ચાઇનીઝ આઇટમ વિનેગર વગર અધૂરી માનવામાં આવે છે ત્યારે એનો ઉપયોગ ફક્ત કુકિંગ સુધી સીમિત નથી. એના ગુણો ઘરસફાઈ કરવામાં બહુ જ કામના છે તો ચાલો જાણીએ મલ્ટિપર્પઝ વિનેગરના ઉપયોગ વિશે
વિનેગર
સફરજનના રસમાંથી બનતું વિનેગર એટલે કે સરકો આમ તો ચાઇનીઝ વાનગીઓમાં સ્વાદ વધારવા માટે વપરાય છે, પણ એનો ઉપયોગ ફક્ત રસોડા સુધી સીમિત નથી. વિનેગરના સેવનના શરીરને અઢળક ફાયદા મળવાની સાથે ઘર અને રસોડાની સફાઈ માટે પણ કામની ચીજ છે એવું કહેવું ખોટું નથી. વિનેગરને એમાં રહેલી ઍન્ટિબૅક્ટેરિયલ અને ડીપ ક્લેન્ઝિંગ પ્રૉપર્ટીઝને કારણે વર્સેટાઇલ માનવામાં આવે છે.
રસોડામાં રહેલા જિદ્દી ડાઘ હોય કે પછી વાળને સિલ્કી અને શાઇની બનાવવાના હોય, ગળાના દુખાવાને દૂર કરવાનો હોય કે વજન ઘટાડવાનું હોય; વિનેગર મોટા ભાગની સમસ્યાનું સમાધાન છે ત્યારે ઘરની સફાઈમાં વિનેગરનો રોલ કેવો અને ક્યાં હોય છે એ જાણીએ.
ADVERTISEMENT
ક્લીનિંગમાં હેલ્પફુલ : વિનેગરને નૅચરલ ક્લીનર પણ કહેવાય છે. એક વાટકામાં પાણી લઈને એમાં બેથી ત્રણ ચમચી જેટલો વિનેગર મિક્સ કરીને ગૅસ અને માઇક્રોવેવમાં લાગેલા જિદ્દી ડાઘ પળવારમાં દૂર થઈ જાય છે અને બૅક્ટેરિયાને જમા થવા દેતો નથી. આ ઉપરાંત સ્ટીલ, ઍલ્યુમિનિયમ અને કાચનાં વાસણમાં લાગેલા ડાઘને દૂર કરવામાં પણ વિનેગર ઉપયોગી છે. રસોડાના ફ્લોરિંગમાં, ગૅસ સિલિન્ડરમાં લાગેલા ડાઘને હટાવવા વિનેગરના પાણીનો ઉપયોગ કરીને એ જગ્યાને વાસણ ઘસવાના તારથી ઘસવામાં આવે તો એ જિદ્દી ડાઘ પણ સહેલાઈથી નીકળી જાય છે. વિન્ડોના કાચને ચમકાવવા માટે પણ એનો ઉપયોગ વ્યાપક રીતે થઈ રહ્યો છે.
બાથરૂમ ક્લીનર : ઘરમાં રસોડાની સફાઈ જેટલી ઇમ્પોર્ટન્ટ છે એમ બાથરૂમનું હાઇજીન જાળવવું પણ સ્વાસ્થ્ય માટે એટલું જ જરૂરી છે.
બાથરૂમ ક્લીનિંગમાં પણ વિનેગર મહત્ત્વનો રોલ પ્લે કરે છે. ટૉઇલેટ સીટ્સ, ટાઇલ્સ અને સિન્કમાંના ડાઘની સાથે બાથરૂમમાંથી આવતી દુર્ગંધને પણ વિનેગર દૂર કરે છે એટલું જ નહીં; બારી-બારણાં અને દરવાજામાં વિનેગરનો નિયમિત છંટકાવ કરવામાં આવે તો ઘરમાં ક્રૉક્રોચ અને કીડીના ત્રાસથી પણ છુટકારો મળે છે.
કપડાંના ડાઘ દૂર થાય : કિચન અને ફ્લોરિંગના ડાઘની સાથે વિનેગર કપડાંમાં લાગેલા ચા-કૉફી અને હળદર જેવા જિદ્દી ડાઘને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. વિનેગરવાળું પાણી કપડામાં જ્યાં ડાઘ લાગેલા હોય ત્યાં લગાવવામાં આવે અને થોડી વાર રહેવા દઈને ધોઈ નાખવામાં આવે તો એ સરળતાથી નીકળી જાય છે.
ફળ-શાકભાજીની સફાઈ કરે: બજારમાંથી લવાતાં ફળો અને શાકભાજીમાં કેમિકલ અને બૅક્ટેરિયા ચોંટેલાં હોય છે. એને ખાલી પાણીમાં ધોવા કરતાં વિનેગરવાળા પાણીમાં ધોવામાં આવે તો એમાંથી બૅક્ટેરિયાનો તો નાશ થાય જ છે પણ સાથે એના પર છાંટેલું કેમિકલ પણ દૂર થઈ જાય છે.
ગ્રૂમિંગ માટે પણ યુઝ થાય
ફક્ત ઘરસફાઈ જ નહીં, હેરકૅરમાં પણ વિનેગરનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. વાળને સૉફ્ટ અને શાઇની કરવા માટે હેરવૉશ દરમિયાન કોઈ પણ પ્રકારના વિનેગરનો વપરાશ કરવામાં આવે તો એ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે છે. આ ઉપરાંત ઍપલ સાઇડર વિનેગરની એક-બે ચમચીને હૂંફાળા પાણીમાં નાખીને કોગળા કરવામાં આવે તો ગળાના દુખાવામાં પણ એ રાહત આપે છે. દિવસ દરમિયાન શૂઝ પહેરી રાખવાથી પગમાંથી આવતી દૂર્ગંધને દૂર કરવામાં પણ એ ઉપયોગી છે. નવશેકા પાણીમાં થોડો વિનેગર મિક્સ કરીને પગને થોડી વાર પલાળી રાખવામાં આવે તો એમાં રહેલા બૅક્ટેરિયા નાશ પામે છે અને દુર્ગંધને પણ દૂર કરે છે.

