૨૦૨૩માં ગૂગલમાં સૌથી વધુ લોકોએ સર્ચ કરેલી જડીબુટ્ટીની યાદીમાં લેમન બામ મોખરે છે. ફુદીના જેવાં દેખાતાં અને લીંબુ જેવી ખુશ્બૂ ધરાવતાં આ પાન ઍન્ટિ-બૅક્ટેરિયલ, ઍન્ટિ-ફંગલ અને ઍન્ટિ-વાઇરલ ગુણ ધરાવે છે અને શિયાળામાં વધુ ફાયદાકારક છે
લેમન બામ ટી
આ વર્ષે ગૂગલની સૌથી વધુ સર્ચ કરાયેલી વાનગીઓની યાદીમાં લેમન બામ ટી સ્થાન મેળવીને ચર્ચાનો વિષય બની છે. ગૂગલ પર આટલી પૉપ્યુલારિટી હોવા છતાં આપણામાંથી ઘણા લોકોને ખબર નથી કે લેમન બામ શું છે? એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે? લેમન બામનો છોડ દેખાવમાં ફુદીના જેવો જ હોય છે. એને ફુદીનાના પરિવારનો જ સભ્ય માનવામાં આવે છે. એના ગુણધર્મો ફુદીના કરતાં થોડા અલગ હોય છે. આ જડીબુટ્ટી શરીર માટે કેવી રીતે ઉપયોગી છે અને એનું સેવન કઈ રીતે કરવું એ વિશે જાણીએ.
મેટાબોલિઝમ સુધારે
ADVERTISEMENT
ફુદીનાના પરિવારથી આવતા લેમન બામની ફ્લેવર તાજગીસભર હોય છે. ફુદીgનાની જેમ એમાંથી આવતી સુગંધ પણ મગજને શાંત કરે છે. મુખ્યત્વે લેમન બામનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. આ જડીબુટ્ટીનું સેવન કરવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે. એને લીધે પાચનતંત્ર તો હેલ્ધી રહે જ છે અને સાથે એ કૅલરી બાળવા માટે વજન પણ મેઇન્ટેન કરે છે. લેમન બામનાં પાન મેટાબોલિઝમ રેટને વધારવામાં અને કુદરતી રીતે કૅલરી બર્ન કરવામાં મદદરૂપ સાબિત થાય છે. એમાં રહેલા ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-વાઇરલ ગુણો ઇન્ફેક્શનથી શરીરને બચાવવાનું કામ કરે છે. આ ઉપરાંત એ સ્કિનના ગ્લોને પણ વધારે છે.
બનાવો ડીટૉક્સ ડ્રિન્ક
લેમન બામનો ઉપયોગ ચા બનાવવામાં થાય છે. કોઈને પેટ ફૂલવાની સમસ્યા હોય અથવા યુરિન પાસ થવામાં તકલીફ થતી હોય તો લેમન બામની ચા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. હેલ્થ-ફ્રીક લોકો એનો ઉપયોગ ડીટૉક્સ ડ્રિન્ક તરીકે પણ કરે છે. લેમન બામની ચા બનાવવા માટે સામગ્રીમાં એક મોટી ચમચી જેટલાં લેમન બામનાં સુકાવેલાં પાન, બે કપ પાણી, મીઠાશ માટે મધ અને લીંબુનો એક નાનો ટુકડો લેવો. ચાને બનાવવા માટે સૌથી પહેલાં લેમન બામનાં પાનને ધોઈ લેવાં. ત્યારંબાદ એક તપેલીમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઊકળી ગયા બાદ એને ગૅસ પરથી ઉતારીને લેમન બામનાં પાન નાખો અને એને ૧૦ મિનિટ સુધી ઢાંકી રાખો. પછી એ પાણીને કપમાં ગાળીને એમાં લીંબુ અને મધ મિક્સ કરો. બની ગઈ તમારી સ્પેશ્યલ ચા.
ચાના પણ છે અઢળક ફાયદા
આ આરામદાયક પીણાને પીવાથી તનાવમાં રાહત મળે છે. એની સુગંધ મગજને શાંત કરવામાં મદદ કરતી હોવાથી આ ચા પીવાથી બ્રેઇન સેલ્સ રિલૅક્સ થાય છે. લેમન બામની ચામાં રહેલા ઑક્સિડન્ટ્સ ડાયાબિટીઝના દરદીઓ માટે પણ લાભકારી છે. થાઇરૉઇડ ગ્રંથિને પણ એ નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. કોઈને અનિદ્રાની સમસ્યા હોય તો સૂવાના એક કલાક પહેલાં લેમન બામની ચા પીવામાં આવે તો સરસ ઊંઘ આવે છે.