આધુનિક સમયનું રસોડું ચૉપિંગ બોર્ડ વગરનું હોતું નથી. જો તમારા રસોડામાં લાકડાનું ફૅન્સી ચૉપિંગ બોર્ડ હોય તો ખાસ એની સ્વચ્છતાની કાળજી લેજો, નહીંતર તમારી હેલ્થને નુકસાન પણ થઈ શકે છે.
ચૉપિંગ બોર્ડ
કટિંગ બોર્ડ કે ચૉપિંગ બોર્ડના ઇતિહાસમાં નજર કરીએ તો કાંસ્યયુગ એટલે કે બ્રૉન્ઝ એજના સમયથી અસ્તિત્વમાં છે, પરંતુ પહેલાં સપાટ પથ્થરો અને જાડા લાકડાની સપાટી પર વસ્તુઓ કાપવામાં આવતી હતી. મુખ્યત્વે ઇજિપ્શિયન અને રોમન રસોડામાં ચીજો કાપવા માટે આવાં બોર્ડ જોવા મળતાં હતાં. સમય સાથે વિશ્વભરમાં એનો ઉપયોગ થવા લાગ્યો. મટીરિયલની વાત છે તો લાકડાનાં ચૉપિંગ બોર્ડ પહેલેથી જ અસ્તિત્વમાં હતાં, કારણ કે એ મટીરિયલ સરળતાથી મળી રહેતું અને ટકે એવું હતું. આધુનિક સમય સાથે પ્લાસ્ટિક મટીરિયલનો ઉપયોગ થવા લાગ્યો. વિજ્ઞાન અને સંશોધનોને કારણે હવે એ ચૉપિંગ બોર્ડથી હેલ્થને નુકસાન તો નથી થતુંને એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અત્યારે ચર્ચાનો વિષય છે લાકડાનાં ચૉપિંગ બોર્ડ હેલ્થને નુકસાન કરી શકે છે કે નહીં. મુદ્દામાં કેટલું તથ્ય છે એ જાણીએ નિષ્ણાત પાસેથી.
આપણી પાટલી પણ ચૉપિંગ બોર્ડ જેવી જ હોય છે
ADVERTISEMENT
૩૦ વર્ષનો અનુભવ ધરાવતાં રજિસ્ટર્ડ ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ બીના છેડા કહે છે, ‘લાકડાના ચૉપિંગ બોર્ડનો કન્સેપ્ટ તો હમણાં આવ્યો. આપણાં ઘરોમાં લાકડાની પાટલી તો વર્ષોથી વપરાય છે. એમાંય દાળઢોકળી બનાવવી હોય તો પાટલી પર જ વણીને કાપીને એનો ઉપયોગ કરવામાં આવે છે. લાકડાના અને પ્લાસ્ટિકના ચૉપિંગ બોર્ડના ઉપયોગમાં નરી આંખે ન દેખાય એવું જોખમ છે. જેમ કે માર્કેટમાં આકર્ષક દેખાતાં વાર્નિશ કરેલાં લાકડાનાં ચૉપિંગ બોર્ડ ઉપલબ્ધ છે. તો આ બોર્ડ પર કેમિકલનું કોટિંગ કરેલું હોય છે જે સમય સાથે ધીરે-ધીરે તમારી રસોઈમાં જાય છે. એ સિવાય લાકડું પાણી શોષે છે એટલે કે કોઈ પણ રસવાળા શાકભાજીનો રસ ચૉપિંગ બોર્ડમાં રહી જાય છે. જ્યારે તમે એને પાણીથી ધૂઓ અને એને યોગ્ય રીતે સૂકવો નહીં તો ભેજને કારણે એમાં માઇક્રોઑર્ગેનિઝમને ખીલવા માટે મોકળું મેદાન મળી રહે છે. નરી આંખે તમે ન જોઈ શકો એવા બૅક્ટેરિયા કે જીવનો વિકાસ થાય છે. એવી જ રીતે લોકોના ઘરમાં પ્લાસ્ટિકનું ચૉપિંગ બોર્ડ હોય છે. તો પ્લાસ્ટિકના ચૉપિંગ બોર્ડમાં માઇક્રોપ્લાસ્ટિક શરીરમાં જવાનો ભય રહે છે. આવા ઘટકો ખાવામાં જાય તો GI એટલે કે ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ડિસીઝ થઈ શકે છે. તમે હેલ્થનું ધ્યાન રાખતા હો અને અચાનક શરીરમાં અગવડભર્યું લાગે તો તમને ખ્યાલ પણ ન આવે કે આવું ચૉપિંગ બોર્ડને કારણે થયું હશે.’
કટિંગ બોર્ડ કોરું કરવું જરૂરી
ઘણાના ઘરમાં રસોડાના પ્લૅટફૉર્મ પર જ રોટલી બનતી હોય છે અને શાકભાજી કપાતાં હોય છે એટલે ચૉપિંગ બોર્ડનો પ્રશ્ન આવતો જ નથી. જૈનોના ઘરમાં તમે જોશો કે વાસણ ધોઈને તરત જ એને લૂછીને મૂકી દેવામાં આવે છે, કારણ કે પાણીમાં પણ જીવ છે એમ જણાવતાં બીના છેડા કહે છે, ‘એટલે લાકડાનું ચૉપિંગ બોર્ડ સારી રીતે ધોઈને તાપમાં સૂકવવાનું જેથી એમાં જીવાત થવાની શક્યતા નહીંવત્ થઈ જાય. મારા સર્કલમાં એક મિત્ર સ્ટીલનું ચૉપિંગ બોર્ડ પણ વાપરે છે. એમાં આમ તો કંઈ વાંધો નથી, પરંતુ ચપ્પુની ધાર બુઠ્ઠી થઈ જાય છે. તમને જો લાકડાનું જ ચૉપિંગ બોર્ડ જોઈએ તો બામ્બુ અથવા સાગના લાકડાનું ચૉપિંગ બોર્ડ પસંદ કરી શકો છો. એ સિવાય લોકોના ઘરમાં માર્બલનું ચૉપિંગ બોર્ડ હોય છે જે હું પર્સનલી વાપરવાની સલાહ નથી આપતી. જૈનિઝમમાં માર્બલનો ઉપયોગ મંદિરમાં થાય છે, કારણ કે મંદિરમાં એ મટીરિયલની એનર્જી જળવાઈ રહે છે. એને બદલે તમે માર્બોનાઇટ મટીરિયલનું ચૉપિંગ બોર્ડ વાપરી શકો છો. થોડું મોંઘું આવે પરંતુ માર્બલના ચૉપિંગ કરતાં એ વધારે સલાહભર્યું છે.’