Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારી હૅપીનેસનું સીક્રેટ છે આ ચાર હૉર્મોન્સમાં

તમારી હૅપીનેસનું સીક્રેટ છે આ ચાર હૉર્મોન્સમાં

Published : 14 April, 2025 03:42 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તમે ખુશ છો, મોટિવેટેડ છો, પ્રેમાળ છો કે સ્વસ્થતાનો અનુભવ કરી રહ્યા છો એ બધામાં તમારા શરીરમાં રહેલાં આ ખાસ કેમિકલ કઈ રીતે ભૂમિકા અદા કરે છે એ જાણીએ આજે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તમારી દરેક લાગણીનો પ્રતિભાવ તમારા શરીરમાં રહેલાં કેટલાંક ખાસ પ્રકારનાં કેમિકલના સ્રાવ થકી પડતો હોય છે. તમે ખુશ છો, મોટિવેટેડ છો, પ્રેમાળ છો કે સ્વસ્થતાનો અનુભવ કરી રહ્યા છો એ બધામાં તમારા શરીરમાં રહેલાં આ ખાસ કેમિકલ કઈ રીતે ભૂમિકા અદા કરે છે એ જાણીએ આજે


શું કામ ક્યારેક એવું બને કે આનંદિત રહેવાની બાબત આકાશને આંબવા જેટલી અઘરી લાગે? શું કામ ઘણી વાર કારણ વિના સ્ટ્રેસ ફીલ થાય કે કંઈ પણ કરવાનો ઉત્સાહ જ ન જાગે? શું કામ એવું બને કે કોઈ કામ ન હોય કે કોઈ પણ પ્રકારનો ભાર ન હોય છતાં મોડે સુધી ઊંઘ જ ન આવે? કદાચ એનું કારણ આપણી હૅપીનેસ સાથે સંકળાયેલાં હૉર્મોન્સના પ્રમાણમાં આવેલી ખેંચ હોઈ શકે. જેમ પેટ્રોલ વિના ગાડી ખોટકાય એમ આપણી ભાવનાત્મક દુનિયામાં પણ હૅપીનેસને જાળવી રાખવામાં હૉર્મોન્સ નામના મેસેન્જરનો બહુ મોટો રોલ હોય છે. આપણી બહારની દુનિયા જેમ મેસેજિંગ પર નિર્ભર થતી જાય છે એમ આપણી અંદરની દુનિયામાં પણ મેસેન્જરનો બહુ મોટો રોલ છે. બ્રેઇન અને બૉડી વચ્ચે સંદેશનું આદાનપ્રદાન કરવામાં, શરીરની વિવિધ ક્રિયાઓને ઍક્શન મોડમાં લાવવાનું કામ હૉર્મોન્સ થકી થાય છે. હૉર્મોન્સને ન્યુરોટ્રાન્સમીટર પણ કહેવાય. શરીરના આ કેમિકલ મેસેન્જર આપણા શરીરના બ્લડપ્રેશરથી લઈને બ્લડ-શુગરનું નિયમન કરવાનું કામ કરે છે. આપણો ગ્રોથ હૉર્મોનને આધારિત છે. આપણી ભૂખ હૉર્મોન પર નિર્ભર કરે છે. આપણું પાચન, રીપ્રોડક્શન, ઊંઘ અને શરીરનાં ઢગલાબંધ કામ આ હૉર્મોનની માત્રા પ્રમાણસર રહે એના પર નિર્ભર કરતી હોય છે. આજકાલ હૅપી હૉર્મોન્સ ખૂબ ચર્ચામાં છે. આપણી ખુશીઓનું, આપણા આત્મવિશ્વાસનું કારણ પણ હૉર્મોન્સ હોઈ શકે? જવાબ છે હા. આંતસ્રાવી ગ્રંથિઓ દ્વારા ઝરતાં મુખ્યત્વે ચાર પ્રકારનાં એવાં કેમિકલ્સ છે જેના થકી આપણા મૂડનો આધાર રહેલો છે. આજે જાણીએ આ હૅપી હૉર્મોન્સ કયાં છે, એના પ્રમાણને જાળવી રાખવા માટે શું કરવું જોઈએ અને એનું પ્રમાણ ઘટે તો કેવાં લક્ષણો જોવા મળે છે.       



એન્ડૉર્ફિન : ધ પેઇનકિલર


સ્ટ્રેસ અને પેઇનનો જાની દુશ્મન આ હૉર્મોનને મનાય છે. તમારા બ્રેઇન સુધી પેઇનનાં સિગ્નલ્સને પહોંચાડનારા સેન્સેશનને બ્લૉક કરીને તમને હેલ્ધી હોવાની લાગણી આ હૉર્મોન્સથી થાય છે. આમ તો પેઇન અને સ્ટ્રેસ વધે ત્યારે તમારું શરીર કુદરતી રીતે એન્ડૉર્ફિનનો સ્રાવ વધારે. બ્રેઇનમાં હાઇપોથેલમસ અને પિટ્યુટરી ગ્લેડ આ હૉર્મોન્સ બનાવે છે. મૉર્ફિન શબ્દ તમે સાંભળ્યો હશે જે પણ એક પ્રકારનું પેઇનકિલર છે. જ્યારે આ નૅચરલ, શરીર દ્વારા તૈયાર થયેલું પેઇનકિલર હોવાથી એને એન્ડૉર્ફિન કહેવાય. એન્ડૉર્ફિનના કુલ ૨૦ પ્રકાર છે.

ઘટે તો? : પીડા અને સ્ટ્રેસનું પ્રમાણ વધે.


વધારવું કઈ રીતે? : રનિંગ, સાઇક્લિંગ જેવી કાર્ડિયો એક્સરસાઇઝ કરો. ઍક્યુપંક્ચર થકી શરીરના અમુક પૉઇન્ટ્સ દ્વારા એન્ડૉર્ફિન હૉર્મોન્સનો સ્રાવ થાય છે. ડીપ બ્રીધિંગ, સેક્સ્યુઅલ ઍક્ટિવિટી, સંગીત, લાફ્ટર યોગ, અલ્ટ્રાવાયલેટ લાઇટ વગેરેનો ઉપયોગ એન્ડૉર્ફિનનું પ્રમાણ વધારે છે.

ઑક્સિટોસિન : ધ લવ હૉર્મોન

પ્રેમનું બીજું નામ ઑક્સિટોસિન એવું કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. આપણા જીવનને મીનિંગફુલ બનાવવાની લાગણી આ હૉર્મોનથી વિકસે છે. પારિવારિક, સામાજિક અને વ્યાવહારિક સંબંધોમાં આ હૉર્મોનનું સપ્રમાણ હોવું લાભકારી છે. વિશ્વાસ, સહાનુભૂતિ, હૂંફ, પ્રેમ જેવાં ઇમોશન આ હૉર્મોન સાથે સંકળાયેલાં છે. બૉન્ડિંગ, સિક્યૉરિટી, સેફ્ટી જેવાં હકારાત્મક ઇમોશન ઑક્સિટોસિનની દેન છે. બ્રેઇનના હાઇપોથેલમસ નામના ભાગમાં પેદા થતું આ હૉર્મોન પિટ્યુટરી નામની ગ્રંથ‌િથી રક્તવાહિનીમાં ભળે છે. માત્ર પૉ‌ઝિટિવિટી ફીલ કરાવવા પૂરતું જ નહીં પણ પ્રેગ્નન્ટ મહિલાઓને બાળકને નૅચરલ ડિલિવરી કરાવવામાં પણ આ હૉર્મોનનો મહત્ત્વનો રોલ છે. બાળકને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે આ મહત્ત્વનું હૉર્મોન મનાય છે. જ્યારે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ ત્યારે આપણું શરીર ઑક્સિટોસિન હૉર્મોન નૅચરલી બનાવે છે. માનસિક રીતે રિલૅક્સેશન આપીને સ્ટેબલ કરે અને પરસ્પર વિશ્વાસ જગાવે એ એની ખૂબી છે.

ઘટે તો? : ગુસ્સો, ઇનસિક્યૉરિટી, નફરત અને હૉપલેસનેસ જેવાં ડિપ્રેશનનાં લક્ષણ વધે. નૅચરલ ડિલિવરીની પ્રોસેસ લંબાઈ જાય. સ્તનપાન કરાવતી મહિલાઓને દૂધ ન આવે.

વધારવું કઈ રીતે? : વધારશો? પ્રેમ અને પ્રેમને વધારવામાં મદદરૂપ થતા અધ્યાત્મથી ઑક્સિટોસિનના પ્રમાણને વધારી શકાય. સંગીત, એક્સરસાઇઝ, સામાજિક સ્તરે લોકો સાથેના સારા સંબંધ પણ ઑક્સિટોસિનનો સ્રાવ વધારી શકે. મસાજ, કોઈકને ભેટવું, પ્રેમચેષ્ટા વગેરે પણ ઑક્સિટોસિન વધારે.

સેરેટોનિન : ધ મૂડ સ્ટૅબિલાઇઝર

મનમાં શાંતિપૂર્ણ વાતાવરણ માટે આ મહત્ત્વનું હૉર્મોન છે. તમારા વિશ્વને આનંદમય બનાવવાનું, તમારા દૃષ્ટિકોણને હૅપીનેસ સાથે જોડવાનું કામ આ હૅપી હૉર્મોન કરે છે. આ હૉર્મોનનું પ્રમાણ સંતુલિત હોય ત્યારે તમને દુનિયામાં પણ પૉઝિટિવ સંતુલન દેખાશે. ગુણદ્રષ્ટા બનાવવાની તાકાત આ હૉર્મોનમાં છે. બ્રેઇન સ્ટેમના સેન્ટર ભાગ દ્વારા સેરોટોનિન નામનું હૉર્મોન બનતું હોય છે જેનો પ્રભાવ આપણી યાદશક્તિ પર પડે. ડર, વ્યસન, ઊંઘ, શ્વસન, શરીરનું ટેમ્પરેચર, પાચન, સ્ટ્રેસ રિસ્પૉન્સ વગેરે આ હૉર્મોન સાથે સંકળાયેલી બાબત છે.

ઘટે તો? : ડિપ્રેશનની સમસ્યા આવી શકે અને એને નિવારવા માટે વપરાતી ઍન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓમાં પણ સેરોટોનિનનાં સપ્લિમેન્ટ્સ હોય છે.

વધારવું કઈ રીતે? : કસરત કરો, સાઇકલ ચલાવો, આઉટડોર રમત રમો. જેમાં શરીરને શ્રમ પડે એવી પ્રવૃત્તિથી સેરોટોનિન નામનાં હૉર્મોન્સનો સ્રાવ વધારશે. એ સિવાય સૂર્યપ્રકાશમાં રહેવાથી અથવા તો અજવાળામાં રહેવાથી સેરોટોનિન વધે. સૂર્યપ્રકાશ અથવા અજવાશ આ હૉર્મોનના સ્રાવ માટે મહત્ત્વનો છે એટલે જ જ્યારે તડકો ન હોય એવી શિયાળા અને ચોમાસાની ઋતુમાં સેરોટોનિનનું પ્રમાણ ઘટતું હોય છે.

ડોપમાઇન : ધ રિવૉર્ડ કેમિકલ

રિવૉર્ડિંગ કેમિકલ તરીકે ઓળખાતાં આ હૉર્મોન વ્યક્તિમાં સેન્સ ઑફ અચીવમેન્ટ જગાડે છે. કંઈક અચીવ કરવાની ફીલિંગ સાથે આ હૉર્મોનના સ્રાવ વધે. બેસેલાને ઉઠાડીને દોડાવવાનું કામ આ ડોપમાઇન નામનું હૉર્મોન કરી શકે એમ છે. આને હૉર્મોન ઑફ મોટિવેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. કુછ પાને કા નશા એ આ હૉર્મોનની ખાસિયત છે અને નબળાઈ પણ. કારણ કે એક વાર ડોપમાઇનની જો આદત પડી જાય એ પછી નશામાં કન્વર્ટ થઈ શકે અને વારંવાર એનો સ્રાવ વધારવાના કૃત્રિમ પ્રયાસ પણ વ્યક્તિ કરવા માંડે. ડ્રગ્સ દ્વારા મળતો નશો અને પછી એની ટેવ એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જોકે લર્નિંગ એબિલિટીમાં એકાગ્રતા, મૂડ, મૂવમેન્ટ, હાર્ટ-રેટ, કિડની-ફંક્શન, રકતવાહિનીઓની કાર્યક્ષમતા અને ઊંઘ જેવી ઘણી પ્રક્રિયા છે જેમાં ડોપમાઇન સંકળાયેલું છે.

ઘટે તો? : શરીરની મૂવમેન્ટ ખોરંભે ચડે, પાર્કિન્સન જેવી બીમારી શરૂ થાય, ડિપ્રેશનમાં સેરોટોનિનની જેમ ડોપમાઇન પણ અમુક અંશે જવાબદાર હોય છે.

વધારવું કઈ રીતે? :  ડોપમાઇન એ ટાયરોસાઇન નામના ખોરાકમાંથી મળતા અમીનો ઍસિડમાંથી બને છે એટલે એવો આહાર લેવાથી લાભ થઈ શકે. દૂધ, ચીઝ, દહીં, કેળાં, પમ્પકિન સીડ, તલ વગેરેમાંથી ટાયરોસાઇન મળે છે. મેડિટેશનથી પણ ડોપમાઇન રિલીઝ થયાનું કેટલાક અભ્યાસમાં સાબિત થયું છે એટલે મેડિટેશન અન્ય હૅપી હૉર્મોન્સની જેમ આ હૉર્મોન જનરેશનમાં પણ તમારી મદદ કરશે.  

કેવી રીતે હૉર્મોન્સને બૅલૅન્સ્ડ રાખશો?

ડૉ. દીપક દલાલ, હૉર્મોન્સ નિષ્ણાત

આપણી હૅપીનેસ, મૂડ અને આત્મવિશ્વાસ સાથે ડાયરેક્ટ લેણદેણ ધરાવતાં હૉર્મોન્સમાં લાંબા ગાળા સુધી સંતુલન જળવાય એ માટેનો શ્રેષ્ઠ રસ્તો શું છે એ વિશે વાત કરતાં ૪૦ વર્ષના અનુભવી એન્ડોક્રિનોલૉજિસ્ટ (હૉર્મોન્સ નિષ્ણાત) ડૉ. દીપક દલાલ કહે છે, ‘આપણા શરીરમાં ચારે બાજુ અંતસ્રાવી ગ્રંથ‌િઓ દ્વારા કેટલાંક કેમિકલ્સનો સ્રાવ થાય છે જે આપણા બ્લડમાં ભળે છે. ઘણા લોકો એવું કહે છે કે હૉર્મોન્સથી હૅપીનેસ આવે છે જે કૉન્સેપ્ટ ખોટો છે. તમારી ફીલિંગ્સથી તમારા શરીરનાં હૉર્મોન્સનો સ્રાવ થાય છે. તમારું માઇન્ડ જેવું હશે એવાં હૉર્મોન્સ ભળશે. તમારા મૂડની અસર હૉર્મોન્સ પર પડે. મરઘી પહેલાં કે ઈંડું પહેલાં જેવો ન્યાય અહીં નથી. ફીલિંગ્સને કારણે હૉર્મોન જનરેટ થાય કે હૉર્મોન્સને કારણે ફીલિંગ જનરેટ થાય એવો પ્રશ્ન જ નથી. ફીલિંગ્સ તમારા હૉર્મોનલ તંત્રને મૅનેજ કરે છે. નકારાત્મક લાગણી તમારાં હૉર્મોન્સના સંતુલનને ટ્રિગર કરશે. અત્યારે હૅપી હૉર્મોન્સને સંતુલનમાં રાખવા માટે બહારથી એનાં સપ્લિમેન્ટ્સ લો એ ઉચિત નથી. તમારે હૉર્મોન્સમાં સંતુલન જોઈતું હોય તો તમારી લાઇફસ્ટાઇલમાં હાર્મની લાવો. ચાર ટાઇમ પોષણયુક્ત આહાર, રાતે ૧૦થી સવારે ૪ સુધીની ઊંઘ, અડધો કલાક કસરત અને ૨૦ મિનિટનું મેડિટેશન જો નિયમિત કરો તો બીજા એકેય પ્રયાસ વિના તમારી લાઇફસ્ટાઇલમાં આવેલી હાર્મની તમારા હૉર્મોન્સને પણ સં‌તુલિત કરવાનું કામ કરશે. છેલ્લાં ૪૦ વર્ષના અનુભવ પરથી કહું છું કે લોકોની જીવનશૈલીમાં ધીમે-ધીમે ખૂબ બદલાવ આવ્યા. ડિજિટલ વિશ્વમાં લોકો કેદ થતા ગયા અને હૉર્મોન્સના અસંતુલનની સમસ્યા ઊભી થઈ. લોકોના બગડેલા મૂડને સુધારવા ડાર્ક ચૉકલેટ ખાવાનું કહેનારાઓ એ ભૂલી ગયા કે એ જ ડાર્ક ચૉકલેટમાં રહેલી દુનિયાભરની શુગર અને ફૅટથી શરીરને નુકસાન થાય છે એ વિશે કોઈ નહીં બોલે. હું ફરી-ફરીને એ જ કહીશ કે નિયમિત ઊંઘ, પૌષ્ટિક અને સંતુલિત આહાર, કસરત અને મેડિટેશન એ ચાર વસ્તુ તમારા જીવનનો હિસ્સો હશે તો તમારે એકેય હૉર્મોનલ ટ્રીટમેન્ટની જરૂર નહીં પડે. હૉર્મોન્સની દવા સારી છે કે ખરાબ એનો પ્રશ્ન નથી. ઇમર્જન્સીના સમયમાં હૅપી હૉર્મોન્સની દવાઓ સીડીનું કામ કરે, પરંતુ સીડીની જરૂર આગ લાગે ત્યારે પડે, સામાન્ય સમયમાં તો દાદરા ચડી-ઊતરીને જ જવાનું હોય. અહીં દાદરા એટલે સંતુલિત લાઇફસ્ટાઇલ છે એ વાત આપણે ભૂલવી ન જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2025 03:42 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK