પણ શું એ ખરેખર સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે? રેડીમેડ ફ્રોઝન ફૂડની જેમ હવે ખમણેલા ફ્રોઝન ફૂડનું ચલણ વધી રહ્યું છે. પશ્ચિમના દેશમાંથી આવેલો આ ટ્રેન્ડ કદાચ કિચનમાં કામ કરવાની સરળતા વધારી શકશે, પણ આરોગ્યની દૃષ્ટિએ કેટલો વાજબી છે એ જાણી લેવું જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર નિતનવા ટ્રેન્ડ આવતા-જતા હોય છે પણ અમુક ટ્રેન્ડ એટલા યુનિક હોય છે કે વાત કર્યા વગર રહેવાતું નથી. એમાંનો જ એક ગ્રેટેડ ફ્રોઝન ફૂડનો ટ્રેન્ડ છે. જી હા, ફ્રોઝન ફૂડ તો સૌ કોઈ જાણે છે, પણ હવે ખમણેલી શાકભાજીને ફ્રીઝ કરવામાં આવે છે. આ ટ્રેન્ડના જન્મદાતા છે જાણીતા તાઇવાની-અમેરિકન ફૂડ-રાઇટર અને ફોટોગ્રાફર ફ્રેન્કી ગો. ગ્રેટેડ ફ્રોઝન ફૂડનો કન્સેપ્ટ આખી દુનિયામાં પૉપ્યુલર થઈ રહ્યો છે ત્યારે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આપણા માટે કેટલું હેલ્ધી છે એ વિશે એક્સપર્ટનાં મંતવ્યો જાણીએ.
ટ્રેન્ડ વિશે થોડું જાણીએ
ADVERTISEMENT
ગ્રેટેડ ફ્રોઝન ફૂડના ટ્રેન્ડ વિશે મુલુંડમાં રહેતાં ડાયટિશ્યન ચાર્મી એચ. ગાલા જણાવે છે, ‘ગ્રેટેડ ફ્રોઝન ફૂડ થોડો નવો કન્સેપ્ટ છે. એમાં શાકભાજી અને ફ્રૂટને ખમણીને ફ્રીઝ કરવામાં આવે છે. આજકાલ ટમેટાં, ગાજર, સ્ટ્રૉબેરી, ચીકુ અને સફરજનને ગ્રેટ કરીને ફ્રીઝ કરવામાં આવે છે. જો કોઈને ક્વિક ડિઝર્ટ કે ડિશ બનાવવી હોય તો તેઓ સમયનો વેડફાટ કર્યા વિના તાત્કાલિક વપરાશમાં લઈ શકે છે અને એનું સેવન કરી શકે છે. ગ્રેટેડ ફ્રોઝન ફૂડનો ફાયદો એ છે કે જ્યારે તમારી પાસે સમયનો અભાવ હોય ત્યારે રેડી-ટુ-ઈટ વાનગી બનાવવા માટે એ ઉપયોગી થાય છે. ગ્રેટેડ ફ્રોઝન ફૂડનો ટ્રેન્ડ વિદેશમાં પૉપ્યુલર થઈ રહ્યો છે. હવે વર્કિંગ ક્રાઉડ વધી રહ્યું છે. ખાસ કરીને નોકરિયાત મહિલાઓ પાસે સમયનો અભાવ રહેતો હોય છે એટલે તેઓ શૉર્ટકટ રસ્તાઓ શોધતી હોય છે. એ લોકો માટે ગ્રેટેડ ફ્રોઝન ફૂડ સારો વિકલ્પ છે. ઘરે પણ ફળો અને શાકભાજીને આ રીતે સ્ટોર કરીને વાપરી શકાય છે. જોકે ગ્રેટેડ ફ્રોઝન ફૂડ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ચાલી શકે એવો કન્સેપ્ટ છે, કારણ કે ત્યાંની લાઇફસ્ટાઇલ એવી છે. ત્યાંની અને આપણી લાઇફસ્ટાઇલ અલગ છે તેથી આપણે ટ્રેન્ડનું આંધળું અનુસરણ ન કરવું જોઈએ. ભારતમાં આવા પ્રકારના ટ્રેન્ડ ટકી શકે નહીં, કારણ કે ખાણીપીણીના મામલે આપણે લોકો બહુ ચોક્કસ છીએ. ફ્રેશ અને ગરમાગરમ વાનગીઓ ખાવાના આગ્રહી છીએ તો ભારતીય રસોડામાં આ ટ્રેન્ડ વધુ નહીં ચાલે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.’
શરીર માટે કેટલું સ્વાસ્થ્યવર્ધક?
જ્યાં આપણી સંસ્કૃતિમાં તાજાં ફળો હોય કે સૅલડ, એને સમારીને ફ્રેશ જ ખાવાની પ્રથા છે અને એ જ વધુ ગુણકારી છે એવું સાબિત થઈ ચૂક્યું છે ત્યાં ફળોને ગ્રેટ કરીને ફ્રીઝરમાં મૂકી રાખવાની વાત કેટલી વાજબી હશે? ૧૭ વર્ષનો અનુભવ ધરાવતાં અને હિન્દુજા હૉસ્પિટલ સાથે કામ કરી ચૂકેલાં ડાયટિશ્યન ચાર્મી ગ્રેટેડ ફ્રોઝન ફૂડની હિમાયત નથી કરતાં. એનાં કારણો વિશે તેઓ કહે છે, ‘એનું મુખ્ય કારણ છે ગુણવત્તા. જ્યારે શાકભાજી અને ફ્રૂટને ખમણીને ફ્રીઝ કરવામાં આવે છે ત્યારે એમાં રહેલાં ન્યુટ્રિશન ઓછાં થઈ જાય છે. ઘણી શાકભાજી અને ફળોમાં મૉઇશ્ચર હોય છે અને એને ખમણવામાં આવે તો એનો રસ નીકળી જાય છે અને એની ન્યુટ્રિશન વૅલ્યુ ઘટી જાય છે. કેરી, કેળાં, ચીકુ અને સફરજન જેવાં પલ્પવાળાં ફ્રૂટને ગ્રેટ કરીને ડીપફ્રીઝ કરી શકાય છે. શાકભાજીની વાત કરું તો ગાજર, લીલી ચોળી, બીટ, બેલપેપરને ખમણીને ફ્રીઝ કરી એને વપરાશમાં લઈ શકાય છે. ડાયટમાં જન્ક ફૂડ અને ફ્રોઝન ફૂડને પ્રાધાન્ય આપવામાં આવતું નથી અને ભારતમાં આજેય લોકો પાસે સમય હોય કે ન હોય, તેઓ ગરમાગરમ રાંધીને ખાવાનું પસંદ કરે છે. આપણી હેલ્થ કૉન્શ્યસ જનરેશન્સને ખબર પડે છે કે સ્વાસ્થ્ય માટે શું હાનિકારક છે અને શું ફાયદાકારક.
શેલ્ફ-લાઇફ કેટલી?
સમારતાંની સાથે કેટલાંક ફળો અને શાકભાજી તો કાળાં પડી જતાં હોય છે એવામાં ગ્રેટેડ ફ્રોઝન ફૂડની શેલ્ફ-લાઇફ કેટલી હોઈ શકે? દરેક ફળ અને શાકભાજીની શેલ્ફ-લાઇફ જુદી હોય એ વિશે ચાર્મી કહે છે, ‘નાની ક્વૉન્ટિટીમાં ખમણીને ફ્રોઝન કરવામાં આવતા ફૂડની ગુણવત્તા આંશિક રીતે જળવાઈ રહે છે, પણ દરેક ફળ અને શાકભાજીની ન્યુટ્રિશન વૅલ્યુ અલગ-અલગ હોય છે. જેટલું ઝીણું સમારીએ એટલી જ એની શેલ્ફ-લાઇફ ઓછી થઈ જાય. બાકી મોટા પાયે જો એને ગ્રેટ કરીને સ્ટોર કરવામાં આવે તો પહેલાં તો એમાં રહેલા ૫૦ ટકા જેટલા ગુણો નાશ પામે છે અને જો સમયસર એનો ઉપયોગ કરવામાં ન આવે તો એ બગડી જાય છે.’
જો ફળોના મોટા કટકા કરીને ફ્રીઝ કરો છો તો એની શેલ્ફ-લાઇફ ખમણેલાં ફળો કરતાં વધુ હશે. શાકભાજી કે ફળોમાં વિટામિન્સ અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે જે શરીરને પોષણ આપે છે. જ્યારે એને ખમણવામાં આવે છે ત્યારે એ ઓછાં થઈ જાય છે અને શરીરને એનો પૂરતો ફાયદો નથી મળતો. પણ આદું-મરચાંને પણ ગ્રેટ કરીને સ્ટોર કરવામાં આવે છે. એની શેલ્ફ-લાઇફ વધુ હોય છે તો જો કોઈ વાનગીના વઘાર માટે અથવા ચટણી બનાવા માટે આ ફ્રીઝ કરેલાં ખમણેલા આદું-મરચાં વાપરવામાં આવે તો એમાં કોઈ પ્રૉબ્લેમ નથી.
આપણા ગુજરાતીઓના રસોડામાં બટાટા, ટમેટાં, દૂધી, તૂરિયાં અને કારેલાં વધુ જોવા મળે છે. આવાં શાક કે પછી પાંદડાંવાળી ભાજીને ગ્રેટ કરીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરવાં શક્ય નથી. આપણે જે શાકભાજી ખાઈએ છીએ અને પશ્ચિમી દેશો જે ખોરાક ખાય છે એમાં આકાશ-પાતાળ જેટલો ફરક છે. તેઓ બ્રૉકલી, બેલપેપર્સ, પાલક અને મકાઈ વધુ ખાય છે ત્યારે આપણે તમામ શાકભાજી અને ફળો ઋતુ પ્રમાણે આરોગીએ છીએ. બહુ જ મર્યાદિત ફળો અને શાકભાજીને ખમણીને એને સ્ટોર કરી શકાય છે. કાંદા અને લસણ માટે તો આવું કરવું બિલકુલ જ શક્ય નથી. હાલમાં તો તરબૂચ અને ટમેટાં ખમણીને ફ્રીઝ કરવાનું ચલણ હોવાનું પણ જાણવા મળ્યું છે. તો સામાન્યપણે આપણે ટમેટાં સમારીએ તો એમાં રહેલો રસ નીકળી જતો હોય છે અને એમાં રહેલા ગુણો આંશિક રીતે ઓછા થઈ જતા હોય છે. જો સમારતી વખતે આવું થાય તો ખમણવામાં તો બધાં જ ન્યુટ્રિશન નાશ પામે છે. તરબૂચમાં તો પાણીનું પ્રમાણ વધુ હોય છે તો એને પણ ખમણતી વખતે આવું જ થશે. જે શાકભાજી કે ફળમાં મૉઇશ્ચર હોય એની શેલ્ફ-લાઇફ પહેલેથી જ ઓછી હોય છે. એમાંય વળી ખમણીને ફ્રીઝ કરવામાં આવે તો હજી ઓછી થઈ જાય છે.’
ફળ-શાકભાજીને ખમણીને એને ફ્રીઝ કરવા કરતાં એને ફ્રેશ સમારીને ઉપયોગમાં લેવાં જોઈએ. જો ટાઇમ જ પ્રૉબ્લેમ હોય તો માર્કેટમાં સારી ગુણવત્તાનાં ચૉપર કે કટર જેવાં સાધનો મળે છે. એ બજેટ-ફ્રેન્ડ્લીની સાથે-સાથે ટાઇમ-સેવિંગ પણ છે.
કોઈ ખાઈ શકે?
ફ્રોઝન ફૂડની માર્કેટમાં ગ્રેટેડ ફ્રોઝન ફૂડનો કન્સેપ્ટ પૉપ્યુલર થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના ફૂડને કોણ ખાઈ શકે એ વિશે વાત કરતાં ચાર્મી જણાવે છે, ‘સામાન્યપણે ગ્રેટેડ ફ્રોઝન ફૂડ નાનાં બાળકો અને વરિષ્ઠ નાગરિકોથી દૂર રાખવું જોઈએ. આ ઉપરાંત જેને ડાયાબિટીઝ, થાઇરૉઇડ કે અન્ય ગંભીર બીમારી હોય તેવા લોકોએ પણ ગ્રેટેડ ફ્રોઝન ફૂડથી અંતર જાળવી રાખવું જોઈએ. જિમ જતા લોકોની ડાયટ પૂર્ણપણે હેલ્ધી હોય છે તો તેમના રૂટીનમાં ફ્રોઝન ફૂડ માટે કોઈ જગ્યા નથી. નોકરિયાત લોકો અને વિદ્યાર્થીઓ ગ્રેટેડ ફ્રોઝન ફૂડને આરોગી શકે છે. મોટા ભાગની મહિલાઓને તેમના પરિવારને પૌષ્ટિક અને ગરમાગરમ ખોરાક પીરસવો ગમે છે. ડૉક્ટર્સ, ડાયટિશ્યન અને ન્યુટ્રિશન એક્સપર્ટ પણ ફ્રોઝન ફૂડ કે ગ્રેટેડ ફ્રોઝન ફૂડ ખાવાની સલાહ આપશે નહીં. મારા મતે જો સમયના અભાવે તમે ગ્રેટેડ ફ્રોઝન ફૂડને અપનાવી રહ્યા છો તો આવું નહીં કરો. મૉલ્સમાંથી જો ફ્રોઝન ફૂડ ખરીદવામાં આવે તો એમાં પ્રિઝર્વેટિવ્સ હશે અને ડૉક્ટર્સ પ્રિઝર્વેટિવ્સ હોય એવો ખોરાક ખાવાની પણ ના પાડે છે. તેથી ફળ-શાકભાજીને ખમણીને એને ફ્રીઝ કરવા કરતાં એને ફ્રેશ સમારીને ઉપયોગમાં લેવાં જોઈએ. જો ટાઇમ જ પ્રૉબ્લેમ હોય તો માર્કેટમાં સારી ગુણવત્તાનાં ચૉપર કે કટર જેવાં સાધનો મળે છે. એ બજેટ-ફ્રેન્ડ્લીની સાથે-સાથે ટાઇમ-સેવિંગ પણ છે.