આ રોગમાં હાડકાંઓ બરડ બની જાય છે એટલે એ ધ્યાન રાખવાનું કે દરદીને ફ્રૅક્ચર ન થવું જોઈએ.
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મમ્મીની ઉંમર ૬૧ વર્ષ છે અને પપ્પાની ૬૬ વર્ષ. પપ્પાને છેલ્લાં બે વર્ષથી ઑસ્ટિઓપોરોસિસ આવ્યું હતું. મમ્મીને પણ હમણાં ટેસ્ટમાં ખબર પડી કે એમને પણ ઑસ્ટિઓપોરોસિસ છે. ડૉક્ટર કહે છે કે એ બન્નેનું હવે ખાસ્સું ધ્યાન રાખવું જરૂરી છે. એમણે સૂચવેલી દરેક દવાઓ બન્ને જણ લે છે જેનું લિસ્ટ તમને મોકલાવ્યું છે. મારે એ જાણવું હતું કે દવાઓ ઉપરાંત બીજી કઈ બાબતો આ માટે મહત્ત્વની છે?
તમારી દવાઓ બધી બરાબર છે એ રેગ્યુલર લેતાં રહેવી. ડૉક્ટરના સંપર્કમાં સતત રહેવું. આ રોગમાં હાડકાંઓ બરડ બની જાય છે એટલે એ ધ્યાન રાખવાનું કે દરદીને ફ્રૅક્ચર ન થવું જોઈએ. મોટા ભાગના ફ્રૅક્ચર વડીલ બાથરૂમમાં પડી જાય ત્યારે થતા હોય છે માટે જો વડીલ ઘરમાં હોય તો બાથરૂમમાં માર્બલ કે સ્લિપ થઈ જવાય એવી ટાઇલ્સ ન નખાવવી. એવી હોય તો બદલાવીને ઍન્ટિ-ગ્લાઇડ ટાઇલ્સ નખાવવી અને બાથરૂમ હંમેશાં એકદમ કોરું રહે એનું ધ્યાન રાખવું. આ સિવાય ખાસ કરીને ટૉઇલેટ સીટની આજુબાજુ સપોર્ટ લઈને ઊઠી શકાય એવી રેલિંગ બનાવડાવવી, જેથી એ પકડીને બેસી-ઊઠી શકે, જેને લીધે તે પડે નહીં. આ એ જગ્યા છે જ્યાં મોટા ભાગે લોકો પડતા રહે છે. ઘરમાં નાનાં બાળકો હોય અને તેનાં રમકડાં આમતેમ ફેલાયેલાં હોય તો પણ વડીલોને એ પગમાં આવતાં પડવાની શક્યતા ઘણી વધુ રહે છે.
આવી રીતે જ્યારે વડીલો પડે છે ત્યારે એમનાં હાડકાં નબળાં હોવાને લીધે ફ્રૅક્ચર થઈ જ જાય છે માટે આ બાબતે સજાગ રહેવું. ખાસ કરીને રાત્રે એમનો રૂમ અને બાથરૂમ સુધીનો રસ્તો ક્લીન રાખવો. રાત્રે વડીલોને હંમેશાં ઊઠીને યુરીન પાસ કરવા જવું પડતું હોય છે. આ સમયે ખાસ એમની પાસે લાકડી હોવી જરૂરી છે. લાકડી એક એવી સાથી છે જેને લીધે ૫૦ ટકા પડવાની શક્યતાને નિવારી શકાય છે. વળી, લાકડીને કારણે વડીલોને કોઈના પર નિર્ભર રહેવાની જરૂર રહેતી નથી માટે એ વાપરવામાં સંકોચ ન કરવો. રાત્રે વડીલો ઊંઘે ત્યારે તેમની પાસે લાકડીની સાથે ચશ્માં પણ રાખવાં. એટલું જ નહીં, એ રૂમમાં સંપૂર્ણ અંધારું ન કરવું. વડીલોને રિક્ષા, બસ કે સ્કૂટરમાં ટ્રાવેલ ન કરાવો. ખાસ કરીને ચોમાસામાં જ્યાં ખાડાળા રોડ વધુ છે. જો કરાવવું જ પડે એમ હોય તો રિક્ષા-ડ્રાઇવરને સૂચના આપો કે ખાડાવાળા રોડ પરથી ન જ ચલાવે. આ તકેદારીઓ ખૂબ જ જરૂરી છે. એને ગંભીરતાપૂર્વક લેવી.
ADVERTISEMENT
- ડૉ. મિતેન શેઠ