Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner

ફણસ ખાઓ સેહત બનાઓ

Published : 28 March, 2025 02:57 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

કેરલાના અને મહારાષ્ટ્રિયન લોકોમાં સહુથી વધુ ખવાતા ફણસના ફાયદાઓથી ગુજરાતીઓ હજી પણ અજાણ છે. અન્ડરરેટેડ રહેલા જૅકફ્રૂટના હેલ્થ-બેનિફિટ્સ જાણશો તો આજથી જ તમે એને ખાવાનું શરૂ કરી દેશો એટલું પાકું

ફણસ

ફણસ


ઉનાળાની સીઝન આવે એટલે લોકોમાં કેરી ખાવાનો ગાંડો ક્રેઝ જોવા મળે છે, પણ આ જ સીઝનમાં આવતા ફણસ વિશે યોગ્ય જાણકારી ન હોવાથી લોકો એને ખરીદતાં ખચકાય છે. મુખ્યત્વે આ ફ્રૂટ કેરલા ઉપરાંત દ​ક્ષિણ ભારતીય રાજ્યોની સાથે મહારાષ્ટ્રના કોકણ રીજનમાં સૌથી વધુ ખવાય છે. બંગલાદેશમાં તો ફણસ રાષ્ટ્રીય ફળ છે. ઉનાળાની સીઝનમાં મળતું આ ફ્રૂટ ખાવાના અઢળક ફાયદાઓ છે ત્યારે એને કેવી રીતે ખાવું જોઈએ અને એને ખાતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એ એક્સપર્ટ્‍સ પાસેથી જાણીએ.


એનર્જી બૂસ્ટર



ફણસ નાનાં બાળકોને ભરપૂર એનર્જી આપે છે એમ જણાવતાં ક્લિનિકલ ડાયટિશ્યન વિધિ શાહ કહે છે, ‘ફણસના ન્યુટ્રિશનની વાત કરીએ તો એમાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે શરીરને એનર્જી પૂરી પાડે છે. બાળકોના વિકાસ માટે તથા યુવાવર્ગની એનર્જીને મેઇન્ટેન રાખવા માટે એ ફ્યુઅલનું કામ કરે છે. ફણસમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી એનું નિયમિત સેવન ગરમીમાં ડીહાઇડ્રેશનનો ઇશ્યુ થવા નહીં દે. એમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. ટૂંકમાં એ તમારી ગટ-હેલ્થને હેલ્ધી રાખશે અને એ પ્રી-બાયોટિક હોવાથી ગુડ બૅક્ટેરિયા પ્રોડ્યુસ કરે છે તેથી એનું સેવન આંતરડાને ડીટૉક્સ કરવામાં મદદ કરશે. એમાં રહેલું વિટામિન C રોગપ્રતિકારક શક્તિને વધારશે અને ઇન્ફેક્શનને શરીરમાં પ્રવેશતાં રોકશે. કોઈ વ્યક્તિને ઈજા પહોંચી હોય અને લોહી બંધ ન થતું હોય તો ફણસ ખાવાની સલાહ આપે છે, કારણ કે એ લોહીને ઘાટું બનાવવામાં મદદ કરે છે.’


અન્ડરરેટેડ સમર ફ્રૂટ

ડાયટ ક્ષેત્રે ૧૭ વર્ષનો અનુભવ ધરાવતાં વિધિ શાહનું માનવું છે કે ફણસ એટલે કે જૅકફ્રૂટના ફાયદાઓ ગુજરાતીઓ સુધી પહોંચ્યા જ નથી. આ વિશે વિસ્તારપૂર્વક વાત કરતાં તે જણાવે છે, ‘જેમ કેરી ઉનાળાનું સીઝનલ ફ્રૂટ છે એમ જ ફણસ પણ સીઝનલ ફ્રૂટ જ છે. જોકે કેરીની તાસીર ગરમ હોય છે તોય એને લોકો ચાર હાથે ખાય છે ત્યારે ફણસની તાસીર ઠંડી છે. એ ગરમીમાં શરીરને ઠંડક આપે છે તોય એના બેનિફિટ્સથી આપણા ગુજરાતીઓ અવેર ન હોવાથી એ અન્ડરરેટેડ બની ગયું છે. અત્યારે એ માર્કેટમાં કાચું મળશે. એને ફ્રૂટ તરીકે ખાઈ શકાય ત્યારે થોડા સમય બાદ એટલે કે ચોમાસું બેઠા બાદ ઑગસ્ટ-સપ્ટેમ્બર સુધી પાકેલું મળશે. એને બિરયાની અને શાકમાં નાખીને પણ ખાઈ શકાય. બન્ને પ્રકારનું ફણસ સ્વાદમાં મીઠું લાગશે.’


કેવી રીતે ખાવું?

ફણસને ખાવાની રીત વિશે વાત કરતાં વિધિ કહે છે, ‘જૅકફ્રૂટ કાચું પણ ખાઈ શકાય અને પાકેલું પણ ખાઈ શકાય. પાકેલા ફણસને ફળ તરીકે ડાયરેક્ટ ખાઈ શકાય ત્યારે કાચા ફ્રૂટને વાનગીમાં ઍડ કરીને લઈ શકાય છે. ફણસની સાથે એનાં બીજ પણ ગુણકારી હોય છે. એમાંથી ભરપૂર પ્રમાણમાં આયર્ન અને પ્રોટીન મળી રહે છે. ફણસનાં બીજને ડ્રાય રોસ્ટ કરી અને એને છોલીને અંદરના ભાગનો પાઉડર કરી નાખો તો એનો ઉપયોગ લોટ તરીકે પણ કરી શકાય. આ પાઉડરને સૂપમાં, રોટલી અથવા પૂડલા બનાવવાના લોટમાં મિક્સ કરીને અથવા તો કોઈ ડિઝર્ટ બનાવવામાં વાપરી શકાય છે. મોટા ભાગના ગુજરાતીઓને ફણસનો સ્વાદ પસંદ નથી હોતો. એ લોકો માટે ફણસનો લોટ સૌથી બેસ્ટ ઑપ્શન છે. એ વાનગીમાં ટેસ્ટને એન્હૅન્સ તો કરશે જ અને સાથે ફણસમાંથી મળતા તમામ ફાયદાઓ પણ આપશે. બને ત્યાં સુધી જેમ કેરી ખવાય છે એ રીતે ફણસને ખાવું જોઈએ, કારણ કે એ ગરમીની સીઝનમાં શરીરને ઠંડક આપશે. જે લોકોએ ક્યારેય નથી ખાધું તેમણે પહેલાં ફ્રૂટ તરીકે પાકેલા ફણસને ડાયરેક્ટ ખાઈને ટેસ્ટને ડેવલપ કરવો પડશે, નહીં તો વાનગીઓમાં નાખેલું ફણસ ભાવશે નહીં. કાચા ફણસને માંસના પર્યાય તરીકે પણ જોવામાં આવે છે, કારણ કે એ મીટનું ટેક્સ્ચર આપે છે. વીગન અને વેજિટેરિયન ડાયટમાં કાચા ફણસને સૂપમાં અને શાકમાં ઍડ કરીને ખવાય છે. બાળકો માટે ચારથી પાંચ પીસ ખાવા આઇડિયલ છે. એમાંથી વધુ કૅલરી મળતી ન હોવાથી યંગસ્ટર્સ ૧૦ અથવા એના કરતાં વધુ પીસ આરામથી
ખાઈ શકે.’

ડાયાબેટિક્સ માટે જાણવા જેવું

ડાયાબિટીઝના દરદીઓ માટે ફણસના મહત્ત્વ વિશે વાત કરતાં વિધિ કહે છે, ‘ફણસનો GI (ગ્લાઇસીમિક ઇન્ડેક્સ) વધુ છે. GI એટલે કાર્બોહાઇડ્રેટયુક્ત પદાર્થમાં ગ્લુકોઝના સ્તરને કેટલી ઝડપી ગતિથી વધારે છે એનું માપ. તેથી ડાયાબિટીઝના દરદીઓને ફણસનું સેવન કરવાની સલાહ અપાતી નથી. જો ખાવું જ હોય તો બેથી ત્રણ નાના પીસ ખાઈ શકાય, પણ સીડ્સ કે નટ્સ સાથે. આમ ખાવાથી એનો GI ઓછો થઈ જાય છે અને શુગર-લેવલ સ્પાઇક થતું નથી. જો એનું શાક બનાવીને ખાવામાં આવે તો ડાયાબિટીઝના દરદીઓ ખાઈ શકે અને ફણસનો લોટ તો તેમના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. લોટ બને એટલે એનો GI ઓછો થાય છે અને એમાંથી ભરપૂર પ્રમાણમાં પોટૅશિયમ મળતું હોવાથી એ શુગર-લેવલને સ્પાઇક થવા દેતું નથી અને બ્લડ-પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આજકાલ દેશમાં ડાયાબિટીઝની સાથે ફૅટી લિવરની સમસ્યા પણ વકરી રહી છે. એને દૂર કરવા માટે ફણસનો લોટ બહુ કામની ચીજ છે. રોટલીના લોટમાં પાંચ ટકા જેટલો ફણસનો લોટ ઉમેરીને ખાવામાં આવે તો એ લિવર પર જમા થયેલી ફૅટને ઓછી કરવાની તાકાત ધરાવે છે અને સમયાંતરે એ ડાયાબિટીઝને પણ રિવર્સ કરે છે. જો કિડની સંબંધિત બીમારી કે સમસ્યા હોય તો જૅકફ્રૂટનું સેવન કરવાની સલાહ અપાતી નથી. વધુપડતું પોટૅશિયમ કિડનીના ફંક્શનિંગમાં અવરોધ ઊભો કરી શકે છે, પરિણામે સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. અપચાની ગંભીર સમસ્યા હોય તો પણ એને ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો સ્થિતિ વણસી શકે છે.’

શું કહે છે આયુર્વેદ?

આયુર્વેદમાં જણાવેલા ફણસના ફાયદાઓ વિશે વાત કરતાં આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. રુચિરા ગોરડિયા કહે છે, ‘ફણસનો મૂળ ગુણ શીતળતાનો છે. એ શરીરને શાતા આપે છે. બળતરા અને ગૅસ્ટ્રાઇટિસની સમસ્યામાં ફણસ ઉપયોગી નીવડે છે. એ લોહીને ઘટ્ટ કરતું હોવાથી ઘણી વાર નાકમાંથી બ્લીડિંગ થતું હોય અથવા જે યુવતીઓને હેવી પિરિયડ્સ આવતા હોય તેમને ફણસ ખાવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે આ ફળ વાયુ અને પિત્તનું શમન કરનારું છે અને કફને વધારવાવાળું છે તેથી એનું સેવન ઉનાળા સુધી જ સીમિત રાખવું જોઈએ. જેમને વારંવાર શરદી-ઉધરસની સમસ્યા રહેતી હોય એ લોકોએ આ ફ્રૂટથી દૂર રહેવું જોઈએ. ફણસ પચવામાં થોડું ભારે હોવાથી એ ડાઇજેશનની પ્રક્રિયાને ધીમી કરે છે. આ ઉપરાંત જે લોકો અન્ડરવેઇટ છે તેમના માટે ફણસ વજન વધારવાનું કામ કરશે. આ ફ્રૂટ સ્પર્મ-કાઉન્ટ વધારતું હોવાથી પુરુષો માટે પણ એનું સેવન લાભકારી માનવામાં આવે છે. એ શરીરને તૃપ્ત કરે અને બળ આપે. એ પચવામાં ભારે છે એટલે દૂધ સાથે કે કોઈપણ ચીજ સાથે લેવું ન જોઈએ. જેને અજીર્ણ એટલે કે અપચો હોય એ લોકો ફણસ ખાશે તો તેમને ડાયેરિયા થઈ શકે છે. ડાયાબિટીઝના દરદી અને સ્થૂળ હોય એવા લોકો માટે આ ફળથી અંતર જાળવી રાખવું હિતાવહ રહેશે. ફણસ ઉપરાંત એના ઝાડની છાલનો ઉપયોગ ત્વચા સંબંધિત બીમારીઓની સારવાર માટે થતો હોય છે. એનો ઉકાળો બનાવીને પીવાથી સ્કિનની ગંભીર બીમારીઓ દૂર થઈ શકે એમ છે. ફણસ ખાવાથી અપચાની સમસ્યામાં ડાયેરિયા થાય, પણ એનાં પાન આ બીમારીને ઠીક કરવામાં મદદરૂપ થાય છે.’

કાપતી વખતે રાખજો આટલું ધ્યાન

ફણસ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, પણ એ બનાવતાં પહેલાં ફ્રૂટને કાપવું ટફ ટાસ્ક ગણાય છે. ઘણા લોકોને ભાવતું હોય અને એના ગુણો પણ ખબર હોય પણ એને કાપતી વખતે હાથ અને ચપ્પુમાં એની ચીકાશ ચોંટી જતી હોવાથી એને ખરીદવાનું ટાળતા હોય છે. કાપતી વખતે એમાંથી સફેદ રંગનું ચીકણું પ્રવાહી નીકળે છે એને કારણે ઘણી વાર એ કાપવું અસંભવ લાગે છે. એને ન ખરીદવાનું બીજું કારણ એ પણ છે કે ફણસની સ્કિન જાડી હોય છે તો એને કાપવા માટે શરૂઆતમાં જોર લગાવવું પડે છે. એમાં ફાઇબર બહુ જ હાઈ હોય છે તેથી એમાં ચીકાશ ઉત્પન્ન થાય છે. જે લોકોને પોલનની ઍલર્જી એટલે કે લોટ, ફૂલ કે ધૂળથી થતી ઍલર્જી હોય એ લોકોએ આ ફ્રૂટને ટચ પણ ન કરવું જોઈએ. કાપવા દરમિયાન ચપ્પુ હાથમાં લાગી જવાનો ડર પણ રહેતો હોય છે, પણ જો એને યોગ્ય પદ્ધતિથી કાપવામાં આવે તો એ કોઈ પણ જાતની તકલીફ વગર સરળતાથી કપાઈ જાય છે. આ માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે...

 ફણસને કાપતાં પહેલાં એને પાણીથી ધોઈને સુકાવી લેવું. એને સીધું જમીન પર રાખીને કાપવા કરતાં એને પેપરના ત્રણ-ચાર મોટા ટુકડા પર રાખવું.

 એને કટ કરતાં પહેલાં થોડી તૈયારી કરી લેવી. પેપરના ટુકડાને ફેલાવીને એના પર ફણસ રાખ્યા બાદ એક કટોરીમાં થોડું તેલ લેવું અને એક મોટા વાસણમાં પાણી લઈને એમાં મીઠું અને હળદર મિક્સ કરીને રાખવાં.

 ચપ્પુ પર સારી રીતે તેલ લગાવી લેવું અને પછી એને વચ્ચેથી કાપવું. જો એને નાના ટુકડામાં ગોળ સ્લાઇસ કરીને કાપશો તો ચારે બાજુ સફેદ કલરનો ચીકણો પદાર્થ ફેલાઈ શકે છે અને એને કાપવું વધુ મુશ્કેલ બની શકે છે. તેથી એને બે ભાગમાં કાપીને જરૂર હોય એ રીતે સાતથી આઠ મોટા ટુકડા કરવા.

 સાવધાનીપૂર્વક એની છાલને ઉતારીને ટુકડાને હળદર-મીઠાવાળા પાણીમાં નાખી દેવા. પછી તેલની મદદથી ચપ્પુ અને હાથને ઘસીને સાફ કરી લેવા. ફણસ કાપતાં પહેલાં હાથ પર ચીકાશ ન ચોંટે એ માટે હાથ પર પણ ઑઇલિંગ કરી લઈએ તો પણ ચાલે.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2025 02:57 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK