સ્કૂલ જતાં બાળકો ઘણી જુદી-જુદી સમસ્યાથી પીડાતાં હોય છે જેમાંની એક સમસ્યા છે તેમનું પોશ્ચર
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આજનાં બાળકોને સ્કૂલમાં ૬-૭ કલાક બેઠા પછી ઘરે આવીને જ્યારે વાંચવાનું હોય ત્યારે બેસવાનો કંટાળો આવે છે. તેઓ બેસીને થાકી ગયાં હોય છે, પરંતુ ઘરે આવીને હોમવર્ક કરવું કે ભણવું જરૂરી બને ત્યારે તેઓ સોફા પર ટેકવીને કે પલંગ પર લાંબા થઈને કે તકિયો ખોળામાં રાખીને ભણતાં હોય છે. આ આદત યોગ્ય નથી. આજકાલ એવાં ઘણાં બાળકો છે જેઓ ઘરે આવીને જે કરતાં હોય એ સૂતાં-સૂતાં જ કરતાં હોય. ગેમ રમવાનું સૂતાં-સૂતાં, હોમવર્ક કરવાનું સૂતાં-સૂતાં, વાંચવાનું સૂતાં-સૂતાં.માતા-પિતાને મનમાં એવું હોય છે કે ભણે છેને એટલે બસ પછી એ સૂતાં-સૂતાં ભણે કે બેઠાં-બેઠાં, ચાલે. પરંતુ આ સૂતાં-સૂતાં કામ કરવાની ટેવ બાળકને કેટલી નડે છે એનો તેમને અંદાજ નથી હોતો.
સ્કૂલ જતાં બાળકો ઘણી જુદી-જુદી સમસ્યાથી પીડાતાં હોય છે જેમાંની એક સમસ્યા છે તેમનું પોશ્ચર. કેટલાંક બાળકો તમે જોયાં હશે જેઓ એકદમ ટટ્ટાર ચાલતાં કે બેસતાં હોય. ખૂબ ઓછાં. તકલીફ એ છે કે નાનપણથી માતા-પિતા આ બાબતે ઉદાસીનતા સેવે છે. પછી બાળકોને આદત પડી જાય છે વાંકા બેસવાની કે ખૂંધ કાઢીને બેસવાની. આ એ ઉંમર છે જ્યારે સ્નાયુઓ અને હાડકાં વિકાસ પામે છે. જો આ ઉંમરે બાળક ટટ્ટાર બેસતાં નહીં શીખે તો તેના સ્નાયુઓ અને હાડકાંનો વિકાસ તેમના ખોટા પોશ્ચરને માફક આવે એ જ રીતે થશે. એ નબળાં પણ રહી જાય, કારણ કે ખોટા પોશ્ચરને કારણે સ્નાયુઓ પર વધુ ભાર આવે છે. વળી, જ્યારે તમે ટટ્ટાર હો છો ત્યારે એ પોઝિશન સતર્ક રહેવા માટેની છે માટે મગજ એ સમયે સતર્ક બને છે એ સમજે છે કે મારે તૈયાર રહેવાનું છે. જ્યારે તમે સૂતા હો કે આરામથી બેઠા હો તો મગજ રિલૅક્સ પોઝિશનમાં હોય છે. આ માઇન્ડ અને બ્રેઇનની સતર્કતા પોશ્ચર સાથે જોડાયેલી છે. આમ પોશ્ચર સાચું હોય તો વાંચેલું યાદ રાખવામાં મદદ થાય છે.
ADVERTISEMENT
ઘણી વખત એવું પણ બને છે મુંબઈનાં ઘરોમાં જ્યાં ઘર નાનાં છે અને બાળક માટે પેરન્ટ્સ ટેબલ-ખુરસી લાવી નથી શકતા. આવાં બાળકો જમીન, સોફા, પલંગ પર બેસીને જ ભણતાં હોય છે. ઘણાં બાળકો બેઠાં-બેઠાં થાકી જાય છે એટલે ટેબલ-ચૅર હોવા છતાં એના પર બેસતાં નથી. જ્યાં સુધી ભણવાની વાત છે ત્યાં સુધી એ નક્કી છે કે બાળકને ટેબલ-ખુરસી પર જ ભણવાનું કહેવું. નાનપણથી જો બાળકો ટેબલ-ખુરસી પર બેસીને જ ભણતાં હશે તો એ આદત છેક સુધી જળવાશે.
- ડૉ. વિભૂતિ કાણકિયા