ઉંમરની સાથે લોહીની નળીઓ જે કડક બનતી જાય અને એને કારણે આપણે કહીએ કે હાર્ટ નબળું પડી રહ્યું છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
માણસની ઉંમર ગમે તે હોય, પરંતુ દિલ જવાન હોવું જોઈએ. આ પ્રકારનો ફિલ્મી ડાયલૉગ તમે ચોક્કસ સાંભળ્યો જ હશે. જોકે સામાન્ય રીતે આ ડાયલૉગ મોટી ઉંમર અને રોમૅન્સ વચ્ચેનો સંબંધ સૂચવે છે. હેલ્થની ભાષામાં પણ આ પ્રકારનો ડાયલૉગ સાર્થક ગણાય છે, જ્યારે તમે ૮૦ વર્ષના વૃદ્ધ માણસને મૅરથૉન દોડતા જુઓ ત્યારે લાગે કે ઉંમર તો છે વધારે પણ તેમનું હાર્ટ તેમણે આજે પણ જવાન રાખ્યું છે. આ જ વાત ત્યારે પણ મહેસૂસ થાય છે જ્યારે ૨૫-૩૦ વર્ષના જુવાનને અટૅક આવે છે ત્યારે લોકો અચંબા સાથે કહે છે કે આટલી નાની ઉંમરમાં આવી બીમારી? આમ આપણી અને હૃદયની ઉંમર જુદી-જુદી હોઈ શકે છે. આ વાત ભલે વિચિત્ર લાગતી, પરંતુ એ હકીકત છે. અને આજની પેઢી ભલે ગમે તેટલી યંગ દેખાતી પરંતુ તેમનું હૃદય વૃદ્ધ થતું જાય છે. એટલે જ પહેલાં જે વૃદ્ધોનો રોગ ગણાતો એ કૉરોનરી આર્ટરી ડિસીઝ આજના જુવાન લોકોનો ભોગ લઈ રહ્યો છે. આજે એ વૃદ્ધોનો રોગ નથી રહ્યો. આ રોગ કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે એટલું જ નહીં, દિવસે-દિવસે હાર્ટ ડિસીઝ થવાની ઉંમર જાણે કે ઓછી જ થતી ચાલી છે.
ઉંમરની સાથે લોહીની નળીઓ જે કડક બનતી જાય અને એને કારણે આપણે કહીએ કે હાર્ટ નબળું પડી રહ્યું છે અથવા તો હાર્ટની પણ ઉંમર થઈ રહી છે એને મેડિકલ ભાષામાં વૅસ્ક્યુલર એજિંગ કહે છે. પરંતુ જ્યારે ઉંમર કરતાં પહેલાં જ હાર્ટની નળીઓ કડક થવા લાગે જેને લીધે લોહીનો પ્રવાહ અસરગ્રસ્ત થાય તો એને મેડિકલ ટર્મમાં અર્લી વૅસ્ક્યુલર એજિંગ કહે છે. સમજવા જેવી બાબત એ છે કે એજિંગ એક પ્રોસેસ છે, જેને ધીમી પાડવી કે જલદી કરવી એનું નિયંત્રણ ઘણુંખરું આપણા હાથમાં પણ છે. કોઈ વ્યક્તિ ૭૦-૮૦ વર્ષે પણ દોડી શકે છે અને કોઈ ૩૦ વર્ષે પણ હાંફી જાય છે. તમે તમારા હાર્ટને કેટલું ટ્રેઇન કર્યું છે એ બધું જ એના પર નિર્ભર કરે છે. કોઈ વ્યક્તિ આખી જિંદગી ફિટ રહી હોય, એક્સરસાઇઝ કે યોગ દ્વારા તેણે તેના હાર્ટને મજબૂત બનાવ્યું હોય તો તે વૃદ્ધ પણ થાય તો તેનું હાર્ટ વૃદ્ધ થતું નથી. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હાર્ટને જોઈતી કસરત ન આપે, એને જરૂરી એવી કાળજી પણ રાખે નહીં તો ચોક્કસ તેની પોતાની ઉંમર નાની છે પરંતુ હાર્ટ જલદી વૃદ્ધ બની જવાનું છે. આમ તમારા દિલને જવાન રાખવાની જવાબદારી તમારી પોતાની છે, જે એટલું અઘરું કામ પણ નથી.
ADVERTISEMENT
- ડૉ. લેખા પાઠક