પાંઉભાજી બનાવો ત્યારે પીળા બટરમાં શેકેલાં પાંઉનો સ્વાદ ભલે સરસ આવે, પણ એ હેલ્ધી નથી એવું સ્વીડનના સંશોધકોના એક અભ્યાસનું તારણ છે. આ અભ્યાસ કહે છે કે બટર કરતાં વનસ્પતિજન્ય આૅઇલ વધુ સારો વિકલ્પ છે. આવું કઈ રીતે? ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી
પ્રતીકાત્મક તસવીર
તમે પણ વિચારતા હશો કે સંશોધનમાં થઈ શું રહ્યું છે? ક્યારેક કહે છે કે તેલ ન ખાવું જોઈએ અને ક્યારેક કહે છે કે બટર કરતાં તેલ વધારે સારું તો એ ડાયટમાં હોવું શું જોઈએ? વાત એમ છે કે ખોરાક પર સંશોધનો થતાં જ રહે છે અને એમાં જે-તે વિસ્તારોના સ્થાનિક સૅમ્પલ પરથી નક્કી કરવામાં આવતું હોય છે. હવે સ્વીડન, જર્મની, અમેરિકા અને લંડન એમ ચાર દેશોની યુનિવર્સિટીના નિષ્ણાતોએ ઑઇલ અને બટરના ફૅટના લીધે થતા રોગોના અભ્યાસોને ભેગા કરીને એનું ઍનૅલિસિસ કર્યું તો જાણવા મળ્યું કે પ્લાન્ટ ઑઇલ શરીરને બટર કરતાં ઓછું નુકસાન કરે છે.
રસપ્રદ રીતે આ ઍનૅલિસિસમાં સામેલ કરવામાં આવેલો જ એક અભ્યાસ લંડનની એક યુનિવર્સિટીમાં થયો હતો, જેમાં ૧૧૩ પાર્ટિસિપન્ટ્સને સામેલ કર્યા હતા. એમાં ૧૬ અઠવાડિયાં સુધી એક ગ્રુપે સૅચ્યુરેટેડ ઍનિમલ ફૅટ અને અન્ય ગ્રુપે અનસૅચ્યુરેટેડ પ્લાન્ટ ફૅટનો ઉપયોગ કર્યો હતો, જેનું દેખીતું તારણ હતું કે ઍનિમલ ફૅટ એટલે કે બટર કરતાં પ્લાન્ટ ઑઇલ એટલે કે વનસ્પતિજન્ય તેલ દ્વારા કાર્ડિયોવૅસ્ક્યુલર કે ડાયાબિટીઝ જેવા રોગો થવાનું જોખમ સરખામણીએ થોડું ઓછું છે. દરેક અભ્યાસનાં પરિબળો અને સૅમ્પલમાં જુદાં-જુદાં પાસાંઓ હોય છે તેથી સ્વીડનની યુનવિર્સિટીએ બધાં જ પરિબળોને એકઠાં કરીને એક તારણ કાઢવાનું નક્કી કર્યું હતું. ત્યારે આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ કે આ પ્લાન્ટ ઑઇલના ફાયદા શું છે અને શા માટે એ આપણી ડાયટમાં હોવું જોઈએ.
ADVERTISEMENT
અંધેરીમાં પ્રૅક્ટિસ કરતાં ૧૩ વર્ષનો અનુભવ ધરાવતાં સ્પોર્ટ ન્યુટ્રિશનિસ્ટ અને સર્ટિફાઇડ ડાયાબિટીઝ એજ્યુકેટર અને પિલાટીઝ કોચ રમીસા પુંજાણી કહે છે, ‘તાજેતરના રિસર્ચ પ્રમાણે ઍનિમલ ફૅટમાં સૅચ્યુરેટેડ ફૅટનું પ્રમાણ વધુ હોય છે. સૅચ્યુરેટેડ ફૅટ એટલે જે સ્વાસ્થ્ય માટે વધુ પ્રમાણમાં નુકસાનકારક છે. વનસ્પતિજન્ય ઑઇલમાં ઑલિવ ઑઇલ, રાઇસ બ્રાન, કનોલા ઑઇલ જેવાં ખાવાનાં તેલનો સમાવેશ થાય છે. ઑલિવ ઑઇલના ફાયદા વિશે તો લગભગ બધા જ માહિતગાર છે. તો પ્લાન્ટ ઑઇલમાં બટર કરતાં સૅચ્યુરેટેડ ફૅટનું પ્રમાણ ઓછું હોય છે. એટલે કે તમે સમાન માત્રામાં બટર અને પ્લાન્ટ ઑઇલ ખાઓ તો પ્લાન્ટ ઑઇલથી તમારા હાર્ટ અને શરીરનાં અન્ય અંગોને નુકસાન થવાનું જોખમ ઓછું છે. અહીં બટરને ઘી સમજવાની ભૂલ ન કરવી. ઘીનું પ્રકરણ આખું જુદું જ છે. ન્યુટ્રિશનિસ્ટ તમને ક્યારેય પણ તેલને સંપૂર્ણ બંધ કરવાની સલાહ નહીં આપે, કારણ કે સામાન્ય વ્યક્તિને ફિટ રહેવા માટે દિવસમાં ૫થી ૬ ટી-સ્પૂન ઑઇલ જરૂરી છે. એનું કારણ એ છે કે વિટામિન A, D અને E ફૅટ સોલ્યુબલ છે એટલે કે શરીરમાં ફૅટ હોય તો જ આ વિટામિન શોષાય. તમે કોઈ પણ ફૅટવાળો પદાર્થ ખાઓ એ મર્યાદામાં ખવાય તો જ શરીર સ્વસ્થ રહી શકે.’
પ્લાન્ટ આૅઇલના ફાયદા
પ્લાન્ટ ઑઇલમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ્સ શરીરના કોષોને રક્ષા કવચ આપે છે અને ઇન્ફ્લમેશન ઘટાડે છે. તેમ જ એમાં રહેલા મૉનોસૅચ્યુરેટેડ અને પૉલિઅનસૅચ્યુરેટેડ ફૅટ્સ ખરાબ કૉલેસ્ટરોલનું લેવલ ઘટાડે છે, જેથી હૃદયને લગતા રોગોનું જોખમ ટળે છે. તેમ જ પ્લાન્ટ ઑઇલ પાચનતંત્રને પણ મદદરૂપ બને છે.