Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વિકાસનાં વર્ષોમાં આયર્નની ઊણપ થવા પાછળ કયું કારણ જવાબદાર છે?

વિકાસનાં વર્ષોમાં આયર્નની ઊણપ થવા પાછળ કયું કારણ જવાબદાર છે?

28 June, 2024 08:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એનીમિયા થવાનાં ઘણાં અલગ-અલગ કારણ હોઈ શકે છે, પરંતુ પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોમાં કયા કારણ થકી એનીમિયા થઈ શકે છે અને એ કયા પ્રકારનો એનીમિયા છે એ સમજવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


એ ખૂબ જ અફસોસની વાત છે કે આપણે ત્યાં બહોળા પ્રમાણમાં સ્ત્રીઓ અને બાળકો બન્ને આયર્નની કમીને કારણે થતા રોગ એનીમિયાના શિકાર છે. આ આયર્નની કમીને પૂરી કરવી જરાય અઘરી નથી, પરંતુ મહત્ત્વનું એ છે કે એના પર ધ્યાન આપવું જરૂરી છે. આ બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે. આયર્નનું મહત્ત્વ શરીરમાં ફક્ત હીમોગ્લોબિનના નિર્માણ પૂરતું જ નથી, બાકી પણ ઘણાં કાર્યોમાં એ જરૂરી છે. જ્યારે બાળકને આયર્નની ઊણપને લીધે એનીમિયા થાય છે ત્યારે એની સીધી અસર તેના શારીરિક અને માનસિક વિકાસ પર પડે છે. બાળકનો શારીરિક વિકાસ પહેલા વર્ષમાં સૌથી વધુ થાય છે, કારણ કે એના જન્મથી ૩ ગણું વજન એ એક વર્ષમાં વધારે છે. એના પછી બીજા વર્ષે એનાથી અડધું અને ત્રીજા વર્ષે વધુમાં ૩-૪ કિલો વજન વધે છે. જો મગજની વાત કરીએ તો મગજનો સૌથી વધુ વિકાસ પહેલાં બે વર્ષમાં થાય છે. આમ શરૂઆતનાં વર્ષો બાળકના વિકાસનાં વર્ષો છે. આ સમયે એનીમિયા તેના વિકાસમાં અવરોધક બને છે. તેના શારીરિક અને માનસિક વિકાસને અવરોધે છે. સિવિયર એનીમિયા શરીરના કોઈ પણ અંગ જેમ કે હાર્ટ કે કિડની પર અસર કરી શકે છે. ક્યારેક એને કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે. આ ઉંમરમાં બાળકને એનીમિયા થવાને કારણે તેની બુદ્ધિમત્તા ઘટી જાય છે, કારણ કે મગજનો વિકાસ અધૂરો રહી જાય છે.


એનીમિયા થવાનાં ઘણાં અલગ-અલગ કારણ હોઈ શકે છે, પરંતુ પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોમાં કયા કારણ થકી એનીમિયા થઈ શકે છે અને એ કયા પ્રકારનો એનીમિયા છે એ સમજવું જરૂરી છે. આટલી નાની ઉંમરમાં જે કારણસર એનીમિયા થાય એનાં કારણોમાં આયર્ન એટલે કે લોહતત્ત્વની ઊણપ મુખ્ય કારણ હોય છે. બાળકના શરીરમાં કોઈ પણ કારણસર આયર્નનું જરૂરી પ્રમાણ ઘટી જાય તો બાળકને એનીમિયા થઈ શકે છે. આ ઉપરાંત બીજું કારણ વિટામિન B12ની ઊણપ હોઈ શકે છે અને ત્રીજા કારણમાં જિનેટિક કારણનો સમાવેશ થાય છે જેમાં થૅલેસેમિયા માઇનર જેવા રોગને કારણે બાળકનું હીમોગ્લોબિન ઓછું હોય છે. ૧૦માંથી ૯ બાળકોને થતાં એનીમિયા પાછળ આયર્નની ઊણપ જવાબદાર ગણાય છે. આમ બાળકોને મોટા ભાગે જે એનીમિયા થાય છે એ પ્રકારને આયર્નની ઊણપને લીધે થતો એનીમિયા ગણવામાં આવે છે. તમારું બાળક કયા કારણસર નબળું છે કે તેનો વિકાસ કેમ અટકી રહ્યો છે એની તપાસ જરૂરી છે. જે કારણસર તેને એનીમિયા થયું હોય એનો ઇલાજ ઉપલબ્ધ છે. બાળકોના સર્વાંગી વિકાસમાં એનીમિયા મોટી બાધા છે. આ બાધાને દૂર કરવી અનિવાર્ય છે એ સમજવું રહ્યું. 



 


- ડૉ. મુકેશ દેસાઈ (ડૉ. મુકેશ દેસાઈ અનુભવી હીમટોલૉજિસ્ટ છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઇલ કરી શકો છો.)


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2024 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK