બાળકની શુગરનું મૉનિટરિંગ રાખો અને એ મુજબ ઇન્સ્યુલીનનો ડોઝ સેટ કરો
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
દીકરો ૧૯ વર્ષનો છે, તેને ટાઇપ-વન ડાયાબિટીઝ છે. હાલમાં તેના પગમાં ખૂબ બળતરા થતી હોવાથી તે ઊંઘી નથી શકતો. રાતે ઊઠીને રડે છે. પગમાં ક્યારેક ખાલી ચડી જાય એવું પણ થાય છે. ક્યારેક-ક્યારેક તે પગના દુખાવાની પણ ખૂબ ફરિયાદ કરે છે. દવાઓ લીધી, પણ એની કોઈ ખાસ અસર નથી. સમજાતું નથી કે તેને પગ આટલા શું કામ દુખે છે.
દીકરાને ટાઇપ-વન ડાયાબિટીઝ છેલ્લાં ૧૬ વર્ષથી છે. આમ તો ટાઇપ-વનના દરદીઓમાં શુગરનું ઇમ્બૅલૅન્સ ટાઇપ-ટૂના દરદીઓ કરતાં ઓછું જ જોવા મળે છે, પરંતુ ઘણાં વર્ષોથી ડાયાબિટીઝ હોવાને કારણે ડાયાબિટીઝના દરદીઓમાં ન્યુરોપથી આવી શકે છે. ખાસ કરીને એ ત્યારે બને છે જ્યારે દરદીની શુગર કન્ટ્રોલમાં રહેતી ન હોય. આ પરિસ્થિતિની અસર લોહીની નળીઓ પર પડે છે, જે બાળકની નર્વ પર અસર કરે છે.
ADVERTISEMENT
શરીરની નસો પરના કોટિંગ પર શુગરને કારણે અસર થાય છે. આ નસો પર જે અસર દેખાય છે એને કારણે જ આ પ્રકારનાં ચિહ્નો જેમ કે પગમાં ટિંગલિંગ થવું કે ખાલી ચડી જવી, બળતરા થવી, પગમાં અને પગના તળિયે ખાસ કરીને સંવેદના ઓછી અનુભવવી જોવા મળે છે. પગની નસો ન્યુરોપથીમાં સૌથી પહેલા અસરગ્રસ્ત થાય છે. એના ઇલાજ સ્વરૂપે અમુક દવાઓ આવે છે જેને કારણે આ અસર ઓછી થાય અને બાળકને રાહત મળે.
બીજું, એ સમજવાનું છે કે શુગર બાળકની એકદમ કન્ટ્રોલમાં હોવી જરૂરી છે. માટે જો તે સ્ટ્રૉન્ગ કન્ટ્રોલ ન હોય તો ન્યુરોપથી થવાની શક્યતા વધી જાય છે. બાળકની શુગરનું મૉનિટરિંગ રાખો અને એ મુજબ ઇન્સ્યુલીનનો ડોઝ સેટ કરો. સમજવાની વાત એ છે કે જો આ નાની ઉંમરે ન્યુરોપથી શરૂ થશે તો યુવાન વયે બીજી ઘણી તકલીફો ચાલુ થઈ જશે એટલે શુગર પર એકદમ સ્ટ્રીક્ટ કન્ટ્રોલ અનિવાર્ય છે. આ સિવાય જો તેને પગમાં કઈ વાગી જશે તો સંવેદના ઓછી હોવાને કારણે તેને સમજાશે નહીં અને ઘાવ ઊંડો થવાની શક્યતા છે એટલે સાવધાની રાખવી જરૂરી છે. તમે ખાસ કરીને તેના પગ અને પગના તળિયા દરરોજ રેગ્યુલર ચેક કરો. એમાં નાનામાં નાનો કોઈ પણ ઘાવ હોય તો એનો ઇલાજ પહેલા કરો.