લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે તમે નામ તો નોંધાવી જ દીધું હશે. તો જો કોઈ બ્રેઇન-ડેડ વ્યક્તિનું લિવર દાનમાં મળી જાય તો તમારા મોટા ભાઈનું ઑપરેશન થઈ જશે.
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
અમે ૪ ભાઈ છીએ. અમારા સૌથી મોટા ભાઈને લિવર સિરૉસિસ છે. ડૉક્ટર કહે છે કે એમને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. મોટા ભાઈ માટે અમે લિવર તો શું, જીવ પણ આપી દઈએ, પણ તકલીફ એ છે કે અમને ત્રણેય ભાઈને પણ ફૅટી લિવરની સમસ્યા છે, જેમાંથી બે તો દારૂની આદત ધરાવે છે અને એક ક્યારેક પીએ છે, પણ તેને આદત નથી. હવે તકલીફ એ છે કે ઇચ્છવા છતાં ડૉક્ટર્સ અમારું લિવર લેવા તૈયાર જ નથી. આ રીતે અમે મોટા ભાઈને ગુમાવવા નથી માગતા, શું કરવું એ પણ સમજાતું નથી. કોઈ ઉપાય?
ફૅટી લિવરમાં મોટા ભાગના દરદીઓ સાથે આવું જ થાય છે, જ્યારે દરદીને જરૂર હોય ત્યારે પરિવારના સદસ્યો તેમને અંગદાન આપી શકતા નથી, કારણ કે એક પરિવારમાં લગભગ બધા સદસ્યોના જીન્સ અને લાઇફસ્ટાઇલ સરખા જ હોય છે. આવા કેસમાં દરદી માટે ઘણી મુશ્કેલી સર્જાઈ શકે છે. લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે તમે નામ તો નોંધાવી જ દીધું હશે. તો જો કોઈ બ્રેઇન-ડેડ વ્યક્તિનું લિવર દાનમાં મળી જાય તો તમારા મોટા ભાઈનું ઑપરેશન થઈ જશે.
બાકી, તમે મોકલેલા તમારા રિપોર્ટ મેં જોયા. તમે ત્રણેય ભાઈને આલ્કોહૉલની તકલીફ છે, એની સાથે તમે ત્રણેય ઓબીસ પણ છો. એક ભાઈ ૧૫ કિલો, બીજો ૨૦ કિલો અને ત્રીજો ૨૨ કિલો આદર્શ વજન કરતાં વધુ વજન ધરાવે છે. આ વજન ઉતારવાની તમને ખાસ જરૂર છે. જો તમે ખરેખર તમારા ભાઈની મદદ કરવા ઇચ્છતા હો તો પહેલાં ફૅટી લિવરની ટ્રીટમેન્ટ કરો, જેમાં સૌથી પહેલાં આલ્કોહૉલને તિલાંજલિ આપવી જ પડશે. દારૂ સદંતર બંધ કરો. એની સાથે-સાથે વજન ઉતારવા માટે લાઇફસ્ટાઇલ બદલો. વહેલા સૂઓ, વહેલા ઊઠો. સારી ઊંઘ કરો, હેલ્ધી જમો અને એક્સરસાઇઝ કરો. આ બધું જાતે એકલા નહીં થાય તો એના માટે પ્રોફેશનલ હેલ્પ જરૂરથી લો. ફૅટી લિવર રિવર્સ થઈ શકે છે. એટલે કે લિવર પર જામી જનારી ચરબી દૂર થઈ શકે છે. તમે ત્રણેય પ્રયાસ કરશો તો ભાઈને મદદરૂપ થઈ શકો છો. જો એવું ન પણ થયું અને જો તેમને કોઈ ડોનર મળી જાય તો પણ તમારી હાલત તો સુધરી જ શકે છે. આજે તમે લોકો એના પર કામ ચાલુ કરશો તો ભાઈની જે હાલત છે એ સ્ટેજ પર તમે નહીં પહોંચો. તમે ત્રણેય આ કરી શકશો, કારણ કે ડાયાબિટીઝ કે હાયપરટેન્શન જેવી કોઈ તકલીફ તમને છે નહીં. ફક્ત આલ્કોહૉલ છોડો અને વજન ઉતારો એટલે ઘણાં સારાં રિઝલ્ટ મળશે.