા ભાગે લોકો સાથે એવું થાય છે કે તેઓ આ પ્રકારનો ખોરાક બિલકુલ ખાતા ન હોવાને કારણે જ્યારે ખાવા મળે ત્યારે જરૂર કરતાં વધુ ખાઈ લે છે. વેફરનું પૅકેટ એક વાર ખૂલે એટલે આખું ખતમ થાય પછી જ જાતને રોકી શકાય છે. હકીકત એ છે કે ખોરાક હેલ્ધી હોય કે અનહેલ્ધી, અતિરેક બિલકુલ યોગ્ય નથી. જો તમને ખોરાક પર તૂટી પડવાની આદત હોય તો એ બદલવી જરૂરી છે, કારણ કે દરેક મોટા રોગની શરૂઆત પેટથી થાય છે. વધુ પ્રમાણમાં ખોરાક પાચનને બગાડે છે, ફૅટ શરીરમાં જમા થાય છે અને એને જ કારણે હાર્ટને મુશ્કેલીમાં મૂકતા રોગો ઓબેસિટી, ડાયાબિટીઝ કે હાઈ બ્લડ-પ્રેશર થાય છે.
વિજ્ઞાન એ સત્ય સ્વીકારી ચૂક્યું છે કે વધારે પડતું સોડિયમ શરીરને નુકસાન કરે છે. આપણને જરૂરી માત્રામાં સોડિયમ મીઠામાંથી મળે છે, પરંતુ એનો અતિરેક શરીર માટે અત્યંત હાનિકારક છે. ખાસ કરીને નસોની હેલ્થને એ નુકસાન કરે છે. એટલે જ ખાવામાં મીઠાની યોગ્ય માત્રા લેવી ખૂબ જ જરૂરી છે. એક દિવસમાં ૫-૬ ગ્રામ મીઠું આદર્શ રીતે ખાઈ શકાય. આપણે જે નૉર્મલ ખોરાક ખાતા હોઈએ એમાં આટલું મીઠું તો થઈ જ જાય. આ સિવાય જો તમને દરેક વસ્તુમાં મીઠું ઉપરથી નાખીને ખાવાની આદત હોય - જેમ કે ફ્રૂટ્સમાં, સૅલડમાં, છાશમાં - તો એ આદત વહેલી તકે છોડવી જરૂરી છે. આ સિવાય બેકરી પ્રોડક્ટ્સ, પ્રિઝર્વેટિવ્સ અને ઍડિટિવ્ઝવાળી પ્રોડક્ટ્સ છોડવી અનિવાર્ય છે, કારણ કે એમાં મીઠાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એ જ રીતે ડાયાબિટીઝ હોય અને તમે શુગરનું ધ્યાન ન રાખતા હો તો એ પણ ખોટું જ છે. વધુ કૅલરીયુક્ત ખોરાક, વધુ પડતો કાર્બોહાઇડ્રેટ એ પણ સિમ્પલ કાર્બ્સ, ફળોનો રસ આ બધામાં જે શુગર છે એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. પૅકેટ ફૂડમાં છૂપી રીતે નાખવામાં આવતી શુગર ચામાં નાખવામાં આવતી એક ચમચી ખાંડ કરતાં વધુ હાનિકારક છે. આ બધી નાની વસ્તુઓનું ધ્યાન રાખીશું તો હાર્ટને હેલ્ધી રાખી શકીશું.