રોજ થોડોક યોનિસ્રાવ થાય એ વજાઇનાની સફાઈનું કામ કરે છે; પણ જ્યારે એ સ્રાવની માત્રા વધી જાય, ગંધ આવવા માંડે, ફોદા-પનીર જેવા ચન્ક્સ પડે તો એ કોઈક ઇન્ફેક્શન હોવાનું સૂચવે છે. એનું સમયસર નિદાન અને સારવાર કરી લો તો ગંભીર બીમારી નિવારી શકાય છે
પ્રતીકાત્મક તસવીર
મહિલાઓનું આરોગ્ય ખૂબ મહત્ત્વનું છે, પણ મોટા ભાગે મહિલાઓ પાસે પ્રજનનના આરોગ્ય વિશે પૂરતી જાણકારી નથી હોતી. યોનિસ્રાવ અર્થાત્ વજાઇનલ ડિસ્ચાર્જ મહિલાના શરીરનું એક સ્વાભાવિક કાર્ય છે, જે સ્વચ્છતા અને સંક્રમણ સામે રક્ષણમાં મદદ કરે છે. જોકે વધુ પ્રમાણમાં આવો ડિસ્ચાર્જ થતો હોય અથવા એનાં રંગ, ગંધ અથવા માત્રામાં ફેરફાર આરોગ્ય-સંબંધિત ગંભીર સમસ્યાઓની આગાહી પણ દર્શાવી શકે છે. આ લેખમાં વજાઇનલ ડિસ્ચાર્જનાં કારણો, એની સ્વાસ્થ્ય પર અસરો અને યોનિની સ્વચ્છતા જાળવવા માટેના સરળ ઉપાયો વિશે વાત કરીશું જેથી મહિલાઓ પોતાના આરોગ્યની યોગ્ય કાળજી લઈ શકે.
યોનિસ્રાવ શું છે?
ADVERTISEMENT
યોનિસ્રાવ યોનિ અને ગર્ભાશયની ગ્રંથિઓ દ્વારા સ્ત્રવતું પ્રાકૃતિક પ્રવાહી છે. એ યોનિને સ્વચ્છ અને ચેપમુક્ત રાખવામાં સહાય કરે છે. માસિક ચક્ર દરમિયાન તેમ જ વ્યક્તિગત તફાવતના આધારે સ્રાવનું પ્રમાણ, રંગ અને સ્થિરતા બદલાઈ શકે છે. સરેરાશ મહિલાઓ દરરોજ લગભગ એકથી ૪ મિલીલીટર યોનિસ્રાવ ઉત્પન્ન કરે છે.
તબીબી ભાષામાં લ્યુકોરિયા કહેવાય
સિનિયર નાડીવૈદ્ય ડૉ. દીપાલી શાસ્ત્રી કહે છે, ‘આજના જમાનાની વાત કરીએ તો ૧૫-૧૬ વર્ષની કુમારિકાથી લઈને ૫૦ વર્ષની મહિલા સુધી સૌને સતાવતી સામાન્ય સમસ્યા એટલે વજાઇનલ ડિસ્ચાર્જ. આ સમસ્યાને તબીબી ભાષામાં લ્યુકોરિયા કહેવાય છે. આયુર્વેદમાં આ સમસ્યાને પ્રદર કહેવાય છે. આ પ્રદરના બે પ્રકાર હોય છે, રક્તપ્રદર અને શ્વેતપ્રદર. વજાઇનલ ડિસ્ચાર્જને કારણે ઘણી સ્ત્રીઓને કમરનો દુખાવો રહે છે, શરીરમાં ખૂબ જ વીકનેસ અનુભવાય, યોનિમાં અસહ્ય ખંજવાળનો અનુભવ થાય, યોનિમાં સોજો આવવો કે દુખાવો થવો જેવા અનુભવો થતા હોય છે.’
આંકડાઓ અનુસાર બૅક્ટેરિયલ વજાઇનોસિસથી પીડિત ૫૦-૭૦ ટકા મહિલાઓ યોનિમાં તીવ્ર દુર્ગંધ અનુભવે છે. વજાઇનલ ડિસ્ચાર્જને કારણે મહિલાઓ પેલ્વિક ઇન્ફ્લૅમેટરી ડિસીઝ (PID)નો ભોગ બની શકે છે. આ તકલીફને કારણે મહિલાની ગર્ભાધાનની ક્ષમતા ઘટે છે. દરરોજ અનેક મહિલાઓ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનથી સંક્રમિત થાય છે.
મુખ્ય કારણો કયાં?
આ ડિસ્ચાર્જનાં કારણો વિશે વાત કરતાં ડૉ. દીપાલી શાસ્ત્રી કહે છે, ‘આયુર્વેદની વાત કરીએ તો આ સમસ્યાનું સૌથી મુખ્ય કારણ છે જન્ક ફૂડ અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલ. તીખું તમતમતું અને તળેલું, પૅકેજ્ડ ફૂડ, વધુપડતો મીઠો ખોરાક લેવાથી શરીરમાં વાત, પિત્ત ને કફનું બૅલૅન્સ ખોરવાય છે. સ્ટ્રેસ, ગુસ્સાવાળો સ્વભાવ, બેઠાડુ જીવન, પર્સનલ હાઇજીન મેઇન્ટેન ન થવાને કારણે, રાત્રે મોડે સુધી જાગવાને કારણે પણ આ તકલીફ થાય છે. આ સમસ્યાનું બીજું કારણ છે ઇન્ફેક્શન.’
કરો નહીં ઇગ્નૉર
વજાઇનલ ડિસ્ચાર્જ જુદા-જુદા પ્રકારના હોય છે એમ જણાવતાં ડૉ. દીપાલી શાસ્ત્રી કહે છે, ‘અમે જ્યારે પેશન્ટ સાથે વાત કરીએ છીએ ત્યારે અમને ખબર પડે છે કે કેટલાકને પાણી જેવો થાય તો કેટલાકને ભૂરા, પીળા, લાલ કે ગ્રીન કલરના ડિસ્ચાર્જ થતા હોય છે. ઘણા લોકોને મિલ્કી વાઇટ તો ઘણા લોકોને દહીં જેવા કે પનીર જેવા ડિસ્ચાર્જ થાય છે. એટલે આ સમસ્યા ઇગ્નૉર ન કરવી જોઈએ. ફૅમિલી-પ્લાનિંગ માટે લેવાતી ગોળીઓ, કૉન્ડોમનો ઓવરયુઝ અથવા તો કૉન્ડોમની ઍલર્જી, પરફ્યુમ ધરાવતી પ્રોડક્ટ્સની ઍલર્જી, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને કારણે પણ સ્ત્રીઓમાં આ સમસ્યા જોવા મળે છે.’
ઘણી વાર આ સર્વાઇકલ કૅન્સરની શરૂઆતનાં લક્ષણો હોઈ શકે, કે પછી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બીમારી હોઈ શકે.
ઍલોપૅથિક ડૉક્ટર શું કહે છે?
આ સંદર્ભે માહિતી આપતાં બોરીવલી-વેસ્ટસ્થિત નલિની મૅટરનિટી ક્લિનિકના ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘વજાઇનલ ડિસ્ચાર્જનું સૌથી કૉમન કારણ છે ઇન્ફેક્શન. આ ઇન્ફેક્શનના પણ બે પ્રકાર હોય છે, એક કૅન્ડિડા જે એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે અને બીજું એનેરોબિક ઇન્ફેક્શન. મોટા ભાગે આ ઇન્ફેક્શનનો ચેપ હસબન્ડ દ્વારા રિલેશનશિપ દરમિયાન લાગે છે. આવા કેસમાં અમે મહિલાને ઓરલ મેડિસિન અથવા વજાઇનલ પૅસેજમાં અંદર રાખવાની ગોળી આપીએ છીએ. જો એકથી વધુ વાર આ સમસ્યાનો મહિલા ભોગ બને તો અમે તેમના હસબન્ડને પણ ચેકઅપ માટે બોલાવીએ છીએ અને તેમની પણ ટ્રીટમેન્ટ કરીએ છીએ. ડાયાબિટીઝની મહિલા દરદીઓમાં પણ આ તકલીફ સામાન્યપણે જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં ગર્ભાશયની થેલીના મોઢામાં ચાંદાં પડે છે અને એ કારણે મહિલાઓને વજાઇનલ ડિસ્ચાર્જ થતો હોય છે. આવા કિસ્સાઓમાં અમે કૉટરાઇઝેશનની ટ્રીટમેન્ટ આપીએ છીએ જેમાં હીટ કે કેમિકલ વડે ખરાબ ટિશ્યુઓને બાળવામાં આવે છે. જેમને આ ચાંદાંની સમસ્યા થઈ હોય તેમને અમે કૅન્સર છે કે નહીં એ જોવા માટે પૅપ સ્મીઅર ટેસ્ટ કરાવીએ છીએ જે બહુ જ મહત્ત્વની છે. જો રિઝલ્ટ પૉઝિટિવ આવે તો કૅન્સરની ટ્રીટમેન્ટ શરૂ કરીએ છીએ. ઘણી વખત સર્વાઇકલ કૅન્સરના દરદીઓ, જેમને ખ્યાલ નથી હોતો કે તેમને કૅન્સર છે તેઓ પણ આ સમસ્યા લઈને અમારી પાસે આવે છે. જોકે આવા કિસ્સાઓ ખૂબ જ ઓછા બને છે. એક બીજી પણ મહત્ત્વની વાત કે એ વખતે મહિલાઓ પ્રેગ્નન્સી અવૉઇડ કરવા માટે કૉપર-ટી બેસાડે છે. આ કૉપર-ટીમાં પણ ઘણી વખત ઇન્ફેક્શન લાગે છે, જેના કારણે વજાઇનલ ડિસ્ચાર્જ થતો હોય છે.’
જો અસામાન્ય યોનિસ્રાવ થાય તો શું કરવું?
પરીક્ષણ કરો : સ્રાવનો રંગ, સુગંધ અને માત્રા નોટ કરો.
હાઇજીન જાળવો : ચેપની સંભાવના ઘટાડવા માટે એ ભાગને કોરો અને સ્વચ્છ રાખો. દરેક વખતે યુરિન પાસ કરો એ પછી સાદા પાણીથી એ ભાગ ધોઈને ટિશ્યુથી થપથપાવીને કોરો કરવો. ટિશ્યુ હંમેશાં વજાઇનાથી નીચેની તરફ ફેરવવું.
ડૉક્ટરની સલાહ લો : અસાધારણ ગંધ, ચેપ અથવા દુખાવાની સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરની મુલાકાત લો.
પરીક્ષણ કરાવો : લક્ષણો ગંભીર જણાય તો ચેપના નિદાન માટે લૅબ પરીક્ષણ જરૂરી હોઈ શકે.
ઉપાયો શું?
સ્વચ્છતા જાળવો : યોનિવિસ્તારને હળવા, સુગંધ વગરના સાબુ અને પાણીથી ધોવો. ત્રિફળાના આયુર્વેદિક મિશ્રણ અને ગુલાબજળનો વજાઇના સાફ કરવા ઉપયોગ કરવો.
સંતુલિત આહાર લો : સાત્ત્વિક અને સંતુલિત આહાર લેવો અનિવાર્ય છે. પ્રોબાયોટિક (દહીં)નું સેવન કરો.
યોગ અને પ્રાણાયામ કરો જેથી સ્ટ્રેસ ઓછું થશે.
સલામત જાતીય જીવન : સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝથી બચવા માટે કૉન્ડોમનો ઉપયોગ કરો.
ડૂશિંગ ટાળો : ક્લેન્ઝિંગ સોલ્યુશન દ્વારા વારંવાર વજાઇનાને સાફ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે એ યોનિમાં રહેલા પ્રાકૃતિક બૅક્ટેરિયાને નુકસાન પહોંચાડે છે.
સામાન્ય યોનિસ્રાવ સ્ત્રીઓની પ્રજનન-સ્વસ્થતા માટે જરૂરી છે; પરંતુ જો એમાં અચાનક બદલાવ આવે, દુર્ગંધ હોય અથવા ચેપની શંકા થાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ. સ્વચ્છતા જાળવી, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી તબીબી તપાસ દ્વારા મહિલાઓ પોતાનું યોનિ આરોગ્ય સુધારી શકે.
પ્રોબાયોટિક્સનું મહત્ત્વ
પ્રોબાયોટિક્સ અર્થાત્ લાભદાયી બૅક્ટેરિયા યોનિમાં રહેલા જીવાણુઓના કુદરતી સંતુલનને પુનઃસ્થાપિત કરીને બૅક્ટેરિયલ વજાઇનોસિસ અને કેન્ડિડા અર્થાત્ ફંગલ/યીસ્ટ જેવાં યોનિ-સંક્રમણો સંભાળવામાં મદદ કરે છે. દહીં, કૅફિર અને આથેલાં શાકભાજી યોનિનું આરોગ્ય સુધારવામાં સહાય કરે છે.

